પ્રતિપાદિત વિષય :
કામનું સ્વરૂપ.
મુખ્ય મુદ્દા :
૧. વીર્ય એ જ કામનું રૂપ છે.
ર. તે સૂક્ષ્મ શરીરમાં–મનમાં રહે છે.
૩. સ્ત્રી સંબંધી સંકલ્પથી તે શરીરથી છૂટું પડે છે.
૪. બ્રહ્મચર્ય પાળવા ઈચ્છનારે સ્ત્રી સંબંધી સંકલ્પ ન થાય તેનું જતન કરવું.
પ. ભગવાનનો દૃઢ આશ્રય અને ભગવાનને અતિ નિર્દોષ સમજવાથી કામ જીતી શકાય છે.
વિવેચન :–
આ વચનામૃતમાં યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછયો છે : કામનું શું રૂપ છે ? ત્યારે મહારાજે વીર્ય એ જ કામનું રૂપ છે એવો ઉત્તર કર્યો છે. ત્યારે તેમાં આશંકા કરી કે વીર્ય તો શરીરના બંધારણમાં રહેલા સાત ધાતુમાંનો એક ધાતુ છે અને તેને કામનું રૂપ કેમ કહેવાય ? અને તેની ઉત્પત્તિ શાણે કરીને છે.(એટલે કે વીર્યની કામમાં પ્રવૃત્તિ શાણે કરીને છે ?)
વાસ્તવમાં વિચાર કરતા સ્ત્રી ભોગ સંબંધી વિષયને કામના કહેવામાં આવે છે. જયારે શ્રીજી મહારાજે તો અહીં વીર્ય ધાતુને જ કામ તરીકે બતાવ્યું છે. કામનાની ઉત્પત્તિ સ્ત્રી સંબંધી સંજોગો વાતાવરણ વગેરેથી થાય છે. જયારે વીર્યની ઉત્પત્તિ તો આહારમાંથી જ થાય છે. આહારમાં લીધેલા ખોરાકનો પાચનરસ બને છે. તેમાંથી લોહી, માંસ, મજજા, ધાતુ આવા ક્રમથી તે વીર્યમાં પરિણત બને છે. આ દરેક ઘટકોમાં અગ્નિતત્ત્વ રહેલું છે. જેને ધાત્વગ્નિ કહેવામાં આવે છે. એક એક ધાતુમાં રહેલો અગ્નિ તે ધાતુને પકવીને તેની આગળની ધાતુમાં ફેરવે (પરિણત કરે) છે. છેવટે પકવ બનેલો ધાતુ તેને વીર્ય કહેવામાં આવે છે. તે તો શરીરના બંધારણનું અગત્યનું ઘટક છે. પછી તે બાળક હોય તો તેમાં પણ હોય છે અને સ્ત્રી હોય તો તેના શરીરના બંધારણમાં પણ હોય છે. જેને રજ કહેવામાં આવે છે.
ઉપરોક્ત ચર્ચાને આધારે જે શરીરનું બંધારણ છે, તેને કામના કેમ કહેવાય ? એવી અહીં શંકા કરી છે. ત્યારે મહારાજે તેનો ઉત્તર કર્યો કે મનોવહા નાડીમાં મન રહ્યું છે. તેમાં જયારે સ્ત્રી સંબંધી સંકલ્પ થાય ત્યારે મન અતિ વિહ્વળ અને ક્ષુબ્ધ બને છે. તેથી એક પ્રકારની વિશિષ્ટ ગરમી ઉત્પન્ન થાય છે. તે ગરમી બીજી છ ધાતુઓથી વીર્યને જુદું કરે છે ને તે સ્ત્રીના સંકલ્પ વિના જુદો પડતો જ નથી. આમ શરીરની અંદર જુદો પડેલો ધાતુ તેને જ શ્રીજી મહારાજે કામનું રૂપ બતાવ્યું છે. જો જુદો પડેલો ન હોય તો એ કામ નથી, પણ શરીરના બંધારણનું ઘટક છે. જુદા પડેલા વીર્યનું ઈન્દ્રિય દ્વારા પતન થાય છે તેને જ અહીં કામનું સ્વરૂપ બતાવ્યુ છે. તેથી બાળકના શરીરમાં કે કોઈ પણ દેહધારીના શરીરમાં શરીરના બંધારણરૂપે રહેલો ધાતુ હોવા માત્રથી કામનું રૂપ બની જતો નથી. રાગ પૂર્વક સ્ત્રીના સંકલ્પથી અન્ય ધાતુઓમાંથી વિભાગીકરણ થયેલો ધાતુ જ કામનું સ્વરૂપ છે એવું ફલિત થાય છે. તેથી શ્રીજી મહારાજે ભગવાન શ્રી કૃષ્ણની ઉર્ધ્વરેતા પુરુષ તરીકે વાત કરી છે. ભાગવતમાં રાસ ક્રીડાને અંતે વ્યાસ ભગવાને ‘અવરૂદ્ધ સૌરત’ એવું લખ્યું છે. ભગવાને રાસક્રીડામાં ઉર્ધ્વરેતાપણું રાખ્યું છે. માટે કામનો પ્રવેશ થયો નથી.
