પ્રતિપાદિત વિષય :
મહારાજના રાજીપા અને કુરાજીપાના પાત્રો.
મુખ્ય મુદ્દા :
૧. ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ ચાર પ્રકારના મનુષ્યો સાથે મહારાજને બનતું નથી.
ર. કામીને મહારાજ સત્સંગી જ માનતા નથી.
૩. કોઈ ખામી ન હોય છતાં ગમે તેવા ભીડામાં લઈએ ને જે પાછો ન પડે તેના ઉપર મહારાજને વગર કર્યું સહેજે જ હેત થાય છે.
વિવેચન :–
આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે ક્રોધી, ઈર્ષ્યાવાળો, માની અને કપટી એ ચાર પ્રકારના મનુષ્ય હરિભક્ત હોય તો પણ તેમની સાથે અમારે બનતું નથી, અમારે સુવાણ્ય થતી નથી. જેને પંચવર્તમાનમાં કોઈ વાતની ખોટય ન હોય, ગમે તેવા વચનના ભીડામાં લઈએ, તેનું ગમતું મૂકાવીએ અને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહપર્યંત મૂંઝાય નહિ એવો હોય તે પાકો સત્સંગી છે. એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યે સહેજે જ હેત થાય છે. એવી નિષ્ઠા ન હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં.
સદ્.ગોપાળાનદ સ્વામીએ પણ વાતોમાં કહ્યું છે : શ્રદ્ધા અતિશય હોય, પોતાના સ્વભાવને ટાળવાનો અતિશય આગ્રહ હોય ને સત્સંગની ભીષણ સર્વ પ્રકારે ખમતો હોય તો એનો સત્સંગમાં અચળ પાયો છે. કલ્યાણનું બીજ પણ એવી જાતનો નિર્ણય કરવો એ જ છે(પ્ર.૧ વા.૧૧૮). વળી શ્રીજી મહારાજે વચ.ગ.અં.ર૪મા એમ પણ કહ્યું છે કે અમે કઠણ વચનના ડંખ માર્યા હોય અને દેહપર્યંત જે મૂંઝાયો ન હોય તેની ઉપર અમારે જાગ્રત, સ્વપ્ન અવસ્થામાં વગર કર્યે હેત રહે છે. ગીતામાં પણ એ જ ભાવમાં જ્ઞાની ભક્તને પોતાનો આત્મા કહ્યો છે. ‘જ્ઞાનીત્વાત્મૈવ મે મતમ્’જ્ઞાની ભક્ત તો મારો આત્મા છે. એટલે કે મારું શરીર મને જેટલું વહાલું છે તેટલો તે ભક્ત વહાલો છે.
ખરેખર તો મહારાજ કહે છે કે ભક્તમાં પ્રીતિ છે ‘તેવી નથી મે દેહમાં ધારી’– શ્રી પત્રી. માટે પોતાના દેહથી પણ આવો ભક્ત વધારે પ્રીતિનો પાત્ર બને છે. સદ્.મુક્તાનંદસ્વામીએ પોતાના કીર્તનમાં કહ્યું છે કે…
કમલા મેરો કરત ઉપાસન, માન ચપલતા ધોઈ;
યદ્યપિ વાસ દીયો મેં ઉર પર, સંતન સમ નહિ સોઈ.
ભૂકો ભાર હરું સંતન હિત, કરું છાયા કર દોઈ;
ઐસે મેરે જન એકાંતિક, તેહી સમ ઓર ન કોઈ;
મુક્તાનંદ કહત યું મોહન, મેરો હી સર્વસ્વ સોઈ.
વગેરે ભગવાનના અભિપ્રાયના વચનો કીર્તનમાં કહ્યાં છે. માટે ભગવાન કહે છે કે એવા ભક્તથી મને અધિક વહાલું કોઈ નથી. એવા ભક્ત ઉપર ભગવાન ગર્વ અનુભવે છે કે મારું સર્વસ્વ, સંપત્તિ હોય તો એવા ભક્ત છે. માટે મારી શ્રેષ્ઠ કૃપાના પાત્ર એવા ભક્ત છે. અહીં મહારાજ કહે છે કે એવા ભક્ત ઉપર અમારે વગર કર્યું હેત રહે છે.
સાચા ભક્ત તો ભગવાન ઉપર હેત કરે જ છે પણ તે હેત સફળ ત્યારે જ થયું ગણાય કે ભગવાન તે ભક્ત ઉપર હેત કરે. અહીં આ વચનામૃતમાં મહારાજે ભક્ત ઉપર ત્રણ પ્રકારની પ્રીતિ વર્ણવી છે.
એક તો ભક્ત ઉપરની અસાધારણ પ્રીતિ : જે વચનામૃતના છેલ્લા ભાગમાં કહ્યું કે ભક્ત ઉપર અમારે વગર કર્યું હેત રહે છે. બીજી સામાન્ય પ્રીતિ : જે દરેક આશ્રિત ઉપર હોય જ છે. ‘અયં મદીય’ આ મારો ભક્ત છે એવી બુદ્ધિ તો દરેક આશ્રિત પર રહે જ છે. કારણ પોતાને આશરે આવ્યો છે. માટે ‘અયં મદીય’ આ બુદ્ધિ પણ પ્રીતિનું કારણ બને છે પણ તે સામાન્ય (common) પ્રીતિ છે. ત્રીજી પ્રીતિ : મહારાજે કહ્યું કે ક્રોધી, ઈર્ષ્યા, માની ને કપટી આ ચાર સાથે અમારે બને જ નહીં, હરિભક્ત હોય તો પણ. માટે આ ચાર વાનાં એ ભગવાનની ભક્ત ઉપરની પ્રીતિના વિઘટક છે, વિચ્છેદક છે. એ ચાર હોય તો સામાન્ય પ્રીતિ જે મહારાજની આપણા ઉપર છે તે રહેવા દેતા નથી. મહારાજ કહે અમારે આ ચાર વાનાં જેમાં હોય તે સાથે બને નહિ. જે પ્રીતિનો નાશ કરનારા છે. મહારાજની આપણા ઉપર અસાધારણ પ્રીતિ, સામાન્ય પ્રીતિ અને અપ્રીતિ (પ્રીતિનો અભાવ) એમ ત્રણ પ્રકાર છે.
