પ્રતિપાદિત વિષય
પોતાના મનનો તપાસ કરવો.
મુખ્ય મુદ્દા :
૧. મનમાં બાકી રહેલી વાસનાનો નિર્ધાર કરવો.
ર. ધીરે ધીરે તેને ઓછી કરવી.
૩. મનને ભગવાનના ચરિત્રમાં ગૂંચવી મેલવું.
૪. મનનો વિશ્વાસ ન કરવો પણ નિયમન કરવું.
પ. મનને જીતવા મોટાની સહાય લેવી.
વિવેચન :–
આ નામાનું વચનામૃત છે. જેમાં અમૂલ્ય જીવન મૂડીના બાકી દેવા ને બાકી લેણાનો હિસાબ હોય છે. આપણા પર વાસનાનું કરજ છે તેને આપણે ચૂકવીને ભગવાન પાસે જવાનું છે. ચૂકવ્યા વિના લેણદારો આપણને છૂટા ન કરે. માટે આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જે સત્સંગી હોય તેને જયારથી પોતાને સત્સંગ થયો હોય ત્યારથી પોતાના મનનો તપાસ કરવો. જે ‘પ્રથમના વર્ષમા મારું મન આવું હતું. આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી.’ એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી. જો એમ વિચારે નહિ ને બધી ભેગી કરે તો એની તે વાસના ટળે નહીં.
જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિનાનું નિરંતર ચૂકવી દઈએ તો દેતાં કઠણ ન પડે ને વર્ષ દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે. તેમ નિરંતર વિચાર કરવો. વાસનાનું કરજ એક સાથે દઈ શકાતું નથી. વણિકનું નામું તો કદાચ દઈ શકાય ખરું, પણ આ એક સાથે ચુકવી દેવાય એવું ન બની શકે. માટે આજે જેટલી શક્તિ હોય એટલું આજે ચૂકતે કરી દેવું. નિત્ય સરવૈયું–બેલેન્સ મેળવતું રહેવું ને થોડું થોડું ચૂકતે કરતું રહેવું. નહીં તો ઝાઝું ભેળું થાય તો જેમ દેવાળું નીકળે તેમ આપણને પણ વાસના ભરખી જાય. માટે છેલ્લે જોઈ લઈશુ એવા વિશ્વાસે બેસી ન રહેવું. એક સાથે કયારેય આ દેણું દઈ જ શકાતું નથી. માટે સિલક મેળવતા શીખવું. એટલે કે વાસનાનો તપાસ કરતા શીખવુ. તેનો તપાસ કરવા માટે મનનો તપાસ કરતા શીખવું. એટલે કે પોતાના સારા–નરસા સંકલ્પનો તપાસ કરતા શીખવું. ભગવાન સંબંધી કેટલા સંકલ્પ થાય છે ને તેની સરખામણીમાં જગત સંબંધી કેટલા સંકલ્પ થાય છે. તેનો સરવાળો મેળવતા શીખવું. તો જ વાસના ઓછી થઈ શકે.
આધુનિક મનોવૈજ્ઞાનિકો મનના બે વિભાગ કરે છે. એક આંતર મન અને બીજું બાહ્ય મન. ખરેખર મન બે નથી પણ તેના કાર્યના બે વિભાગ હોઈ શકે : પ્રવૃત્તિ અને વાસના. વાસના એ મનની જીવાદોરી છે, મનનો પ્રાણ છે. જેટલી વાસના વધારે તેટલું મન વધારે ઠેકડા મારે. તેવી જ રીતે પ્રવૃત્તિ પણ મનનો ખોરાક છે, આધાર છે, જીવાદોરી છે.
ગીતામાં કહ્યું છે કે ‘ન હિ કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠતિ અકર્મકૃત્’ (ગી.૩પ) માણસ એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી.
