ગપ્ર–૩૧ :નિશ્ચય વડે મોટયપનું

પ્રતિપાદિત વિષય :

૧. નિવૃત્ત ભક્ત અને સેવક ભક્તની તુલના.

ર. ભક્ત અને અસુરનું લક્ષણ.

૩. ભગવાન અને ભક્તમાંથી ગુણ ગ્રાહકતાભક્તપણું, દોષ ગ્રાહકતા આસુરીપણું.

મુખ્ય મુદ્દા :

૧. ભગવાન અને સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. ભગવાન અને સંતની સેવા થતી નથી તે અસમર્થ સમાન છે.

ર. અવળી બુદ્ધિવાળાને (આસુરી બુદ્ધિ) અવળું જ સૂઝે છે.

વિવેચન :–

પ્રસ્તુત વચનામૃતમાં બે ભકતોની તુલના કરીને સેવક ભકતની શ્રેષ્ઠતા બતાવેલી છે. ભગવાન અને સંતની સેવા કરવી એ કલ્યાણપ્રદ માર્ગ છે. કોઇનો દ્રોહ ન કરવો–કોઈને કોઇ રીતે દુઃખવવા નહિ (વિશેષે કરીને ભગવાનના ભકતોને) એ પણ કલ્યાણપ્રદ માર્ગ છે. આ બન્ને માર્ગ કલ્યાણકારી છે પરંતુ કયારેક આ બે માર્ગ વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે. ભકત જયારે સેવા કરવા જાય ત્યારે કોઈને દુઃખવવા પડે, કઠણ વચન પણ કહેવું પડે. ત્યારે તો બીજા સિદ્ધાંતનો ભંગ થયો, એમાં દ્રોહ થાય. દ્રોહ થઈ જવાનો અતિ ડર રાખે તો તેનાથી સેવા નથી થતી. માટે તે સિદ્ધાંતનો ભંગ થયો. કલ્યાણના માર્ગમાં બન્ને અગત્યના સિદ્ધાંતો છે. બન્ને પોતપોતાના સ્થાનમાં ઘણાં જ મહત્ત્વના હોવા છતા સમાન મહત્ત્વના નથી. તેમાં મુખ્ય ગૈાણ ભાવ જરૂર છે. અહીં સેવા કરવી એ મુખ્ય સિદ્ધાંત છે. કોઈનો દ્રોહ ન થવા દેવો એ તુલનાત્મક દૃષ્ટિએ ગૌણ છે.

જયારે એક માર્ગમાં બંનેનો સંઘર્ષ ઊભો થાય ત્યારે કોને ભોગે કોને ચાલુ રાખવો એ ખરેખર મુમુક્ષુના જીવનમાં મૂંઝવતો પ્રશ્ન હોય છે. તેની મહારાજ અહી સ્પષ્ટતા કરે છે. વાસ્તવમાં બંને માર્ગ અખંડિત રહે એવી મહારાજની ઈચ્છા છે. સંઘર્ષના સમયે અદ્રોહના ભોગે સેવા અખંડિત રાખવી. પણ જો ભકિત તેમાં હોમાઈ જતી હોય તો સેવા ભકિતનો ભોગ આપીને અદ્રોહને જાળવવાની તેટલી જરૂર નથી.

વચનામૃતનો બીજો મુદ્દો આસુરી બુદ્ધિનાં લક્ષણનો છે એટલે કે અસુર કોણ ? તેની સ્પષ્ટતાનો છે. એ સમજવા માટે આપણે એક બીજો નાજુક પ્રશ્ન આની સાથે જ ઉઠાવીશું કે ભકત કોણ ? કારણ કે ભકત અને અસુર એ બે વિરોધી શબ્દ છે. ભકત અને અભકત એ બન્ને ભિન્ન છે પણ વિરોધી નથી. માટે આપણી પાસે અત્યારે આ વચનામૃતને અનુસંધાને આ બે પ્રશ્ન થયા.

(૧) ભકત કોણ ? (ર) આસુરી કોણ ?

તેના ઉત્તરમાં આપણે ચાર વિકલ્પો વિચારીશું તો વચનામૃતનું હાર્દ સમજવામાં વધારે સ્પષ્ટતા થશે. તે વિકલ્પો નીચે મુજબ છે.

૧.જે ભગવાન, ભગવાનના ભક્ત તથા અભક્ત સર્વત્ર ગુણ દૃષ્ટિથી જ જોયા કરે છે. તેને ગુણ જ દેખાય છે. તે ગુણગ્રાહી છે, પણ ભકત નહિ.

