પ્રતિપાદિત વિષય :
વાસના ટાળવી એ મોટું સાધન, વાસના ટાળવાના ઉપાય.
મુખ્ય મુદ્દા :
૧. વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે.
ર. ભગવાન સંબંધી અને જગત સંબંધી બન્ને વાસનાને તપાસતો જાય ને જગત વાસનાને ઓછી કરતો જાય તો તેની વાસના દૂર થાય છે.
૩. નિર્વાસનિક પુરુષનો સંગ રાખવો.
વિવેચન :–
પ્રસ્તુત વચનામૃત વાસના ટાળવાનું છે. શ્રીજી મહારાજે કૃપા વાકયથી શરૂઆત કરી છે. મહારાજ કહે કે વાસના ટાળવી એ મોટું સાધન છે. વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે. જો લગારેક વાસના રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી પ્રાણ તણાતા હોય તો પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે. માટે વાસના ટાળે એ જ એકાંતિક ભકત છે. એ વાસના ટળે કેમ ? તો મહારાજ બતાવે છે કે પ્રથમ તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ એ જે પંચવિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો જે મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે કે ઓછી વધુ છે ? તેની પરીક્ષા કરવી.
ખરેખર જો જોઈએ તો આપણી પાસે આપણી વાસનાનું કોઈ માપ કે અનુમાન હોતું નથી. જેમ જેમ તૃષ્ણા અંદરથી ઊઠતી જાય તેમ તેમ જે તે સમયે પૂરી કરતા રહીએ છીએ અથવા પૂરી કરવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. તે પણ વાસનાના પ્રવાહમાં તણાઈને કરીએ છીએ. આપણી પાસે તેની સામે ચાલવાનો મનસૂબો (પ્લાન) નથી કે હિંમત પણ નથી. કેવળ આધીન થઈને પૂરી કરવા માટે બેહાલ થઈને ફરીએ છીએ.
મહારાજ કહે છે કે જીવને ડહાપણ ઘણું હોય છે, પણ પોતાની ખબર નથી હોતી. તે પણ ત્યાં સુધી કે મારે કેટલી વાસના છે. બીજા બધાનાં માપ કાઢે પણ પોતાની અંદરનું માપ ન કાઢે. જેને પોતાની વાસના ટાળવી છે તેને પોતાની તૃષ્ણાનું નિદાન કરવું જોઇએ. જેમ રોગ થાય તો ડોકટર દવા કરતા પહેલા નિદાન કરે છે પછી જ તેની સારવાર એટલે નાબૂદીના ઉપાય કરે છે. નિદાનનો અર્થ જ એ છે કે તેનું માપ કાઢે કે કયા સ્ટેજમાં છે, કેટલો જૂનો છે, કેટલો પ્રબળ છે, કયા કારણથી શરૂઆત થઇ છે વગેરે. પછી તેની સારવાર શરૂ કરે છે.
વાસના પણ અધ્યાત્મ રોગ છે. મહારાજ કહે કે જેટલી જગતની વાત સાંભળવામાં શ્રોત્ર ઈન્દ્રિય લોભાતી હોય તેટલી ભગવાનની વાતમાં લોભાય તો જાણવું જે બન્ને બરોબર છે. તેની પરીક્ષા કર્યા કરવી. તેમજ સ્પર્શ, રૂપ, રસ અને ગંધ સંબંધી પરીક્ષા વિચાર્યા કરવી તથા જેટલી દેહને માટે મહેનત થાય છે તેટલી ચીવટ મહારાજ માટે રહે છે કે કેમ ? જેટલું પોતાનું મનગમતું કરવામાં એકરસ થઈ જવાય છે, તેટલું મહારાજનું ગમતું કરવામાં એકરસ થવાય છે કે નહીં ? તેની પરીક્ષા કર્યા કરવી. એમ તપાસ કરતો કરતો જગત સંબંધી વાસના ઘટાડતો જાય અને ભગવાન સંબંધી વાસના વધારતો જાય તો તેણે કરીને જગત સંબંધી પંચવિષયમાં તેને સમબુદ્ધિ થઈ જાય છે. પછી સારા–ભૂંડા પંચવિષયમાં સમબુદ્ધિ રહે છે, ત્યારે વાસના જીતાણી એમ જાણવું. એમાં મહારાજ કહે ધીરજ જોઈએ. ઉતાવળે કામ થતું નથી. એટલે તો તેના ઉપાયમાં પ્રથમ આત્મનિષ્ઠા બતાવી. ધીરે ધીરે જગતની વાસના ઓછી કરે ને ભગવાન સંબંધી વાસના વધારતો રહે તો બળવાન થઈ જાય છે ને સમગ્ર તૃષ્ણા નાશ થઈ જાય છે.