આ વાતમાં સ્વામીએ આશંકા કરી કે જો સ્થૂળ ધાતુ જ કામનું રૂપ હોય, પછી ભલે વિભાજિત થયેલો હોય તો પણ જયારે શરીરને બાળી દે છે ત્યારે તમામ ધાતુઓ બળી જાય છે ત્યારે કામ પણ બળી ગયો જોઈએ. તો બીજા દેહમાં કામનો કેમ ઉદય થાય છે ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે વીર્ય સૂક્ષ્મ દેહ ભેળું રહે છે. તેનો અર્થ એ છે કે મનમાં રહે છે. પણ આ વસ્તુ સંભવી કેમ શકે ? મનનું સ્વરૂપ અણુ (અણુ જેવું) સૂક્ષ્મ છે, અતીન્દ્રિય છે. જયારે ધાતુ સ્થૂળ છે અને અતીન્દ્રિય નથી. અતીન્દ્રિય વસ્તુમાં સ્થૂળ વસ્તુ રહી ન શકે. સ્થૂળ વસ્તુનો આધાર અતીન્દ્રિય વસ્તુ હોઈ ન શકે. સૂક્ષ્મનો આધાર સ્થૂળ વસ્તુ બની શકે, પણ અહીં તો તેથી ઉલ્ટું છે.
મહારાજે કરેલા વિધાનનું સમાધાન કેવી રીતે કરવું ? તેનું સમાધાન એ છે કે વીર્યના બે સ્વરૂપ છે (૧) સ્થૂળ ધાતુ સ્વરૂપ (ર) સૂક્ષ્મ સ્વરૂપ. કહેવાય છે કે ‘અશીતં અન્નં ત્રેધા ભવતિ’ આપણે ખાધેલું અન્ન ત્રણ સ્વરૂપે થાય છે. એક તો સ્થૂળ સ્વરૂપે નકામો કચરો ઉત્સર્ગતંત્રથી મળ બનીને બહાર ફેંકાય છે. બીજું લોહી રસ બનીને ધાતુઓનું પોષણ થાય છે અને ત્રીજું તે અન્નના સારા નબળા સંસ્કારો મન ઉપર સ્થિર થાય છે. તેમ વીર્યમાં પણ તેવું જ છે. જે સ્થૂળ સ્વરૂપે શરીરના એક ભાગ સ્વરૂપે રહેલું છે. બીજા સ્વરૂપે શરીરનું કાર્ય વહન કરવામાં શકિત પૂરી પાડે છે. ત્રીજું મનની ઉપર સારી અથવા વિકૃત અસર ઊભી કરે છે. સ્થૂળ વીર્ય મનમાં રહેતું નથી, પણ તેની અસર સમગ્ર સૂક્ષ્મ શરીર ઉપર રહે છે.
