પ્રતિપાદિત વિષય :
દેશવાસનાનું બળવાનપણું.
મુખ્ય મુદ્દા :
૧. વિવેક વિચાર કરવાથી દેશવાસના મંદ પડી જાય છે.
ર. મહારાજ અને તેના સાચા ભક્તો અહં અને મમતાનું કેન્દ્ર બને તો દેશવાસના જલ્દી દૂર થાય.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ કહે છે કે, જે અણસમજુ હોય અને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જયાં પોતાની જન્મભૂમિ હોય તેને વિષે હેત ટળતું નથી. એટલે કે દેહભાવ હોય. ત્યાગાશ્રમ તો લીધો હોય પણ અંતરમાંથી દેશ વાસના ટળતી નથી. જયાં આસક્તિ હોય ત્યાં તેની સાથે તે સંબંધી પદાર્થોમાં પણ હેત વધી જાય. તેની સ્મૃતિ થયા કરે. એટલે તો આજના જમાનામાં પોતાની માતા અને પિતા કરતા પત્નીના માતા પિતાને યુવાનો વધારે સન્માન દે છે ને પોતાના માતા પિતાને અલગ કરીને પેલાને બોલાવીને સાથે રાખે છે. તે મીઠા પણ ઘણા લાગે છે ને તેનો કંટાળો પણ નથી આવતો. તેનું કારણ બીજું કોઈ નથી. પત્નીમાં હેત વધુ હોય ત્યારે તેના સંબંધીમાં આપોઆપ હેત વધારે થઈ જ જાય. કોઈ કદાચ સાસુ સસરાને પોતાને ઘેર સંજોગવશાત્ન રાખી શકતા હોય. બનવા જોગ છે કે પોતાના માતા–પિતા માથા ભારે હોય તો આવું શકય ન પણ બને. છતાં મીઠા તો જરૂર વધારે લાગે જ. બધા જ એવું કરે છે એવું આપણે કહેવું નથી, પણ જયાં વધારે હેત હોય ત્યાં આવું બને. એ જ રીતે દેહભાવમાં વધારે આસક્તિ ને અભિનિવેશ છે ત્યાં સુધી જન્મભૂમિની સ્મૃતિ દૂર થતી નથી.
દૃષ્ટાંત રૂપે મહારાજે પોતાના સાથળને વિષે નાનપણામાં ઝાડનો ખાંપો લાગ્યો હતો તે સર્વને દેખાડયો ને બોલ્યા જે આ ચિહ્નને જયારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ ને તળાવડી સાંભરી આવે છે. માટે જન્મભૂમિ તથા પોતાના સંગા–સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. એમ કહીને મહારાજ સંતો સામે પડકારના રૂપમાં કહે છે કે જેને જેને જન્મભૂમિ તથા સંગા–સંબંધી તે સાંભરતા ન હોય તે બોલો ને લાજે કરીને ન બોલે તેને શ્રીનરનારાયણના સમ છે. ત્યારે મુનિઓએ જેને જેમ વર્તતું હતું તેમ કહ્યું. સંતોને મહારાજે અહી ભીડામાં લીધા છે. કારણ કે તેનો ઉપાય ઘણો કઠણ છે.
મહારાજને તો સાંભરે કે ન સાંભરે તો પણ કાંઈ ફર્ક નથી. પણ ત્યાગીએ શું કરવું તેનું ધ્યાન દોરવા માટે કહે છે કે પોતાને આત્મારૂપ માનવું. પછી તેની જન્મભૂમિ કઈ ને સંગા કોણ ? સંગપણ માનવું હોય તો પૂર્વે ચોરાશી લાખ જાતના દેહ ધર્યા છે. તે પણ આપણા જીવે જ ધર્યા છે. તેનું પણ અત્યારના જેટલું જ મહત્ત્વ માનવું ? અને તેના સંગાંનું પણ કલ્યાણ ઈચ્છવું ? ના, આપણે તેવું કરતા નથી. તે માબાપને અજ્ઞાને કરીને વિસારી દીધા છે તેમ આ મનુષ્ય દેહના માબાપને જ્ઞાને કરીને–વિવેકે કરીને વિસારી દેવા. તેને ભૂલવા માટે એ જ તેનો સાચો ને મોટો ઉપાય છે, નહીં તો તેનું સ્થાન જીવનમાંથી ત્યાગી થાય તો પણ હટે નહીં. મહારાજ કહે છે કે, અમારે તો કોઈ સંગાં–સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભકિત ન હોય તો તે ઉપર હેત કરીએ તો પણ ન થાય. એટલું જ નહિ નારદજી જેવો ગુણવાન હોય અને તેને ભગવાનની ભકિત ન હોય તો પણ અમને તે ન ગમે.
મહારાજ કહેવા એ માગે છે કે, આ જીવને દેહમાં અભિનિવેશ થઈ ગયો છે. દેહના સંબંધી તો અતિશય સ્નેહ અને સમર્પણનું કેન્દ્ર બની ગયા છે. દેહની સેવા કરનારા ઉપર મોહની આંધી આવી જાય છે. કોઈ જરા ગુણવાન કે સત્તાવાન હોય તો તે જીવના હૃદયમાં જલ્દી સ્થાન પામી જાય છે. એવું જગત પ્રાધાન્ય થઈ ગયું છે. એટલે કે મૂળમાંથી જીવનું કેન્દ્ર ખસી ગયું છે. તે અનાદિ માયાના અજ્ઞાને કરીને ખસી ગયું છે ને હજુ વધુ ખસેડતો જાય છે.
