પ્રતિપાદિત વિષય :
સુખના ધામ એવા પરમાત્મામાં જીવની વૃત્તિ ચોટતી નથી અને જગતમાં ચોટે છે તેનું કારણ શું છે ? ભગવાનનો ભકત આનંદ સ્વરૂપ એવા પરમાત્માને પામીને પણ કલેશ કેમ પામે છે ?
મુખ્ય મુદ્દા
૧. પરમાત્માને મૂકીને માયિક અને નાશવંત પદાર્થોમાં જીવની વૃત્તિ ચોટી જાય છે.
ર. જો માયિક પદાર્થમાં વૈરાગ્ય ન રાખે અને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો શિવ બ્રહ્માદિ સમર્થ પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે.
૩. જો વચનને વિષે દૃઢ રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે અને જે વચન લોપે છે તેને તેટલો કલેશ થાય છે.
વિવેચન :–
ભગવાને કળ ચડાવી મૂકી છે કે સહેજે માયિક પદાર્થમાં, સ્ત્રી પુત્રાદિકમાં હેત થાય છે. આ જીવ કોઈ પણ સ્થાને હેત કર્યા વિના રહી શકતો નથી. વર્તમાન જન્મનો વિચાર કરીએ તો પણ હેતના સ્થાનો કેટલાં બદલી ગયાં. પ્રથમ બાળક અવસ્થામા માતામા અપાર હેત થયું, પછી શેરીમિત્રોમા, પછી સ્ત્રીમા, પછી બાળકોમા, પછી સાધન સંપત્તિ, પછી પ્રપુત્રો કે વંશપરિવારમા, આમ અનેક સ્થાનો બદલાવ્યા. પરંતુ બધા સ્થાનોમાં ફળની દૃષ્ટિએ તે નિષ્ફળ ગયો છે. આટલાં બધાં હેતનાં સ્થાનો બદલવાનો પણ અર્થ એ જ છે કે તેને કોઈ સ્થાને પોતે કરેલ હેતનો પ્રતિસાદ સંતોષકારક મળ્યો નથી. જો મળ્યો હોત તો બીજે ન જાત. તેના હેતનો પ્રવાહ ત્યાંજ સ્થિર થઈ ગયો હોત, પણ તેવું નથી થયું. તેના અંતરની જે તૃષ્ણાઓ હતી તે અધૂરી જ રહી છે. ઉલ્ટું તે હેતના બદલામાં કોઈ સારા ફળને બદલે વધારે તો ખાસડાં જ મળ્યાં છે. એમ નહીં, તો પણ ગુમાવવું તો પડયું જ છે.
જેમ એક વાછરું વાડામાંથી છૂટી પોઠિયાના ટોળામાં ગયું, તેમ થયું છે. લાતો લાગવાથી હેત કરવા જેવા ભગવાનમાં પણ તે સંપૂર્ણ દિલ લગાવીને હેત હવે કરી શકતો નથી. આ જીવે હેત કરવામાં સરવાળો કયારેય વિચાર્યો જ નથી. કેવળ આંખો બંધ કરીને આંધળુકિયું હેત કર્યે જ રાખ્યું છે. બીજી બાજુ જે હેત કદાપિ નિષ્ફળ જતું જ નથી. ‘ન હિ કલ્યાણકૃત્કશ્ચિત્દુર્ગતિં તાત ગચ્છતિ ।'(ગી.૬૩પ) અર્થાત્’હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે’ જેવી ખાત્રીઓ અનુભવી કવિઓ, ભકતો દ્વારા અપાયેલી છે. વળી ‘પત્રં પુષ્પં ફલં તોયં…’ જેવું સહેલું છે. વળી ‘અણુમયિંતુલં હિ મન્યતે…’ એવા ઉદાર પરમાત્મા છે. હજારગણું વધારીને પાછું આપે છે. એવા ભગવાનમાં હેત નથી થતું. એ જ ભગવાનની માયાનો પ્રભાવ છે કે ઊંધી ચાવી છે, નહીં તો બીજો કોઈ જવાબ નથી.
બીજા પ્રશ્નમાં પરમાત્માની આજ્ઞા પાળવાથી સુખી થવાય છે. પરમાત્માનો આનંદ પ્રાપ્ત થાય છે. જયારે આજ્ઞા લોપવાથી કલેશ થાય છે તેની ચર્ચા કરી છે. આપાત–ઉપલક દૃષ્ટિથી વિચારીએ તો સમાજમાં આ વસ્તુ મળતી નથી. આજ્ઞા લોપનારા અથવા અધર્મ અને અનીતિને માર્ગે ચાલનારા વધારે સુખી દેખાય છે અને ઈતિહાસનું તારણ જોતાં પણ ઘડીવાર વિચાર કરતા થઈ જવાય તેવું છે. રાવણે જે સમૃદ્ધિ એકઠી કરેલ તે અધર્મથી જ શકય બની હતી. નંદરાજાને પણ અનીતિથી એટલું જ ધન એકત્ર કરવું શકય બન્યું હશે. હિરણ્યકશિપુ સત્તાના એવા આસને પહોંચ્યો હતો તે અધર્મની સહાયતાથી જ તે શકય બન્યુ હોય એવું જણાય છે. તો શું વચનામૃતનું વિધાન ખોટું ઠરશે ? ના, બિલકુલ નહિ.
માણસને સંપત્તિ, સત્તા અને ભોગ ભાગ્યમાં જે હોય તે જ પ્રાપ્ત થાય છે. પછી આજ્ઞા લોપીને કે અધર્મ અનીતિથી તેને વધારી શકે છે, પણ સુખને વધારી શકતો નથી–આનંદને વધારી શકતો નથી. સુખ અને સંપત્તિ અલગ વસ્તુ છે. આજ્ઞા પાળે છે તેને સુખ અને આનંદની વૃદ્ધિ થાય છે, નથી પાળતા તેને કલેશ અને અશાંતિ વધે છે એ વસ્તુ નિશંક છે. આપણને ભ્રાંતિ ત્યાં થાય છે કે સમૃદ્ધિ, સત્તા અને વૈભવને આપણે સુખ તરીકે ઘટાવીએ છીએ. વાસ્તવમાં સુખ કરતા એ ભિન્ન છે અને આપણે એક ગણીને ભ્રમણામાં પડી જઈએ છીએ. તેથી આ વચનોમાં ગોટાળો ઊભો થાય છે. વસ્તુતઃ ચોખ્ખી જ વાત છે અને તેમ જ હોય છે.