ગપ્ર–૪૮ : ચાર પ્રકારના કુસંગીનું

પ્રતિપાદિત વિષય :

ચાર પ્રકારના કુસંગીનું વિવરણ અને તેનો ત્યાગ.

મુખ્ય મુદ્દા :

૧. બહારનો કુસંગ અંદરના કુસંગનું પોષણ કરે છે.

ર. અંદરનો કુસંગ બહારના કુસંગના સહકાર વિના સફળ થતો નથી.

૩. ઉપર બતાવેલા કુસંગનો ત્યાગ કરવો.

૪. તેનાથી બચવા મહારાજને નિત્ય પ્રાર્થના કરવી.

વિવેચન :–

આ વચનામૃતમાં મહારાજે કૃપા કરીને વાત કરી જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે પૂજા કરીને, સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું જે, હે મહારાજ! કુસંગી થકી રક્ષા કરજો. તે કુસંગી ચાર પ્રકારના છે. એક તો કૂડાપંથી, બીજા શુષ્કવેદાંતી, ત્રીજા શક્તિપથી, ચોથા નાસ્તિક. આ ચાર પ્રકારના કુસંગી છે. કલ્યાણના માર્ગમાં જેટલો કુસંગ વિધ્નરૂપ છે તેટલી પોતામાં પડેલ ખામીઓ વિધ્નરૂપ નથી બની શકતી. કલ્યાણના માર્ગમાં સત્સંગ જેટલો સહાયક થાય છે તેટલા પોતાના સદ્‌ગુણો થતા નથી. સત્સંગ છે તે ભક્તિનો જન્મદાતા છે, પણ ભક્તિ છે તે સત્સંગની જન્મદાત્રી છે એમ કહ્યું નથી. એવું જ ધર્માદિ દરેક ગુણોનું છે. માટે કુસંગીથી ડરવું.

મહારાજ કહે, ભગવાનને પ્રાર્થના કરવી. તેમાં પણ વિચિત્રતા તો એ છે કે આ જે કુસંગ છે તે સ્વયં પ્રવર્તી શકતો નથી, પણ આપણી અંદર રહેલા કુસંગને ઉશ્કેરીને તેના દ્વારા આપણામાં પ્રવર્તે છે. જો અંદરનો કુસંગ તેને યારી ન આપે તો તે કાંઈ કરી શકતો નથી. મજબૂરી ત્યાં છે કે આપણા અંદરની નબળાઈ આગળ આપણે કયારેક જ જોઈએ છીએ. આપણે કાંઈ કરી શકતા નથી એટલે મહારાજ કહે છે કે કમસે કમ બહારના કુસંગ થકી દૂર રહો તો અંદરનો કુસંગ પણ પ્રવૃત્તિ કરી શકે નહિ. મહારાજ કહે છે કે જીવના હૃદયમાં પણ સંત અને કુસંગી બન્ને પોતાનાં હથિયાર સજ્જ કરીને ઊભા છે. પરંતુ બહારના જે તે થકી જે તેનું પોષણ થાય છે. માટે કૂડા વગેરે અંદરના કુસંગ મારફત જ પ્રવર્તે છે.

કૂડા એટલે શાબ્દિક અર્થ તો વ્યભિચારથી જન્મેલ એવો થાય છે. કૂડા પંથનો અર્થ એ થાય છે કે જેમાં વ્યભિચારને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. તેના દ્વારા અંદર પડેલા કામને જ ઉશ્કેરવામાં જ આવે છે. જે કલ્યાણના માર્ગ થકી પાડે છે. જયારે શક્તિપથી મદ્ય–માંસાદિકનુ ભક્ષણ બહેકાવી વર્તમાનમાંથી ભ્રષ્ટ કરે છે. પવિત્રતા ચૂકાવી દે છે. જેનો સ્વાદ બહેકી ગયો હોય તેને આ ખાવું ને આ ન ખાવું એવો પ્રતિબંધ પોષાય નહીં અને ગમે તે ગમે ત્યાંથી ખાય. પછી પવિત્રતા કયાંથી રહે ! તેથી તે પણ કલ્યાણના માર્ગ થકી ભ્રષ્ટ થાય છે. ત્રીજા શુષ્કવેદાંતી–તેનો સંગ થાય તો સ્વામી સેવકભાવ ટાળી નાખે છે. પોતે સ્વયં ભગવાન થઈ બેસે છે. અને નાસ્તિક છે તે તો ભગવાનને જ ખોટા કરી દેખાડે છે. એના મતે જગતના કર્તા–હર્તા અનાદિ પરમેશ્વર જ કોઈ નથી. માટે તે ભગવાનના નિશ્ચયનું ખંડન કરીને કલ્યાણના માર્ગમાંથી પાડે છે.

આમ પ્રથમના બે કુસંગ, અંતઃશત્રુમાં જોડીને કલ્યાણના માર્ગમાંથી પાડે છે. જયારે પછીના બે ભગવાનથી સંબંધ વિચ્છેદ કરાવીને કલ્યાણના માર્ગમાંથી પાડે છે. માટે આ ચારેય કુસંગો બધા કુસંગોમાં વધુ પ્રબળ છે.

આ કુસંગોથી શકય એટલો બચવા પ્રયત્ન કરવો. બચવા માટે મહારાજે આપણને ભગવાનની પ્રાર્થના કરવાનું કહ્યું છે. અંદરના કુસંગ અને બહાર કુસંગને વિચિત્ર સંબંધ છે. અંદરના કુસંગની યારી વિના બહારનો કુસંગ સફળ થતો નથી. વળી બહારના કુસંગના જોગ વિના અંદરનો કુસંગ આગળ વધી શકતો નથી, પુષ્ટ થતો નથી. માટે બન્નેનો જોગ–સંબંધ–એકરૂપતા ન થવા દે તો પણ કલ્યાણના માર્ગમાં જલ્દી વિધ્ન આવતાં નથી.

ખરેખર તો અંતઃશત્રુને જે ઉત્તેજિત કરે ને ભગવાનનો સંબંધ વિચ્છેદ કરાવે એે જ કુસંગ છે. અને અંતઃશત્રુને દૂર કરે–ઉખેડે તે જ સત્સંગ છે. મહારાજે આ વચનામૃતમાં ગણાવેલા ચારેય કુસંગ પણ ઉપરનું જ કાર્ય કરે છે. અર્થાત અંતઃશત્રુને ઉત્તેજિત કરે છે અને ભગવાનનો સંબંધ વિચ્છેદ કરાવે છે. માટે મહારાજ કહે આ ચાર થકી દૂર રહેવું–ડરતાં રહેવું. પણ જગતની વિચિત્રતા એ છે કે સત્સંગથી દૂર રહે છે–ડરતા રહે છે. જયાં કામ, સ્વાદ વગેરે દોષોનું ખંડન થાય, તો જીવ ત્યાંથી દૂર ભાગે છે. ભગવાનને ઉપદેશ પણ આપવો પડતો નથી અને તે દોષોનું પોષણ થાય ત્યાં જગતના જીવો દોડે છે. માટે મહારાજ કહે છે કે જેને પોતાના જીવનું કલ્યાણ કરવું, તેને તેમ ન કરવું. પણ સમજીને તેનો ત્યાગ કરવો. કુસંગ થકી ડરવું ને સત્સંગમાં પ્રીતિ કરવી.