પ્રતિપાદિત વિષય :
૧. કયું સાધન કઠણમાં કઠણ છે.
ર. માયાનું સ્વરૂપ કેવું છે ?
૩. શરીર છોડયા પછી કેવા દેહની પ્રાપ્તિ થાય છે ?
૪. ભગવાનમાં દેહ અને દેહના સંબંધી જેવું હેત કરવું.
મુખ્ય મુદ્દા :
૧. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી.
ર. જે પદાર્થ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા આડું આવરણ કરે તે માયા.
૩. બ્રહ્મમય દેહને પામે છે.
૪. સત્સંગ કરવા છતાં એવું હેત કેમ થતું નથી ?
વિવેચન
આ વચનામૃતના પ્રથમ પ્રશ્નમાં ભગવાનમાં વૃત્તિ રાખવાની વાત અને તેનો મહિમા બતાવ્યો છે. કોઈ પણ સત્શાસ્ત્રનો એવો નિયમ છે કે તેમા શરૂઆતમાં મંગલાચરણ કર્યું હોય છે. જે મધ્યમાં અને અંતે પણ કરેલું હોય તેને સત્શાસ્ત્ર કહેવાય છે. આ નિયમ અનુસાર આ ગ્રંથની શરૂઆત કરતા સર્વ મંગળના પણ મંગળ સ્વરૂપ એવા પરમાત્માની મૂર્તિની વાતથી ગ્રંથની શરૂઆત કરી છે. મધ્યમા વચ.ગ.મ. ૧૩મા પણ ભગવાનની મૂર્તિનું નિરૂપણ કર્યું છે. જયારે અંત્યના છેલ્લા વચનામૃતમાં પણ આ જ વસ્તુનો મહિમા કહ્યો છે. તેથી ત્રણેય સ્થાનોમાં મંગલાચરણ થયેલું છે.
અહીં વિદ્વદ્પાઠકગણને એક પ્રશ્ન ઉદ્ભવે કે વચનામૃતની શરૂઆતમાં કઠણમાં કઠણ સાધનના મુદ્દાથી શરૂઆત કરી છે. ખરેખર ગ્રંથની શરૂઆતમાં તો સહેલામાં સહેલો વિષય ચર્ચવો જોઈએ. પછી થોડાક કઠિન અને છેલ્લે સૌથી વધારે કઠિન ભાગની ચર્ચા થાય તો એ સાધક માટે સાધનાક્રમને અનુરૂપ ગણાય. તો પછી શ્રીજી મહારાજે સૌથી પ્રથમ કઠણમાં કઠણ સાધનની ચર્ચા કેમ કરી હશે ?
તેનું સમાધાન કે એ છે કે શ્રીજી મહારાજે અહીં ગ્રંથનું ધ્યેય, નિર્દેશ કર્યું છે અને ધ્યેય તો સર્વ કરતા કઠિન હોય તો પણ કાર્યની પહેલાં અવશ્ય સ્પષ્ટ હોવું જોઈએ અને જો ધ્યેય સ્પષ્ટ હોય તો જ લક્ષ્ય સ્પષ્ટ બને, ગંતવ્યમાર્ગ કે ધ્યાનનો ખ્યાલ આવે. પછી ગમે તેવું કઠિન કાર્ય હોય તો પણ તે ધીરે ધીરે અવશ્ય સિદ્ધ કરી શકાય છે. જયારે ધ્યેય જ સ્પષ્ટ ન હોય તો ગમે તેટલી મહેનત કરે તો પણ અંતે તેમાંથી કોઈ ફળ મળતું નથી.