ઉપર જે સંસૃતિમાં ભટકાવનારા કેન્દ્રો છે તે જયારે ભગવાન અને ભગવાનના ભક્ત બને અને તેમાં જેવી દૃઢતા છે તેવી મહારાજમાં ને સાચા ભક્તોમાં થાય તો જ દેહના સંબંધનો અંતરમાંથી વિચ્છેદ થાય અને જન્મભૂમિની વાસના ટળે. તે સિવાય વાસના ટળવી ઘણી કઠણ છે. તે ટાળવા માટે મહારાજ પોતાના અંગત પ્રત્યક્ષ–પ્રેકટીકલ અને શાસ્ત્રીય અનુભવો અને માન્યતાઓ બતાવતાં વાત કરે છે : એક તો ભગવાનનો મહિમા સમજતો હોય જે ‘આ’ ‘તે’ છે એટલે કે જેવા પ્રગટ ભગવાન પૃથ્વી પર બિરાજે છે અને જેવા તે ભગવાનના ભકત ભગવાનની સમીપે બિરાજે છે તેવાને તેવા જ જયારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે. એવું સમજાઈ જાય તો ખામી રહે નહીં. એને શાસ્ત્રમા પ્રત્યભિજ્ઞા – ઓળખાણ કહે છે.
‘તત્તા ઈદન્તાવગાહિ જ્ઞાનમ્પ્રત્યભિજ્ઞા’ શાસ્ત્રમાં જે મહિમા કહ્યો છે તે ‘તે’ છે. જયારે આપણે જેને પસદ કરીએ છીએ તે ‘આ’ છે. પણ તે બન્ને એક જ વ્યકિત હોય તો અલૌકિક કામ થાય છે. મુકતાનંદ સ્વામીએ કહ્યું છે કે ‘દિવ્ય માનુષ દોઊ એક કરી ચિહ્ના અલખ ભયો હૈ બાત નવીના’ આમ ‘તે’ અને ‘આ’ નો સમન્વય સાધે ત્યારપછી દેહના સંગાં કે જન્મભૂમિમાં હેત ન રહે. લોકમાં એવું છે કે કોઈ સત્તા ઉપર આવે ત્યારે બીજા માણસો તેની સાથે કોઈ પણ રીતે સંબંધ સ્થાપિત કરવા મથતા હોય છે. તેનો આનંદ પણ હોય છે કે ‘મારા સાળાના સસરાના બેનના જેઠના… ફલાણા’ ને મેળ ન ખાતો હોય તો પણ ગોઠવવાનું કરે છે. શા માટે ? તો તેને ‘તે’ રૂપ દેખાય છે. એમ જયારે ભગવાન અને તેના ભકતોમાં ‘તે’ એટલે કે શાસ્ત્રમાં જેમના સ્વરૂપ ને મહિમાનું વર્ણન કર્યું છે તે ‘આ’ છે એવું મનાય તો પેલો સંબંધ જલ્દી તૂટી જાય ને આ નવો સંબંધ જલ્દી મનાઈ જાય ને જન્મભૂમિ પણ બદલાઈ જાય.
મહારાજ કહે કે એમ માને : ‘તે ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે.’ એવી દૃઢ નિષ્ઠા હોય જે કોઈ કાળે ડગે નહીં. સાકાર વિના ભકિત અને સમર્પણનું કેન્દ્ર બની શકતુ નથી. માટે સંસારનો સંબંધ અને સમર્પણ–સેવા ટાળવા માટે સામે કોઈ શ્રેષ્ઠ વિકલ્પ હાથ આવવો જોઈએ. જેના વિકલ્પમાં મહારાજ કહે છે કે ભગવાનના ભક્ત ભગવાનને વિકલ્પ તરીકે પકડે.
આ ઉપરાંત મહારાજ એ કહે છે કે ”ભગવાન વિના બીજા કોઈને જગત કર્તા જાણે નહીં” ભગવાનને જગતની સત્તાનું કેન્દ્ર મનાય ત્યારે તેનો મહિમા આપોઆપ આવે છે. મહારાજ કહે, આવો હોય તે અમને ગમે છે. તેના ઉપર કાળ, કર્મ માયાનો હુકમ નથી. એવાને દેહના સંગાં ને જન્મભૂમિનો સંબંધ ચોખ્ખો ટળે છે. એવો અહીં અભિપ્રાય છે. મહારાજ કહે છે કે, ઉપર કહેલી નિષ્ઠા જેને અતિ પ્રબળ હોય ને વિરોધી પરિબળમાં પણ પાછી ન પડે તેવી હોય તો એવી નિષ્ઠાવાળા સંત તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ અને તેને દુઃખવતાં મનમાં બીએ છીએ. અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ.
મહારાજે એવી નિષ્ઠા જેને નથી તેને જડ મતિવાળા ને મૂર્ખ કહ્યા છે. તેના હૃદયમાંથી સમુદ્ર સમાન સંગાંનો સંબંધ ને જન્મભૂમિનો સંબંધ ટળતો નથી. એવી નિષ્ઠા ન હોય ને બીજાં સાધન કર્યાં હોય તો પણ બીજા લોકમાં જાય છે. ભગવાનની હજૂરમાં ભગવાનની સેવામાં તે રહી શકતો નથી. કારણ કે સંગાં જગતના માયિક વ્યકિતઓને માન્યા છે. માટે તેની સેવામાં જ રહેવાય ને ! જયાં સંગપણ માને ત્યાં સેવા થાય એ સીધો નિયમ છે. માટે મહારાજે કહ્યું તેવી નિષ્ઠાવાળા એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે અને એના દર્શનથી અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે. એટલે કે સંસારના અનંત જીવોના જે સંબંધો લાગી રહ્યા છે તે તૂટે ને ભગવાન ને ભગવાનના ભકતની સાથે સંબંધ થાય છે, પણ તેવી નિષ્ઠા રહિત હોય તેનાથી ભગવાન સાથે સંબંધ સ્થાપિત થતો નથી.