પ્રતિપાદિત વિષય :
સમજણ આપત્કાળે જણાય છે.
મુખ્ય મુદ્દા :
૧. વિષયના સાંનિધ્યમાં વૈરાગ્યની કસોટી થાય છે.
ર. આપત્કાળમાં સમજણની કસોટી થાય છે.
વિવેચન :–
આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે જેને જેટલો વૈરાગ્ય હોય અથવા જેને જેટલી સમજણ હોય તે તો જયારે કોઈ વિષયભોગની પ્રાપ્તિ થાય અથવા કોઈ આપત્કાળ આવી પડે ત્યારે કળાય પણ તે વિના કળાય નહિ. એમાં ઝાઝી સંપત્તિ કે આપત્તિ આવી પડે તો શી વાત કહેવી ? પણ આ દાદાખાચરને થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાયું હશે.
અહીં મહારાજ કહે છે કે વૈરાગ્યની પરીક્ષા વિષયભોગની પ્રાપ્તિમાં વિશેષે કરીને થાય છે. વિષયભોગના અભાવમાં સામાન્ય વૈરાગ્ય અને તીવ્ર વૈરાગ્ય બંને સરખા તેજસ્વી જણાય છે. ત્યારે સામાન્ય–વિશેષ ભેદ દેખાતો નથી. જયારે મન ગમતા અને અનુકૂળ વિષય પ્રાપ્ત થાય ત્યારે સામાન્ય વૈરાગ્ય ઢીલો પડી જાય છે અને તીવ્ર વૈરાગ્ય હોય તો ઢીલો પડતો નથી. વિષયનો સ્વીકાર કરતો નથી. સગવડતાનો અભાવ વૈરાગ્ય વધારે છે, તેને માટે તે મદદરૂપ થાય છે; પરંતુ વૈરાગ્યની પરીક્ષા તો વિષયની પ્રાપ્તિમાં થાય છે. જ્યારે સમજણની પરીક્ષા આપત્કાળમાં થાય છે, સંકટના સમયમાં થાય છે.
સમજણ એટલે આત્મનિષ્ઠા અથવા ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા. તેમને વિશે સમર્પણની ભાવના. તેની આપત્કાળમાં પરીક્ષા થાય છે. દાદાખાચરને થોડું આપત્કાળ જેવું આવ્યું હતું. પરંપરાથી સંભળાય છે કે દાદાખાચરને ભાણખાચર સાથે તકરાર થઈ હતી. એવી પણ વાત સંભળાય છે કે ભાયાતોની ચડવણીથી ભાવનગર દરબારનું દબાણ અને વિક્ષેપ આવેલા હતા. પ્રસંગ ભલે જુદો હશે, પણ મહારાજ કહે છે કે એ સમયમાં જેનું અંતઃકરણ જેવું હશે તેવું જણાઈ આવ્યું હશે.
તુલસીદાસજીએ કહ્યું છે કે ‘ધીરજ ધર્મ મિત્ર અરૂ નારી આપત કાળ પરીખ હી ચારી’ ધીરજ, ધર્મ, મિત્ર અને નારી આ ચારની દૃઢતા કેવી છે તેની આપત્કાળમાં કસોટી થાય છે. વળી ભગવાનના ભક્તનો પક્ષ આપણાથી કેટલો રહે છે તેની પણ આપત્કાળ સમયે જ ખબર પડે છે. ચડતીમાં તો પક્ષ રાખવાનું નાટક અને મહિમાનું નાટક સૌ કોઈ કરી શકે છે, પણ તે સાચું હૃદયપૂર્વકનું હોતું નથી. ભક્તનો પક્ષ સાચો છે કે નહિ તે આપત્કાળમાં કે પડતીના સમયમાં સ્પષ્ટ થઈ જાય છે.
દાદાખાચરને સકટ આવ્યું ત્યારે કોણ સાચા પક્ષવાળા હતા અને કોણ ખોટા પક્ષવાળા હતા તે જણાઈ આવ્યું હશે. કોના હૃદયમાં સ્વાર્થ છે અને કોના હૃદયમાં સર્મપણ છે તે તુરત જ ખબર પડી જાય છે. જેને મહિમા છે અને જેને સાચો પક્ષ છે તે આપત્કાળના દુઃખમાં વિશેષ ભાગીદાર બને છે. જેને મહિમા નથી તે દૂર ખસી જાય છે. આપત્કાળ પૂરો થતાં પાછા સહાય કરવા, આશ્વાસન દેવા આવી પહોંચે છે.
ત્યારે મુક્તાનંદ સ્વામીએ બચાવ કર્યો કે ભગવાનના ભક્તનો મનમાં પક્ષ રહે છે, પણ આપત્કાળમાં હર્ષ–શોક થઈ આવે છે. તે પક્ષ પણ સમજીને રહે છે તે સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઝાઝા જીવને સમાસ થાય અને પડતીના સમયમાં કોઈને સમાસ ન થાય. માટે હર્ષ–શોક થઈ આવે છે. ત્યારે મહારાજે કહ્યું કે ચડતી અથવા પડતી ભગવાનની ઈચ્છાને આધીન છે. માટે ભગવાનની ઈચ્છા માનીને હર્ષ–શોક ન કરવો. આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું. સારો પ્રયત્ન કરવો. ભગવાનના ચરણમાં પ્રીતિ રાખવી. આપણે સત્સંગનો કે સાચા ભક્તનો ઉત્કર્ષ ઈચ્છીએ છીએ, પણ મહારાજની મરજી શું છે ! એ આપણને ખ્યાલ નથી. તેથી પરિણામ ઉપરથી મહારાજની મરજી છે એમ માની ધીરજ રાખવી અને રાજી રહીને ભગવાન ભજવા. ભગવાન હાથીએ બેસારે એટલે કે સન્માન કરાવે તો પણ રાજી રહેવું અને ગધેડે બેસારે એટલે કે અપમાન થાય તો પણ ધીરજ રાખીને ભગવાનના ગમતામાં રાજી રહેવું. ભગવાનની ઈચ્છા વિના સૂકું પાંદડું પણ હલવા સમર્થ થતું નથી. એવું સમજીને લાભાલાભમાં હર્ષ–શોક ન કરવો.
અહીં સમજણનો અર્થ ધીરજ અને સમર્પણ એવો વિશેષે કરીને થાય છે. આત્મનિષ્ઠાને સંગે કરીને ધીરજ રહે છે. ભગવાન અને ભક્તના મહિમાએ કરીને સમર્પણ રહે છે. મુક્તાનંદસ્વામીના બચાવમાં ધીરજ અંગે કોઈ વિકલ્પ નથી; પરંતુ ભગવાનના ભક્ત કે સત્સંગના ઉત્કર્ષ–અપકર્ષમાં હર્ષ શોક થાય છે. આત્મનિષ્ઠા તો અચળ જ હોય છે તો પણ મહારાજ કહે કે ભગવાનનું ગમતું માની તેમાં રાજી રહેવું.