બીજી વાત એ છે કે જયારે ધ્યેય પસંદ કરવાનું હોય ત્યારે તે ધ્યેય શ્રેષ્ઠ જ પસંદ કરવું જોઈએ. જેનું લક્ષ્ય ટૂંકું છે, મર્યાદિત, સીમિત કે કનિષ્ઠ છે; તેની પ્રાપ્તિ પણ સીમિત કે કનિષ્ઠ જ રહેવાની. કહેવાય છે કે ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ નિશાન ચૂકી જવાય તો વધુ પ્રયાસ કરીને પણ નિશાન મેળવી શકાય છે; પણ નિશાન જ જો નીચું હોય તો તેને વધારે પ્રાપ્તિ થતી નથી. તેથી નિશાન ચૂકે તેમા ઝાઝી ખોટ જતી નથી પણ નીચું નિશાન રહેવાથી ખોટ કે હાનિ વધારે જાય છે. તેથી ગીતામાં પણ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે કે…
વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકેહ કુરુનંદન ।
બહુશાખા હ્યનન્તાશ્ચ બુદ્ધયોવ્યવસાયિનામ્।।(૨ : ૪૧)
લક્ષ્યની નિશ્ચિતતા એ વૈરાગ્યની ગેરહાજરીમાં વૈરાગ્યનું કામ કરી આપે છે. મહારાજે પણ સામસામી બે સેનાના વચ.ગ.મ.રરમાં કહ્યું છે કે રાજાના શૂરવીરને મરવાનો ભય ન હોય અને લૂંટવાનો લોભ ન હોય. તેને એક જ લગની લાગી રહે છે. જયારે કોઈ એક વસ્તુમાં લગની રહે ત્યારે તેને વૈરાગ્ય ન હોય તો પણ વૈરાગ્યની ખોટ જણાતી નથી. અર્જુનને કાંઈ વૈરાગ્ય ન હતો છતાં પણ ભગવાને તેને ગીતાનું જ્ઞાન આપ્યું છે અને કહ્યું છે કે ‘વ્યવસાયાત્મિકા બુદ્ધિ’ તું એક ધ્યેય નકકી કર. વૈરાગ્યની તારે જરૂર નહીં પડે. અને લોકમાં પણ એવું જ દેખાય છે ધ્યેય વિનાના માણસો જયાં ત્યાં માથા ભટકાવીને આડે માર્ગે દોડીને કૂતરાની જેમ થાકી જાય છે. માટે મોક્ષમાર્ગમાં પણ ધ્યેય હોવું જરૂરી છે. વળી તે ધ્યેય પણ ઊંચામાં :–
ઊંચું હોવું જોઈએ. જેવું આપણું ધ્યેય હોય તેને અનુસારે આપણો પુરુષાર્થ થાય છે. તેથી મહારાજે કઠણમાં કઠણ સાધનથી વચનામૃતની શરૂઆત કરી છે.
શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાથી બહુ મોટી પ્રાપ્તિ થાય છે. અને યોગશાસ્ત્રમાં પણ કહ્યુ છે કે, સર્વ સિદ્ધિઓ અંતઃકરણનો સંયમ કરવાથી જ ઉત્પન્ન થાય છે. જેમ પદાર્થેા સૂક્ષ્મ તેમ મોટી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્યારે ભગવાન તો સર્વ કરતા સૂક્ષ્માતિસૂક્ષ્મ પદાર્થ છે. ‘અણોરણીયાન્’ ભગવાન તો અણુ કરતાં પણ સૂક્ષ્મ છે. જયારે તેમા મનનો સંયમ કરવામાં આવે ત્યારે તેને કોઈ સિદ્ધિ દુર્લભ રહેતી નથી. તેથી જ તો મહારાજે મૂર્તિને ચિંતામણી તુલ્ય કહી છે ને તેની પ્રાપ્તિનું વર્ણન કર્યું છે. વળી મનનો નિગ્રહ કરવો એ ઘણો કઠણ છે. શ્રીકૃષ્ણ ભગવાનને ગીતામાં અર્જુને કહ્યું છે કે…
ચઞ્ચલં હિ મનઃ કૃષ્ણ પ્રમાથિ બલવદ્દૃઢમ્।
તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરમ્।। (૬ : ૩૪)
‘હે ભગવન્! મન અતિ ચંચળ અને પ્રમથન સ્વભાવવાળું છે તથા દૃઢ અને બળવાન છે માટે તેને વશ કરવું તે વાયુની જેમ અતિ દુષ્કર છે.’
