પ્રતિપાદિત વિષય :
ભગવાનની અષ્ટ પ્રકારની પ્રતિમા તથા સંત તેમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે.
મુખ્ય મુદ્દા :
૧. ભગવાનની પ્રતિમા તથા સંતમાં જેને આસ્તિકતા નથી તેને ભગવાનના સ્વરૂપમાં પણ આસ્તિકતા નથી એમ જાણવું.
ર. જેને પ્રત્યક્ષ સાધનમાં આસ્તિકતા નથી તેને સાધ્યમાં પણ વિશ્વાસ નથી એમ જાણવું.
વિવેચન :–
આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે : ઓગણોતેરા કાળમાં (સંવત્૧૮૬૯) અમને નિદ્રા આવે ત્યારે એમ ભાસતું જે અમે પુરુષોત્તમપુરીને વિષે જઈને જગન્નાથજીની મૂર્તિને વિશે પ્રવેશ કરીને રહ્યા છીએ. તે મૂર્તિનાં નેત્રે કરીને અમે સર્વને દેખતા અને પૂજારીના ભક્તિભાવ તથા છળ કપટ દેખતા. શાસ્ત્રમાં પણ એવાં વચન છે કે શુકદેવજી વૃક્ષમાં રહીને બોલ્યા. માટે ભગવાન કે મોટા પુરુષ ગમે તે દ્વારે આપણા છળ કપટ અને આપણો ભક્તિભાવ દેખે છે. એમ માનીને ભગવાનની પૂજવા આપેલ મૂર્તિમાં શ્રીજી મહારાજ સાક્ષાત્રહ્યાં છે એમ માનીને પૂજા કરવી જોઈએ. એવી રીતે અષ્ટ પ્રકારની મૂર્તિમાં ભગવાન નિવાસ કરીને રહ્યાં છે. માટે તેની પ્રત્યક્ષના જેવી મર્યાદા રાખવી જોઈએ અને સાક્ષાત્રહ્યાં છે એવી આસ્તિકતા રાખવી જોઈએ.
સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. કારણ કે ભગવાને શ્રીમુખે એમ કહ્યું છે કે મારી અષ્ટ પ્રકારની મૂર્તિ તથા સંત તેને વિષે હું અખંડ નિવાસ કરીને રહ્યો છું. ‘મમ ઉર સંતન, અરૂ મૈં સંતન ઉર, વાસ કરું સ્થિર હોઇ’ એવી રીતે સંતમાં પણ ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે. માટે તેની મર્યાદા અને આસ્તિકતા રાખવી જોઈએ. જે ભક્ત મૂર્તિની અને સંતની મર્યાદા રાખતો નથી. મૂર્તિને ચિત્રામણ કે પાષાણાદિકની જાણે છે. સંતને બીજા સામાન્ય મનુષ્ય જેવા જાણે છે. એટલે કે મૂર્તિમાં સાક્ષાત્ભગવાન રહ્યા છે અને સંત પવિત્ર પુરુષ છે, એવી આસ્તિકતા નથી રાખતો અને તેનો ડર નથી રાખતો; તેની સામે ગમે તેટલા ફેલફીતૂર કરે છે તેને ભગવાનનો નિશ્ચય છે કે નહિ ? અર્થાત્તેને ભગવાનમાં ભક્તિ છે કે નહિ ?
ત્યારે સંતોએ ઉત્તર આપ્યો કે તેને નિશ્ચય નથી અને તેથી ભગવાનમાં ભકિત નથી. કારણ કે નિર્દોષ પ્રત્યક્ષમાં જેને પ્રતીતિ કે આસ્તિકતા નથી તેને પરોક્ષપણે આરાધ્ય સ્વરૂપે રહેલા પરમાત્મામાં પ્રતીતિ અને ભક્તિ કયાંથી હોય ? જેને યોગ્ય અને સાચા સાધનમાં પ્રતીતિ નથી. તેને સાધ્યમાં પણ પ્રતીતિ નથી. રામાનુજાચાર્યજીએ પણ શ્રી ભાષ્યમાં લઘુસિદ્ધાંતમાં કહ્યું છે કે ‘સાક્ષાત્કારરૂપા સ્મૃતિર્સ્મર્યમાણાત્યર્થપ્રિયત્વેન સ્વયમપ્યત્યર્થપ્રિયા ।’
સંત છે તે પરમાત્માની પ્રાપ્તિનું અથવા પરમાત્માનો નિશ્ચય કરાવવાનું પ્રથમ પ્રત્યક્ષ સાધન છે. પરમાત્માને વિષે આસ્તિકતા ઊભી કરવામાં સંત પોતાના પવિત્ર અને લોકોત્તર જીવનથી આસ્તિકતા લાવે છે. પછી મૂર્તિમાં અને પછી પર આરાધ્ય સ્વરૂપમાં આસ્તિકતા અને પ્રતીતિ આવે છે.
અહીં એક સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે કે વચનામૃતમાં શ્રીજી મહારાજે મૂર્તિ અને સંતની મર્યાદાની વાત કરી છે. પરંતુ તે મર્યાદા આસ્તિકભાવને કહેનારી છે. ખરેખર તો આસ્તિકભાવ અને મર્યાદા બન્ને અલગ છે. મર્યાદા સ્થૂળ ક્રિયાને બતાવે છે. જ્યારે આસ્તિકતા અખંડ માનસિક ભાવ બતાવે છે. ઘણી વખત વ્યવહાર કે આશ્રમની મર્યાદાને લઈને મર્યાદાનું પાલન થતું હોય છે, પણ કોરી મર્યાદા હોય છે. એના હૃદયમાં આસ્તિકતાની પ્રતીતિ હોતી નથી.
