પ્રતિપાદિત વિષય :
ચાર અંગની વાર્તાનાં લક્ષણો.
મુખ્ય મુદ્દા :
૧.સત્સંગમાં પ્રગતિ કરવા માટે જીવનમાં સારી ધરેડ પડે તેને અંગ કહેવાય છે.
ર.અંગની સ્પષ્ટતા ન હોય તો ભ્રમણા રહે ને પ્રગતિ થતી નથી.
૩.પ્રથમ એક અંગ હોય તેને દૃઢ કરવું.
૪. અંતે ચારેય અંગ સિદ્ધ કરવાં.
વિવેચન :–
આ વચનામૃતમાં ભગવાનના ભકતની નિષ્ઠાના અંગની ચર્ચા છે. પ્રથમ તો અંગ એટલે શું તે સમજી લઈએ તો વધારે અનુકૂળ રહેશે. દરેકની જીવન જીવવાની અલગ અલગ ઘરેડ હોય છે. તેમ સત્સંગમાં પ્રગતિ કરવાની દરેક વ્યકિતને અલગ અલગ ઘરેડ પડી ગઈ હોય છે. તે ઘરેડ સારી હોય તેને અંગ કહેવાય. દા.ત. સેવાનું અંગ, ભજન ભકિતનું અંગ વગેરે. જો નબળી જાતની ઘરેડ હોય તો તેને સ્વભાવ કહેવાય છે. દા.ત. કામ, ક્રોધ, માન વગેરે. માટે સત્સંગમાં પ્રગતિ કરવા માટે આપણને જે ઘરેડ પડી જાય તે આપણું અંગ કહેવાય છે. તે અંગો અનેક પ્રકારનાં હોય છે. દા.ત. વચ.ગ.અ.રપમાં કહ્યાં છે કે દાદાખાચરને વિશ્વાસનું અંગ, રાજબાઈને ત્યાગનું અંગ વગેરે. સત્સંગમાં પણ ભક્તોમાં પ્રચલિત છે કે સેવાના અંગવાળા, ભજનના અંગવાળા, કથાકીર્તન વગેરે અંગમા ગણાય છે. જે પ્રાથમિક તબ્બકો કે ભૂમિકા છે.
મહારાજે કહ્યું છે કે સત્સંગ થયા પહેલાં પણ કોઈક સારી વાત હોય જેનાથી આપણો સત્સંગમાં પ્રવેશ થાય છે. મોટે ભાગે તે અંગો સ્થૂળ ક્રિયાપ્રધાન વધારે હોય છે. બીજો મધ્યમ પ્રકાર એ છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભકિત–આ વચનામૃતમા કહ્યાં તે મધ્યમ એટલા માટે કહીએ છીએ કે તેમાં ભાવ–સૂક્ષ્મતા અને સ્થૂળતા સમાનપણે મહત્ત્વના છે. તેથી તે બીજા તબ્બકાના અંગો છે.
જયારે વચ.ગ.મ.૬રમા આત્મનિષ્ઠા, પ્રીતિ, દાસત્વનાં અંગોની મહારાજે વાત કરી છે. જે કેવળ ભાવપ્રધાન વધારે છે. બન્ને જગ્યાએ આત્મનિષ્ઠા કહેવા છતા બન્નેમાં ફેર છે. આ અંગો છેલ્લી સ્થિતિ બતાવનારાં છે.
મહારાજે આ ત્રણેય સ્થાને અંગ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેમાં પ્રથમ કોઈ આધ્યાત્મિક સદ્ગુણના માધ્યમથી આપણે સત્સંગમાં પ્રવેશ કરીએ છીએ. તે જ સદ્ગુણને થોડું પ્રોત્સાહન અને કેળવણી આપવામાં આવે તો તે સત્સંગમાં શરૂઆતમાં તે ભકતનું અંગ બની જાય છે. જેમ કે સેવાભાવ, કીર્તન વગેરે. પછી જો સત્સંગમાં પ્રગતિ ચાલુ રહે તો ધર્મ, જ્ઞાનાદિ ચારમાંથી પોતાને મળતા કોઈ એક અંગમાં પ્રવેશ થાય, તેમાં થોડી સ્થિરતા થાય. પછી ચારેય લક્ષ્યમાં રાખી કેળવવા પ્રયત્ન કરે. ત્યાર પછી આત્મનિષ્ઠા, દાસભાવ ને પ્રીતિ એમાંથી કોઈ એકમાં પ્રવેશ કરી તેને સિદ્ધ કરવા પ્રયત્ન કરે. આ તેનો ક્રમ છે. એ સિદ્ધ થાય એટલે મહારાજ કહે, ભકત નિર્ભય થઈ ચૂકયો. તેમાં જો ખામી હોય તો થોડા દહાડા વધુ જીવીને પણ એકને સિદ્ધ કરે તો સારું એમ મહારાજે વચ.ગ.મ.૬રમા કહ્યું છે.
