પ્રતિપાદિત વિષયઃ
મહારાજના અંતરનું રહસ્ય.
મુખ્ય મુદ્દો :
૧.અક્ષરધામના સાધર્મ્યનો, ભગવાન ને ભક્તમાં પ્રીતિનો, તથા વિધ્નો સામે લડી લેવાનો મહારાજને વેગ ચડી ગયો છે તે તેમના કાર્યનું રહસ્ય છે.
વિવેચન :–
આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે આજ તો અમારુ જે રહસ્ય છે તે તમને સર્વને અમારા જાણીને કહીએ છીએ. જેમ નદીઓ સમુદ્રને વિષે લીન થાય છે અને જેમ સતી ને પતંગ તે અગ્નિને વિષે બળી જાય છે અને જેમ શૂરો રણને વિષે ટુક ટુક થઈ જાય છે. તેમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મસ્વરૂપ તેને વિષે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. તેજોમય એવુ જે અક્ષરધામ તેને વિષે મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવું અમારે અખંડ વર્તે છે.
આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે તમને સર્વને અમારા જાણીને અમારુ જે રહસ્ય છે તે કહીએ છીએ. રહસ્ય શબ્દ છે તે સાપેક્ષ છે. તે વિષયની અપેક્ષા રાખે છે. જો કે મહારાજ પોતાનો નિર્દેશ કરીને કહે તો છે કે અમારુ રહસ્ય. છતાં પણ મહારાજના વ્યક્તિત્વમાં કયા વિષયનું કે કયા ભાગનું રહસ્ય ? એવી જિજ્ઞાસા કે ઈંતેજારી ઊભી કરે છે. માટે મહારાજે અહીં પોતાનુ રહસ્ય કહ્યું તો પોતાના જીવન–વ્યક્તિત્વના કયા ભાગનું રહસ્ય કહ્યું છે ? તો વિશેષ કરીને મહારાજનો જે વૈરાગ્ય, મહારાજની જે નિર્બંધતા અને પોતે કરેલ આ લોકમાં કાર્યનો મહિમા, ભવ્યતા કે વિલક્ષણતા છે તેનું રહસ્ય છે. એટલે તો મહારાજ વચનામૃતમાં આગળ ચર્ચા કરતાં કહે છે કે અમારા હૃદયમાં અતિ વૈરાગ્ય વર્તે છે તો પણ અમે ઉપરથી ત્યાગનો અતિશય ફૂંફાડો જણાવતા નથી પણ અમારો વૈરાગ્ય સર્વાતિશાયી છે. તે જ્યારે અમે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યયોગી બાઈઓ એમને સર્વેને મોટો વૈરાગ્ય છે તો પણ જગતની કોરનો લોચો જણાય ખરો પણ અમારા અંતરને વિષે તો કયારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી.
ભગવાન ને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી એમ જણાય છે. તેનું રહસ્ય શું છે ? તો અમારા અંતરમાં એક વેગ વર્તે છે. તેને લઈને એક ઝનૂન પેદા થાય છે. જેમ કોઈ અતિ સ્વાર્થી મનુષ્ય હોય તેને સ્વાર્થમાં ઝગડો જલ્દી થઈ જાય છે અને એ જ જો આગળ વધે તો ઝનૂનનું સ્વરૂપ ધારણ કરી લે છે. જેમ ધર્મનું ઝનૂન હોય છે તેમ ધ્યેયનું પણ ઝનૂન હોઈ શકે છે.
અહીં મહારાજ પોતાના હૃદયના વેગની અને પોતાના લક્ષ્ય પ્રત્યેના ઝનૂનની વાત કરતાં કહે છે કે જેમ નદીઓ સમુદ્રમાં લીન થઈ જાય છે. તેમ ઝનૂન ખાતર માણસ પોતાનું સર્વસ્વ હોમી દે છે, સર્વસ્વ મિટાવી દે છે. વળી જેમ સતી ને પતંગ અગ્નિને વિષે બળી મરે છે. ઝનૂન એવું છે કે ગમે તેટલા વિનાશ વહોરીને પણ ધ્યેયના સમીપમાં પહોંચે છે તથા શૂરવીર જે રણમાં ટુક ટુક થઈ જાય છે. ઝનૂનથી પોતાના સ્વામીની ખુશી માટે, ધ્યેયની પ્રસન્નતા માટે પણ સર્વસ્વ છોડીને પોતાના પણ ટુકડે ટુકડા કરવા હરખાય છે.
મહારાજ કહે, અમારા હૃદયમાં પણ આવો ત્રણ પ્રકારનો વેગ અને ઝનૂન સદાને માટે પ્રદીપ્ત રહે છે. તેમા એક તો એકરસ પરિપૂર્ણ એવું જે તેજ તેને વિષે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. એટલે કે તે અક્ષરધામના સાધર્મ્યપણાનો વેગ લગાડી દીધો છે. જેમ કોઈ બે વચ્ચે હરિફાઈ હોય અને તેનો બરાબર વેગ લાગ્યો હોય તો દરેક હરીફના મનમાં એવું ઝનૂન હોય કે હું શા માટે તેનાથી જરાય કમ રહું ! જરા પણ કમ પરિણામ સ્વીકારવા તૈયાર ન થાય. તે સદ્.નિષ્કુળાનંદ સ્વામીએ સા.સિ.ક.ર૦મા કહ્યું છે કે…
જેને મરવાનું હોય મનમાં તે માગજો બૃહદ વૈરાગ્ય
તે અક્ષરથી આણીકોરે રેવા ન દિયે જાગ્ય…..
