પ્રતિપાદિત વિષયઃ
ભક્તના અંગની શુદ્ધિ– અશુદ્ધિ.
મુખ્ય મુદ્દા
૧.પોતાના હૃદયમાં પોતાની આત્મશુદ્ધિ નિત્ય તપાસવી.
ર.મરણ આવ્યા પહેલાં મરણ પરિસ્થિતિનો વિચાર કરવો.
વિવેચન :–
આ વચનામૃત શુદ્ધિની પ્રક્રિયાનું છે. જૂના સંતો સોનીની પેઢીનું વચનામૃત કહે છે. સોનીની પેઢીમાં મહારાજ કહે છે કે શુદ્ધિ અને અશુરુિદ્ધ બંને પ્રક્રિયા ચાલુ હોય છે. જો જરાક ધ્યાન ન રાખે તો તેની સામે જ સોની અશુદ્ધિ ભેળવી દે છે. તેથી તો સંસ્કૃત સાહિત્યમાં સોનીને ‘પશ્યતો હરઃ’ નજર સામે ચોરનાર કહીને તેની મજાક કરે છે. સોનાની શુદ્ધિ પ્રક્રિયા પણ તેની પેઢીમાં જ શકય છે. તેમ મહારાજે હૃદયરૂપી સોનીની પેઢી કહી છે. માયારૂપી સોની તેમા કામ કરે છે. સંકલ્પ વિકલ્પરૂપી ટચ ટચ હથોડા ચાલુ છે. લુહારનો હથોડો ચાલે અને સોની જ્યારે સોનામાંથી વરખ બનાવે ત્યારે જે હથોડો ચાલે તેમા ખૂબ તફાવત હોય છે. સોનીનો હાથ બદલી જાય પણ હથોડાના ટચકામાં અંતર ન પડે. એટલે મહારાજ કહે, અખંડ ટચ ટચ ટચકાં મારે છે. તેમ અખંડ દેહભાવના સંકલ્પ થયા કરે છે. તેથી તો શાસ્ત્રમાં કહ્યું છે કે…
”હરન્તિ જ્ઞાન રત્નાનિ તસ્માત્જાગૃહિ જાગૃહિ ।”
આ વચનામૃતમાં પણ મહારાજ અખંડ જાગૃતિ રાખવા ભક્તોને બતાવે છે કે જો જરાક નજર ચૂકે તો તરત સોની સોનું કાઢી લે છે અને વજન બેલેન્સ રાખવા રૂપું કે ત્રાંબુ ભેળવી દે છે. તેમને આવું દરરોજ કરવાથી ‘માસ્ટરી’ આવી ગઈ હોય છે. તેમ સાધક ગમે તેટલી સાધના કરે કે કરી હોય પણ થોડી જ ગાફલાઈ સેવવામાં આવે તો તમામ ઉપર પાણી ફરી વળે છે.
પરાશર, સૌભરી, ભરતજી, નારદજી વગેરે મોટા મોટાના જીવનની શાસ્ત્રમાં કથાઓ બતાવે છે કે થોડી જ ગાફલાઈથી આખી જિંદગીની સાધનાઓ ઊંધી વળી ગઈ છે. તેથી સાધકે સાવધાન રહેવું જોઈએ. બીજાની ચોરી જલદી પકડાઈ જાય પણ સોનીની ચોરી પકડાય નહીં. શંકા જાય કે તેમણે ચોરી કરી છે, તો સાબિતી પણ સોની પાસે જ કરાવવા જવું પડે. તેથી આપણે શું કરી શકીએ ? તે કહી દે કે ચોરી નથી થયેલી, સોનું શુદ્ધ જ છે. તેમ ઈન્દ્રિયો અંતઃકરણ અશુદ્ધિ કરનારાં છે. તેની પાસે જ પાછું શુદ્ધિકરણ કરાવવું. માટે જાગૃતિ ઘણી રાખવી પડે તેમ છે.
