પ્રતિપાદિત વિષયઃ
ગૃહસ્થ તથા ત્યાગીને હિતકારી પરિસ્થિતિ.
મુખ્ય મુદ્દાઃ
૧.ત્યાગીને તથા ગૃહસ્થને હિતકારી અલગ અલગ પરીસ્થિતિ હોય છે, સરખી નહિ.
ર.ભક્તિભાવથી અને ઈર્ષ્યાથી રહિત થઈને જે સેવા કરે તે મહારાજને ગમે છે
વિવેચન :–
આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે આ સંસારને વિષે ગૃહસ્થાશ્રમી અને ત્યાગી એ બેના માર્ગ જુદા જુદા છે. તે જે ગૃહસ્થને શોભારૂપ હોય તે ત્યાગીને દૂષણરૂપ હોય અને જે ત્યાગીને શોભારૂપ હોય તે ગૃહસ્થને દૂષણરૂપ હોય. તેને બુદ્ધિમાન હોય તે જાણે પણ બીજો જાણી શકે નહીં. માટે તેની વિક્તિ કહીએ છીએ. જે ગૃહસ્થાશ્રમી છે તેને ધન, દોલત, હાથી, ઘોડા, ગાય, ભેંસ, મેડી, હવેલી, સ્ત્રી, છોકરાં, ભારે ભારે વસ્ત્ર આભૂષણ એ સર્વે પદાર્થ શોભારૂપ છે અને એ જ સર્વે પદાર્થ તે જે ત્યાગી હોય તેને દોષરૂપ છે. ત્યાગી છે તેને વનમા રહેવું, વસ્ત્ર વિના ઉધાડું રહેવું, એક કૌપીનભર રહેવું, માથામાં ટોપી ઘાલવી, દાઢીમૂછ મુંડાવવી, ભગવાં વસ્ત્ર રાખવાં અને કોઈ ગાળો દે કે કોઈ ધૂળ નાખે તે અપમાનને સહન કરવું. એ જ ત્યાગીને પરમ શોભારૂપ છે. એ ત્યાગીની જે શોભા તે જ ગૃહસ્થને પરમ દોષરૂપ છે.
હિંદુ સંસ્કૃતિ પ્રમાણે આપણો સમાજ ચાર વર્ણ અને ચાર આશ્રમમાં વહેંચાયેલો છે. તેમા પણ વર્ણ વ્યવસ્થા છે તે સંપૂર્ણ પરમાત્માની ઈચ્છાથી છે. એટલે કે કયા વર્ણમાં જન્મ લેવો તે આપણા હાથમાં નથી. તે આપણા પૂર્વકર્માનુસારે ભગવાન વ્યવસ્થા કરે છે. તે ગીતામાં ભગવાનને કહ્યું છે કે ‘ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશઃ ।’ તેમા આપણી ઈચ્છાને બિલકુલ પ્રાધાન્ય નથી. જ્યારે ચાર આશ્રમ જે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ ને સંન્યાસ.(ત્યાગાશ્રમ) તેની વ્યવસ્થા સંપૂર્ણ વ્યક્તિની ઉપર નિર્ભર રહે છે. વર્ણ પ્રાપ્તિમાં મુખ્ય સમાજ વ્યવસ્થા અને સમષ્ટિનું કલ્યાણ થાય એવો ભગવાનનો હેતુ છે. ચારે વર્ણ ઉમંગથી પોતાની ફરજ–ધર્મ બજાવે તો સમાજની સુવ્યવસ્થા જળવાઈ રહે અને સર્વેનું શ્રેય થાય. જ્યારે આશ્રમ પસંદગીમાં વ્યક્તિની ઈચ્છા પ્રાધાન્ય છે. તે પણ તેમા કલ્યાણ પ્રાપ્તિ માટે તીવ્ર ઈચ્છા કેટલા પ્રમાણમાં છે તેને અનુસારે પસદ થાય છે. આશ્રમ વ્યવસ્થા કેવળ કલ્યાણની વિચારધારા કે લાગણીની પ્રધાનતા આપીને ગોઠવવામાં આવી છે; પરંતુ તે બંને છે તે કલ્યાણને ધ્યાનમાં રાખીને ગોઠવાયેલી છે. તેમા જે આશ્રમ વ્યવસ્થા છે તેમાં હૃદયમાં જગત પ્રત્યનો જે બદ્ધભાવ–આસક્તિ તે વધારે મહત્ત્વ ભજવે છે. જુદી જુદી ઊંચ–નીચ સ્થિતિને આધારે કોને કયો આશ્રમ લેવો તેની સલાહ શાસ્ત્રો આપે છે પણ બધે તે પ્રમાણે જ થતું નથી હોતું. માટે ગડબડ ઊભી થાય છે. બધાજ આશ્રમોનું ધ્યેય મોક્ષગતિ છે. પણ બાહ્ય પરિસ્થિતિ જુદી જુદી છે. તે બાહ્ય પરિસ્થિતિ તેના હૃદયમાં જે મોક્ષેચ્છા છે તેને મદદરૂપ થવી જોઈએ. તો આશ્રમ અને આશ્રમનો હેતુ સફળ થાય છે.
