પ્રતિપાદિત વિષય :
ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે.
મુખ્ય મુદ્દા :
૧. ભગવર. તેમાં જેને સાચી પ્રતીતિ નથી તેને કલ્યાણના માર્ગની સાચી ભૂખ જ લાગી નથી.
વિવેચન :–
મહારાજે આ વચનામૃતની શરૂઆત માંહોમાંહી પ્રશ્ન ઉત્તરથી કરાવી. સોમલાખાચરે પ્રશ્ન પૂછયો : ભગવાન પોતાના ભકતના સર્વે અપરાધ માફ કરે છે પણ એવો કયો અપરાધ છે કે ભગવાન માફ કરતા નથી ? ત્યારે મહારાજ કહે કે બીજા સર્વે અપરાધ માફ કરે છે પણ પોતાના ભક્તનો દ્રોહ કરે છે તે અપરાધ માફ કરતા નથી.
વળી ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે. એ અપરાધ કરે તો તેને પંચ મહાપાપ કરતા પણ વધારે પાપ લાગે છે. માટે એ અપરાધ તો કયારેય કરવો નહિ. ભગવાન તો પોતાના અક્ષરધામમાં સદા દિવ્ય સાકાર થકા બિરાજમાન રહે છે. તે જયારે કૃપાએ કરીને પૃથ્વીને વિષે પ્રગટ થાય છે ત્યારે જે જે તત્ત્વોનો કે વસ્તુનો અંગીકાર કરે છે તે તે સર્વે તત્ત્વ બ્રહ્મરૂપ થાય છે. વસ્તુઓ પણ બ્રહ્મરૂપ થાય છે. રામકૃષ્ણાદિક અવતારમાં ત્રણ દેહ, અવસ્થા, ઈન્દ્રિયો, પ્રાણ ઈત્યાદિક મનુષ્યની પેઠે જણાય છે તો પણ દિવ્યરૂપ છે, બ્રહ્મરૂપ છે, માયિક નથી. માટે ભગવાનના આકારનું ખંડન કયારેય કરવું નહિ.
વળી મહારાજે મુનિઓને પ્રશ્ન પૂછયો : ભગવાનનો નિશ્ચય હોય અને સત્સંગના નિયમો પાળતો હોય તેનું કલ્યાણ થાય છે એવી સત્સંગની રીતિ છે, પણ સત્સંગ સિવાય શાસ્ત્રની રીતે કલ્યાણ કેમ થાય ? અને શંકરાચાર્યજીએ શાસ્ત્રમાંથી જ નિરાકારભાવથી કલ્યાણ માન્યું છે. જયારે રામાનુજાચાર્યજીએ સાકારભાવથી અને કિંકરભાવથી કલ્યાણ માન્યું છે. માટે એ જે આચાર્યો તેમણે શાસ્ત્રનો આધાર લઈ કલ્યાણનો માર્ગ નક્કી કર્યો છે. તમે શાસ્ત્રને આધારે શું નક્કી કર્યું છે ? તે કહો.
ત્યારે મુનિઓએ નિરાકારનો માર્ગ ખોટો કરીને સાકાર ભગવાનના ભજને કરીને કલ્યાણ થાય છે એમ કહ્યું. ત્યારે મહારાજ કહે અમારો પણ એ જ મત છે. પરંતુ તેમાં અમે તમને વિશેષ પૂછીએ છીએ કે અક્ષરથી પર એવા સાકાર ભગવાન જયારે પૃથ્વી ઉપર મનુષ્ય શરીર ધારીને આવે ત્યારે જે ભક્તોને તે સ્વરૂપ પ્રત્યક્ષ મળ્યું ને પછી તે ભક્તને ભગવાનનું તેજોમય સ્વરૂપ અને તેજોમય એવુ જે ધામ તેને જોવાની ઈચ્છા કે લાલચ રહે છે ત્યારે તેને નિશ્ચય છે કે નહિ ? ત્યારે મુનિઓએ કહ્યું કે તેને યથાર્થ નિશ્ચય ન કહેવાય.
ત્યારે મહારાજે શંકા કરી કે તે સ્વરૂપ અને ધામ દેખવાની લાલચ રાખે તે શું એણે પાપ કર્યું છે કે નિશ્ચયની ના પાડો છો ? ત્યારે મુનિઓએ કહ્યું કે પાપ તો નથી. બ્રહ્મમહોલ ગોલોકાદિક ધામ પણ ભગવાનના જ છે. માટે તેની પણ અરુચિ ન રાખવી જોઈએ; પરંતુ ભગવાન વિના તો તેની પણ ઈચ્છા રાખતા નથી.