જો મન(બાહ્ય)ને સત્પ્રવૃત્તિમાં જોડી દેવામાં આવે તો આંતર મનમાંથી વાસનાના ટ્રંક કોલ કે ઉધામા આવતા બંધ થઈ જાય. કારણ કે સત્પ્રવૃત્તિમાં રત–એંગેજ થઈ જાય. કારણ કે મન એક જ છે અને તે સ્ત્રી આદિક પદાર્થની સમગ્ર કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે (પ્ર.૧ર). માટે મનનું પ્લેટફોર્મ (માનસ પટ) શુભ પ્રવૃત્તિ કે ભક્તિથી એંગેજ થઈ જાય તો વાસનાને સપાટી ઉપર આવવાની તક મળતી નથી. પછી વાસના સાથે લડાઈ લઈએ તો વાસનાને જીતવી સહેલી પડે છે.
મહારાજ કહે છે મનને નવરું ન રહેવા દેવું. ભગવાનનાં ચરિત્ર રૂપ જાળું બનાવીને તેમાં ગૂંચવી દેવું, તેના ઘાટ કર્યા કરવા. એક શમ્યો ને બીજો કરવો. મહારાજે ભૂતનું દૃષ્ટાંત દીધું. નવરું ભૂત ઘણાને ભરખી જાય. તેમ નવરું મન પણ ઘણાને ભરખી જાય છે. અધોગતિમાં નાખે છે.
મહારાજ કહે છે મન છે તે જગતની વાસનાથી ભરપૂર છે. જો તે નવરું પડયું તો તેમાંથી જગતની ગંધના ફુવારા જ છૂટવાના છે. જે ભકતના જીવનને પ્રદૂષિત બનાવી દે છે. જો ભગવાનના ચરિત્ર, વાર્તા, દર્શન જો એક દિવસના સંભારવા માંડે તો તેનો પાર ન આવે તો સત્સંગ થયા દસ પંદર વર્ષ થયા હોય તો તેનો પાર જ કયાંથી આવે ? આવી રીતે મનમાં યાદ કરવું એ જ વાસનાને હઠાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. એ જેવો બીજો શ્રેષ્ઠ ઉપાય નથી.
ત્યારે કોઈ કહેશે જે અન્ન થોડું ખાઈએ ને ઉપવાસ ઝાઝા કરીએ તો વાસના ન રહે. તો મહારાજ કહે, અમે તેમ કહેતા નથી. એ તો પોતાના નિયમ પ્રમાણે કરવું. પણ અમે તો આ કહીએ છીએ કે મનને નવરું ન રહેવા દેવું. ભગવાનનાં ચરિત્ર રૂપ જાળામાં ગૂંચવી મેલવું. મહારાજ કહે અમે તો એ માન્યું છે જે મન નિર્વાસનિક જોઈએ. જ્ઞાનવૈરાગ્યથી શુષ્ક થયેલી નિવૃત્તિ કરતા ભકિતથી પ્રેરાયેલી, ભક્તિની ભીનાશથી ભીની અને ધર્મની મર્યાદામાં રહેલી પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે. જે મનને નિર્વાસનિક કરનારી બને છે. જેથી ભગવાન ને ભગવાનના ભક્તની કૃપાનું પાત્ર બને છે.
મહારાજ કહે છે દેહે કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય પણ મન જો શુદ્ધ હોય તેનું અતિ ભૂંડું થાય નહીં અને બાહેર જો અતિ નિવૃત્તિપરાયણ વર્તતો હોય તો પણ મનમાં જે હિલચાલ થતી હોય એટલે કે વાસનાના સંકલ્પ થતા હોય તે જ સ્ફુરી આવે છે. જેમ ભરતજીને મૃગનું બાળક સ્ફુરી આવ્યું. જેથી તે મૃગને આકારે થઈ ગયા. જેણે પ્રથમ તો રાજય મેલ્યું હતું ને ૠષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એમ થયું. માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. વાસનાને જીતવા માટે નિર્વાસનિક મન રાખીને નિષ્કામ કર્મયોગ કરવો એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. એવો ગીતાનો (શ્રી કૃષ્ણ પરમાત્માનો) સિદ્ધાંત છે. નિષ્કામભાવે ભગવાન ને ભગવાનના ભકતની સેવા કરવી એ આ વચનામૃત પ્રમાણે, શ્રીજી મહારાજના મત અને સિદ્ધાંત મુજબ શ્રેષ્ઠ ઉપાય છે.