જયારે ઘણી વખત કોઈ સમય અથવા દેહની મર્યાદાને લઈને સ્થૂળ વિનય, વિવેક કે વિધિનું પાલન કરી શકતા નથી; તો પણ તેના હૃદયમાં આસ્તિકતા ભરપૂર હોય તેવું બની શકે છે. માટે અહીં જે મર્યાદા શબ્દનો ઉપયોગ કર્યો છે તે વિનય, વિવેક પૂરતો નથી. તે હૃદયના આસ્તિકભાવને કહેનારો છે. કારણ કે તુરત બીજું વાકય લખ્યું કે ‘મૂર્તિને ચિત્રામણ જેવી જાણે છે, સંતને બીજા મનુષ્ય જેવા જાણે છે’ એ શબ્દો ભાવનાનો અને આસ્તિકતાનો નિર્દેશ કરનારા છે. જયારે નિશ્ચય કે ભકિતની સાથે આસ્તિકતાને જ વધારે સબંધ રહેલો છે. આ આસ્તિકતાના માધ્યમથી જ મર્યાદાને સબંધ રહેલો છે. આસ્તિકતાના માધ્યમ સિવાય મર્યાદાને સીધો સબંધ નથી. મર્યાદાને સીધો સબંધ આશ્રમ ધર્મ કે સંસ્કારિતા સાથે છે.
અહીં એક પ્રશ્ન એવો થાય છે કે સંતોએ કહ્યું કે તેને નિશ્ચય નથી અને મહારાજે પણ તેની પુષ્ટિ કરી. તો પછી તે ભગવાનમાં ઉપરથી કે સંપ્રદાયની રીધમથી જોડાઈ શા માટે રહ્યો છે અને શાના આધારે રહ્યો છે ? જોડવાનું કારણ જયારે ભક્તિ નથી તો જરૂર સંપ્રદાયની રીધમ કે ભક્તિની કસરત કરવાનું બીજું પ્રયોજન હોવું જોઈએ. તે એ હોઈ શકે કે ઉદરભરણ, માન કે પોતાની અંદર રહેલી કોઈ નબળાઈનું ગુજરાન કે નિભાવ. તેને જોડાવા માટે નિશ્ચય કે ભક્તિનો આસ્વાદ નથી. તે કલ્યાણને માટે પરિશ્રમ કરતો નથી ને કરવામાં રસ પણ નથી. તેથી મહારાજે કહ્યું, તેનુ કલ્યાણ નહીં થાય. જેને મૂર્તિ અને સંતને વિષે નાસ્તિકપણું આવે તો એટલેથી જ અટકશે નહીં. તેને તો જેનું ભજન આરાધના કરે છે તેમાં પણ નાસ્તિકપણું આવશે. ભગવાનના ધામને વિષે પણ નાસ્તિકપણું આવશે. એટલે અક્ષરધામ છે કે નહીં તેમાં પણ શંકા રહેશે. વળી જગતને કાળે કરીને, કર્મે કરીને કે માયાએ કરીને માનશે, પણ શ્રીજી મહારાજ જગતના કર્તા હર્તા ને પરમાત્મા છે એમ નહીં માને. એવો પાકો નાસ્તિક થશે.
ત્યારે મુકતાનંદ સ્વામીએ પૂછયું : તે નાસ્તિકપણાનો હેતુ કોઈ પૂર્વનું કર્મ છે કે કુસંગ છે ?
ત્યારે મહારાજે ઉત્તર કર્યો : નાસ્તિકપણાનો હેતુ કુસંગ અને અંતઃશત્રુ છે. નાસ્તિકના ગ્રંથ સાંભળવા તથા તેમાં જેને આસ્તિકતા હોય તેનો સંગ એ નાસ્તિકતાના હેતુ છે. વળી કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન, ઈર્ષ્યા એ દોષો પણ નાસ્તિકતાના હેતુઓ છે. એ માંહેલો એક પણ દોષ વર્તતો હોય ત્યારે ગમે તેવા નારદ–સનકાદિક જેવા સંત વાત કરે કે ખુદ ભગવાન કહે તો પણ મનાય નહી. ખાસ કરીને સત્સંગમાં આવ્યા પછી તો પોતાની આંતરિક નબળાઈઓ જ નાસ્તિકપણાના હેતુઓ બને છે. સત્સંગ પહેલાં નાસ્તિકના ગ્રંથ સાંભળવા અને તેનો સંગ એ નાસ્તિકપણાનો હેતુ છે, તો પણ સત્સંગમાં આવ્યા પછી અંતઃશત્રુઓ જ નાસ્તિકતાના હેતુઓ બને છે.
પોતાની નબળાઈનું પોષણ કે નિભાવ ન થાય ત્યારે તુરત નાસ્તિકપણું આવે છે. આ જીવને તો ભગવાન કરતા પણ પોતાની નબળાઈ વધારે વહાલી લાગે છે. જો એમ ન હોય તો ભગવાન અને સંતથી વિરુદ્ધ જઈને પોતાની નબળાઈઓને શા માટે જતન કરીને સાચવી રાખે ?
હવે, આ નાસ્તિકતા જાય કયારે ? તો જગતના કર્તાહર્તા ભગવાન છે અને તે ભગવાન શ્રીજી મહારાજ છે. એવું વારંવાર મનન કરે, ભાગવત જેવા ગ્રંથોમાં ભગવાનની સૃષ્ટિલીલા છે તેને આસ્તિક થઈને સાંભળે અને પરમાત્માનો મહિમા સમજે ત્યારે નાસ્તિકતા જાય.