પ્રતિપાદિત વિષય :
૧. સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ.
ર. ભક્તિ અને ઉપાસનાનો ભેદ.
મુખ્ય મુદ્દા :
૧. જગત અથવા જગતના સંબંધની છાયાવાળું અધ્યાત્મ હોય તો પણ તે સવિકલ્પતા છે.
ર. મહારાજનો શુદ્ધ સંબંધ એ નિર્વિકલ્પતા છે.
૩. નવ પ્રકારે મહારાજને ભજવા તે ભક્તિ છે.
૪. બ્રહ્મરૂપ થઈને પણ સેવકભાવ જાળવી રાખવો ને તેવા ઉપાયો કરવા અને નિર્ણયો કરવા તે ઉપાસના છે.
વિવેચન :–
આ વચનામૃતમાં મુકતાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો છે. હે મહારાજ ! સવિકલ્પ સમાધિ તે કેને કહીએ અને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનના સ્વરૂપમા સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય, પછી ભલે તે સવિકલ્પ સ્થિતિ હોય; પણ શુભ વાસના રહી હોય. જે હું નારદ સનકાદિક ને શુકજી જેવો થાઉં અથવા નરનારાયણના આશ્રમમાં જઈને આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરું. શ્વેતદ્વીપમાં જઈને તપ કરીને શ્વેતમુકત જેવો થાઉં. એવી રીતનો જેને વિકલ્પ રહે તો તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ. જેને એવી રીતનો વિકલ્પ ન હોય ને અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિષે નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ.
સાક્ષાત્અથવા પરંપરાથી કોઈ પણ રીતે જગત અથવા જગત સંબંધી મહત્તા, સિદ્ધિ, સત્તા કે વિષયો સાથેનો સંબંધ છે, તે સવિકલ્પતા છે. જેટલો કાંઈ સીધો અથવા પરંપરાથી ઉપરના મુદ્દાઓનો નિષેધ થઈને પરમાત્માની મૂર્તિનું જોડાણ થાય એટલી નિર્વિકલ્પતા છે. પછી તેમાં જેટલું જે વધારે હોય કે પછી સંપૂર્ણ હોય ત્યારે તે સંપૂર્ણ નિર્વિકલ્પ અથવા સવિકલ્પ ગણાય છે. કેવળ ભગવાન સાથે જોડાણનો માર્ગ છે તે નિર્વિકલ્પનો છે. તેમાં જેટલો જગતભાવ કે દેહભાવ રહે તેટલો તે સવિકલ્પ ગણાય છે.
સદ્.ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહ્યું છે જે ‘બદ્રિકાશ્રમ ને શ્વેતદ્વીપના મુક્તને ત્યાગ–વૈરાગ્યનું બળ છે. ગોલોકના ને વૈકુંઠના મુક્તને પ્રેમ મુખ્ય છે. અક્ષરધામના મુક્ત બ્રહ્મરૂપ છે'(પ્ર.પ્ર.વા.૪૮). તો અહીં એક પ્રશ્ન થાય છે કે અક્ષરધામના મુક્તને ત્યાગ વૈરાગ્ય હશે કે નહીં ? તેમને ભગવાનમાં પ્રેમ–ભક્તિ હોય કે નહીં ? એનો અર્થ એવો નથી કે તેમાં તે ગુણો નથી અથવા કિંચિત્ખામી છે. પણ સ્વામી કહે છે કે અન્ય ધામના મુક્તોને તે તે ગુણ મુખ્ય હોય, એટલું જ નહિ; પણ ભગવાન કરતા પણ તે મુખ્ય હોય. બધા ધામના મુક્તોને બધા ગુણો હોય ને પરમાત્મા સાથે જોડાણ પણ હોય પણ મુખ્યતા કોના ઉપર છે ? તે વાત ધ્યાનમાં લેવાની છે.