મનને રોકવું મહાકઠણ છે. ગીતામાં ભગવાને મનને પ્રમાથી કહ્યુ છે. ‘પ્રમથ્નાતિ ઈતિ શીલમ્અસ્ય ઈતિ પ્રમાથિ’ એટલે કે મનનો નિગ્રહ કરવા જો જાય તો મન તેને છિન્ન ભિન્ન કરી નાખે છે અને રફે દફે કરી નાખે છે. તેની એક પણ મર્યાદા રહેવા દેતું નથી, માટે પ્રમાથી છે. ઘણાય આવા સ્વભાવવાળા હોય તો પણ જો શકિત ન હોય તો બકરાની જેમ ઘડીકમાં ઊભા થઈ રહે; પણ મનને તો ‘બલવત્’અને ‘દૃઢમ્’એવું વિશેષણ આપ્યું છે. આ જ મનને જો લક્ષ્ય નકકી કરી દેવામાં આવે તો પાર પહોંચાડી દે છે. ‘મનરેવ મનુષ્યાણાં કારણં બન્ધમોક્ષયોઃ’ મન એ જ બંધન અને મોક્ષનું કારણ છે. મન તો મોક્ષની ચાવી છે. તેને એક બાજુ ફેરવવાથી મોક્ષનો દરવાજો બંધ થઈ જાય છે અને એક બાજુ ખોલવાથી મોક્ષનો દરવાજો ખુલી જાય છે. માટે જો તેને ભગવાનના સ્વરૂપમાં રોકવામાં આવે તો ચિંતામણિ બની જાય છે. અભ્યાસ અને વૈરાગ્યથી તેનો નિરોધ કરી શકાય છે.
અસંશયં મહાબાહો મનો દુનિગ્રહં ચલમ્।
અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે ।।(૬ : ૩૫)
અભ્યાસવૈરાગ્યાભ્યાં તન્નિરોધઃ । (પા. યો. સમાધિપાદ : ૧૨)
અભ્યાસ અને વૈરાગ્યથી ચિત્તનો નિરોધ થાય છે.
અભ્યાસ એટલે શું ?
યતો યતો નિરતિ મનશ્ચઞ્ચલમસ્થિરમ્।
તતસ્તતો નિયમ્યૈતદાત્મન્યેવ વશં નયેત્।। (ગીતા . ૬ : ૨)
મન સ્થિર થયા પછી અખંડ સ્મૃતિ રહે છે અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
રામાનંદસ્વામી ધામમાં ગયા ત્યારે તેમના ચૌદમાને દિવસે શ્રીજી મહારાજે સ્વમુખે પોતાના ‘સ્વામિનારાયણ’ નામનો ઉદ્ઘોષ કર્યેા હતો. ત્યારે ઘણા ભકતોને મનમાં એમ સશય થયો હતો કે ‘સ્વામિનારાયણ’ એટલે શું ? અટલે કે સ્વામિનારાયણ નામનો અર્થ શું થાય ? અને ‘સ્વામિનારાયણ’ એ કોણ ? અર્થાત્ સ્વામિનારાયણ એ કોણ વ્યકિત છે ? તેવી જ રીતે અહીં પણ માયાના સંબંધમાં બે પ્રશ્ન પૂછી શકાય.
૧. માયા એટલે શું ?
ર. માયા એટલે કોણ ?
