પ્રતિપાદિત વિષય :
ભગવાનનો માહાત્મ્ય સહિત નિશ્ચય અથવા નિષ્ઠાનું સ્વરૂપ.
મુખ્ય મુદ્દા :
૧. પોતાનો વ્યક્તિગત સ્વાર્થ છોડીને ભગવાનની અને ભગવાનના ભક્તની તરફેણમાં પ્રાણાંત જીવન જીવવું તે નિષ્ઠા કહેવાય.
ર. બદલો લેવા ન ઈચ્છે તે ગરીબ કહેવાય.
૩. મનુષ્ય ચરિત્રમાં ચલિત ન થાય તે પણ નિષ્ઠા કહેવાય.
૪. ભગવાનની નિષ્ઠામાં શ્રદ્ધા, આસ્તિકતા, દૈવીભાવ વગેરે મદદરૂપ થાય છે તેવી બુદ્ધિની તીવ્રતા થતી નથી.
વિવેચન :–
આ વચનામૃતમાં મુકતાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી કે કાલને દિવસ દાદાખાચર આગળ તમે બહુ રૂડી વાત કરી હતી. તે અમારે બધાને સાંભળવાની ઈચ્છા છે. ત્યારે શ્રીજી મહારાજે વાત કરી કે જે ભકતને ભગવાનનો માહાત્મ્ય સહિત નિશ્ચય હોય અને સંત તથા સત્સંગનું માહાત્મ્ય ઘણું જાણતો હોય ને જેને આવી બળવાન નિષ્ઠા હોય તેના કર્મ કઠણ હોય અને કાળ કઠણ હોય તો પણ તે બન્ને મળીને તે ભક્તનું ભૂંડુ કરી શકતા નથી. અને જેને ભગવાન અને સંતને વિષે નિષ્ઠામાં કાંઈક ફેર હોય ડગમગાટ હોય તો મહારાજ કહે અમે રૂડું કરવા જઈએ તો પણ ખુદ અમારાથી રૂડું થઈ શકતું નથી એવો ભગવાન અને ભગવાનના ભકતને વિષે નિષ્ઠાનો મહિમા કહ્યો છે.
અહીં મહારાજે નિષ્ઠા શબ્દનો પ્રયોગ કર્યેા છે. સંપ્રદાયમાં પણ નિષ્ઠા શબ્દ ખૂબ મહિમાવંતો અને પ્રસિદ્ધ છે. આ નિષ્ઠા એટલે શુ ? તો નિષ્ઠાનો સામાન્ય અર્થ ગતિનો અભાવ–ગતિનો અંત–વિરામ–પ્રાણાંત–મૃત્યુ સુધી, આવા અર્થેા થાય છે. તે અર્થને સાથે રાખીને સંપ્રદાયમાં તેનો વિશિષ્ટ ભાવાતિરેકમાં પ્રયોગ થાય છે. જેમ કે નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે તેનો સાદો અર્થ પ્રાણાંત બ્રહ્મચર્ય વ્રતને ઘારણ કરનારા. એટલે કે મૃત્યુ સુધી બ્રહ્મચર્ય પાળીશ એવું વ્રત જેને છે તે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. તેવી જ રીતે ભગવાન પ્રત્યે અથવા ભગવાનના ભકત પ્રત્યે સમર્પણની પ્રાણાંત પારાકાષ્ઠા ને નિષ્ઠા કહેવાય છે.
ધ્યેય કે ભગવાનને માટે મરવું અને તેને માટે જીવવું આ બન્ને વસ્તુમાં મરવું સહેલું છે, પણ જિંદગીભર ધ્યેયને આગળ રાખીને જાળવી રાખવું; તેના માટે જ જીવવું અને તેના માટે જીવતાં જીવતા મરવું એને નિષ્ઠા કહેવામાં આવે છે. તેમાં આવતા અવરોધોને હસતે મોઢે સહન કરવા તેને નિષ્ઠા કહેવામાં આવે છે. મહારાજે કહ્યું કે જેને ભગવાન અને સંતને વિષે નિષ્ઠા છે તે ભકતનું કાળ, કર્મ ભેળા મળીને પણ અવળું કરી શકતા નથી. જો નિષ્ઠામાં ફેર હોય તો અમે પણ સારું કરવા જઈએ તો પણ સારું કરી શકતા નથી.
