પ્રતિપાદિત વિષય :
એકોતેર પેઢીનો ઉદ્ધાર.
મુખ્ય મુદ્દા :
૧. જો ભક્તમાં હેત હોય તો પેઢીનોે ઉદ્ધાર થાય અથવા કુળનો ન હોય તોય ઉદ્ધાર થાય.
ર. ભક્ત સાથે વેર રાખે તો પિત્રી હોય કે બીજો હોય તો પણ ઉદ્ધાર ન થાય ને નરકમાં પડે.
વિવેચન :–
આ વચનામૃતમાં સુરાખાચરે પ્રશ્ન પૂછયો કે જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેની એકોતેર પેઢીનો ઉદ્ધાર થાય છે એમ કહ્યું છે. તેના કુળમાં કેટલાક તો સંતના ને ભગવાનના દ્વેષી પણ હોય ત્યારે તેનો ઉદ્ધાર કેવી રીતે થાય છે ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે તેનો ઉદ્ધાર થતો નથી. એ તો જેને તે ભક્તમાં પ્રીતિ હોય અથવા તે ભક્તની ભક્તિ જોઈને જે ખુશી થઈ શકતા હોય તેનો જ ઉદ્ધાર થાય છે.
મહારાજે દૃષ્ટાંત આપ્યું કે જેમ દેવહુતિએ કર્દમ ૠષિને વિશે પતિભાવે કરીને પ્રીતિ કરી હતી અને માંધાતા રાજાની પચાસ કન્યાઓ સૌભરી ૠષિનું રૂપ જોઈને વરી હતી. તેમને કામનાએ કરીને સૌભરીને વિષે હેત થયું હતું. તો સર્વેનું કલ્યાણ ૠષિ જેવું થયું. માટે જેના કુળમાં ભક્ત થયો હોય તેના કુટુંબી એમ માને કે આપણું મોટું ભાગ્ય છે કે આપણા કુટુંબમાં ભગવાનનો ભક્ત થયો. એવું સમજીને હેત રાખે તો સર્વે કુટુંબીનુ પણ કલ્યાણ થાય. પિતૃઓ સ્વર્ગમાં ગયા હોય તે પણ એમ સમજીને હેત રાખે તો તેનું પણ કલ્યાણ થાય, પણ વૈર બુદ્ધિ રાખે તો સગો બાપ, સંગી મા કે સગો ભાઈ હોય તો પણ કલ્યાણ ન થાય. તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય અને અંતે નરકમાં પડે. માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય તે સંબંધી હોય અથવા બીજો હોય તો તે સર્વેનું કલ્યાણ થાય છે.
પછી નાજે ભક્તે પ્રશ્ન પૂછયો કે ભગવાનનો ભક્ત હોય તે એક તો દૃઢ નિશ્ચયવાળો હોય ને બીજો થોડા નિશ્ચયવાળો હોય તે ઉપરથી તો બન્ને સારા દેખાતા હોય તો તે બેની ઓળખાણ કેમ પડે ? ત્યારે મહારાજે કહ્યું કે આત્મનિષ્ઠા, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ એ ચાર વાનાં દૃઢ હોય તો એને પરિપૂર્ણ નિશ્ચય છે એમ જાણવું, તેમાં જેટલું ઓછું હોય એટલો કાચો નિશ્ચય છે એમ જાણવું.