ત્યારે પ્રથમ પ્રશ્નના જવાબમાં તો ‘માયાં તુ પ્રકૃતિં વિદ્યાત્માયિનં તુ મહેશ્વરં ।'(શ્વે.ઉપ.૪ : ૧૦) સાંખ્યશાસ્ત્રને આધારે મૂળ પ્રકૃતિ એક માયાનું સ્વરૂપ છે. આ બધું જગત તેનો જ વિસ્તાર છે.
માયાની બે શકિત છે. ૧. આવરણ શકિત : કોઈપણ વસ્તુ હોય તેને ઢાંકી દેવું તેને આવરણ કહેવાય. ર. વિક્ષેપ શકિત : નવી વસ્તુ સર્જી દેવી તેને વિક્ષેપ શકિત કહેવાય. સાંખ્ય શાસ્ત્રમાં ગણાવ્યા મુજબ ચોવીસ તત્ત્વનું ગમે તેટલું વિવેચન કરે તો પણ માયા તરવી એ ઘણું કઠણ છે. ચોવીસ તત્ત્વોનું વિવેચન, એ માયા એટલે શું ? તેનું જ્ઞાન છે. જયારે જયાં સુધી માયા એ કોણ ? તેનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી માયા તરી શકાતી નથી.
શ્રીજી મહારાજે માયા એટલે શું ? તે પ્રશ્નનો ઉત્તર અહીં કર્યો છે. જે પદાર્થ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા આડું આવીને આવરણ કરે તેને શ્રીજી મહારાજે માયા તરીકે ઓળખાવી છે. પછી તે ગમે તે હોય. ઘર હોય, સાધુ હોય કે પછી સદ્ગુણો હોય તો પણ તે માયા જ બની જાય છે. પછી એ પદાર્થ બહુ સારું હોય એવું જ નથી. ઘણી વખત તુચ્છ પદાર્થમાં પણ આસક્તિ થઈ જતાં તે માયારૂપ બની જાય છે અને દુનિયાનું શ્રેષ્ઠમા શ્રેષ્ઠ પદાર્થ હોય પણ જો તેમા આસક્તિ ન હોય અને ભગવાનનું ચિંતવન કરતા તે આવરણ રૂપ ન બનતું હોય તો તે માયા નથી. તેથી કોઈ પદાર્થને સ્પષ્ટપણે આપણે માયા કહી શકીશું નહીં. તેમજ ગમે તેવું સાનુકૂળ પદાર્થ હોય તો પણ તેનાથી નિર્ભય રહી શકીશું નહીં.
જેમ જમવું એ માયા નથી પણ ગમવું એ માયા છે. દા.ત. ભરતજીને સમગ્ર પૃથ્વીનું સામ્રાજય માયારૂપ ન થયુ, પણ મૃગલીનું બચ્ચું તે માયારૂપ થયું.
શ્રીજી મહારાજે કહ્યુ કે ભગવાનનો ભક્ત જયારે પંચભૂતના દેહનો ત્યાગ કરે છે ત્યારે બ્રહ્મમય દેહને પામે છે. જેને ભાગવતી તનુ પણ કહેવામાં આવે છે. ઉપનિષદમાં તેને ‘સ્વેનરુપેણ અભિનિષ્પદ્યતે’ મુક્તિ થતાં જીવાત્મા પોતાના સ્વાભાવિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે. માયાનું શરીર અને માયાના ચોવીસ તત્ત્વો એ આગંતુક સંપત્તિ છે, પણ સ્વાભાવિક સંપત્તિ નથી. જયારે મુક્તિ થાય છે ત્યારે જીવાત્મા ચૈતન્યમય બની જાય છે અને સાકાર ઉપાસના કરી હોવાથી એનો ચૈતન્ય સાકારપણાને પામી જાય છે. જેમ પાણીને કોઈ વિશેષ આકાર હોતો નથી; પરંતુ ઠરીને તેનો બરફ બની જાય તો વિશેષ આકાર ધારણ કરે છે. તેમ મુક્તિ દશામાં ભગવાનની સાકાર ઉપાસનામાં તેનો ચૈતન્ય મૂર્ત સ્વરૂપ ધારણ કરે છે. આવો ઉપનિષદ્મંત્રનો ભાવ છે.