હવે મુમુક્ષુને ઘણી વખત પોતાના અંગની સ્પષ્ટતા ન હોય ત્યારે ભ્રમણા રહે છે અને પ્રગતિ કરી શકાતી નથી. તો પોતાનું અંગ સ્પષ્ટ કરવું જરૂરી છે. તે કરવા માટે બે ત્રણ સ્થૂળ ઉપાયો છે. જેમાં એક તો તે પ્રકારનું શાસ્ત્ર હોય તેમાં વધારે રુચિ થાય. દા.ત.
વૈરાગ્યનિષ્ઠા હોય તો નિષ્કુળાનંદકાવ્ય.
જ્ઞાનનિષ્ઠા હોય તો વચનામૃત, ગીતા વગેરેમાં.
ધર્મનિષ્ઠા હોય તો સત્સંગિજીવન, સ્મૃતિ ગ્રંથ વગેરેમાં.
ભકિતનિષ્ઠા હોય તો ભકતચિંતામણિ, ભાગવત, ચરિત્રો વગેરેમાં.
તેના ઉપરથી પણ પોતાનું અંગ ઓળખી શકાય છે. બીજું પોતાથી વડીલ કે નાના ભક્તોમાંથી આપણને કોની સાથે રુચિ મળે છે તો તે પ્રકારનું આપણું પણ અંગ હોય. તો જ મોટે ભાગ્યે રુચિ મળે તેમ ઓળખી શકાય.
વળી જયારે આપણા મન ઉપર બીજી કોઈ અનુકૂળ પ્રવૃત્તિ સવાર ન હોય અને નવરાશનો સમય હોય ત્યારે જે પ્રકારની વધારે અધ્યાત્મ રુચિ થાય તો તે સહજ અંગ હોય છે. દા.ત. તેવા સમયમા પૂજા, ચરિત્ર પરિશીલન વગેરે રુચિ, તો ભક્તિનું અંગ. કોઈ ધર્માનુષ્ઠાનમાં રુચિ, તો ધર્મનું અંગ. અધ્યાત્મ શાસ્ત્રમાં મંથન કરવાની રુચિ હોય તો જ્ઞાનનિષ્ઠાનું અંગ. ત્યાગની સ્ફુરણાઓ જાગે તો વૈરાગ્યનું અંગ. એમ નક્કી કરી શકાય. આ ઉપાયો કરવા છતાં પોતાનું અંગ હાથ ન આવે તો મહારાજની મૂર્તિને પ્રાર્થના કરી ચારમાંથી જે સંકલ્પ થાય તે મારું અંગ એમ નિશ્ચિત કરી લેવું અને પછી તેને કેળવવા થોડો પુરુષાર્થ–પ્રયત્ન કરવો. તો અંગ પોતાના હાથમાં આવી જાય.
હવે મૂળ વચનામૃત પર આવીએ. અહી ચાર અંગ વર્ણવ્યા છે. તેમાં પણ મહારાજ કહે થોડી થોડી તો બધી નિષ્ઠા બધા ભક્તોમાં હોય જ છે. તેથી નિર્ણય કરવો ઘણો મુશ્કેલ થાય છે. માટે આ અંગોમાં એક પગથિયું આપણે ઊંડા ઉતરીશું તો વધારે સ્પષ્ટ થશે.
સાહિત્યમાં નવ રસ હોય છે. જેમ કે શ્રૃંગાર, વીર, શાંત વગેરે. તે દરેક રસમાં એક સ્થાયીભાવ હોય છે. જેમ શ્રૃંગારમાં રતિ, વીરમાં ઉત્સાહ, શાંતમાં નિર્વેદ વગેરે સ્થાયીભાવો દરેકના હૃદયમાં બીજ રૂપે પડયા જ છે. તેને ઉદ્દીપન, આલંબન વગેરે આપીને ઉત્તેજીત કરવા પડે છે–બહાર લાવવા પડે છે. ત્યારે વ્યકિતના હૃદયમાં શ્રૃંગાર, વીર, શાંત વગેરે રસોની નિષ્પત્તિ થાય છે. તેવી જ રીતે આ ચારે અંગોના મૂળમાં બીજા ચાર સદ્ગુણો બીજ રૂપે પડયા છે. જેનો મૂળથી વિકાસ થતાં આ અંગો આકારિત થાય છે. જેમકે ભાગવત ધર્મનિષ્ઠામાં આધ્યાત્મિક ગુણ કે ભાવ એટલા માટે જોડવામાં આવ્યો કે તે ન હોય તો અહી જે કહેવામાં આવ્યું છે તે ફીટ ન બેસે. ખરેખર તો ધર્મના મૂળમાં પરોપકાર પડયો જ છે. ભાગવત ધર્મનિષ્ઠાવાળો ભકત પરોપકારના માધ્યમથી ભગવાનમાં જોડાઈને ભકિત કરે છે. તેનો આધાર પરોપકાર છે. જેમકે મંદિર બનાવવા, જાયગા લીંપવી, બગીચા બનાવવા વગેરે. ભકતો ઉપર પરોપકાર અથવા તેની સાથે સહકાર સાધવાનાં સાધનો છે. જેના દ્વારા ભગવાનમાં જોડાઈને ભક્તિ કરે છે. તેમાં જેટલો આગળ વધે તેટલું તેનું અંગ દૃઢ થાય છે.