મહારાજે વચ.ગ.અં.૩૪મા પણ આ જ ઉપાય બતાવ્યો. પછી મુકતાનંદસ્વામીએ પૂછયું : જે વાસના ટાળ્યાનો શો ઉપાય છે ? ત્યારે મહારાજે ઉત્તર કર્યો : એક તો આત્મનિષ્ઠા, પંચવિષયનું તુચ્છપણું, અને મહારાજનો મહિમા આ ત્રણ સાધનોથી વાસના નિર્મૂળ થાય છે. પછી તેને એમ થાય છે કે મારે વાસના હતી જ નહિ. એ તો વચમાં મને એવો ભ્રમ થયો હતો પણ હું તો સદા વાસનારહિત છું એવી પ્રતીતિ થાય છે.
અત્રે આ વચનામૃતમાં પ્રથમ વાસના ટાળવા પરીક્ષા કરતા રહેવું એ ઉપાય બતાવ્યો અને બીજા ભાગમાં આત્મનિષ્ઠા આદિ ઉપાય બતાવ્યા. તો તેમાં એમ સમજવાનું છે કે વાસનાની પરીક્ષા કરી થોડી થોડી ઘટાડતા રહેવું ને ભગવાનની વાસના થોડી થોડી વધારતા રહેવુ એ મુખ્ય ઉપાય છે. આત્મનિષ્ઠા આદિ તેને સહાય કરનારાં આંતરિક પરિબળો છે. પણ મુખ્ય ઉપાય પ્રથમ બતાવ્યો તે છે. કારણ કે સાધકનો પુરુષાર્થ ત્યાં જ કામ આવે. આત્મનિષ્ઠાદિ સાધ્ય થોડા સમયમાં થતા નથી. મહારાજે કહેલ પુરુષાર્થમાં ઓછી આત્મનિષ્ઠા કે વધારે, ઓછો વૈરાગ્ય કે વધારે, બધા જ પોતાના આગ્રહ પ્રમાણે પુરુષાર્થ કરી શકે છે. તેથી મુખ્ય તે છે ને બીજા સહાયક ઉપાયોની અનુકૂળતા જેટલી હોય તેટલો પુરુષાર્થ વધારે અને જલ્દી ફળદાયક થાય છે પણ મુખ્ય ઉપાય તો તે જ છે.
મહારાજ કહે છે પ્રથમ તો વાસના ટાળવી તે મોટું સાધન છે. તે ઘણું કઠણ છે અને એકાંતિકનો ધર્મ છે. તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય તેનાથી જ પામી શકાય છે. ગ્રંથમાં લખ્યો હોય તેનાથી કે સાંભળવાથી પામી શકાતો નથી. એનું માર્ગદર્શન તો જે આ નિર્વાસનિક થવાને રસ્તે ચાલ્યા હોય અને તે માર્ગના ભોમિયા હોય તેના થકી જ માર્ગદર્શન પ્રાપ્ત થાય છે ને એ જ એ માર્ગમાં સ્થિતિ કરાવી આપે છે પણ ગ્રંથમાંથી વાંચીને કે બીજા પાસેથી સાંભળીને કરવા જાય છતાં આવડે નહીં.