ગપ્ર–૭૦ : કાકાભાઈનું – ચોરને કાંટો વાગ્યાનું

પ્રતિપાદિત વિષય :

પોતાના જીવના કલ્યાણને માટે સત્સંગ કરવો.

મુખ્ય મુદ્દા :

૧. અંતરમાંથી વિષય ભોગવવાની હા કોણ કહે છે અને ના કોણ કહે છે ? તેનું સ્પષ્ટીકરણ.

ર. અંતરમાં રહેલા કુસંગીઓ અને સંતની ઓળખાણ.

૩. પોતાના જીવનું કલ્યાણ થાય એવો જ સત્સંગ કરવાનો હેતુ હોવો જોઈએ.

વિવેચન :–

અહીં પ્રથમ પ્રશ્ન રોજકાના કાકાભાઈએ નિત્યાનંદસ્વામીને પૂછયો છે : અંતરની માંહેલી કોરે એક કહે છે કે વિષય ભોગવીએ અને એક તેની ના પાડે છે. તે બન્ને કોણ છે ? ત્યારે નિત્યાનંદસ્વામીએ તેનો ઉત્તર કર્યો છે કે ના પાડે છે તે જીવ છે અને હા પાડે છે તે મન છે. શ્રીજી મહારાજે તેનો ઉત્તર જુદી રીતે કર્યો છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં ઉત્તર ઘણો લાંબો આપ્યો છે, પણ તેનો સાર એટલો છે કે વિષય ભોગવવાની હા પાડે છે તે અંતરમાં રહેલા કુસંગીઓ છે અને ના પાડે છે તે અંતરમાં રહેલા સંત છે.

નિત્યાનંદ સ્વામીએ ઉત્તર કર્યો તે ઉત્તર શ્રીજી મહારાજને સંપૂર્ણપણે માન્ય નહીં હોય એવું વચનામૃત ઉપરથી જણાય છે. કારણ કે સ્વામીએ ઉત્તર આપ્યા પછી મહારાજે તેને અનુમોદન આપ્યું નથી. જો ઉત્તર સંપૂર્ણપણે માન્ય હોય તો શ્રીજી મહારાજ ઘણી વખત વચનામૃતમાં કહે છે કે ”યથાર્થ ઉત્તર થયો” એમ કહીને અનુમોદન આપે છે, પણ તેવું અનુમોદન અહીં આપ્યું નથી. છતાં સ્વામીનું ગૌરવ જળવાઈ રહે અથવા કિંચિત્‌અંશે તે જવાબ સાચો હોય માટે વિરોધ પણ કર્યો નથી. ઘણી વખત ‘તમને તો તેની દીશ જ જડી નહીં’ એમ કહીને અથવા કોઈક આશંકા કરીને મહારાજ સંતોના ઉત્તર ખોટા કરતા હોય છે. અહી તેવું પણ કર્યું નથી. એ પ્રશ્નનો જુદી રીતે સીધો ઉત્તર કર્યો છે.

નિત્યાનંદ સ્વામીએ કરેલા ઉત્તરમાં વિરોધ એ આવે છે કે જીવ વિષય ભોગવવાની ના પાડે છે અને મન હા પાડે છે, એવું ઘટી શકતું નથી. કારણ કે મહારાજે જ વચ.ગ.મ.પ્ર.ર૩મા એમ કહ્યું છે કે ‘આજ અમે મનનું રૂપ વિચારીને જોયું તે મન જીવથી જુદું ન દેખાયું મન તો જીવની જ કોઈક કિરણ છે, પણ જીવ થકી જુદું નથી.’ તથા વચ.ગ.અં.પ્ર.૬મા કહ્યું છે કે ‘જે વાત જીવને ન ગમતી હોય તે વાતનો મનમાં ઘાટ થાય જ નહીં અને જયારે કાંઈક મનને ગમતું હોય ત્યારે મન જીવને સમજાવે’ તથા વચ.ગ.મ.પ્ર.૬૩મા શ્રીજી મહારાજે કહયું છે જે ”જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિઓ છે. અંતઃકરણને જયાં ઘટિત હોય ત્યાં ચાલવા દે”

આમ સ્વામીએ જે ઉત્તર આપ્યો તે વિષય ભોગવવાની હા પાડે છે તે મન છે અને ના પાડે છે તે જીવ છે. તે મહારાજનાં આ વચનોની સાથે અનુરૂપ સંગતિ ભરેલો નથી. કારણ કે જીવ જો ના પાડે તો મન વિષય ભોગવવાની હા પાડી શકે નહિ. તેથી મહારાજે સ્વયં તેનો ઉત્તર કર્યો છે.

મહારાજે ખૂબ જ સુંદર ઉત્તર કર્યો છે. મનુષ્યની આજુબાજુના સંબંધવાળા તમામ પદાર્થો છે તે બે પ્રકારના છે. એક સૂક્ષ્મરૂપે તે પદાર્થો જીવના હૃદયમાં રહ્યા છે અને સ્થૂળરૂપે પોતપોતાના સ્થાનમાં રહ્યા છે. તેથી પાંચેય ઈન્દ્રિયના વિષયો તથા અહં મમત્વને સંબંધ ધરાવતા પદાર્થો જેમ બહાર પોતપોતાના સ્થાનમાં રહ્યા છે, તેમ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને જીવના હૃદયમાં પણ રહ્યા છે. તેથી જીવના હૃદયમાં રહેલા આ પદાર્થો જીવને જેવા બંધન કરે છે એવા બાહ્ય પદાર્થો નથી કરતા. હૃદયમાં રહેલી સ્ત્રી જે બંધન સર્જે છે તેટલી કદાચ બહાર હોય તે મોક્ષના માર્ગમાં એટલી અવરોધક નહિ બની શકે. તેનાથી ઉલ્ટું તેવી જ રીતે ભગવાન સંબંધી પદાર્થો પણ જેમ બહાર છે તેમ સૂક્ષ્મરૂપ ધારણ કરીને દૈવી જીવના હૃદયમાં રહે છે.