મહારાજે પોતાના કરતા પણ પોતાના ભકતની નિષ્ઠાને વધુ મહત્ત્વ આપ્યું છે. ભગવાન સાથે વર્તવામાં કાઈ ખામી આવી હોય તો ભગવાનના ભક્ત વચ્ચે પડીને અથવા પ્રાર્થના કરીને તેને સુધારી શકે છે; તેનું સમાધાન કરાવી શકે છે પણ ભક્ત સાથે દુર્વ્યવહાર કરે તો ભગવાન સુધારતા નથી. આમ પોતાના ભક્તને ભગવાન પોતા કરતા પણ વધુ મહત્ત્વ આપે છે એવો સંત–ભકત પ્રત્યે નિષ્ઠાનો મહિમા છે.
વળી મહારાજ કહે કે જે ગરીબને કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડું થાય નહિ. માટે ગરીબ, ભગવાનનો ભકત હોય કે અન્ય કોઈ હોય પણ ગરીબ માત્રને લેશમાત્ર દુઃખવવો નહિ. જો ગરીબને દુઃખવે તો બ્રહ્મહત્યા જેટલું પાપ લાગે છે. પ્રશ્ન એ છે કે ગરીબ કોને કહેવો ? તે શાસ્ત્રમાં કહ્યુ છે કે કોઈ પોતાના ઉપર અપકાર કરે અને પોતે સમર્થ હોય તો પણ કદાપિ બદલો લેવા ન ઈચ્છે તેને ગરીબ જાણવો. કોઈ સાધન સંપત્તિથી ઓછા હોય અથવા ખાવા અન્ન કે પહેરવા વસ્ત્ર ન મળતું હોય તો પણ શાસ્ત્ર તેને ગરીબ છે એમ કહેતું નથી. કદાચ ને સરકાર તેને ગરીબ માનતી હશે પણ શાસ્ત્ર તો આગળ લક્ષણ કહ્યાં એવો હોય તેને જ ગરીબ માને છે.
અગવડતા અને વસ્તુના અભાવવાળું જીવન હોય તો પણ સ્વભાવ વિચિત્ર હોય તો તે ગરીબ નથી. બીજું સાધન સંપત્તિથી સુખી હોય અને સર્વ રીતે સમર્થ હોય તો પણ પોતાની ખાનદાનીથી બદલો લેવાની ઈચ્છા ન રાખે. દા.ત. અંબરીષ–દુર્વાસાના પ્રસંગમાં અંબરીષ ગરીબ કહેવાય. રા’માંડલીક ને નરસિંહ મહેતાના પ્રસંગમાં નરસિંહ મહેતા ગરીબ કહેવાય.’ ભગવાનને ગરીબનવાજ, ગરીબના બેલી વગેરે જે કહેવાય છે તે એવા ગરીબને નિહાલ કરનારા કહેવાય છે. અભાવગ્રસ્ત ગરીબને નિહાલ કરનારા નહિ. તે તો પોતાના પ્રારબ્ધનું ફળ ભોગવે છે. જયારે પેલા ગરીબ ભગવાનની કૃપાનું પાત્ર ગણાય છે. માટે એવા ગરીબને કયારેય દુઃખવવા નહિ. તેને જો ફજેત કરે તો કલંક ભલે સાચું હોય તો પણ ફજેત કરનારો પાપી બને છે.
મહારાજ કહે છે પાંચ પ્રકારની સ્ત્રીઓનો ધર્મભંગ કરાવે તો તેને બ્રહ્મહત્યા જેટલું પાપ લાગે છે. ૧.પોતાના ધર્મની રક્ષા માટે શરણે આવી હોય. ર. વ્રત, ઉપવાસને દિવસે પોતાની સ્ત્રી પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય. ૩. પતિવ્રતા હોય. ૪. વિધવા હોય. પ. વિશ્વાસી હોય. આ પાંચ સાથે વ્યભિચાર કરે તો તેને બ્રહ્મહત્યા જેટલું પાપ લાગે છે.
પછી મુનિ ભગવાનનાં રસિક કીર્તન ગાવા લાગ્યા તેને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા કે ભગવાન જીવના કલ્યાણને અર્થે દેહ ધરે છે ત્યારે મનુષ્યના જેવી જ સર્વ ક્રિયા હોય. જેમકે મનુષ્યને વિષે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોઘ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા વગેરે માયિક સ્વભાવ હોય તેવા જ સ્વભાવ પોતામા બતાવે છે તેને દેખીને ભગવાનનો ભક્ત હોય તે ચરિત્ર જાણીને આનંદ પામે છે અને પરમપદને પણ પામે છે, જયારે વિમુખ જીવ હોય અથવા કાચો–પોચો હરિભકત હોય તો તે ચરિત્રને વિષે દોષ પરઠે છે.