ત્યારે ફરી મહારાજે શંકા કરી : તે ધામ અને ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્યમૂર્તિ છે ને માયા પર છે. માટે તેમાં શું દૂષણ છે કે તેમને ન ઈચ્છે ? અને ભગવાન પ્રગટ બિરાજતા હોય તે સ્થાન અને ત્યાં રહેતા સેવક તે તો નાશ થઈ જાય એવા હોય. તો પેલા દિવ્ય ધામ અને સેવકો કરતા અહીં શું વિશેષતા છે કે આને મળીને પૂર્ણતા મનાય અને પેલાની ઈચ્છા કરવાથી અપૂર્ણતા મનાય ? જો કોઈ વિશેષતા હોય તો તે દિવ્ય સ્વરૂપમાં છે.
અહીં જે સ્વરૂપ છે અને જે સેવકો છે તેને વધારેમાં વધારે માનીએ તો તે સંપૂર્ણ છે તેમ માનીએ. તેમાં કાંઈ ઓછું નથી તેમ માનીએ. જો કાંઈક વિશેષતાનો સંભવ હોય તો તે દિવ્ય સ્વરૂપમાં છે. ન્યૂનતાનો સંભવતો નથી જ. જયારે અહીંના સ્વરૂપમાં વધુ માનીએ તો તે સ્વરૂપથી એક રોમ પણ ઓછું નથી, એમ માની શકાય; પણ એથી વધુની સંભાવના તો નથી જ. તો પછી અહીં રહેલા સ્વરૂપમાં શી વિશેષતા છે, ને ધામમાં રહેલા દિવ્ય સ્વરૂપમાં શી ઊણપ છે કે તેને ઈચ્છવા યોગ્ય નથી અને મનુષ્યાકાર સ્વરૂપ ઈચ્છવા યોગ્ય છે ?
ત્યારે મુનિઓએ બચાવ કર્યો અહીં પૃથ્વી ઉપર જે સ્વરૂપ છે તે સ્થાનને અમે બ્રહ્મધામ માનીએ છીએ. સેવકોને બ્રહ્મસ્વરૂપે સમજીએ છીએ. ત્યારે વળી મહારાજે શંકા કરી : અહીં રહેલા સ્થાન અને સેવકોને કયા માધ્યમથી દિવ્યની બરોબર કહો છો ? કારણ કે તે તો અખંડ છે, અવિનાશી છે. મૃત્યુલોકમાં જે ઘર અને પાર્ષદો છે તે નાશવંત છે. તેને તે બરાબર કેમ કહેવાય ? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ તેનો ઉત્તર તો તમે જ કરો.
અહીં અત્યાર સુધીના મહારાજના ઉલટ પ્રશ્નોથી એવું નથી માનવાનું કે સંતોના ઉત્તરમાં ખામી હતી. ઉલ્ટું હવે પછીના મહારાજના છેલ્લા જવાબ પ્રમાણે મુનિઓના જવાબ પણ અનુરૂપ જ હતા. તો પણ મહારાજે જે ઉલટ પ્રશ્નો કર્યા તે વાસ્તવિકતાનો નિખાર લાવવા માટે કર્યા છે. સાચું તથ્ય બહાર લાવવા માટે કર્યા છે. મહારાજનું કહેવાનું એ છે કે ભગવાન મનુષ્ય સ્વરૂપે પૃથ્વી ઉપર હોય ત્યારે મુમુક્ષુઓ અને સાધકો માટે ધામમાં જે તેજોમય સ્વરૂપ છે અને દિવ્ય સેવકો છે તેવું જ આ સ્વરૂપ અને અહીંના સેવકો છે. અણુમાત્ર પણ ન્યૂન નથી. ઉલ્ટું પૃથ્વી ઉપર જે સ્વરૂપ અને સેવકો છે તેની કાંઈક વિશેષતા પણ છે. મહારાજનું ધામસ્થ સ્વરૂપ પૂર્ણ ષડ્ઐશ્વર્ય સહિત છે, તેવું જ પૂર્ણ અહીં પૃથ્વી ઉપર જે સ્વરૂપ છે તે છે. ગીતામાં કહ્યું છે કે… ‘પ્રકૃતિં સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા ।'(ગી.૪૬) ભગવાન પોતાનાં શક્તિ, સામર્થ્ય અને ઐશ્વર્ય સહિત જ અવતાર ધારણ કરે છે.
માટે જયારે જરૂર પડે તો કોઈક ભક્તને મનુષ્ય સ્વરૂપમાં દિવ્ય સ્વરૂપ બતાવે પણ છે. ઉલ્ટું પોતાની કરુણાથી તેને તે ગુણોનો પ્રકાશ અને પ્રભાવ ઢંકાયેલો હોય છે. જે ભગવાન પોતે પોતાની ઈચ્છાથી ઢાંકીને રાખે છે. માટે ગુણો તેના તે જ છે.