આ જ વાતને ધ્યાનમાં રાખીને મહારાજે કહ્યું છે કે વીર્ય સૂક્ષ્મ શરીરમાં રહે છે. ખરેખર સ્થૂળ વીર્ય સૂક્ષ્મ શરીરમાં રહેતું નથી, પણ તેની વિકૃત અસર સૂક્ષ્મ શરીર ઉપર રહે છે. જે મનના સંકલ્પથી અભિવ્યકત થાય છે. તેથી એમ કહી શકાય કે સ્ત્રી સંબંધી સંકલ્પ એ મનમાં રહેલું વીર્ય છે અથવા તો વીર્યની વિકૃત અસર છે. તેથી પંચભૂતના શરીરને બાળવા છતાં વીર્ય બળતું નથી. સંકલ્પ રૂપે હાજર રહે છે. તેથી જયા સુધી સ્ત્રી સંબંધી સંકલ્પનો નાશ ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય સિદ્ધ થતું નથી. આમ કામ છે તે સંકલ્પ સ્વરૂપે મનમાં રહે છે અને તેથી સ્મૃતિમાં કહ્યું છે કે ‘અસંકલ્પાત્જયેત્ કામઃ’ સ્ત્રી ભોગ સંબંધી સંકલ્પ ન કરવાથી કામ ઉપર વિજય મેળવી શકાય છે.
તો અહીં એક પ્રશ્ન એ થશે કે શ્રીજી મહારાજે કામનું સ્વરૂપ બતાવતાં સ્થૂળ વીર્ય ઉપરજ કેમ વધુ ભાર આપ્યો છે ? તેને જ કામનું સ્વરૂપ કેમ બતાવ્યું છે ? તો તેનું સમાધાન એ છે કે સ્ત્રી સંબંધી સંકલ્પ અને સ્થૂળ વીર્ય એ બન્ને સ્થૂળ–સૂક્ષ્મ ન્યાયથી એક જ છે છતાં પણ કામને જીતવા માટે સ્થૂળ ઉપર જ નિયમ ચાલી શકે. જેમ લીવર દબાવવાથી વધુ પેટ્રોલીંગ થતાં ગાડી ઝડપથી દોડવા માંડે છે. તેમ શરીરમાં રહેલું વીર્ય એ સ્ત્રી સંબંધી સંકલ્પને તીવ્રતાથી ગતિમાન બનાવે છે. તેથી પેટ્રોલીંગનું કંટ્રોલ થતાં ગાડી આપો આપ ઊભી રહી જવાની. એ રીતે ધાતુનો કંટ્રોલ થતાં સંકલ્પ નિયમનમાં આવી જશે, પણ સંકલ્પ રોકે અને ધાતુનો કંટ્રોલ કરે નહીં તો સંકલ્પ બંધ થવા શકય નથી. માટે મહારાજે સ્થૂળ વીર્યને જ કામનું સ્વરૂપ બતાવ્યું છે. છતાં પણ સંકલ્પ થાય ત્યારે અવશ્ય ધાતુ સ્રાવ થવાનો જ છે.
બ્રહ્મચર્ય માટે વસ્તુ સ્થિતિ આવી રીતની બનશે. સ્થૂળ ધાતુનુ નિયમન કરીને સંકલ્પનો સદંતર નાશ કરવો. તો જ પુરું બ્રહ્મચયર્રુ પાળી શકાશે. શરીરમાંથી વીર્યનો સંપૂર્ણ નાશ શકય નથી, સંકલ્પનો નાશ જ શકય છે. વીર્યનું નિયમન જ શકય બને છે. શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓના સંગે રહીને ઉર્ધ્વરેતાપણું રાખ્યું. એવી સામર્થી ભગવાનમાં જ હોય. શિવજીને મોહિની સ્વરૂપમાં મોહ થયો તેટલી ઉર્ધ્વરેતામાં ખામી ગણાય. માટે સાધકે સ્થૂળ ધાતુનું નિયમન કરીને જાગૃત અને સ્વપ્નમાં સ્ત્રીનો સંકલ્પ ન થાય તેનું જતન કરવું. તો જ બ્રહ્મચર્યનું યથાર્થ પાલન થઈ શકે.