અહીં પણ સવિકલ્પ સમાધિ એટલે તેમાં કાંઈ જગત વાસના નથી, પણ મહારાજની મૂર્તિને ગૌણ કરીને જગતનું ખેંચાણ થાય ખરું. જયારે તપ આદિકમાં તો અક્ષરના મુક્તો પણ અન્ય ધામના મુકેથી ઓછા ન હોય. કદાચ તેના કરતા કિંચિત્ચડિયાતાનો સંભવ ખરો. તો પણ તેને ગૌણ કરીને તેના હૃદયમાં મહારાજની મૂર્તિની પ્રધાનતા રહે છે. તે જ તેનું નિર્વિકલ્પપણું છે. જયારે મહારાજની મૂર્તિ પેલા ગુણોની તુલનામાં થોડી ગૌણ થઈ જાય એ જ તેની સવિકલ્પતા છે.
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો : હે મહારાજ ! ભક્તિમાં અને ઉપાસનામાં તે શો ભેદ છે ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે…
શ્રવણં કિર્તનં વિષ્ણોઃ સ્મરણં પાદ સેવનમ્।
અર્ચનં વંદનં દાસ્યં સખ્યમાત્મનિવેદનમ્।।
એવી રીતે નવ પ્રકારે કરીને ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ. ઉપાસના તો તેને કહેવાય જે ભગવાનના સ્વરૂપને વિષે સદા સાકારપણાની નિષ્ઠા જાય જ નહીં. ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર સમજે. શાસ્ત્રને વિષે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે. એવી રીતે જેની દૃઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ. વાસ્તવમાં તો અતિ પકવ દશામાં બન્ને એકપણાને પામી જાય છે. તો પણ શરૂઆતની દશામાં થોડો ભેદ દેખાય છે.
ભક્તિમાં પ્રેમ રસની મુખ્યતા છે. ઉપાસનામાં એકરસ સ્મૃતિ–અખંડ સ્મૃતિની પ્રધાનતા રહે છે. ભક્તિ પરમ પ્રેમરૂપા છે. રાગરૂપા છે. જયારે ઉપાસના જ્ઞપ્તિ(જ્ઞાનરૂપા) છે. શાસ્ત્રમા વેદનં–ઉપાસનમ્ કહ્યું છે. ‘અપવર્ગ ઉપાય તયા વિધિત્સં વેદનં ઉપાસનમ્’ મોક્ષના સાધન રૂપ જે જ્ઞાન છે તે ઉપાસના છે. ઉપાસનાના જે મંત્રો હોય છે તે આહ્વાન પ્રધાન હોય છે. જયારે ભક્તિના મંત્રો હોય છે તે અર્પણપ્રધાન હોય છે. ઉપાસનામાં ઉપાસ્યની ઝાંખી ઉપાસકમાં થાય છે. એટલે કે ગુણ, શકિત, સામર્થ્યનો આવિર્ભાવ ઉપાસકમાં આવીને તે ઊંચે ઊઠે છે. ‘બ્રહ્મવિદ્બ્રહ્મૈવ ભવતિ’ ભગવાનને જે જાણે તે ભગવાન જેવો થાય છે. જયારે ભક્તિમાં ઉલ્ટું છે. ભક્વિશ થઈને ભગવાન ગુણ, ઐશ્વર્ય, શક્તિ ભૂલી જઈને ભક્ત જેવા બની જાય છે કે બનવા મથે છે. ઉપાસનામાં ઉપાસકની પ્રવણતા–બહુલતા હોય છે. જયારે ભક્તિમાં ભગવત્પ્રવણતા હોય છે. છતા મહારાજે કહ્યું કે બ્રહ્મરૂપ થયા પછી પણ સેવકભાવ ન ડગે તે ઉપાસના કહેવાય. એટલે કે સ્વામી–સેવકભાવની પરાકાષ્ઠા(અવધિરહિતતા) ને ઉપાસના કહી છે. વચ.ગ.મ.૬૭. જયારે વચ.લોયા ૩મા સર્મપણની અવધિરહિતતાને ભક્તિ કહી છે.