મહારાજ પોતાના દ્વારા ભક્તોને કેમ વર્તવું તે બતાવે છે. મહારાજ કહે કે આજ જેવું અંગ હોય તેવું સત્સંગ થયા મોર પણ કાંઈક સારું અંગ હોય તેમા અમે પ્રથમ અમારું અંગ કહીએ છીએ. એટલે કે અમારા જીવનમાં શુદ્ધિકરણ પ્રક્રિયાનો અમે કેવી રીતે પ્રયોગ કરીએ છીએ તે કહીએ છીએ ને ભક્તોએ પણ તેમાંથી ઉપદેશ લઈને પોતાના જીવનમાં તે પ્રક્રિયા કરવી જોઈએ. મહારાજ કહે, અમારી બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવદર્શન, કથાશ્રવણ, સંતસમાગમ અને તીર્થયાત્રા એ બધું ખૂબ ગમતું. અમે જ્યારે ઘર ત્યાગ કરીને નીસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહીં. તપશ્ચર્યા ખૂબ ગમતી. વનમાં ફરતા ત્યારે બીક તો લેશ માત્ર લાગતી નહિ. શુદ્ધ આત્મવિચાર હૃદયમાં રહ્યા કરતો હોવાથી ભય, શોક, આ બધાને સ્થાન જ ન હતું. અહીં મહારાજે પોતાના જીવનની વાત કરીને શુદ્ધિકરણના સુંદર પગથિયાં બતાવ્યા છે.
મહારાજ કહે પ્રથમ દેવદર્શન, કથાશ્રવણ, સંતસમાગમ, તીર્થયાત્રા આ બધા ગુણાધાન સાથે જીવનની શુદ્ધિ કરનારી પ્રથમ ક્રિયાઓ છે. શાસ્ત્રમાં તેનો ત્યાગ ન કરવા કહ્યું છે અને ”પાવનાનિ મનિષીણામ્” એવું કહ્યું છે. મોટા સાધક હોય તો પણ તેમણે રાખવા. તેમને પણ પવિત્ર અને શુદ્ધ કરનાર છે. પછી મહારાજ કહે, અમે ઘેરથી નીસર્યા ત્યારે ખૂબજ તપશ્ચર્યા કરી. ત્યાગ પણ તીવ્ર હતો. જે વ્યક્તિના જીવનને વિશેષ શુદ્ધ કરનાર છે. તે પ્રારંભિક પગથિયું છે. ત્યાર પછી તો મહારાજ કહે, અમારા હૃદયમાં એવો વિચાર આવ્યો. તે અમે તે વિચારમાં નિર્ભય થઈને ફરતા. બીક તો લેશ માત્ર લાગતી નહીં. બીક જે છે તે દેહાદિભાવની અશુદ્ધિની જ છે. શુદ્ધ આત્મભાવમાં ભયને સ્થાન નથી રહેતું.
