પ્રતિપાદિત વિષય :
મુમુક્ષુએ સત્પુરુષના ગુણ આવ્યાની સમજણ કેળવવી.
મુખ્ય મુદ્દો :
સત્પુરુષમાં દિવ્ય બુદ્ધિ રાખી પોતાની અલ્પતાનો પરિતાપ કરે તો સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજે સંતો પ્રત્યે પ્રશ્ન પૂછયો કે કોઈક એવા સત્પુરુષ છે કે જેને આ લોકમાં તો કયાંય પ્રીતિ નથી અને ભગવાનના ધામનું સુખ તથા ભગવાનની મૂર્તિના સુખની જ વાસના છે. જે કાંઈ સાધના કરે છે તે આ બેની પ્રાપ્તિ થાય તેને માટે જ કરે છે. મૃત્યુ પછી પણ જે કામમાં આવે તેવી જ સાધના કરે છે, પણ દેહને સુખ થાય એવો ઉદ્યમ તો કરતા જ નથી. એવા જે સત્પુરુષ તેના જેવા મોક્ષમાર્ગના ગુણ મુમુક્ષુમાં કેમ આવે ? અને કેમ સમજે તો સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં ન આવે ?
ત્યારે મુકતાનંદ સ્વામીએ કહ્યુ કે સત્પુરુષમાં દિવ્યબુદ્ધિ રાખે અને તેની આજ્ઞામાં વર્તે તો તેના ગુણ આવે. ત્યારે મહારાજ કહે એ ઉત્તર તો સાચો, પણ આમ સમજે તો સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે. મહારાજ સ્વામીના ઉત્તરને માન્ય રાખીને થોડી વિશેષતા ઉમેરીને કહે છે કે સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાની અલ્પતાનો પરિતાપ કરે તો સત્પુરુષના ગુણ તેમાં આવે.
સત્પુરુષના સાચા પરલોક પ્રાપ્તિ માટેના ગુણો ને પોતાના અલ્પ –નહિવત્જેવા ગુણોની સાથે તુલના કરીને પોતાને અતિ અલ્પ માને. જયારે સત્પુરુષને મહાન માને અને તેનો અતિ વધારે ભાર સમજે. જયારે દિલથી આવું સમજાય ત્યારે તેને પોતાની અલ્પતા અને ક્ષુદ્રતાનો ખેદ થાય છે. ભગવાનને માર્ગે ચાલવામાં સત્પુરુષની સરખામણીમાં પોતાની પામરતા દેખાય અને પશ્ચાતાપ થાય અને મહારાજને પ્રાર્થના કરે ત્યારે વૈરાગ્ય આવે અને તેનામાં મોક્ષ ઉપયોગી ગુણો આવે છે. બીજામાં એવા ગુણો આવતા નથી.
અત્રે સાધકની સમજણના ત્રણ વિકલ્પો બને છે.
૧. સત્પુરુષ છે તે સમજણે શૂન્ય છે. મારા જેટલી પણ અક્કલ પહોંચતી નથી. (સત્પુરુષમા તુચ્છબુદ્ધિ)
ર. સત્પુરુષ છે તેની મારા કરતા મોક્ષ માર્ગમાં વધારે દૃષ્ટિ પડે છે. વધારે સારું સમજે છે. (સત્પુરુષમા ગુણબુદ્ધિ)
૩. સત્પુરુષને દિવ્ય સમજે છે અને અતિ મોટા સમજે છે. (સત્પુરુષમા દિવ્યબુદ્ધિ).
આ ત્રણ વિકલ્પોમાં મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે કયો વિકલ્પ સારો છે એ પ્રશ્ન છે.
પ્રથમ દૃષ્ટિએ સત્પુરુષમાં દિવ્યતાની બુદ્ધિ શ્રેષ્ઠ છે એવું દેખાય છે અને દિવ્ય બુદ્ધિ હોવી જરૂરી પણ છે. છતાં વચનામૃતના ઉત્તરના આધારે મહારાજ કાંઈક વિશેષ કહે છે. દિવ્યબુદ્ધિ હોય તો સત્પુરુષના ગુણો આવે તે વાત તો મુકતાનંદ સ્વામીંએ પણ કહી છે, પણ મહારાજ કહે કે આમ સમજે તો વિશેષતા છે. એમ કહીને પોતાનો અભિપ્રાય કહેતાં બીજા વિકલ્પ પર વધુ ભાર દીધો છે. મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે પોતાની સમજણ અને સત્પુરુષની સમજણની તુલના કરીને પોતાની પામરતા કે ક્ષુદ્રતા દેખાય અને સત્પુરુષની ક્રિયા કે નિર્ણયોમાં મહાનતા કે દિવ્યતા દેખાય ત્યારે કલ્યાણના માર્ગમાં પોતાની પ્રગતિ થાય છે. ખાલી તે બહુ મોટા છે કે દિવ્ય છે તેમ માનવું સારું છે, પણ પ્રગતિ કરવા માટે ગુણબુદ્ધિની પણ સાથે સાથે જરૂર છે.
ગુણબુદ્ધિ વિનાની દિવ્યબુદ્ધિ સાધકને પંગુ બનાવી દે છે. પરચાનો લાલચુ બનાવી દે છે. પુરુષાર્થ રહિત બનાવી દે છે. જયારે દિવ્યબુદ્ધિ વિનાની ગુણબુદ્ધિ પણ બૂંઠી બની રહે છે, જોઈએ તેવું કામ કરી શકતી નથી. માટે દિવ્યબુદ્ધિ આવ્યા પછી પણ તુલનાબુદ્ધિની જરૂર રહે છે. દિવ્યબુદ્ધિના પેટાળમાં ગુણબુદ્ધિ આવી જાય છે એવું માની ન લેવું. તેનો અલગ પ્રયાસ કરીને તેને કેળવે તો જ તેમાં સત્પુરુષના ગુણ આવે છે.
તેથી ઉલ્ટું જો સત્પુરુષમાં તુચ્છબુદ્ધિ હોય તો સારા ગુણ આવતા નથી. સારા ગુણ આવ્યા હોય તો પણ ચાલ્યા જાય છે. પોતાના કોઈ પણ પ્રકારના લૌકિક કે આધ્યાત્મિક અલ્પગુણો વડે સત્પુરુષને જોખવા માંડે ત્યારે તેને પોતાનો ગુણ આવે છે. સત્પુરુષનો અવગુણ આવે છે અને સત્પુરુષમાં તુચ્છતાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જેથી તેનું મોક્ષના માર્ગમાંથી પતન થાય છે.