જયારે વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ‘ભગવાન એને બ્રહ્મમય દેહને પમાડે છે.’ બીજી જગ્યાએ કહ્યું છે કે ભગવાન તેને ભાગવતી તનુ આપે છે. અહી ‘આપવાનો’ અર્થ એવો પણ થઈ શકે કે ભગવાનની કૃપાથી જ આવી પ્રાપ્તિ થતી હોવાથી ભગવાન આપે છે એવો નિર્દેશ હોઈ શકે. ઉપનિષદમાં પોતે તેવા સ્વરૂપે થાય છે એમ કહ્યું છે. તેથી બન્ને વચ્ચે સાનુકૂળ સંગતિ સાધવી જરૂરી છે. બીજા એક સ્થાને શ્રીજી મહારાજે એવું પણ લખ્યું છે કે ભગવાનની ભૂમિ આદિક અષ્ટ પ્રકૃતિથી ભિન્ન એવું ભાગવતી તનુ ભગવાન જીવાત્માને આપે છે. અંતે એક વસ્તુ નિશ્ચિત છે કે જે શરીર પ્રાપ્ત થાય છે તે માયાના તમામ ભાવોથી રહિત છે અને દિવ્ય છે.
અહીં એ પ્રશ્ન થાય છે કે દિવ્ય શરીરને તો ગતિ અવરોધ નથી. સંકલ્પ માત્રથી ગતિ થાય છે. તો પછી મહારાજને વિમાન, રથ, કે ગરુડ લાવવાની શી જરૂર છે ? સંકલ્પ માત્રથી અદ્ધર પદ્ધર સીધા ધામમાં કેમ પહોંચાડી દેતા નથી ?
તેનું સમાધાન એ છે કે દિવ્ય શરીર પ્રાપ્ત થયા પછી તો આવી ઈચ્છાઓ હોતી નથી. પણ સાધન કાળમાં ભકતનો દેહભાવ હોય છે તેથી જે પ્રકારની રુચિ હોય તે રુચિઓને પૂર્ણ કરવા માટે પણ ભગવાન એવું કરે છે. જેમ ધ્રુવજીએ તપ કર્યા પછી ભગવાને માગવાનું કહ્યું તો પણ ધ્રુવે ન માગ્યું. ત્યારે ભગવાને તેમની પૂર્વની ઈચ્છા જાણીને બળાત્કારે અવિચળ રાજય આપ્યું. તેમ સાધન કાળમાં જે શુભ સંકલ્પો થયા હોય તે પૂરા કરવા માટે ભગવાન જુદા જુદા વાહનો લાવતા હશે એવું જણાય છે. અત્યારે મારૂતિ કે મરસીડીઝ કદાચને લાવતા હોય !! સુરાખાચર વેલમાં બેસીને જતા હતા તેમાંથી પડયા. ખૂબ વાગ્યું, પછી સાજા થયા. પછી મહારાજને કહે, ભણું મહારાજ મને ટાંટીયે બાંધીને ઢસડીને ધામમાં લઈ જજો; પણ મહેરબાની કરી વેલ લઈને તેડવા ન આવશો.
