ગપ્ર–૬૪ : શરીર–શરીરીનું, સ્વામીસેવકભાવનું

પ્રતિપાદિત વિષય :

શરીર–શરીરીમાં વિલક્ષણપણું શું છે ?

મુખ્ય મુદ્દા :

૧. વ્યાપ્ય, આધીન અને અસમર્થપણાથી આત્મા શરીર બને છે.

ર. વ્યાપક, સ્વતંત્ર અને સમર્થપણાથી ભગવાન શરીરી બને છે.

વિવેચન :–

આ વચનામૃતમાં ખાસ કરીને ભગવાન અને જીવ, જગત વચ્ચેનો શરીર–શરીરી સંબંધ છે તે વિષે વાત કરી છે. ભગવાન શરીરી છે અને જીવ તથા જગત ભગવાનનું શરીર છે. એ વાતમાં મહારાજ આંતરિક પ્રશ્ન કરે છે : શરીર અને શરીરી વચ્ચે તો ઘણી વિલક્ષણતા હોવી જોઈએ. શરીર છે તે વિકારી છે. આત્મા અવિકારી છે. શરીર હેય છે. આત્મા ઉપાદેય છે. શરીર નાશવંત છે. આત્મા અવિનાશી છે. આમ અત્યંત વિલક્ષણપણું છે. તેમ આત્મા અને અક્ષરને પણ શ્રુતિમાં પરમાત્માનું શરીર કહ્યા છે. ‘યસ્ય આત્મા શરીરમ્‌, યસ્ય અક્ષરમ્‌શરીરમ્‌’વગેરે શ્રુતિઓ કહી છે; પરંતુ આત્મા અને અક્ષર તો ભગવાનને સજાતીય છે. જેમ જીવનું શરીર જડ, વિકારી અને નાશવંત છે તેમ પરમાત્માના શરીરરૂપ આત્મા અને અક્ષર જડ, વિકારી ને નાશવંત કેમ નથી ? અને તેવા નથી તો પરમાત્માનું શરીર કેમ બની શકે ? શરીર તો જડ વિકારી અને નાશવંત હોવું જોઈએ ને ? આવો પ્રશ્ન છે. તેનું સમાધાન શ્રીજી મહારાજ પોતે જ કરે છે.

પ્રથમ તો શરીરની વ્યાખ્યા સમજવાની જરૂર છે.’શીર્યતે ઈતિ શરીર’ જે નાશ પામી જાય તે શરીર કહેવાય. આવી જે વ્યાખ્યા છે તે એકદેશી છે ને અધૂરી છે, પૂર્ણ વ્યાખ્યા નથી. તમામ જગ્યાએ લાગુ પડે તો જ પૂર્ણ વ્યાખ્યા કહેવાય. માટે શરીરનું આ લક્ષણ અધૂરું છે. શરીરનુ સાચું લક્ષણ મહારાજે વચનામૃતમાં કહ્યું : વ્યાપ્ય, આધીન અને અસમર્થપણું હોવું તે શરીરનું સાચું લક્ષણ છે. પછી તે જડ, વિકારી ને નાશવંત હોવું જ જોઈએ એવું જરૂરી નથી. તે શરીરીને વ્યાપીને રહેવાનું ઠેકાણું હોવું જોઈએ. તેને આધીન હોવું જોઈએ એટલે કે તે શાસનમાં કે શરીરીના અંકુશ–કન્ટ્રોલમાં હોવું જોઈએ. તેની સરખામણીમાં અસમર્થ હોય તો તે શરીર કહેવા યોગ્ય છે. માટે આત્મા અને અક્ષરમાં પરમાત્માના શરીર તરીકે આ ત્રણેય લક્ષણો મળી જાય છે. માટે આત્મા અને અક્ષર પરમાત્માનું શરીર છે. તેમ શાસ્ત્ર તથા મોટા આચાર્યો કહે છે; પરંતુ જડ, વિકારી અને નાશવંત ન હોવાથી તે પરમાત્માનાં શરીર મટી જતા નથી.

વળી બીજી એક ભ્રાન્તિ પણ સામાન્ય રીતે પ્રવર્તેલી છે. તેનું પણ અહીં મહારાજે નિવારણ કર્યું છે. તે એ છે કે જેમ જીવ અને ભગવાન વચ્ચેના શરીર–શરીરી સંબંધમાં શરીર જડ–વિકારી અને નાશવંત વગેરે ધર્મોવાળું હોવું જ જોઈએ એ જરૂરી નથી; પરંતુ વ્યાપ્ય, આધીન ને અસમર્થ હોય તો તે શરીર કહેવાય છે. તેમ શરીરી વ્યાપક હોય છે, તેથી નિરાકાર જ હોવો જોઈએ એવી ભ્રાંતિ જરૂરી નથી. જેમ સાકાર શરીરમાં નિરાકાર જીવ રહે છે. માટે જે શરીરી હોય તે નિરાકાર જ હોવો જોઈએ એમ માનવું એ બરાબર નથી. સાકાર શરીરમાં વ્યાપીને રહેનારો જીવ ભલે નિરાકાર હોય એ વાત સાચી, પણ નિરાકાર હોય તે જ શરીરી ગણી શકાય એ ખોટી ભ્રાંતિ છે.