શુકમુનિએ પ્રશ્ન કર્યો કે દ્વારિકામાં શ્રીકૃષ્ણ ભગવાનને એક એક સ્ત્રીને વિશે દશ દશ પુત્રો અને એક એક પુત્રી હતી. તો તેનું કેમ સમજવું ? એનો ઉત્તર શ્રીજી મહારાજે એમ કર્યો કે ભગવાન દ્વારિકામાં સાંખ્યમતને અનુસરીને નિર્લેપપણે રહ્યા હતા. જયારે વ્રજમાં યોગકળાથી ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહ્યા હતા. દ્વારિકામાં ભગવાન બ્રહ્મચારી નહોતા. નિર્લેપપણું અને બ્રહ્મચર્ય એ બન્ને ભિન્ન વસ્તુ છે. અતિશય નિર્લેપપણું હોય એટલા માત્રથી એ બ્રહ્મચારી કહેવાઈ જતા નથી. અંતરમાંથી અને બહાર સ્ત્રીનો સંબંધ દૂર કરવાથી બ્રહ્મચારી થવાય છે. ભગવાન તો કર્તા, અકર્તા અને અન્યથાકર્તા છે, છતાં બ્રહ્મચર્ય અને નિર્લેપપણું જુદા છે તે વાત દુર્વાસા ૠષિના દૃષ્ટાંતથી મહારાજે કરી છે.
વીર્ય વિના શરીરનું અસ્તિત્વ શકય નથી અને વીર્યનું અસ્તિત્વ એ બ્રહ્મચર્યને પડકારરૂપ છે. જાગ્રતમાં અથવા સ્વપ્નમાં સ્ત્રીને જોવાથી, સાંભળવાથી, વાત કરવાથી, મનમાં સંભારવાથી પણ વીર્ય શરીરમાંથી છૂટું પડી જાય છે. જો પરસેવા વાટે બહાર નીકળે છે તો ઉર્ધ્વરેતાને બ્રહ્મચર્ય ભંગ થયો કહેવાય. માટે એ અતિ કઠિન માર્ગ છે. તેથી મહારાજે લખ્યું કે કામ જીત્યાનું સાધન તો સૌથી ઘણું કઠણ છે. જેને ઉપાસનાની અતિ દૃઢતા હોય અને પચવિષયમાંથી નિર્વાસનિકતાની અતિશય ગાંઠ બંધાણી હોય તો જ બ્રહ્મચર્ય સિદ્ધ થઈ શકે છે.
ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે નિર્વાસનિક થયાનું કારણ આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે ? ત્યારે મહારાજે તેનો ઉત્તર કર્યો કે ભગવાનની મૂર્તિનું સુખ અને જગતનું સુખ(કામનાનું સુખ) તેની જે તુલના કરી શકતો હોય અને તેમાંથી જે વૈરાગ્ય ઉત્પન થાય તે વૈરાગ્યથી બ્રહ્મચર્યને સિદ્ધ કરે એવું નિર્વાસનિકપણું આવે છે. માત્ર સામાન્ય વૈરાગ્યથી નિર્વાસનિકપણું આવી શકતું નથી. બીજું કારણ એ છે કે ભગવાન અથવા મોટા પુરુષને વિષે નિર્દોષબુદ્ધિ આવે, તો પોતે નિર્દોષ થઈ જાય છે. તેમાં વળી શ્રીજી મહારાજે કહ્યું કે મોટા પુરુષની અંતરની નિર્લેપતાને પારખવી એ ઘણું કઠણ છે. માણસ જગતના માણસોથી નિર્લેપ રહે છે, કોઈ કુટુંબમાંથી પણ નિર્લેપ રહે છે. તેમ પોતાના મન સાથે નિર્લેપ ભાવ કેળવવો એ ઘણું જ કઠણ છે.
શ્રીજી મહારાજ તો પોતે પરમાત્મા છે. તે પણ વનમાં જયારે ફરતા હતા ત્યારે પુરંજનનું આખ્યાન અખંડ સંભારતા હતા. મન બુદ્ધિ રખેને છેતરી જાય નહીં ! મનના નબળા સંકલ્પોમાં આપણે અંતરથી રાજી થઈએ છીએ કે કેમ ? મનની નબળી વાસના આપણને ઊંડે ઊંડે સારી અને મીઠી લાગે છે કે કેમ ? એ તટસ્થ પણે તપાસવું જોઈએ. ભગવાનને તો વાસના જેવું કશુ હોય નહીં, પણ મોટા પુરુષોને મનગમતી માયિક બાબતોમાં તથા પોતાને અનુકૂળ વિષયોમાં તેને અનુકૂળતાબુદ્ધિ છે કે નિર્વાહબુદ્ધિ છે ? તે તપાસવું ઘણું જરૂરી છે. પદાર્થના જોગ માત્રથી તે કળાઈ કે જણાઈ જતું નથી. લાંબો સમય નિરીક્ષણ કરવાથી તે જણાઈ આવે છે.