વર્તમાન પૂરા પાળે તો સામાન્ય પ્રીતિના આપણે પાત્ર બનીએ. વર્તમાન ન પાળે ને ઉપર ગણાવ્યા અંતરાય(કામાદિ) પળે તો પ્રીતિના અભાવ(કુરાજીપા)ના પાત્ર બનીએ. જો વર્તમાનમાં ખામી ન હોય ને સત્સંગની ભીડ ખમીએ–કોઈ રીતે દેહ પર્યંત પાછા ન પડીએ તો અસાધારણ પ્રીતિનું પાત્ર બનીએ.
આમ પરમાત્માની આપણા ઉપર પ્રીતિ થાય તેમાં વિચ્છેદક આ વચનામૃતમાં ગણાવેલા ક્રોધાદિ ચાર દોષ છે. તેમાં પણ કામ એ સાક્ષાત્પ્રીતિનો વિચ્છેદક છે. બીજા અંતઃશત્રુ પરંપરાથી ભગવાનમાં પ્રીતિના વિચ્છેદક બને છે. કામી જેવી પ્રીતિ પોતાના કામનાના પાત્રમાં કરે છે તેવી આપણે મહારાજમાં કરવી જોઈએ. એ એમાં સંપૂર્ણ એગેજ–નિમગ્ન થઈ જાય છે. માટે તે સાક્ષાત્વિઘટક છે.
મહારાજ કહે તે સત્સંગી છે એવો તો કોઈ કાળે અમને વિશ્વાસ નથી. કદાચને અવસર ન મળ્યો ને તેના અભાવે ભગવાનમાં પ્રીતિ કરે, પણ જયારે સંજોગ–પ્લેટફોર્મ મળશે કે તુરત જ મહારાજમાંથી તૂટીને મનગમતા પાત્રમાં થઈ જશે. આમ કામના સાક્ષાત્વિઘટક બને છે. માટે મહારાજ કહે કે અમને તેનો વિશ્વાસ નથી કે તેની પ્રીતિ અમારે વિષે અંત સુધી રહે. કારણ કે કામના વિષય જ એવો છે કે અવસર આવ્યો કે ધીરજ રહેવા દેતો નથી. આમ તો દરેક શત્રુ ભગવાનની આપણા ઉપર જે પ્રીતિ વર્તે છે તેમાં વિઘટક છે, પણ કામના બીજાની સરખામણીમાં સાક્ષાત્અને તાત્કાલિક નાશ કરનારી છે.
મહારાજ કહે ક્રોધ અને ઈર્ષ્યા માનના આધારે પ્રવર્તે છે. પોતાના જેટલો બીજાનો અભ્યુદય ન થઈ જવો જોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં આપણે જે પદ કે પ્રતિષ્ઠાના તખ્ત ઉપર બેઠા છીએ ત્યાં બીજો કોઈ આપણી સમાન કે વધારે આવવો ન જોઈએ. ત્યાં એવા બીજાની હાજરી દેખીને ઈર્ષ્યા તુરત પ્રગટ થઈને કાર્યરત થઈ જાય છે. આમ માનમાંથી ઈર્ષ્યાર્ પ્રવર્તે છે. ક્રોધનું પણ તેમજ છે. જયારે ઈર્ષ્યા દ્વારા પ્રવૃત્તિ કરતા પણ ધાર્યું પરિણામ ન આવે ને પ્રયત્નો જેટલે અંશે નિષ્ફળ જાય એટલો તેના પ્રતિફલનમાં ક્રોધ થાય છે.
જો હરીફાઈનું પાત્ર નાનું હોય તો ક્રોધ સાક્ષાત્આવે. જો પાત્ર મોટુ હોય તો આપણા હાથની વાત ન હોવાથી આપણે કોઈ એકશન લઈ શકીએ તેમ ન હોઈએ તો ક્રોધ મૂંઝવણ રૂપે રહે છે. જયારે બરોબરીનું પાત્ર હોય તો તેમા કલહનું રૂપ ધારીને ક્રોધ આવે છે. એ બધાં ક્રોધના જ સ્વરૂપ છે. કપટ પણ ભગવાનની પ્રીતિમાં વિઘટક છે. માટે જે ભક્તને ભગવાનની પ્રીતિનું પાત્ર બનવું છે તેના સુંદર પગથિયાં આ વચનામૃતમાં બતાવ્યાં છે. એક : ભગવાનની અપ્રીતિ–અભાવનું પાત્ર, બીજું : ભગવાનની સાધારણ પ્રીતિનું પાત્ર, ત્રીજું : ભગવાનની અસાધારણ પ્રીતિનું પાત્ર કેમ બનાય તે આ વચનામૃતમાં બતાવ્યું છે.