હૃદયમાં રહેલા ભગવાન અને સંતના સ્વરૂપો, બાહ્ય સ્વરૂપો કરતા વધારે સહાયરૂપ થાય છે. તે અંતરમાં રહેલા સંત અને કુસંગીના સ્વરૂપો, તેમનું પોષણ બાહ્ય સંત અને બાહ્ય કુસંગીથી જ થાય છે. જેમ જેમ બહાર રહેલા સંતમાં હેત કરતો જાય તેમ તેમ અંતરમાં રહેલા સતનું બળ વધતું જાય છે. બહાર રહેલા કુસંગીનું સેવન વધારે કરે અને તેમાં પ્રીતિ રાખે તો અંતરમાં રહેલા કુસંગીઓનું બળ વધે છે. કુસંગીઓને વિષય ભોગવવા પ્રિય લાગે છે. સંતને ભોગવવા સારા લાગતા નથી માટે તે ના પાડે છે. જેથી તે સંત અને કુસંગીમાં હેતથી નિર્માણ થયેલો વિચાર જ વિષય ભોગવવાની હા તથા ના પાડે છે. અંતરમાં રહેલા સંત ભાવનાત્મક છે. જયારે કુસંગી પણ કુસંગીનું સેવન કરીને હૃદયમાં વાસનાત્મક રૂપે આવે છે. માટે તે બન્ને હા તથા ના પાડે છે.

આ વચનામૃત પૂરતું આપણે એમ કહી શકીએે કે જે જગત અને પંચવિષય તરફ દોરે તે કુસંગી છે, પછી તે મા બાપ હોય તો પણ કુસંગી છે. મહારાજે વચનામૃતમાં તેનું જ દૃષ્ટાંત આપ્યું છે અને ભગવાન તરફ દોરે તો તે સંત છે. આ બન્નેનો બહાર જેમ સંઘર્ષ છે તેમ આપણા હૃદયમાં પણ વિચારાત્મક સંઘર્ષ રહેલો છે. મહારાજે તેનો મહાભારતના યુદ્ધના દૃષ્ટાંતથી ચિતાર આપ્યો છે અને અંતે આપણને એવી હિંમત આપી છે કે જેમના પક્ષમાં આ શ્રીજી મહારાજ અને સંતો છે તેનો જ વિજય થશે. તેથી તો ગીતામાં પણ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે…

યત્ર યોગેશ્વરો કૃષ્ણઃ યત્ર પાર્થો ધનુર્ધરઃ ।
તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધુ્રવા નીતિર્મતિર્મમ ।। (ગીતા ૧૮૭૮)

રાજાના શૂરવીરનું દૃષ્ટાંત આપીને આપણે જે અંતરના કુસંગ સાથે લડાઈ લઈએ છીએ તે મહારાજ જાણે છે તેવી પણ હિંમત આપી છે.

વળી જસકાવાળા જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો છે : ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય ? ત્યારે સ્વામીએ તેનો ઉત્તર કર્યો છે : કુસંગી થકી છેટે રહીએ અને સંતોનો સમાગમ અતિશય રાખીએ તો ભગવાનનો અડગ નિશ્ચય થાય. સ્વામીના આ ઉત્તરમાં પણ મહારાજને આગળના પ્રશ્નની જેમ ઊણપ જણાતા પોતે જ કૃપાએ કરીને તેનો ઉત્તર કર્યો છે.

મહારાજને તેમાં ઊણપ એ જણાણી છે કે ઘણી વખત સંતોનો સમાગમ અતિશય કરતા હોય અને કુસંગી થકી દૂર રહેતા હોઈએ તો પણ કોઈક લાલચથી અથવા આ લોકની મનોકામના પૂરી કરવાની ઈચ્છાથી જો સત્સંગ કરતા હોઈએ તો નિશ્ચયમાં વિધ્ન આવે છે. માટે શ્રીજી મહારાજે એવો ઉત્તર કર્યો કે સત્સંગ કરવો તે પોતાના જીવના કલ્યાણ માટે કરવો એટલે કે સંતોનો સત્સંગ કરવો તે નિશ્ચય બળવાન કરવા કરવો. તો જ કલ્યાણ થાય.

એવી રીતે આશય રાખીને સંતોનો સમાગમ અતિશય કરે અને કુસંગ થકી છેટે રહે તો જ અડગ નિશ્ચય થાય. જો કે ભગવાનનો આશ્રય કરવાથી ‘શૂળીનું દુઃખ કાંટેથી સરે’ એટલે કે દૂર થાય છે, પણ કદાચને આપણા પ્રારબ્ધમાં જગતનાં સુખ ન હોય અને આપણે માગીએ તો પણ ભગવાન કદાચ ન આપે. માટે સત્સંગ કરીને તેની આશા ન રાખવી તો જ અડગ નિશ્ચય થાય.