પ્રતિપાદિત વિષય :
ઘાટનો ડંસ ક્યારે બેસે અને તેની નિવૃત્તિનો ઉપાય.
મુખ્ય મુદ્દા ;
૧. રજોગુણમાંથી ડંસ બેસે છે એટલે અંતરમાં પડેલી વાસના ઉત્તેજીત થાય છે.
ર. કથાવાર્તાને અંતઃકરણ અને જીવમાં ધારવી.
વિવેચન :–
આ વચનામૃત મનના ઘાટનો ડંસ બેઠા–ન બેઠાનું છે. મનમાં ઘાટનો ડંસ બેસવો એટલે મનના ઘાટને અનુરૂપ હૃદયમાં પડેલી વાસના ઉત્તેજિત થવી તે ડંસ બેઠો કહેવાય. દા.ત. મનમાં કોઈ રૂપ જોવાનો કે દૃશ્ય જોવાનો સંકલ્પ થયો ને હૃદયમાં પડેલી પૂર્વકાલીન સંકલ્પને અનુસાર જોવાની જે વાસના હતી તે ઉત્તેજિત થઈ જવી તેને ડંસ બેઠો ગણાય. હૃદયમાં તમામ પ્રકારની અનાદિની વાસનાઓ પડી છે, પણ તે કરંડિયામાં સૂતેલા સર્પની જેમ સુષુપ્ત દશામાં પડી છે. જયારે બહારના કે અંદરના ઉદ્દીપનની તેને સહાય મળે ત્યારે તે ઉત્તેજિત થાય છે. બાહ્ય ઉત્તેજના કરનારા સંકલ્પને અનુસારે પદાર્થો–અનુકૂળતાઓ કે વ્યકિતઓ હોય છે. જયારે આંતરિક ઉત્તેજના કરનાર તરીકે તો મનના સંકલ્પો જ છે. માટે જયારે બાહ્ય પદાર્થ હાજર ન હોય તો પણ જયારે તે તે વાસના સંબંધી સંકલ્પ મનમાં થાય ત્યારે પણ વાસના ઉત્તેજિત થઈને આક્રમણકારી બને છે.
અહીં તે અંગેનો પ્રશ્ન દીનાનાથ ભટ્ટે મહારાજને પૂછયો છે કે હે, મહારાજ ! કોઈક સમે તો હજારો ઘાટ થાય પણ તેનો મનને વિષે ડંસ બેસે નહીં. એટલે વાસના સંબંધી સંકલ્પ થાય તોય વાસના ઉત્તેજિત થતી નથી. સંકલ્પ પ્રમાણે ભોગ ભોગવવાની ઉત્કટતા એકદમ વધી જતી નથી ને કયારેક તો અલ્પઘાટ થાય તો પણ તેનો ડસ બેસે અર્થાત્સંકલ્પ થતાની સાથે જ અંદર પડેલી વાસના ઉશ્કેરાય છે ને ભોગની ઉત્કટ ઈચ્છા થઈ આવે છે. આનું કારણ શું છે ? અને ભગવાનના ભકતને એ મનના ઘાટની નિવૃત્તિનો ઉપાય શો છે ? મહારાજ તેનો ઉત્તર કરતા કહે છે : તેનું કારણ તો ગુણની ભિન્નતા છે.
જયારે તમોગુણ પ્રધાન હોય ને ઘાટ થાય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય માટે તેમાં ઘાટનો ડંસ બેસે નહીં. સુષુપ્તિ અવસ્થાની જડતા અથવા ભારેપણું છે તે વાસનાની ઉત્તેજનાને દબાવી રાખે છે ને અંતઃકરણ સુધી કે બહાર ઈન્દ્રિયો સુધી આવવા દેતું નથી. જયારે સત્ત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે તો તે સમયે જે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે, માટે તે ઘાટનો પણ ડંસ બેસે નહીં. સત્ત્વગુણમાં વિવેકની પ્રધાનતા હોય છે, માટે તેમાં જે ઘાટ થાય અને ત્યારે જે વાસના સક્રિય થાય ત્યારે વિવેક તેના વેગનું નિવારણ કરી નાખે છે. તેથી ત્યારે પણ ડંસ બેસતો નથી.
જયારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તેનો મનને વિષે ડંસ બેસે છે. રજોગુણ છે તે સામાન્ય રીતે પણ હૃદયમાં પડેલી જગત વાસનાને ઉશ્કેરનારો છે અને તેમાં પણ સંકલ્પ થાય. તેથી વાસનામાં વધારે ઉશ્કેરાટ આવે છે અને ભોગનો તલસાટ મનમાં વધી જાય છે. તેથી ત્યારે મનમાં ડંસ બેસે છે. એટલે કે વિષય ભોગવવા મન તુરત તૈયાર થઈને અતિ આતુર બની જાય છે. માટે મહારાજ કહે છે કે ડંસ બેસે છે ને નથી બેસતો તેનું કારણ તો ગુણની વૃત્તિ છે એટલે કે રજોગુણની વૃત્તિ કે પ્રભાવ છે.