પરમાત્મા બધાના શરીરી છે ને વ્યાપીને રહ્યા છે તો પણ નિરાકાર નથી, સદા સાકાર છે. વળી દિવ્ય આકારવાળા છે. ભગવાન સાકાર પદાર્થોમાં વ્યાપીને રહ્યા છે અને નિરાકાર પદાર્થોમાં પણ સાકારપણે વ્યાપીને રહ્યા છે. ભગવાન અતંર્યામી રૂપે, તેજ સ્વરૂપે અને મૂર્તિમાન સ્વરૂપે વ્યાપવા સમર્થ છે. ભગવાનને કોઈ સ્થૂળ કે સૂક્ષ્મ આવરણ નડતું નથી. વ્યાપ્તિ એટલે જેને જેની સાથે વ્યાપ્તિ હોય તે પદાર્થનો કોઈ પણ પ્રદેશ–ભાગ વ્યાપકના અસ્તિત્વ વિનાનો ન હોય. માટે ભગવાન મૂર્તિમાન થકા પણ અણુ અણુમાં વ્યાપીને રહી શકે તેવી અદ્‌ભુત સામર્થી ધરાવે છે ને રહે છે.

ત્યારે બીજો પ્રશ્ન એ થાય કે મૂર્તિમાન હોય તો આપણને તેનો સાક્ષાત્કાર કે અનુભૂતિ કેમ થતી નથી ? તેનું સમાધાન એ છે કે, ભગવાન સાકાર નથી એટલે એની અનુભૂતિ થતી નથી એવું નથી. તેનું કારણ તો બીજું છે. તેના સાક્ષાત્કારની કે અનુભૂતિની યોગ્ય પદ્ધતિ અને પૂરી ક્ષમતા આપણી પાસે નથી. માટે તેનો સાક્ષાત્કાર થતો નથી. જે પદ્ધતિનો પણ મહારાજે વચનામૃતમાં નિર્દેશ કર્યો છે કે સાકાર માની ભગવાનની ભક્તિ ઉપાસના કરે તો તેને અનુભૂતિ કે સાક્ષાત્કાર થાય.

પરમાત્મા અને તેના એકાંતિક ભક્તમાં પ્રેમ અને સેવા(ભક્તિ, ઉપાસના)થી તેનો સાક્ષાત્કાર તથા અનુભૂતિ થાય છે. શ્રીજી મહારાજે કહ્યું છે કે કયે દિવસ આ જીવે દાખડો કર્યો ને ન દેખાયું. જો ભગવાનના પ્રતાપને વિચારીને ઉપાય કરે તો જરૂર અનુભૂતિ થાય છે. એટલું જ નહિ પણ ભગવાન થકી અનંત ઐશ્વર્યને પણ પામે છે અને મહા સુખિયો થઈ જાય છે. જો નિરાકાર માનીને ઉપાસના કરે તો બ્રહ્મસુષુપ્તિમાં લીન થાય છે અને કોઈ ઐશ્વર્યને પામતો નથી. મહારાજ કહે છે કે આ વાર્તા પ્રત્યક્ષ જોઈને અનુભવીને કહી છે અને આવી વાર્તા જેને ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણાની નિષ્ઠા થઈ હોય તેના થકી પમાય છે, પણ બીજા થકી નથી પમાતી.

બીજું આ વચનામૃતમાં જીવ, જગત અને પરમાત્મા વચ્ચેનો સંબંધ શો છે તેનો નિર્દેશ કર્યો છે. શંકરસ્વામીએ ઐકય સંબંધ માન્યો છે. એટલે કે ‘આત્મા સો પરમાત્મા આત્મા’ એ જ પરમાત્મા છે. જેને ન્યાયમાં તાદાત્મ્ય સંબંધ પણ કહેવાય છે. જેમ કે તેલ અને તેલની ધાર, જળ અને તરંગ, એમાં તાદાત્મ્ય સંબંધ છે. તેવો સંબંધ જીવ અને ભગવાન વચ્ચે છે.

