ગપ્ર–૬૯ : દુષ્ટ અને સાધુના ધર્મોનું

પ્રતિપાદિત વિષય :

હિંસામય અને અહિંસામય ધર્મનું યથાર્થ સ્વરૂપ.

મુખ્ય મુદ્દા 

:

૧. યજ્ઞાદિકને વિશે પશુ હિંસા સહિત ધર્મ કહયો છે. હિંસાયુકત ધર્મ, અર્થ અને કામપર છે.

ર. અહિંસામય જે ધર્મ છે તે જ મોક્ષપરાયણ છે.

વિવેચન :–

આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે : ધર્મ તે કેનું નામ છે ? તેનો શાસ્ત્રની રીતે ઉત્તર કરો. જે હિંસક રાજા હતા તે પણ શરણે આવ્યો જે જીવ તેને મારતા નહિ અને મારવા દેતા પણ નહિ. એટલે શરણે આવેલાને મારવા કે મરવા દેતા નહિ, પણ અશરણાગતને તો પોતે મારતા. તો શાસ્ત્ર તેને ધર્મિષ્ઠ કહે છે કે નહિ ? તેઓ વેદની મર્યાદાનું પાલન તો કરતા હતા. કારણ કે વેદમાં પણ કોઈક સ્થાને હિંસાનું પ્રતિપાદન કર્યું છે. ‘અગ્નિષોમીયો પશુમાલભેત’, ‘આતતાયી વધે દોષો નાસ્તિ’, ‘યા વેદવિહિતા હિંસા ન સા હિંસા’ ઈત્યાદિક શાસ્ત્રવિહિત હિંસા તો કરતા. તો શાસ્ત્ર તેને ધર્મિષ્ઠ કહેશે કે નહિ ? આવો પ્રશ્ન મહારાજે કર્યો ત્યારે મુનિઓથી ઉત્તર ન થયો.

ત્યારે મુનિઓએ મહારાજને સામો પ્રશ્ન પૂછયો : મહારાજ વેદોમાં હિંસા સહિત ધર્મ કહ્યો છે અને અહિંસા સહિત ધર્મ કહ્યો છે. માટે જેમ યથાર્થ હોય તેમ કહો. ત્યારે મહારાજ તેનો ઉત્તર કરતાં કહે છે કે વેદોનું તાત્પર્ય સંપૂર્ણ અહિંસાપરાયણ છે. જે હિંસા કહી છે તે હિંસાના સંકોચ માટે કહી છે. હિંસા સહિત જે ધર્મ છે તે કલ્યાણને માટે નથી. અહિંસામય ધર્મ છે તે કલ્યાણને અર્થે છે.

જગત ‘જીવો અને જીવવા દો’ એ સિદ્ધાંતથી રચાયું છે પણ ‘જીવો જીવસ્ય ભોજનમ્‌’ એ શાસ્ત્રોનો સિદ્ધાંત નથી. ‘જીવો જીવસ્ય જીવનમ્‌’એવું શાસ્ત્રનું વાકય છે. તેનો – પરસ્પર સહકાર આપવો અને તેથી જીવન શકય બને છે એવો અર્થ છે. એક બીજાના રક્ષક બનવું એવો અર્થ છે પણ ભક્ષક બનવાનો કોઈને અધિકાર નથી.

ખાસ કરીને વિવેકનો સંબંધ મનુષ્યને લાગુ પડે છે. સ્વરક્ષણ કરવાનો સર્વને અધિકાર છે. સ્વરક્ષણ કરવું એ દુષ્ટતા નથી. તેમાં પોતાનો અધિકાર છે. ઉલ્ટું તે ન થઈ શકે તો તેટલી નિર્માલ્યતા છે. હા ! તે સ્વરક્ષણ બીજાના ભોગે કરવાનો અધિકાર નથી. જો તેમ કરે તો હિંસા છે અને દુષ્ટનો ધર્મ બની જાય છે. તો પછી પોતાના ફાયદા કે સ્વાર્થ માટે બીજાને નુકસાન પહોંચાડવું તે તો તદ્દન દુષ્ટતા કહેવાય. સ્વબચાવનો દરેકને અધિકાર છે, પણ તેની ઓથ લઈને બીજાને નુકસાની કરવાનો નહીં. જો તેમ થાય તો તે અસાધુતા અને દુષ્ટતા છે.

