ગમ–પ૧ : આત્મસત્તારૂપે રહે તેના લક્ષણનું

પ્રતિપાદિત વિષયઃ

આત્મસત્તારૂપે રહેનારાનાં લક્ષણો.

મુખ્ય મુદ્દાઃ

૧.ભગવાન તથા સત્પુરુષોએ બાંધેલી મર્યાદા પ્રમાણે રહે છે તે જ આત્મસત્તા રૂપે રહ્યો છે.

ર.મર્યાદાથી ન્યૂન અથવા અધિક વર્તનારો દુઃખી થાય છે.

વિવેચન :–

આ વચનામૃતમાં મહારાજે પ્રશ્ન પૂછયો છે કે સુષુપ્તિમાં જવા છતા કયારેક સુખ થાય છે ને ઉદ્વેગ મટી જાય છે ને કયારેક ઉદ્વેગ મટતો નથી તેનું કારણ શું છે ? તેનો ઉત્તર પણ મહારાજે જ કર્યો કે તેનું કારણ રજોગુણ છે. સુષુપ્તિમાં પણ રજોગુણનું બળ વધી જાય છે. માટે સુષુપ્તિમાં પણ વિક્ષેપ રહે છે. માટે જ્યાં સુધી ગુણનો સંબંધ રહે છે ત્યાં સુધી કોઈ જીવ સુખિયો રહે નહીં. જ્યારે આત્મસત્તારૂપે રહે ત્યારે જ સુખી રહે છે.

ત્યારે મુકતાનંદ સ્વામીએ પૂછયું કે : હે મહારાજ આત્મસત્તારૂપે રહેતો હોય તેના શાં લક્ષણ છે ? ત્યારે મહારાજે ઉત્તરની શરૂઆત કરી કે પોતપોતાના ધર્મ પ્રમાણે રહે–મોટા પુરુષની બાંધેલી મર્યાદામાં રહે તે જ સુખી થાય છે. તેથી ઓછું વર્તે તો પણ સુખ ન થાય અને અધિક વર્તે તો પણ સુખ ન થાય. માટે સત્પુરુષની આજ્ઞાને વિષે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે રહ્યો કહેવાય અને તે જ સુખી રહે છે. તેને જાગૃતમાં કે સુષુપ્તિમાં વિક્ષેપ નડતો નથી.

અહીં એક શંકા થાય છે કે શાસ્ત્ર કે સત્‌પુરુષની બાંધેલી મર્યાદા કરતાં ઓછું વર્તે તો સુખી ન થાય એ વાત સાચી. કારણ કે ઓછું વર્તવું એ ખામીની નિશાની છે. જો અધુરાઈ હોય તો તે દુઃખદાયી કે અશાંતિનું કારણ બને છે, પરંતુ વચનામૃતમાં કહ્યું કે અધિક વર્તે તો પણ સુખી ન થાય એમ શા માટે ? ખરેખર અધિક વર્તનારો ઉલ્ટો વધુ સુખિયો થવો જોઈએ. તેને અસુખ કે અશાંતિ કે વિક્ષેપ કેમ થાય ? જેમ કોઈની પાસે જરૂરિયાત કરતાં ઓછું ધન હોય તેને અગવડતા જરૂર રહે. જેની પાસે જરૂરિયાત પૂરતું ધન હોય તો તેને અગવડતા રહે નહીં; પરંતુ જરૂરિયાત કરતાં પણ વધારે ધન છે તેને અગવડતા કેવી રીતે હોઈ શકે ! જરૂરિયાત કરતાં વધુ કમાવવું એ શું ગુનો છે ? તેમ મર્યાદા પ્રમાણે તો વર્તે છે પણ તેથી અધિક વર્તે છે એ શું ગુનો કહેવાય ? એમ શા માટે ?

તેનું સમાધાન એ છે કે અધિક વર્તવા છતાં દુઃખ થાય છે. તે અધિક વર્તવાનો દંડ નથી; પરંતુ તેનું ધ્યેય બદલી જવાનો દંડ છે. જે ઓછો વર્તે છે તે નિશાન પાડવામાં કમજોર છે માટે તેને દુઃખ વ્યાજબી છે. જે બરાબર મર્યાદામાં વર્તે છે તેનું ધ્યેય મહારાજ અથવા સત્પુરુષ છે. માટે તેને યથાર્થ પ્રાપ્તિ થાય છે.

જે શાસ્ત્ર કે સત્‌પુરુષની મર્યાદાથી અધિક વર્તે છે તેમા થોડા સૂક્ષ્મ સંશોધનની જરૂર છે કે તે શા માટે અધિક વર્તે છે ? મર્યાદા પ્રમાણે યથાર્થ વર્તનથી મહારાજ અને મોટા પુરુષો મળે છે; રાજી થાય છે અને તેનું સુખ પણ આવે છે. તો પછી અધિક વર્તવાનું શું પ્રયોજન હોઈ શકે ? વિચાર કરતાં જરૂર જણાશે કે તેમના અધિક વર્તન પાછળ કાં તો સમાજમાં પ્રસિદ્ધિ અથવા સૌથી સરસ થવા માટે પોતાના અહંકારનું પોષણ છે. અધિક પુરુષાર્થ કરવા પાછળ તેને ભગવાન કે સંતને રાજી કરવાનું ધ્યેય નથી. કોઈપણ વાતમાં જ્યારે અતિશય થાય ત્યારે જ સમાજમાં પ્રસિદ્ધિ મળે છે અથવા પોતાના અહંકારને તૃપ્તિ અને આશ્વાસન મળે છે. સામાન્યમાં આ બન્ને મળતા નથી. માટે શાસ્ત્ર કે સત્‌પુરુષની મર્યાદાથી અધિક પુરુષાર્થ પાછળ તેનું ધ્યેય બદલાઈ ગયું છે. તેથી તેનું ફળ બદલાઈ જાય છે. માટે મહારાજ કહે કે દુઃખી થાય છે. મર્યાદામાં રહે છે તે જ સુખી થાય છે.

વળી, જે મર્યાદા પ્રમાણે રહ્યો છે તે જ રૂડા દેશકાળમાં પણ રહ્યો છે. અને જે મર્યાદામાં નથી રહ્યો તે રૂડા દેશકાળમાં પણ નથી રહ્યો. પછી ભલે અધિક કરતો હોય. વળી, આ વચનામૃતમાં એકલી શાસ્ત્રની મર્યાદા એવું નથી કહ્યું. મોટા પુરુષ, સત્‌પુરુષ, ભગવાને બાંધેલી મર્યાદા અને શાસ્ત્રે બાંધેલી મર્યાદા એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. માટે તેનો પણ યોગ્ય વિચાર કરવા જેવો છે.