તે અમારા અંતરમાં અક્ષરબ્રહ્મની એકતાનો વેગ છે. તેનાથી ઓછી પ્રાપ્તિ કે સામર્થી અમને માન્ય નથી. એવી જ અમને જોઈએ છે. અમારા આત્માને એના સ્વરૂપમાં લીન કરી રાખ્યો છે.
બીજો વેગ એ લાગી રહ્યો છે કે એવું જે અક્ષરબ્રહ્મ તેને વિષે મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે. પ્રીતિ અને વૈરાગ્યના વધારામાં મોટે ભાગે છલાંગ હોય છે. તેનો સ્વભાવ જ એવો છે કે તેને ધીરે ધીરે ચાલવું ફાવતું નથી. લૌકિક રીતે પણ કોઈ યુવાન યુવતીને પ્રીતિ થઈ ગઈ હોય તો તેઓ સમગ્ર હોમાઈ જાય તો પણ પાછા ન વળે. વૈરાગીનું પણ તેવું જ હોય છે. જો ખરેખર જ ચટકી લાગી હોય તો પાછો વાળવો અશકય છે. તેમા બંનેમાં વેગ હોય છે.
જ્યારે ધર્મ અને જ્ઞાન અચાનક સવાર થઈ શકતા નથી. તે શાસ્ત્રમાં લખ્યું કે ‘શનૈઃ શનૈઃ સઞ્ચિનુયાત્’ અને ‘કરત કરત અભ્યાસ કે જડ મતિ હોત સુજાન’ એમ એ બંને ધીરે ધીરે ગતિ કરે. પેલા બેની જેમ છલાંગ મારવાનો તેનો સ્વભાવ નથી. તેમા દૃઢતા જરૂર હોય પણ વેગ ઓછો જોવામાં આવે છે. મહારાજ કહે, અમે પ્રીતિ જોડી રાખી છે. ભગવાન અને ભગવાનના ભક્ત સાથેની પ્રીતિનો વેગ ચડાવી રાખ્યો છે.
મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે અમારો વિચાર થોડો જ છે પણ તેમા આડું આવે તો તેનું માથું ઊડી જાય તેવો બળવાન વિચાર છે. તેમા ભગવાન ને ભગવાનના ભક્ત વિના બીજું કોઈ ટકી શકતું નથી.
ત્રીજો વેગ એવો છે કે આવી અમારી ભક્તિ છે તેમાંથી પાડવા અમને કોઈ સમર્થ નથી. વિધ્નો સામે લડી લેવા અમે કેસરિયા કર્યા છે. મહારાજ કહે કે આજ સુધી કાળ આ જીવનો નાશ નથી કરી શકયો, કર્મ બાંધી નથી શકયા અને માયા લીન કરી શકી નથી. તો હવે તો ભગવાન મળ્યા માટે તેનો શો ભાર છે ? એમ હિંમત બાંધી છે. લડી લેવાનો નિર્ણય કરી નાખ્યો છે. આવો વેગ હૃદયમાં બંધાઈ ગયો છે તેણે કરીને સર્વાતિશાયી વૈરાગ્ય વર્તે છે ને શક્તિનું એક જોમ પ્રગટ થયું છે અને નિર્બંધ સ્થિતિમાં સારી રીતે વર્તાય છે. તેનું રહસ્ય અમારા અંતરનો ઉપર જણાવ્યો એ જ વેગ છે.
મહારાજે વચ. ગ. અ.૩૯મા આત્મા પરમાત્માનો વેગ લગાડી દેવા કહ્યું છે. મહારાજ કહે અમારે સ્ત્રી ધનનો ભારે યોગ છે તથા પંચવિષય તથા માનનો ભારે યોગ છે તો પણ પેલો વેગ ચડેલો હોવાથી કોઈ જગ્યાએ બંધાઈ જવાતું નથી ને પૂર્વદેહની જેમ જગતમાં પદાર્થોની વિસ્મૃતિ રહે છે. બીજો કોઈ પણ જે અમારી જેમ કરે તો તેને નિર્બંધ રહેવાય. મહારાજ તો ત્યાં સુધી કહે છે કે અમારી જે સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી અને અમારા જેવો અંતરનો દૃઢાવ હોય તે સાથે જ અમારે બને છે. જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તો પણ થાય નહીં. માટે નિર્વાસનિક ભક્તો અમને વહાલા છે. એ અમારા અંતરનું રહસ્ય છે. એવી રીતે ભક્તોને શીખવવા મહારાજે પોતાનો દાખલો લઈને વાત કરી. પોતે તો સ્વયં ભગવાન છે.