હવે તેમાં શંકા ઉદ્‌ભવે છે કે નિવૃત્તિમાર્ગે ચાલેલા મનુષ્ય તો ઉપર કહ્યો એવો અહિંસામય ધર્મ પાળી શકે; પરંતુ સંસારી પુરુષો અને ખાસ કરીને મુમુક્ષુ રાજાઓ કે જેમને અનેક જીવોને મર્યાદામાં દોરવાના છે, શાસન કરવાનું છે. તે હિંસા વિના કેમ શકય બને ? દંડ વિના સારું કે યોગ્ય શાસન થાય !! તો તેમાં હિંસા અનિવાર્ય બની રહે અને તેને કલ્યાણની પ્રાપ્તિ થાય નહીં. ત્યારે શો ઉપાય કરવો ? તેનું સમાધાન એ છે કે શાસન કરવું અથવા અનેક જીવોને ભગવાનને માર્ગે દોરવા તે દુષ્ટ કર્મ કે દુષ્ટનો ધર્મ નથી. ગીતામાં રાજાને પોતાની વિભૂતિ કહી છે અને પોતાનો અંશ કહ્યો છે. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં અનેક જીવોને ભગવાનને માર્ગે દોરવાનું કહ્યું છે માટે તે દુષ્ટનો ધર્મ નથી.

શ્રીજી મહારાજ કહે, આવી પરિસ્થિતિમાં પણ હિંસા અનિવાર્ય બની રહે એવું નથી. અહિંસાનું પાલન ન જ થઈ શકે એવું નથી. મહારાજા યુધિષ્ઠિરનુ હજારો માઈલમાં રાજય હતું. ઉપરિચર રાજા પૃથ્વીના સમ્રાટ હતા. અંબરીષ મહારાજા પણ પૃથ્વીના સમ્રાટ હતા. તેમણે સંપૂર્ણપણે અહિંસા રાખીને રાજય કર્યું હતું. મહારાજ કહે છે કે ડારો દેનારા અને દંડ દેનારા તો ભીમસેન જેવા ઘણા મળી રહે છે. તેની કાંઈ ખોટ નથી. સાધુતા રાખવી તે જ દુર્લભ છે. બીજું કે શાસન દંડથી ચાલે તથા લોકસંગ્રહ દંડ વિના ન કરી શકાય એવું નથી.

ઈતિહાસમાં પ્રજાવત્સલ રાજા પોતાના ઉત્તમ શીલ, ચરિત્ર, લોકોત્તર ઉત્તમ સ્વભાવથી અને પુત્રવાત્સલ્યભાવથી પ્રજા પર પ્રેમથી શાસન કરતા હતા. વાસ્તવમાં તેને જ સાચું શાસન કહેવાય. ઈતિહાસમાં તેને રામરાજય કહ્યું છે. દંડ દેવાની પરિસ્થિતિ તો ત્યારે ઊભી થાય જયારે આગેવાનમાં ઉત્તમ ગુણોની ઉણપ હોય. જેની પૂર્તિ કરવા માટે સદ્‌ગુણોના અભાવરૂપ દંડનો પ્રયોગ કરવો પડે છે. માટે મહારાજ કહે છે કે સાધુને તો મન, કર્મ વચને કરીને કોઈનું ભૂંડું વાંચવું નહિ, કોઈ વાતનો અહંકાર રાખવો નહિ અને સર્વના દાસાનુદાસ થઈને રહેવું. ક્રોધેયુકત પ્રકૃતિ છે તે દુષ્ટનો ધર્મ છે અને શાંત સ્વભાવે વર્તવું એ સાધુનો ધર્મ છે. ભીમસેન જેવા તીખા સ્વભાવવાળાની આ દુનિયામાં ખોટ નથી. સાધુ થવું એ જ ઘણુ કઠણ કે દુર્લભ છે.