પોતાનાં દિવ્ય તેજ કે ઐશ્વર્ય વગેરેનું પણ તેમજ છે. દરેક રીતે ધામમાં રહેલા દિવ્ય સ્વરૂપ કરતા પૃથ્વી ઉપર રહેલા મનુષ્યાકાર સ્વરૂપમાં કોઈ પ્રકારે ન્યૂનતા નથી આવતી. ઉલ્ટું પરમાત્માના અધમઉદ્ધારણ, પતિતજનપાવન, દીનબંધુ, શરણાગતરક્ષક, સૌશીલ્યરાશિ એ આદિક કૃપામૂલક ગુણો છે. તે દિવ્ય સ્વરૂપમાં છે તો ખરા અને અત્રે પણ છે; પરંતુ ધામમાં રહેલા દિવ્ય સ્વરૂપમાં આ ગુણોના પ્રકાશનને ભૂમિકા મળતી નથી. એટલે અપ્રકાશિત રહે છે. ત્યાં દીન, અધમ, પતિત પાત્રો કયાંથી પ્રાપ્ત થાય ! માટે અવતાર દશામાં જ તેનો પૂર્ણ પ્રકાશ થાય છે.
મુમુક્ષુઓ અને સાધકોને પરમાત્માના અધમ ઉદ્ધારણ, દીનબંધુ, શરણાગતરક્ષક, સૌશીલ્યરાશિ એ આદિક કૃપામૂલક ગુણોની સાચી જરૂર છે. તેટલી પ્રકાશ કે તેજની જરૂર નથી. સંસારદશામાંથી બહાર નીકળવા માટે પરમાત્માના આ ગુણો સંજીવની રૂપ બને છે માટે કાંઈ નહિ તો હિત માટે તો પેલા દિવ્ય સ્વરૂપ કરતા આ સ્વરૂપમાં જ વિશેષતા છે. જેને તથ્યનું ભાન નથી કે આ ગુણોની ઓળખાણ નથી તે તેનું અજ્ઞાન છે. જે આ સ્વરૂપને મૂકીને પેલા સ્વરૂપમાં જવાની પ્રેરણા આપે છે. નહિ તો આ સ્વરૂપમાં પણ તેજ, પ્રકાશ વગેરે ગુણોની કયાં ખોટ છે ?
મહારાજે એક વચનામૃતમાં કહ્યું છે કે ઉલ્ટું તે સ્વરૂપ જોઈને જીવને કલ્યાણનો નિશ્ચય અને સુખ થતું નથી. કલ્યાણનો નિશ્ચય તો મનુષ્યાકારમાં જ થાય છે. માટે પોતાના કલ્યાણ માટે શુ જરૂરી છે તેનો પણ તેને ખ્યાલ નથી. ભકતપણાની ઊણપ દેખાય છે. જો ઓળખાણ હોય તો પૃથ્વીપર રહેલા મહારાજમાં નિમગ્ન થવાની જરૂર છે અને જો નિમગ્ન થાય તો દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ થવાની જ છે. ઉલ્ટું જયારે આ સ્વરૂપમાં નિમગ્ન ન થઈ શકાયું અને દિવ્ય સ્વરૂપની તીવ્ર ઈચ્છા રહી તો તે દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થશે કે નહિ તેની સંદિગ્ધતા છે.
જો કે પૃથ્વી પર રહેલું સ્વરૂપ અને દિવ્ય સ્વરૂપ અલગ છે જ નહીં. બન્ને એક જ છે પણ સમજવા માટે આવો વિભાગ કરીને બતાવાય છે. તેથી જ તો મહારાજે આ વચનામૃતમાં પણ છેલ્લો જવાબ એ જ આપ્યો છે કે જયારે ભગવાન જીવના કલ્યાણને અર્થે મૂર્તિ ધારે ત્યારે ધામ, ઐશ્વર્ય અને દિવ્ય પાર્ષદને લઈને તે સહિત જ અહીં પધારે છે. તે પણ સાધારણ જીવોને માયિકભાવ ટાળીને દિવ્ય મુકતોની પંકિતમાં ભેળવવા માટે કેવળ કરુણાથી જ એમ કરે છે. વળી આ કરુણા મર્યાદા તો ત્યારે વટાવે છે કે એ દિવ્ય સેવકોની સેવાનો ત્યાગ કરીને ભગવાન પૃથ્વીપરના સેવકોની સેવાને ગ્રહણ કરે છે. જે સેવાને ધામમાં દિવ્ય સ્વરૂપે ગ્રહણ કરે છે અને તે ભકતોને પણ દિવ્ય બનાવવા માટે આવું કરે છે.
આ વાસ્તવિકતાનું જેને ભાન અને જ્ઞાન નથી તેને જ પેલા સ્વરૂપને જોવાની ઈચ્છા થાય છે તેથી જ તો મહારાજે વચ.ગ.પ્ર.૯માં કહ્યું છે કે એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. વળી એક વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે તેને મુખે ગીતા, ભાગવત આદિ શાસ્ત્ર સંભળાય તો સારું થતું નથી, ઉલ્ટું ભૂંડું થાય છે.