શ્રીજી મહારાજ કહે કે આ મૂળજી બ્રહ્મચારી ભોળા જેવા છે તો પણ અમારા અંતરની નિર્લેપતાને યથાર્થ જાણે છે. નહીં તો મહારાજને તો માન, પાન, ઉત્તમભોગ અને સ્ત્રી ભક્તોનો પણ પ્રસંગ હોય, છતાં બીજા કરતા વિલક્ષણતા તો તેમાં જરૂર છે. ઉપરના પરિબળોના જોગમાં અંતરની નિર્લેપતા પારખવી એ અતિશય દૈવી ભાવથી જ પારખી શકાય છે. બુદ્ધિમત્તા ગમે તેટલી હોય પણ પોતાનું અંતર વાસનાથી ભર્યું હોય તો પારખી શકાતી નથી. મોટા પુરુષની અંતરથી નિર્લેપતા જે જાણી જાય તે પણ એવો જ નિષ્કામી થાય છે. અંતરમાં અતિશય નિર્લેપ હોય અને તેમાં પોતાની બુદ્ધિથી દોષ કલ્પે તો તે ઊર્ધ્વરેતા થઈ શકતો નથી.
શ્રીજી મહારાજે કહ્યું કે આ વાત તેને જ સમજાય કે જેને પરમાત્માની ઉપાસના હોય. સ્ત્રી સુખનું પ્રતિસ્પર્ધી એક ભગવાનની મૂર્તિના સુખ સિવાય બીજું કોઈ કરી શકતું નથી. ખરેખર ભગવાનની મૂર્તિના સુખને કોઈનું પ્રતિસ્પર્ધી કહી શકાય જ નહીં. ભગવાનના સુખ સમાન કે અધિક અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ સુખ છે જ નહીં. શ્રીજી મહારાજે વચનામૃતમાં તો એવું લખ્યું તેના કોટીમાં પાસંગની બરાબર પણ આવે નહીં. છતાં એટલું તો જરૂર દેખાય છે કે ભગવાનના સુખ સિવાય કામ સુખનું પ્રતિસ્પર્ધી પણ કરી શકે એવું બીજું કોઈ દેખાતું નથી માટે તેને પ્રતિસ્પર્ધી તરીકે યાદ કર્યું છે. એવું ઈતિહાસના દાખલાઓ અને શાસ્ત્રોનાં વચનો ઉપરથી દેખાય છે. ‘કામિની જિજ્ઞાસા સર્વ જિજ્ઞાસા પ્રતિબંધિની ।’
જેને ભગવાનની મૂર્તિનો અતિશય મહિમા સમજાણો છે અને મૂર્તિમાં અતિશય પ્રેમ થાય છે તે વ્યકિત કામ સુખથી પાછો વળી શકે છે. જેને ભગવાનની મૂર્તિમાં અતિશય મહિમા સમજાય તેના ઈન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય અને જગતની વાસના નાશ પામે છે. મહારાજ કહે કે કોઈ અમને સાચો થઈને મન અર્પે અને લેશ માત્ર અંતરાય રાખે નહીં તો તેમાં અમે કોઈ વાતની કસર રહેવા દઈએ નહીં.
જેણે મન અર્પ્યું હોય તેને પરમેશ્વરની વાત અથવા દશર્ન થતાં હોય તો તેમાં તે તદ્રૂપ થઈ જાય છે. તેના અંતરની સર્વે ગ્રંથિઓ પીગળી જાય છે અને એક માત્ર પરમેશ્વરના આકારે બની જાય છે. જો તે હાજર ન હોય તો તેની હૈયામાં દાઝ થાય છે. બીજું લક્ષણ એ કહ્યું કે ભગવાનને માટે ટુક ટુક થવામાં અતિશય ઉત્સાહ હોય તેવા જેને લક્ષણ હોય તેને મન અર્પ્યું કહેવાય અને જયાં સુધી ભગવાનને મન અર્પણ ન થાય ત્યાં સુધી કામ પણ જાય નહીં, જગતને તો અર્પણ થયેલું જ છે. માટે બ્રહ્મચર્ય સિદ્ધ થવું ઘણુ કઠણ છે.