ર.જેને કેવળ ભગવાન ને ભગવાનના ભક્તમાં ગુણ દેખાય છે તે શુદ્ધ ભક્ત.        

૩.જેને કેવળ ભગવાન અને ભગવાનના ભક્તમાં જ અવગુણ દેખાય છે, સર્વત્ર નહિ. તે તદ્દન (પ્યોર) આસુરી.

૪.જેને ભગવાન અને ભગવાનના ભક્ત તથા અભક્ત સર્વત્ર અવગુણ દેખાય છે. તદ્દન આસુરી નહિ, પરંતુ અવગુણી.

ઉપરના બે પ્રશ્નો અને નીચેના વિકલ્પોનો વિચાર કરતા આપાત–ઉપલક દૃષ્ટિએ સર્વ કોઈ એવો જ નિર્ણય આપવાના કે ભકત–એ પ્રથમ વિકલ્પ વાળો છે અને આસુરી બુદ્ધિ એ છેલ્લો વિકલ્પ છે; પરંતુ તે સાચી ધારણા નથી. વચનામૃતમાં તો શિશુપાલનું ઉદાહરણ ઉઠાવીને એક જ વિકલ્પની સ્પષ્ટતા કરી છે. શિશુપાલ ચોથા વિકલ્પની વ્યકિત છે કે ત્રીજા વિકલ્પની ? વચનામૃતના અભિપ્રાય પ્રમાણે ત્રીજા વિકલ્પમાં આવશે. શિશુપાલને સર્વત્ર અવગુણ દેખાય છે. માટે શ્રી કૃષ્ણ ભગવાન અને પાંડવોમાં અવગુણ દેખાય છે એવું નથી. શિશુપાલને તેના સંબંધિત વર્તુળમાં–સર્કલમાં કયાંય અવગુણ દેખાતો નથી. શિશુપાલને જરાસંધ, કંસ કે દુર્યોધનમાં અવગુણ દેખાતો હોય એવું આપણા સાંભળ્યામાં આવતું નથી. પાંડવો સદ્‌ગુણના ધામ હતા એવું આપણે કહી દેવું નથી. પણ સાથોસાથ તેનું સંબંધીવૃત્ત કયાં સદ્‌ગુણ ધામ હતું ? શું તેમાં કોઈ અવગુણ નથી ? કૃષ્ણમાં ગુણ અવગુણની વિવેચના કરવી એ કોઈ ભકતને યોગ્ય નથી એટલે એ અહી નિર્દેશ નહીં કરીએ તો પણ શિશુપાલનું લક્ષ્ય પાંડવો જ શા માટે ?

એનો ઉત્તર એ જ કે પાંડવો ભકત છે માટે. તેનું નામ જ આસુરીબુદ્ધિ છે કે જેને ભકતમાં જ અવગુણ સૂઝે. ભકતમાં જ અને બીજે સર્વત્ર અવગુણ સૂઝવો એ અવગુણ દૃષ્ટિ જરૂર છે; પણ અસુરભાવનો પ્રભાવ નથી. તે સારું છે એવું પ્રતિપાદિત થતું નથી. જરૂર તે અનિષ્ટાપત્તિ છે, પણ તે તદ્દન આસુરી કલા નથી. તદ્દન આસુરી કલા તો એ છે કે જેને ભકતમાં જ અવગુણ ભાસે.

આ વિચારને ઉલટાવીને તપાસતાં ભકત પણ તે છે કે જેને ભકતમાં જ (એટલે ભગવાન અને ભગવાનના ભકતમાં જ) ગુણ દેખાય. સર્વત્ર ગુણ દેખાય છે તો એ સજ્જનતા છે, કુળવાનપણું છે, આભિજાત્ય છે; ઉદાર બુદ્ધિ છે પણ ભકતનું ટાઈટલ તેને નહીં ધરે. ભકતકલા તો બીજા વિકલ્પમાં આવશે.

અહી એ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણે પ્રથમ અને બીજા, ત્રીજા અને ચોથા વિકલ્પની તુલના કરવી એ વિષય નથી. ભકત અને આસુરી બુદ્ધિ કઈ ? તેની સ્પષ્ટતા એ લક્ષ્ય છે. તે જાણી રાખવું હિતાવહ છે. અન્યથા ભકત વિશેની સમજણમાં ગેરસમજ કે અવમૂલ્યાંકન થશે. વળી એવો કોઈ અભિપ્રાય નથી કે ભકતે બીજાનો ગુણ ન લેવો. જો લે તો તેની શોભા છે, ઉદારતા છે, ઈચ્છનીય છે.