પ્રતિપાદિત વિષય :
ભગવાન સાકાર છે કે નિરાકાર ?
મુખ્ય મુદ્દો :
ભગવાનને સદાય સાકાર જ માનવા.
વિવેચન :–
આ વચનામૃતમાં ગોપાળાનદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે, હે મહારાજ ! કેટલાક વેદાંતી એમ કહે છે કે ભગવાનને આકાર નથી અને તેવા જ પ્રકારની શ્રુતિઓને ભણે છે. જયારે નારદ, શુક, સનકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે ભગવાનના સાકારપણાનું પ્રતિપાદન કરે છે. તો એ બેમાંથી કોણ સાચા ?
ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે, ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે ને મહાતેજોમય મૂર્તિ છે. જે અંતર્યામીપણે કરીને સર્વત્ર સભર એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ(નિરાકાર) છે તે તો મૂર્તિમાન એવા જે ભગવાન તેનું તેજ છે. શ્રુતિએ પણ કહ્યું છે કે, ભગવાન માયા સામું જોતા હવા અને જુએ ત્યારે તેને શું એકલી આંખ જ હોય ? હાથ, પગ વગેરે પણ હોય. માટે શ્રુતિના મુખે જ ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન થયું.
ત્યારે ફરી કોઇ નિરાકાર મતવાળા એમ શંકા કરે કે વેદોમાં ભગવાનને આકાર નથી એવી શ્રુતિઓ પણ કહી છે. માટે બન્ને તુલ્ય થયા. તેમાં કોણ સાચા છે તે નિર્ણય ન આવી શકે. માટે કોઈ એક મતનો પક્ષપાત કરનારી પ્રબળ યુકિત હોવી જરૂરી છે. અહી નિરાકાર ખોટું છે એમ કહ્યું નથી, પણ તે વેદોના ભાવને સમજી શકતા નથી એમ કહ્યું છે. મહારાજે અહી નિરાકાર શું છે તેની સમજણ આપી છે. ભગવાનની મૂર્તિનું તેજ છે તે નિરાકાર છે અને તેમાં સાકારવાળાને પણ વિરોધ નથી. વળી તે તેજ સચ્ચિદાનંદ છે ને કર્મફળ આપીને સાકાર જેવું જ કામ કરે છે. માટે તેને પણ સાકાર જેવું માનવું. એવો બીજા વચનામૃતમાં નિર્દેશ કર્યો છે.
ભગવાન સાકાર છે એવું સ્વીકારવા અન્ય આચાર્યો અને મહારાજ પાસે નિરાકાર શ્રુતિઓનું જે સુંદર સમાધાન છે તે નિરાકાર પક્ષ પાસે સાકાર શ્રુતિનું સમાધાન નથી. સાકાર પક્ષ નિરાકાર શ્રુતિનો વિષયભેદ તાત્પર્ય માને છે અર્થાત્શ્રુતિઓમાં જ્યાં જ્યાં ભગવાન નિરાકાર છે એવું જણાતું હોય કે પ્રતિપાદિત થતું હોય ત્યાં ભગવાન નિરાકાર છે એવું પ્રતિપાદિત થતું નથી, પણ વિષય ભેદ છે. તે વિષયભેદના સમર્થનમાં ઘટક શ્રુતિઓ જે શરીર શરીરીભાવ પ્રતિપાદક જે શ્રુતિઓ, તેનો પૂરો સહારો છે. જયારે નિરાકાર મત પાસે સાકાર પ્રતિપાદક શ્રુતિઓનું સમાધાન નથી. તેઓ એમ કહે છે કે, સાકાર પ્રતિપાદન કરનારી શ્રુતિઓ ગૌણ છે. જયારે નિરાકાર પ્રતિપાદન કરનારી શ્રુતિઓ મુખ્ય છે. આ તેની યુક્તિ છે ને સમાધાન છે. પણ તે સમાધાન ખોખલુ છે.
આ શ્રુતિ ગૌણ અને આ શ્રુતિ મુખ્ય એવો વિભાગ કરનારા કોણ ? શ્રુતિ સ્વયં કે નિરાકાર મત સ્વયં ? એનું સમધાન તેમની પાસે નથી. ગૌણ–મુખ્ય વિભાગ કરનાર નિરાકાર મતવાદી છે, પણ શ્રુતિ નથી. તે પણ પોતાનો મત નિરાકાર છે તેની સહાય માટે આ અર્થ ખેંચવાની જરૂર પડે છે. શ્રુતિઓમાં ગૌણ–મુખ્ય વિભાગ કરવાનો અધિકાર આચાર્યને પણ હોઈ ન શકે અને કદાચ કહી શકે તો આચાર્યોના આચાર્ય એવા વ્યાસ ભગવાન એક જ કહી શકે. વ્યાસજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હોય એવા શબ્દો તો નથી. ત્યારે સામે સાકાર માન્યતાની પાસે આની સામે વ્યાજબી દલીલ એ છે કે વેદોની તમામ શ્રુતિ સરખી છે. વિભિન્નતા છે તે વિષય ભેદની છે અને તે તો હોઈ શકે, પણ વિરોધ નથી. વળી ઘણીક શ્રુતિઓ શરીર–શરીરીભાવ સમર્થન કરી સાકાર મતને એક વધુ ટેકો આપે છે. શ્રુતિઓ તરફથી નિરાકાર મતમાં એવી સાનુકૂળતા નથી.
મહારાજે શ્રુતિ અને અનુભૂતિ બન્ને પક્ષને આધારે પ્રતિપાદન કર્યું છે. મહારાજ કહે જળ નિરાકાર છે પણ જળ દેવતા(વરુણ) સાકાર છે. તેવી જ રીતે તમામ દેવોનું છે. એ દૃષ્ટિએ તો ઉલ્ટું સાકાર મુખ્ય અને નિરાકાર ગૌણ ગણાય. કારણ કે સમગ્ર જળ કરતા પણ તેના મૂર્તિમંત સ્વરૂપ વરુણ દેવ મુખ્ય ગણાય. તેમજ તેજ કરતા મહારાજ મુખ્ય ગણાય. મિલકત કરતા માલિકનું મહત્ત્વ વધારે જ ગણાય. માટે શ્રુતિમાં ગૌણ વિભાગ કરવો હોય તો પણ સાકાર પ્રતિપાદક શ્રુતિઓને મુખ્ય ગણવી જોઈએ. છતા સાકાર મતવાળાને તેની જરૂર પડતી નથી. વળી પ્રલયકાલીન વર્ણન કરનારી અને સૃષ્ટિકાળ વર્ણન કરનારી શ્રુતિઓમાં પ્રલયકાલીન શ્રુતિઓ ભગવત્વિષયક નિર્ણયમાં પ્રથમ ગણવી જોઈએ. માટે ‘સ એક્ષત’ તેનાથી સાકાર જ પ્રતિપાદિત થાય છે. માટે મહારાજ કહે સાકાર સમજણ સાચી છે. નિરાકાર સમજણ શ્રુતિઓને આધારે તેને અનુરૂપ નથી, જેટલી સાકાર સમજણ અનુરૂપ છે. માટે મહારાજ કહે છે કે ભગવાન છે તે તો સદા સાકાર જ છે.