એ પરિસ્થિતિ આપણે વિરુદ્ધની ઊભી કરીએ તો સફળ ન થાય એ સહજ છે. તેથી મહારાજ અહીં કહે છે કે ત્યાગી અને ગૃહસ્થ બંનેને અલગ અલગ પરિસ્થિતિ શોભા રૂપ છે. બંનેનું ધ્યેય એક જ મોક્ષ પામવું, મહારાજ પાસે પહોંચીને સેવામાં રહેવું તે છે પણ પરિસ્થિતિ અલગ–અલગ છે. કઈ પરિસ્થિતિ કોને તે માર્ગમાં મદદરૂપ થાય અને કોને મદદરૂપ ન થાય તે મહારાજ કહે છે. મહારાજ કહે કે ગૃહસ્થને ધન–દોલત, મબલક આવકવાળો બિઝનેસ, હાથી–ઘોડા (કિંમતી મોટર ગાડીઓ) ગાય, ભેંસ, ફ્રીજ, એ.સી, બંગલો, સ્ત્રી, છોકરાં ને રાસરચીલું તે શોભારૂપ છે. તે શાસ્ત્રમાં કહ્યું છે કે…
દ્વાવિમૌ ન વિરજ્યેતે વિપરીતેન કર્મણા ।
નિરારમ્ભો ગૃહસ્થશ્ચ કાર્યવાન્ચૈવ ભિક્ષુકઃ ।।
નિરારંભો ગૃહસ્થ એટલે કે ઉદ્યમ રહિત–આવક રહિત ગૃહસ્થ અને કાર્યવાન ભિક્ષુક–બિઝનેસમેન ત્યાગી–કોમર્શીયલ આવક ઊભી કરનાર ત્યાગી આ બે શોભતા નથી. ગૃહસ્થાશ્રમીની શોભા તીવ્ર સાધનાથી નથી; તેનું શ્રેય આશ્રિત વર્ગનું યોગ્ય પોષણ કરવાથી છે. તેને અનુસંધાને તેને પંચયજ્ઞો કરવાના કહ્યા છે અને શુદ્ધ આશયથી આવી કઠિન જવાબદારીઓ નિભાવવાથી તેના હૃદયમાં વૈરાગ્ય થાય છે. જો તે નિરૂદ્યમી બની જાય તો જવાબદારી નિભાવવામા નાદાર બની જશે. પછી તેના હૃદયમાં મોક્ષના અંકુર નાશ થઈ જશે. માટે તેને આવકનું સાધન હોવું આશ્રમાનુસાર જરૂરી છે અને તેનો યોગ્ય વિનિયોગ થાય તો તેની શોભારૂપ બને છે. અહીં શોભારૂપ એટલે કે તેને હિતકારી બને છે.