મહારાજ આત્મવિચારની પરાકાષ્ઠા બતાવતાં આગળ કહે છે કે પછી તો અમો રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સત સત્સંગનું રૂડું થવા કંઈક બીક રાખવા માંડી પણ અંતરમાં અખંડ એવો વિચાર રહે છે કે જેમ મનુષ્યને મરવા ટાણે પથારી ઉપર સુવાર્યો હોય ત્યારે તે મનુષ્યમાંથી સૌને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે. મરનારાને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે. તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે. મરણપથારી જ એવી છે કે માણસને વિચારમાં શુદ્ધિ અને વિવેક સ્પષ્ટ કરાવી દે છે. ત્યારે તેને આલોકની જરૂરિયાતો અને સંબંધો શૂન્ય થઈ જાય છે અને મૃત્યુ પછીની જરૂરિયાતો અને સંબંધોનું મહત્ત્વ દેખાય છે; પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
મહારાજ કહે કે અમને સદાય અંત અવસ્થા વિના પણ અંત અવસ્થાનો વિવેક પ્રજવલિત રહે છે. મોત નક્કી દેખાઈ ગયા પછી માણસને કોઈ લલચાવે કે ડરાવે તો ઝાઝો ફેર પડતો નથી. ફાંસીની સજા નક્કી થયા પછી સુખડી મીઠી ન લાગે. તેમ મરણ પથારીએ પડયા પછી ફાંસીની સુખડી જેવું બધું લાગવા માંડે છે. ત્યારે તેને માટે સારા–નરસા પદાર્થો રહ્યા હોતા નથી. કારણ કે સારા–નરસાપણાના સંબંધો ત્યારે પૂરા થઈ ગયા હોય છે. ત્યારે સવાલ એ ઊભો થતો હોય છે કે હવે મારે માટે આનો ઉપયોગ શું ? સારું હોય કે નરસું; પણ ઉપયોગ જ નથી તો મનથી વિચારવા પણ સમય ન રહે. એમ જ થાય કે હવે મારે શું ઉપયોગ થાય ! મરણ પછી ચાલે એવું તો કોઈ હોય નહીં. એટલે તેની કિંમત કાખના મુવાળા જેવી થઈ જાય. મુખ ઉપર તો શોભા કે અશોભાની ગણતરી થાય. કાખના મુવાળામાં તે પણ નથી. તેથી બિલકુલ મહત્ત્વહીન બની જાય છે. તેમ મરણપથારીએ સૂતેલ વ્યક્તિને આ સમગ્ર લોક મહત્ત્વહીન દેખાય છે.
મહારાજ કહે, અમને મરણ આવ્યા પહેલાં અત્યારથી જ મનમા આવો પ્રબળ વિવેક વર્તાય છે. જે કાંઈ સારું નરસું કહીએ છીએ તે ભક્તને સારું લગાડવા કહીએ છીએ. અમારી સર્વે ક્રિયા છે તે ભક્તને જ અર્થે છે પણ પોતાના અર્થે એકેય નથી. ભગવાનની ભક્તિ જાણીને જે જે ક્રિયા કરીએ છીએ તે તે થાય છે પણ તે વિના મન ઉદાસી રહે છે. જેમ કોઈ મોટા રાજા હોય તેને એક જ દીકરો હોય અને તે રાજા સાંઠ–સિત્તેર વર્ષનો થાય અને પછી તેનો દીકરો મરી જાય ત્યારે રાજાને એમ થઈ જાય કે મારી સમગ્ર જિંદગીની મહેનત નકામી ગઈ. જેને માટે મહેનત કરી હતી તે તો મરી ગયો. તેમ રાજાના દીકરાને ઠેકાણે અમારે ભગવાન ને તેના ભક્ત છે તેના ઉપયોગમા જિદંગી ન આવી તો રાજાની જેમ અમારુ મન કોઈ રીતે માનતું નથી, ઉદાસી રહે છે. મનમાં સદાય એમ રહે છે કે આપણે તો દેહ થકી પૃથક આત્મા છીએ, દેહ નથી. તો આ બધું કોને માટે અથવા કેટલું કામ આવશે ? આવો અખંડ વિચાર રહે છે. દેહભાવમાં કેટલી ક્રિયાઓ થાય છે ? રજ–તમના ભાગને તપાસતા રહીએ છીએ. જ્ઞાન વૈરાગ્ય જે સોનારૂપ સદ્ગુણોને તપાસતા રહીએ છીએ. માયારૂપી હૃદયમાં સોનીનો વિશ્વાસ જરા પણ નથી કરતા. આ વિચારમાં રાત્રિ દિવસ મંડયા છીએ એવું અમારે અંગ છે. ત્યારે સંતોએ હાથ જોડી કહ્યું, હે મહારાજ ! આપ તો કૈવલ્ય મૂર્તિ છો તમોએ જે કહ્યું તે તો અમારે કરવા યોગ્ય છે.