જેવી રીતે રાસપંચાધ્યાયીની લીલા ભગવાને કરી તે બિલકુલ લૌકિક શૃંગારિક ઢાળની હતી. કામી પુરુષોને બિલકુલ મળતી ચેષ્ટાઓ ભગવાને કરી છે તેને સાંભળતા પણ માહાત્મ્ય વિનાના મનુષ્યોના શૃંગારને ઉત્તેજિત કરે તેવી લીલાઓ કરી છે. શુકદેવજીએ તો તે લીલાનું મહિમાપૂર્વક ગાન કર્યુ. ભગવાનનો અતિ માનુષી મહિમા સમજી મસ્તીમાં આવી જઈને ગાન કર્યુ. પણ તે જ લીલા સાંભળીને પરીક્ષિત રાજાને સંશય થયો કે ભગવાન ધર્મની મર્યાદા સ્થાપન કરવા પ્રગટ થયા હતા. તો તેણે પરસ્ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો. જયારે શુકદેવજી તો મહિમા સમજતા હતા. તેમની દૃષ્ટિએ ભગવાને ધર્મભંગ કર્યો જ નથી. તેઓ એમ સમજતા હતા કે એવા મોટા ભગવાન તેને પંચવિષય દૃષ્ટિમાં જ નથી. સ્ત્રી અને પુરુષ એવો ભેદ પણ એમની દૃષ્ટિમાં જ નથી. સ્ત્રીના હૃદયમાં પણ અંર્તયામી પોતે જ બેઠા છે. તો તેને સ્ત્રી કે વિષય કેમ હોય ? પરંતુ કામદેવને બઘા દેવોને જીતી લીધાનો ગર્વ હતો તેના ગર્વને ઉતારવા ભગવાને તેને પડકાર્યેા.
બળવાન રાજા જેમ સામેથી દારૂગોળો આપીને પછી તે સાથે લડવા જાય તેમ કામદેવને સાનુકૂળ અને કામોત્તેજક વાતાવરણ આપીને તેમાં પણ અખંડ ઉર્ધ્વરેતા રહ્યા અને કામના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. આવી સામર્થીભગવાન સિવાય બીજા કોઈમાં ન હોય એમ સમજીને શુકદેવજીએ લીલાનું ગાન કર્યું. જેને સંગે ભગવાને વિહાર કર્યેા તે ગોપીઓને પણ અવગુણ ન આવ્યો. ઉલટી ‘અજીત એ અબળા પેખે રે’ શ્રીકૃષ્ણ અજીત છે. એવો બીજો કોઈ પુરુષ નથી. એમ મહિમા સમજવા લાગી, પણ પરીક્ષિતને અવગુણ આવ્યો. માટે પરમહંસમાત્રના ગુરુ શુકદેવજી ગણાયા છે. તેણે પરમાત્માનાં રસિક ચરિત્રો ગાયાં છે. જેથી પરમહંસ હોય તો પણ તેણે ભગવાનનાં રસિક ચરિત્રો ગાવવાં, પણ તેમાં અવગુણ લઈને વિમુખની પંકિતમાં ભળવું નહિ.
ભગવાનની મોટાઈ તો એવી છે કે જેના એક એક રોમના છિદ્રમાં અનતકોટી બ્રહ્માંડ ઉડતાં ફરે છે. તેવા મોટા ભગવાન તે મનુષ્ય જેવા થાય ત્યારે જીવને સેવા કર્યાનો યોગ પ્રાપ્ત થાય છે. જો તેવા ન થાય અને મોટા જ રહે તો બ્રહ્માદિકને પણ દર્શન અને સેવાની સામર્થી ન રહે. જેમ વડવાનળ સમુદ્રમાં રહે છે, પણ તે આપણા ઘરમાં આવીને બેસે તો દીવાનું સુખ ન રહે. ઉલ્ટું બળી મરીએ, પણ તે જ અગ્નિ દીવા જેવડો થઈને આવે તો સુખ થાય. તેમ ભગવાન મનુષ્ય જેવડા થાય અને અસમર્થ જણાતા હોય પણ જીવનું કલ્યાણ તે થકી જ થાય. જેના એક એક રોમમાં અનેક બ્રહ્માંડ રહ્યા છે તેવી મૂર્તિથી ન થાય. તેનું તો જીવ દર્શન પણ ન કરી શકે.
