ગપ્ર–૩૯ : સવિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિવાળાનું

પ્રતિપાદિત વિષય :

સવિકલ્પ અને નિર્વિકલ્પ સ્થિતિવાળાની સમજણની સ્પષ્ટતા તથા સમાધાન.

મુખ્ય મુદ્દા :

સવિકલ્પ અને નિર્વિકલ્પ સ્થિતિવાળાની સમજણની ભિન્નતાનું કારણ તથા બ્રહ્મ નિરુપણની સાચી રીત.

વિવેચન :–

આ વચનામૃતમાં સભામાં એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને મહારાજે પ્રશ્ન પૂછયો જે તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ, ઈશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ તે સર્વે મિથ્યા કહો છો એમાં અમને સમજાતું નથી અને એ વાત અમારા માન્યામાં આવતી નથી. માટે તેનો ઉત્તર કરો. તે પણ વ્યાસજીના વચને કરીને. કારણ વ્યાસજી સર્વે આચાર્યોમાં પ્રમાણ રૂપ છે અને અમને વ્યાસજીના વચનમાં દૃઢ પ્રતીતિ છે. પછી તેણે ઉત્તર કર્યો પણ આશંકાનું સમાધાન ન થયું.

ત્યારે મહારાજ કહે લ્યો અમે તેનો ઉત્તર કરીએ જે, એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના બે ભેદ છે. એક સવિકલ્પ સમાધિ સ્થિતિવાળા મુકતો ને બીજા નિર્વિકલ્પ સમાધિ સ્થિતિવાળા જે મહામુકતો. તેમાં પ્રથમ મુકત છે તેની દૃષ્ટિએ ભગવાન તથા બીજા મુક્તો, જીવ–જગત વગેરે છે. કારણ કે પરમાત્મામાં સંપૂર્ણ જેવું જોઈએ તેનું જોડાણ નથી થયું; કિંચિત્‌માં અધૂરું છે. જયારે બીજા નિર્વિકલ્પ સમાધિ સ્થિતિવાળા મુકત છે તેને પરમાત્મામાં અતિ જોડાણને લઈને બીજા તત્ત્વોની સભાનતા હોતી નથી. એક પરમાત્મામાં જ નિમગ્નતા હોય છે એવા મુક્તોના અનુભૂતિનાં ઉદ્‌ગાર વચનો શાસ્ત્રમાં લખ્યાં હોય ત્યારે એક બ્રહ્મનું જ–પરમાત્માનું જ પ્રતિપાદન થતું હોય, પણ સવિકલ્પ સમાધિ સ્થિતિવાળા મુક્તોનાં વચન તેવા ન હોય તેના મતે તો બધા જ તત્ત્વો–શાસ્ત્રો સત્ય જ છે પણ મિથ્યા ન હોય. નિર્વિકલ્પ સમાધિ સ્થિતિવાળા મહામુક્તોને પરમાત્માના સ્વરૂપમાં તીવ્ર અને સંપૂર્ણ જોડાણને લઈને પ્રત્યક્ષ વૃત્તિનો બાધ થાય છે માટે જગત તથા અન્ય જીવો તેની અનુભૂતિમાં આવતા નથી. એક પરમાત્મા જ આવે છે. માટે કહે છે કે એક બ્રહ્મ જ સભર ભર્યો છે પણ તે તો તેની પ્રત્યક્ષ વૃત્તિના બાધનું પરિણામ છે વાસ્તવિકતા નથી. જે અતિ પામર કે નાસ્તિક છે ને જેને કેવળ વિષયો ને જગત જ અનુભૂતિનો વિષય છે ને અધ્યાત્મવૃત્તિનો સંપૂર્ણ બાધ છે, તેને માટે જગત જ સત્ય છે.

પરમાત્માને કોણે દીઠા છે એમ કહેવાથી કાંઈ પરમાત્માનું અસ્તિત્વ નાબૂદ થઈ જતું નથી. એ તો એની અતિ પામર સ્થિતિના ઉદ્‌ગારો છે. જેમ માણસ સ્વપ્નમાં નવી સૃષ્ટિ જુએ છે ત્યારે બહાર કોઈ ઘટના ઘટતી હોય તેની તેને સભાનતા–જ્ઞાન હોતું નથી. કારણ કે ઊંધને લીધે પ્રત્યક્ષ વૃત્તિનો બાધ થયો છે. જયારે તેની આજુબાજુના માણસોને માટે તો તે ઘટના અનુભવાય છે. પણ સૂતેલો સ્વપ્નમાં ભયંકર દૃશ્ય જોઈને ડરી જાય ને ચીસ પાડે પણ જાગ્રત માણસને ભય વ્યાપે નહીં. કારણ કે જાગૃતિમાં છે. તેને સ્વપ્નવૃત્તિનો બાધ છે માટે તેને ભય નથી. આવું જ સ્થિતિના ભેદને લઈને પ્રત્યક્ષવૃત્તિ બાધ પ્રત્યક્ષ વૃત્તિનો કિચિત્‌માન્યતાઓ વા સર્વિકલ્પ અને નિર્વિકલ્પ સ્થિતિવાળાની અનુભૂતિ અલગ પડે છે. પણ તે સ્થિતિ સાપેક્ષ છે. સર્વને માટે નથી અને સર્વને માટે તો જે વાસ્તવિકતા હોય તે જ છે. એટલે કે જીવ–જગત્‌વગેરે છે.

તો શું નિર્વિકલ્પ સ્થિતિવાળાની અનુભૂતિ ખોટી સમજવી ? તે પણ સાચી ને ઊંચી પણ છે. પરંતુ સાપેક્ષ છે. તેને માટે જ બરાબર છે પણ સવિકલ્પવાળાને બરાબર નથી. મહારાજે આ સ્થિતિને સમજાવવા માટે દરિયામા ગયેલ વહાણ, મેરૂ અને લોકાલોક–પવર્તનું દૃષ્ટાંત આપ્યું છે. જે સ્થિતિની ઊંચાઈ અને મહાનતાને યથાર્થ સમજાવનારા છે. મહારાજ કહે આવી રીતે બ્રહ્મનિરૂપણ કરે તો શાસ્ત્રમાં પૂર્વાપર બાધ ન આવે. જેમાં શાસ્ત્રના તમામ વાકયોનો સમન્વય સાધવામાં આવે તે જ સિદ્ધાંત વધારે સ્વીકાર્ય ગણાય. એવી સ્થિતિને તો પામ્યો ન હોય ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્રે કરીને એક બ્રહ્મનું પ્રતિપાદન કરે ને તત્ત્વભેદને તથા શાસ્ત્રોને મિથ્યા કહેતો હોય તે મહા મૂર્ખ છે ને અંતે નારકી થાય છે.