પ્રતિપાદિત વિષય :
આકાશની ઉત્પત્તિ ને લય તથા ભગવાનને વિષે રહેલી જ્ઞાનાદિ શકિતઓ.
મુખ્ય મુદ્દા :
૧. પાંચ ભૌતિક આકાશ અને ચિદાકાશ અલગ અલગ છે.
ર. ચિદાકાશનો ઉત્પત્તિ–લય નથી.
૩. ભગવાનની જ્ઞાનાદિ શક્તિઓનું આલંબન કરીને જીવમાં તે તે શક્તિઓ સક્રિય બને છે.
વિવેચન :–
પ્રસ્તુત વચનામૃતમાં પ્રશ્ન છે કે આકાશની ઉત્પત્તિ અને લય કયે પ્રકારે થાય છે ? મહારાજે તેની રીત બતાવી છે ને તે પણ સ્પષ્ટ કર્યું કે ભૌતિક આકાશ અને સર્વના આધારરૂપ ચિદાકાશ બંને ભિન્ન છે. ભૌતિક આકાશની જ ઉત્પત્તિ અને લય થાય છે. ચિદાકાશ નિત્ય છે તેની ઉત્પત્તિ કે લય નથી.
સુષુમ્ણા દેહમાં અને બહાર કેમ રહી છે ? તેના ઉત્તરમાં મહારાજે કહ્યું કે જેટલું બ્રહ્માંડમાં છે તેટલું જ પિડમાં પણ છે. ફેર એટલો જ કે પિંડમાં અલ્પ છે, બ્રહ્માંડમાં મહત્છે. જિહ્વાના અંતને પામે ત્યારે બ્રહ્માંડમાં વરુણદેવના અંતને પામી જવાય છે. જિહ્વાની આસક્તિ છોડે તો વરુણદેવના લોકના મોહને અને જલાવરણને પાર થાય છે. અહીં એ પણ અનુસંધાન કરવાની જરૂર છે કે વચ.ગ.પ્ર.ના ૧રમા મહારાજે કહ્યું કે ચોવીસ તત્ત્વોને જાણે ત્યારે તેના બંધન થકી મૂકાય છે. તે કયા તત્ત્વો ? તો આ ખાસ કરીને પોતાના પિંડમાં રહેલા તત્ત્વોને તથા તેની મર્યાદાઓ, ખામીઓ, નબળાઈઓ અને માયિકતા જાણે ત્યારે તે બ્રહ્માંડના ચોવીસ તત્ત્વોથી મુક્ત થાય છે. કારણ કે પિંડ–બ્રહ્માંડમાં સમાનતા છે. વળી પિંડના તત્ત્વો જીતવાથી બ્રહ્માંડના તત્ત્વો જીતાય છે, પણ બાહ્ય તત્ત્વો જીતવાથી અંદરના તત્ત્વોે જિતાઈ જતા નથી. દા.ત. રાવણ, હિરણ્યકશિપુ વગેરેએ બ્રહ્માંડમાં વિજય મેળવ્યો હતો. દેવતાઓને વશ કર્યા હતા, પણ પોતાના અંદર રહેલા તત્ત્વો કે ભાવના કે દોષોથી પરાજિત થયેલા હતા. માટે અંદરના તત્ત્વો જીતવાથી બહારનાનેા પાર પમાય છે. તેમ બ્રહ્માંડમાં પૃથ્વી, જળ વગેરે તત્ત્વો છે તેમ શરીરમાં પણ છે. જેમ પિંડમાં સુષુમ્ણા રહી છે તેમ બ્રહ્માંડમાં પણ રહી છે. કેમ રહી છે તે મહારાજે વચનામૃતમાં બતાવ્યું કે હૃદયથી માંડીને બ્રહ્મરંધ્ર સુધી સુષુમ્ણા રહી છે. તેની ઉપર શિશુમાર ચક્રમાં રહેલ વૈશ્વાનર નામે દેવતાના પારને પામે છે. પછી તેજનો સળંગ માર્ગ છે. તે ભગવાનના ધામ પર્યંત રહ્યો છે. સુષુમ્ણાના અંતને પામે ત્યારે મોક્ષમાર્ગના અંતને પામે છે.
કઈ અવસ્થાનો લય પ્રથમ થાય છે ? ઉત્તર : જે અવસ્થામાં લીન થાય તેનો લય પ્રથમ થાય. પછીની બે અવસ્થાનો લય સત્ત્વ, રજ, તમના ક્રમે થાય છે.
સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે ભગવાનને વિષે જ્ઞાનશકિત, ક્રિયાશકિત અને ઈચ્છાશકિત કેમ સમજવી ? શ્રીજી મહારાજે તેનો ઉત્તર કરતા બતાવ્યું કે સત્ત્વગુણપ્રધાન કર્મનું ફળ જાગ્રત અવસ્થા છે. રજોગુણપ્રધાન કર્મનું ફળ સ્વપ્નાવસ્થા છે. તમોગુણ પ્રધાન કર્મનું ફળ સુષુપ્તિ અવસ્થા છે. જયારે આ જીવ સુષુપ્તિમાં જાય છે ત્યારે જીવના જ્ઞાન, ક્રિયા અને ઈચ્છા લુપ્ત થઈ જાય છે અને જીવ શિલા જેવો જડ થઈ જાય છે. ત્યારે ભગવાન એને પોતાની જ્ઞાનશકિતએ કરીને જગાડીને સર્વ ક્રિયાનું જ્ઞાન આપે છે. તેને ભગવાનની જ્ઞાનશકિત કહેવાય.
ભગવાન પોતાની ક્રિયાશકિતએ કરીને જીવના હૃદયમાં પ્રેરણા જગાડે છે તેને ક્રિયાશકિત કહેવાય. ભગવાન પોતાની ઈચ્છાશકિત વડે કરીને જીવને થતી ઈચ્છાઓમાં પીઠબળ આપે છે. તેથી જ જીવ ઈચ્છાઓ કરી શકે છે. જીવનું જ્ઞાન, ક્રિયા અથવા ઈચ્છા તેનું પ્રથમ ઉદ્ભવ ભગવાનની શક્તિઓથી થાય છે. જ્ઞાન, ક્રિયા અને ઈચ્છા પ્રથમ ઉદ્ભવ થયા પછી તેને સારા નરસા માર્ગે દોરવી તે જીવના પ્રયત્ન ઉપર આધાર રાખે છે. જેમ વાહનમાં પેટ્રોલ એ શક્તિ પૂરી પાડે છે અને સ્ટેરીંગ તે દિશા નિશ્ચિત કરાવે છે, તેમ પેટ્રોલની જગ્યાએ ભગવાનની શકિતઓ છે. ગતિ અને સ્ટેરીંગ જીવની શક્તિ સમજવાની છે.