ભગવાન જીવોને પોતામાં હેત થાય એટલે મનુષ્ય જેવા થાય છે અને મનુષ્ય જેવી ક્રિયાઓ કરે છે. જેથી જીવને અંતરાય ન રહે અને નજીકપણું થાય. ત્યારે જો દૈવી જીવ હોય તો તેને ભગવાનમાં હેત થાય છે ને ભગવાનની ઓળખાણ થાય છે. માટે ભગવાનની ઓળખાણનું સાધન આસ્તિકતા, દૈવીપણું અને શ્રદ્ધા એ મુખ્ય છે. પુરુષાર્થ, તીવ્રબુદ્ધિ, શાસ્ત્રનું ઊંડું અધ્યયન કે વિચક્ષણ ડહાપણ ભગવાનની ઓળખાણમાં કામ આવતાં નથી. કયારેક આ બધા ગુણો ભગવાન કે મહાપુરુષોથી નજીક થવામાં અંતરાયરૂપ પણ થાય છે. અલબત્ત, બધા જ અંતરાયરૂપ થાય એવું નથી, પણ શ્રદ્ધા આદિક ગુણો ન હોય તો અતંરાયરૂપ થાય, એવું શાસ્ત્રના ઈતિહાસ ઉપરથી જણાય છે.
ગોપીઓ શાસ્ત્રની જ્ઞાતા ન હતી. જયારે શુકદેવજી શાસ્ત્રના પારંગત હતા. ઉદ્ધવજી ડહાપણમાં શ્રેષ્ઠ હતા. આ બધાને દૈવીભાવ અને આસ્તિકતા પ્રથમ હતી. તેઓને ભગવાનમાં અલૌકિકપણું દેખાતું. જયારે એ જ પરમાત્મામાં વ્રજના વિપ્રો, શિશુપાલ આદિક રાજાઓ કે બીજા તેવા મનુષ્યોને શ્રદ્ધા, વિશ્વાસના અભાવે મનુષ્યભાવ અને હીનબુદ્ધિ આવી. માટે શ્રદ્ધાથી જ ભગવાનનો પરિચય થાય છે અને શ્રદ્ધા પછી બુદ્ધિ આદિક ગુણો હોય તો સોનામાં સુગંધ ભળે છે. કોઈ ખામી રહેતી નથી.
બીજું ભગવાન અથવા શ્રેષ્ઠ પાત્રોમાં પ્રથમ બુદ્ધિનો ઉપયોગ કરે તો કદાચ ભગવાનની ચેષ્ટાઓ ગળે ઉતરતી નથી. વાસ્તવિક રીતે જ્ઞાનીઓ અને ડાહ્યાઓ પણ શ્રદ્ધા તો રાખતા જ હોય છે. તેઓ શ્રદ્ધા વિનાના છે એવું નથી હોતું તેઓ ભગવાન સિવાય અન્ય સ્થાનોમાં શ્રદ્ધાને ધારી રહ્યા હોય છે; પણ ભગવાનમાં મન મૂકીને શ્રદ્ધા રાખી શકતા નથી. તેથી પરીક્ષિતની જેમ ભગવાનની ક્રિયાઓ પોતાના હૃદયમાં બંધ બેસતી નથી.
પછી રોજકાના કાકાભાઈએ પૂછયું કે ભગવાનનો માહાત્મ્ય વિનાનો નિશ્ચય અને માહાત્મ્ય સહિતનો નિશ્ચય હોય તેનાં શાં લક્ષણ છે ? ત્યારે મહારાજે કહ્યું કે માહાત્મ્ય વિનાનો નિશ્ચય હોય તો તેનું ગમે તેટલું રાખવામાં આવે અને જાળવવામાં આવે તો પણ તેને સંતોષ થતો નથી. હૃદયમાં અધૂરપ રહ્યા કરે છે. જયારે માહાત્મ્ય સહિતનો નિશ્ચય હોય તેને તેનું કાંઈ પણ રાખવામાં ન આવે અને ઉલ્ટાના મુશ્કેલીમાં ધકેલી દેવામાં આવે તો પણ ભગવાન તરફનો તેને પૂર્ણતાનો અનુભવ થાય છે અને કેફ રહે છે.
પછી વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછયો કે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ભક્તોનાં લક્ષણ શાં છે ? તેનો ઉત્તર શ્રીજી મહારાજે આપ્યો કે પોતાને ઉત્તમ આત્મદર્શન થયું હોય અને પોતાના આત્મામાં પરમાત્માનું દર્શન થયું હોય તો પણ તેનું અભિમાન મૂકીને મનુષ્યાકાર ભગવાનને પોતા થકી ઉત્તમ માને તેને ઉત્તમ ભક્ત કહેવાય. જો ભક્તમાં ઈર્ષ્યા થાય તેને મધ્યમ ભક્ત કહેવાય અને જગત વ્યવહારમાં વધારે પ્રીતિ હોય તો તેને કનિષ્ઠ ભક્ત કહેવાય.