જ્યારે ત્યાગીને બીજી પરિસ્થિતિ પોતાના માર્ગમાં મદદરૂપ થાય છે. વનમાં રહેવું, વસ્ત્ર વિના ઉઘાડું એક કૌપીનભર રહેવું એટલે કે અગવડતામાં રહેવું તે તેના માર્ગમાં હિતકારી અને જગત હૃદયમાંથી કાઢવામાં મદદરૂપ બને છે. જો પોતાનો શુદ્ધ આશય હોય તો. વળી માથામાં ટોપી ઘાલવી, દાઢીમૂછ મુંડાવવા, ભગવાં વસ્ત્ર ધારવાં એ માન મોભાથી વિરુદ્ધ છે. રાજસ વેશ હૃદયમાં જગતભાવનાને ઉશ્કેરે છે. સાધુને તે પોતાની સાધનામાં મદદરૂપ નથી. ઉલ્ટું વિધ્નરૂપ છે. વિપરીતતા મોક્ષ માર્ગમાં હિતકારી નથી બનતી ઉલ્ટી વિધ્નરૂપ બને છે. માટે મહારાજ કહે છે કે ત્યાગીને જે શોભારૂપ છે એટલે કે હિતકારી ને મદદરૂપ છે તે જ ગૃહસ્થને વિધ્નરૂપ છે. ત્યાગીની શોભા પોતાની શોભા માની લેશે તો ગૃહસ્થ પોતાની ફરજ નહીં બજાવી શકે. તેવી જ રીતે ત્યાગી જો ગૃહસ્થને મદદરૂપ થનારી પરિસ્થિતિ અપનાવી લેશે તો તેમા વિકૃતિ ઊભી કરશે પણ તેના માર્ગમાં મદદરૂપ નહીં બને.
માટે મહારાજે છેલ્લે ત્યાગીને ખાસ કહ્યુ કે સંસાર તજીને જે ત્યાગી થયા છે તેને એમ વિચારવું જે હું કયા આશ્રમમાં રહ્યો છું. તેમ બુદ્ધિમાન હોય તેણે વિચાર કરવો પણ મૂર્ખની પેઠે બીજાનું જોઈને ચાળે ચડી જવું નહીં. તો તે સમજુ ગણાય. જે સમજુ હોય તેણે કોઈ વઢીને કહે તો પણ સામો ગુણ લેવો. પણ મૂંઝાઈ જવું નહીં. મૂર્ખ હોય તેને કોઈ હિતની વાત કહે તો મૂંઝાઈ જાય. પોતાની રુચિ પ્રમાણે સાંભળવાની મજા આવે પણ પોતાના હિતમાં મજા ન આવે તે મૂર્ખતા છે. પોતાને રુચિકર અને હિતકર તો ભાગ્યે જ પ્રાપ્ત થાય છે ‘હિતં મનોહારિ ચ દુર્લભં વચ’ પણ હિતને પ્રાધાન્ય આપવું એ ડહાપણ અને વિવેક છે. રુચિને વશ થઈ જવું એ મૂર્ખતા અને અધોગતિ છે. મહારાજ કહે આ મુકુંદ બ્રહ્મચારી તથા રતનજી તેને મૂંઝવણ થતી નથી. તેને હિત, વિવેક સદા જાગૃત રહે છે તો અમારે તેની સાથે ઘણું બને છે.
વળી મહારાજ કહે છે કે શ્રદ્ધાએ સહિત જે અમારી સેવા કરે છે તે અમને ગમે છે. શ્રદ્ધા વિના તો જમ્યાનું, વસ્ત્ર કે પૂજા જે કાંઈ લાવે તે અમને ગમતું નથી. આમ મહારાજ તો પૂર્ણકામ છે. પૂર્ણકામ તો ભાવનાથી રીઝે છે. તેને વસ્તુની કમી નથી. વસ્તુ એટલું જ કામ કરે છે કે આપણી શ્રદ્ધા અને ભાવનાનું પાત્ર બને છે. માધ્યમ બને છે. એટલે તેને આધારે મોટે ભાગે તે પણ મપાઈ જાય છે.
વળી મહારાજ કહે શ્રદ્ધાથી સેવા કરતો હોય અને બીજો ભક્ત અમારી સેવા કરવા આવે તો તેની સાથે ઈર્ષ્યા કરે તો તે ન ગમે. સૌ ભક્તોના મનમાં એવી ભાવના હોય કે અમારી ભક્તિ મહારાજ સ્વીકારે અને એવી પણ ભાવના હોય કે સૌથી પ્રથમ સ્વીકારે તો વધારે આનંદ થાય. તેને માટે ભાવનાત્મક હરિફાઈ થાય તે જરૂરી છે. શ્રદ્ધા અને હરિફાઈ સિવાય માર્ગમાં જલ્દી આગળ વધાતું નથી પણ હરિફાઈમાં પણ સ્નિગ્ધ ભાવના જોઈએ. ઈર્ષ્યામાં ચાલ્યું જવાય તો મોક્ષમાર્ગમાં નુકસાન થાય છે. માટે મહારાજ કહે છે કે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષ્યાએ રહિત જે ભક્તિ કરે છે તે અમને ગમે છે.