જયારે રામાનુજાચાર્યર્જીએ શેષશેષી સંબંધ માન્યો છે. ભગવાન શેષી છે, માલિક છે. જયારે જીવ અને જગત શેષ છે, એની મિલકત છે, તેની માલિકીની વસ્તુ છે. જયારે શ્રીજી મહારાજે થોડો ઉમેરો કરીને સ્વામી–સેવકભાવ સંબંધ માન્યો છે. શ્રીજી મહારાજ સર્વે જીવ અને જગતના સ્વામી છે. સર્વે જીવ એટલે કે મુક્ત, મુમુક્ષુ અને વિષયી જીવો ભગવાનના સેવકો છે. માયા છે તે પણ ભગવાનની શક્તિ અને સેવિકા છે. જગત પણ પરમાત્માની સેવા માટે છે અને સેવાનું સાધન છે અને પરમાત્માનું જ છે.

આચાર્યોએ માનેલા આ બધા સંબંધો શ્રુતિઓનો આધાર લઈને જ માનવામાં આવ્યા છે તો પછી કયો સંબંધ પ્રશસ્ત કે શ્રેષ્ઠ છે ? તેનો નિર્ણય કેમ કરવો ? તેમાં જે ઐકય સંબંધ છે તેમાં ઘણા બાધ આવે છે. ભગવાનમા માયા સમજવી પડે છે. તેનું નિવારક કોણ ? આવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. શ્રી ભાષ્યમાં તેનો વિસ્તારથી નિર્દેશ કર્યો છે. વળી તેમાં મોક્ષ માટે પુરુષાર્થને જેટલું જોઈએ તેટલું મહત્ત્વનું સ્થાન અપાયું નથી. વાકયાર્થ જ્ઞાન થવા માત્રથી જ મોક્ષ થાય છે. જયારે રામાનુજના મતે મુક્તિ માટે સાધના કહી છે. શાસ્ત્રમાં કહેલાં તમામ સાધનોને સત્ય કહે છે. જયારે ઐકય સંબંધમાં શાસ્ત્રને મિથ્યા કહે છે. જેને આધારે માન્યતા માનવામાં આવે તે જ મિથ્યા હોય તો માન્યતાની કોઈ પ્રામાણિકતા રહેતી નથી ઉલ્ટી અપ્રમાણિકતા સ્વતઃ સિદ્ધ થાય છે. મનની કલ્પના જ તે માન્યતાનો આધાર બને છે.

જયારે બ્રહ્મસૂત્રોમા તો કહ્યું છે કે ‘શાસ્ત્રયોનિત્વાત્‌'(૧૧૩) ભગવાનનું નિરૂપણ કરવામાં શાસ્ત્ર જ પ્રમાણરૂપ છે. માટે રામાનુજાચાર્યજીની માન્યતામાં એક વિશેષતા એ છે કે કોઈ પણ શ્રુતિ ગૌણ ન હોઈ શકે. તેમાં વિષયભેદ હોઈ શકે. શ્રુતિઓમા પરસ્પર વિરોધ નથી, પણ વિષય ભેદ છે. તેથી બધી જ શ્રુતિઓ પ્રમાણરૂપ છે. તેમાં ગૌણ અને પ્રધાન કરવાનો કોઈને અધિકાર નથી. તેથી તેઓ વિરોધ ટાળનારી શ્રુતિઓને ઘટક શ્રુતિઓ તરીકે ઓળખાવે છે. શ્રુતિઓનો વિરોધ શ્રુતિઓથી જ નિવારણ કરે છે. તેથી દરેક શ્રુતિઓને સમાન ન્યાય મળી રહે છે ને આવી તેમની માન્યતા કે દૃષ્ટિકોણ શાંકરમત કરતા વધારે પ્રમાણ રૂપ છે.

જયારે શ્રીજી મહારાજની માન્યતા થોડી આગળ જઈને કહે છે કે ‘એતેષુ યાનિ વાક્યાનિ શ્રીકૃષ્ણસ્ય વૃષસ્ય ચ । અત્યુત્કર્ષપરાણિ સ્યુઃ તથા ભક્તિ વિરાગયોઃ ।।’ (શિ.શ્લો.૧૦૧) શાસ્ત્રનાં વચનોમાં જે વચનો શ્રીકૃષ્ણ ભગવાનના અતિ ઉત્કર્ષને કહેતા હોય તેને પ્રથમ ગ્રહણ કરવાં. આ પ્રમાણે ભગવાનનો મહિમા કહેનારી શ્રુતિઓ નિર્ણય આપવામાં વધારે પ્રબળ છે. માટે મહારાજે રામાનુજ મતને અખંડ રાખીને થોડો વિશેષ પણ બતાવ્યો છે. તે દૃષ્ટિએ મહારાજનો મત વધારે યોગ્ય ને શ્રુતિઓને ન્યાય આપનારો છે.