એમાં પણ મહારાજ કહે, અમને આવું વધારે ગમે છે. એક ભકત તો મને કરીને નિર્વાસનિક છે ને દેહે કરીને વિષય ભોગવે છે. તો એ અમારો મત નથી. અમને તો દેહે કરીને ત્યાગ અને મને કરીને પણ ત્યાગ બેય ભેળા હોય એ ગમે છે. મહારાજની આ માન્યતામાં એક રહસ્ય પડયું છે. સત્પ્રવૃત્તિનો સ્વીકાર મહારાજ ને માન્ય છે ને ગમે છે પણ તેની સાથે વિષયનો સ્વીકાર મહારાજને માન્ય નથી. પ્રવૃત્તિ અને વિષય સ્વીકાર અલગ અલગ વસ્તુ છે. એવું અહી વચનામૃતમાં કહેવાનું છે. નિર્વાસનિક થઈને સત્પ્રવૃત્તિ કરે તો ભલે કરે. જેમાં મહારાજ રાજી થાય પણ નિર્વાસનિક થઈને વિષય ભોગવવા લાગી જાય તો મુશ્કેલી પડી જાય. માટે મહારાજ કહે ઉપવાસ કરે ત્યારે મન દુર્બળ થાય ને વળી જયારે દેહ પુષ્ટ થાય ત્યારે મન પણ પુષ્ટ થઈ જાય. પછી દુર્બળતા રહેતી નથી. માટે એવું ન કરવું, મને કરીને નિર્વાસનિકતા ને દેહે કરીને વિષયનો ત્યાગ અને ભગવાનની ભકિત સંબંધી પ્રવૃત્તિનો યોગ થાય તો તેણે કરીને મનની અંદર પડેલી વાસનાનો જલ્દી નિકાલ થાય છે. જે મહારાજને ગમે છે ને મહારાજનો સિદ્ધાંત પણ છે.
મહારાજ કહે અમારા સત્સંગમાં મોટેરો પણ તે જ છે. જેને ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય. જો એવો ન હોય તો તે નાનેરો છે. ગૃહસ્થ ભક્તએ પણ એવું જ કરવું. જે ભગવાનના ઘાટ કરવા ને જગતના ઘાટ ન કરવા. એવા દૃષ્ટાંત રૂપ ગૃહસ્થ તો જનક રાજા હતા. તો તેની ત્યાગી કરતા પણ વધુ પ્રસિદ્ધિ શાસ્ત્રમાં છે. શુકદેવજીના પણ ગુરુ કહેવાયા છે. આપણા સત્સંગમાં પણ ઘણા જનક જેવી સ્થિતિવાળા સંપ્રદાયના ઈતિહાસમાં પ્રસિદ્ધ છે.
આગળ જતાં મહારાજે કહ્યું એ પ્રમાણે વાસના સાથે લડાઈ કરતા હોય, તેણે સંગ પણ પોતાથી આગળ હોય ને અંતરની લડાઈ (વાસનાની લડાઈ)માં વિજેતા થયા હોય તેનો કરવો. વાસનાથી હારી ગયેલા અને વાસનાએ જેને સારી પેઠે ઠમઠોર્યા હોય ને વાસનાનો ભોગ બનેલા હોય તેનો જોગ ન કરવો કે તેનું શરણું ન લેવું. જો એમ કરે તો મહારાજ કહે છે કે જેમ ‘કૂતરાનું મુખ કૂતરો ચાટે’ ‘સર્પને ઘેર પરોણો સાપ’ વિધવાને પાસે સુવાસિની જાય ત્યારે આશીર્વાદ આપે જે ‘આવ બાઈ હું જેવી તું પણ થા’ એવું થાય. કૂતરાનું મુખ કૂતરો ચાટે તો કોણ અભડાય અને કોણ શુદ્ધ થાય ? બેય સરખા જ છે. સર્પને ઘેર સર્પ જાય ને મુખ ચાટે તો કોને કોનું ઝેર ચડે ? બન્ને સરખા જ છે. માટે એમ ન થાય તે ખ્યાલ રાખવો.