હરજી ઠક્કરનો પરિવાર પીથલપુર ગામે રહેતો હતો. વેપાર ધંધો કરતા હતા. પૈસે ટકે સુખી હતા. પરિવારમાં ત્રણ ભાઈઓ હતા. હરજી ઠક્કર, લાધો ઠક્કર અને તેજો ઠક્કર. તેમને સત્સંગ થયો તે સમયમાં એક લાખ રૂપિયાની ઉઘરાણી જતી કરીને મહારાજની સેવાનો લાભ લેવા તેઓ ગઢપુર આવેલા હતા. તેમની માતાને મહારાજને વિશે અસાધારણ પ્રીતિ હતી. એકવાર નાની ત્રાંબાકૂંડીમાં મહારાજ માટે પાણી ગરમ કરતા બ્રહ્મચારીને જોયા. ત્રાંબાકૂંડી નાની એટલે એક વખત ગરમ કરી એક ડોલમાં લઈ પાછું ફરીવાર ગરમ કરે. આ દૃશ્ય જોઈને હરજી ઠક્કરની માતાને થયું કે આપણી પાસે મોટી ત્રાંબાકૂંડી છે તે મહારાજની સેવામાં આપી દેવી જોઈએ. આપવા ગયા તો નાના દીકરા તેજા ઠક્કરે અનિચ્છા બતાવી વિરોધ કર્યો. તેમની માતા અત્યંત કોચવાઈ ગયા અને કહ્યું તું મહારાજની સેવામાં આડો આવે છે. માટે જા મૂરખ, આજથી આપણો સંબંધ પૂરો થાય છે. હવે પછી તારું કાળું મુખ મને બતાવીશ નહીં અને માએ મોં ફેરવી લીધું. આમ કચવાણ થયા પછી તેજો ઠક્કર પીથલપુર રહેવા પાછા જતા રહ્યા. આ પ્રશ્નના અનુસંધાને હરજી ઠક્કરે મહારાજને પ્રશ્ન પૂછયો છે.
પ્રશ્ન એ છે કે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધી વિષે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી તેનું શું કારણ છે ? તેના ઉત્તરમાં શ્રીજી મહારાજ એમ કહે છે કે ભગવાનમાં પ્રીતિ એ ભગવાનનો મહિમા સમજવાથી થાય છે. પ્રીતિ અનેક પ્રકારે થાય છે. તેમા પણ ત્રણ પ્રકારે જે પ્રીતિ થાય છે તે ખૂબ બળવાન હોય છે.
૧. લોહીના સંબંધથી. દા.ત. પિતા–પુત્ર, ભાઈ–ભાઈ વગેરે.
ર. વિજાતીય સંબંધ જોડાવાથી. દા.ત. પતિ–પત્ની.
૩. મહિમા જાણવાથી. દા.ત. ભગવાન, સંત તથા ભક્ત.
ભગવાનમાં જે પ્રીતિ થાય છે તે મહિમા જાણવાથી થાય છે અને એ જ પ્રીતિ સાચી છે. કારણ કે ભગવાન એ અલૌકિક વસ્તુ હોવાથી તેમા લોહીનો સંબંધ તો સંભવતો નથી. બીજું વિજાતીય સંબંધ પણ ઘટતો નથી. પરમાત્મા જયારે પૃથ્વી પર અવતાર લઈને આવે છે ત્યારે ગોપીઓ કે ભગવાનની પત્નીઓ જેવી વિરલ વ્યકિતઓને જ તે સંબંધ હોય છે. એ પણ એક પક્ષીય હોય છે. ભગવાનને પોતાની દૃષ્ટિમાં તો સ્ત્રી શું કે પુરુષ શું ! એ બહુ મહત્ત્વનું નથી. તેથી ભગવાનમાં પ્રેમ થવાનું માધ્યમ એક મહિમા જ બાકી રહે છે. જે મહિમા સંત પુરુષો પાસેથી જ જાણી શકાય છે એમ શ્રીજી મહારાજ કહે છે. તે સંત જયારે આપણા સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે મહિમા રહેતો નથી અને પ્રીતિ તૂટી જાય છે અને પરિણામે સત્સંગમાંથી પણ પ્રીતિ તૂટી જાય છે. માટે સંતમાં પ્રીતિ થાય તો જ સત્સંગમાં પ્રીતિ થવી શકય બને છે. સંતનો જેને અવગુણ આવે છે તેને સત્સંગમાં પ્રીતિ થઈ શકતી નથી.