પોતાની કચાશ જેમાં ન હોય તેની સહાય લેવી. તેમાં પણ વારંવાર જતન કરી આપણો ખ્યાલ રાખે તેની લેવી. તે સારા હોય પણ મહારાજ કહે આળસુ હોય અથવા આપણી સંભાળ રાખવામા તેને રસ ન હોય તો આપણને કાંઈ ફાયદો ન થાય. તો તેની સહાય લેવાનો કોઈ અર્થ રહેતો નથી. એવી રીતે ઘાટ ટાળીને કેવળ પરમાત્માના ઘાટ કર્યા કરવા.
મહારાજ કહે એકાદશીનું વ્રત પણ એને જ કહેવાય કે દશ ઈન્દ્રિયો ને અગિયારમું મન તેને પોત પોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવાં. એવું વ્રત તો ભગવાનના ભક્તએ નિરંતર કરવું. ખાલી એકાદશીને દિવસે જ નહીં. જેનું મન નિર્વાસનિક ન હોય ને દેહે કરીને વ્રત જપ કરે તો પણ તેનું અતિશય સારું થતું નથી. માટે તેનો અભ્યાસ કરવો.
મહારાજ કહે, ખરો ત્યાગી કોને કહેવાય ? તો આત્મા વિના બીજા જે પદાર્થો છે તેનો ત્યાગ કરીને કેવળ આત્મભાવે પરમાત્માની ઉપાસના કરે તેને ખરો ત્યાગી કહેવાય. ખરો ગૃહસ્થ કોને કહેવાય ? તો જનક રાજા જેવો હોય તે ખરો ગૃહસ્થ કહેવાય. જેમ જનક રાજાએ કહ્યું જે આ મારી મિથિલા નગરી બળે છે તેમાં મારું કાંઈ બળતું નથી. જે મારું છે તેને અગ્નિ બાળી શકે તેમ નથી. એમ રાજય જેવી સમૃદ્ધિમાં પણ તદ્દન નિર્લેપ અવસ્થામાં રહ્યા. માટે એવા હોય તેને મોટા ગૃહસ્થ કહેવાય. ટૂંકમાં દેહ, ઈન્દ્રિયોથી નોખો પડીને, તેના ભાવોમાં તદ્દન નિર્લેપ રહીને, ભગવાનને ભજે તે ખરો ત્યાગી. સમૃદ્ધિ–કે સંબંધીમાં તદ્દન નિર્લેપ થઈને ભગવાન ભજે તે ખરો ગૃહસ્થ કહેવાય.
પછી મોટા આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે, દેહ, ઈન્દ્રિયો, અંતઃકરણ તથા દેવતા તેથી જુદો જે જીવાત્મા તેનું રૂપ કેવી રીતે છે ? તેનો અનુભવ કેમ કરવો ? ત્યારે મહારાજે કહ્યું લ્યો ટૂંકમાં કહીએ. દેહાદિકથી અલગપણાની અનુભૂતિ કરનારો સ્વયં આત્મા છે અને સમજાવનારો પણ આત્મા છે.
દેહ તે હું નહીં, હું દેહથી નોખો છું. એવો વિવેક દેહમાં ન રહી શકે; પણ ઈન્દ્રિયોમાં રહી શકે. પ્રતિલોમ વિવેક આધારમાં રહે છે, પણ આધારિત પદાર્થોમાં નથી રહેતો. હવે જયારે ઈન્દ્રિયોથી હું અલગ છું એવો વિવેક ઈન્દ્રિયોમાં ન ઊભો થઈ શકે, તેથી પર એવા મનમાં થઈ શકે. હું મનથી અલગ છું, બુદ્ધિથી અલગ છું. એવો માયિક તત્ત્વોનો છેલ્લો વિવેક છે તે કોઈ નક્કર ભૂમિકામાં અનુભવાય છે. વિવેકની ભૂમિકા જે અનુભવાય તે આત્મા છે. તે સમજનારો પણ આત્મા છે ને સમજાવનારો પણ આત્મા છે. આમ પ્રતિલોમ દૃષ્ટિનો આધાર છે તે આત્મા છે. એમ આત્માની અનુભૂતિ અનુભવી શકાય છે.