મહારાજ કહે, બુદ્ધિવાન હોય તો વિચારીને જે સમે ઘાટ થાય તે સમે તે ઘાટ સામું જુએ તો પોતામાં જે ગુણ પ્રધાનપણે વર્તતો હોય તેને ઓળખે, પણ ઘડી ઘડી પળપળમાં સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઈના ઓળખ્યામાં આવે નહીં. તમારા જેવો કોઈક બુદ્ધિવાન હોય તો આખા દિવસમાં બે ત્રણ–ચાર સ્થૂળ ઘાટ થાય તે તેના ઓળખ્યામાં આવે. મહારાજ કહે છે કે ઘડી ઘડીમાં જે સૂક્ષ્મ ઘાટ થાય છે કે રજોગુણનો વેગ આવે તે જલ્દી ઓળખ્યામાં એટલે કે અનુભૂતિમાં આવતો નથી.
જો સતત પોતાના મન સામે જાગૃત રહી સાવધાન રહે તો સ્થૂળ ઘાટ–એટલે ભોગની અતિ ઉત્તેજના કરનારા થોડા ઘાટ ભગવાનના માર્ગે ચાલતો હોય ને ગરજુ હોય ને વિચારવાન હોય તો દેખાય છે. તે સમયે પોતાના હૃદયમાં અત્યારે કયો ગુણ પ્રવર્તી રહ્યો છે તેની ઓળખાણ અને અનુભૂતિ થાય છે, પણ ઉપરથી ભકિત અને ક્રિયાકાંડ કરનારાને ઓળખાતું નથી. પછી તેઓ ત્રણ ગુણના પ્રવાહમાં તણાઈને દરેક ક્રિયા કરતા રહે છે. ભકત સહજ વિવેકનો ઉપયોગ કરી શકતા નથી.
મહારાજ કહે છે કે ગુણને પ્રધાનપણે પોતામાં ઘાટ થતા હોય તે સામી દૃષ્ટિ રાખે. દૃષ્ટિ રાખવાનો અભિપ્રાય એ છે કે તેનો પોતાના આત્મબળ અને મહારાજના બળથી વિરોધ કરે અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે. તો આ સત્સંગનો એવો પ્રતાપ છે કે જે ગુણના ઘાટ થતા હોય એટલે કે રજોગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે. તે ઉપરાંત નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે. મહારાજ કહે છે કે સત્સંગમાં જે ભગવાન સંબંધી અધ્યાત્મવાર્તા થાય છે તે કથાના અર્થની વિચારણા અને ધારણા કરવાથી રજોગુણ સંબંધી જે મલિન વાસના અને મનના સંકલ્પથી થયેલો તેનો ઉશ્કેરાટ તે બધો શાંત થઈ જાય છે. તે વાસનાની ઉત્તેજના ધીમી પડી જાય છે અને વિષયભોગની અધીરાઈ શાંત થઈ જાય છે.
કથાવાર્તા થાય તેની વિચારણા–અને ધારણામાં મહારાજનો એ અભિપ્રાય છે કે તેના અર્થની ધારણા અને વિચારણા કરવાની છે. શાસ્ત્રમાં જેને ગ્રંથનું કે વાકયનું તાત્પર્ય કહેવાય છે. તેની ધારણા–વિચારણા કરવાથી જ કથારસ તેના અંતરમાં વ્યાપીને (પોષણ) ટોનીકનું કામ કરે છે. ખાલી સ્થૂળ દૃષ્ટાંત કે શબ્દોથી એટલો ફાયદો થતો નથી. છતા અર્થ ધારણા સ્થૂળ શબ્દો કે દૃષ્ટાંત વગેરેના આધાર વિના અધ્ધર–પધ્ધર થઈ શકતી નથી. માટે સ્થૂળ સાથે સાથે તાત્પર્ય ધારણા–વિચારણા પણ પોતાની બુદ્ધિ શકિતને અનુસારે કરવાથી વધારે ફાયદો થાય છે. વચ.કા.૧રમા પણ એમ કરવાનો ઘણો મહિમા કહ્યો છે. મહારાજ કહે છે કે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની (અધ્યાત્મ) વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય છે. જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણા ચાવે એવું દાંતમાં બળ હોય ને તે જો કાચી કેરી સારી પેઠે ખાય તો તેથી ભાત પણ ચવાય નહીં. તેમ ગમે તેવો કામાદિકને વિષે આસકત હોય પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધાએ સહિત સાંભળે તો તે પુરુષ વિષયના સુખ ભોગવવાને સમર્થ રહે નહીં. અને તપ્તકૃચ્છ્ર ચાંદ્રાયણાદિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવું આવી ભગવદ્વાર્તા સાંભળનારાનું મન નિર્વિષયી થાય છે, તેવું તેનું થતું નથી. આવી વાત સાંભળીને જેવું તમારું સર્વેનું મન નિર્વિકલ્પ થતું હશે તેવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારે નહીં થતું હોય. માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષયી થવાનું કોઈ મોટું સાધન નથી.
અહી પણ મહારાજ એ જ કહે છે કે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે. બીજાં કોઈપણ સાધન છે તે સત્સંગ તુલ્ય થાય નહીં. કારણ કે કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થતી તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે. સત્સંગ વિના બીજા કોટી સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણ આદિકની નિવૃત્તિ થતી નથી. માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન, કર્મ, વચને સત્સંગ કરવો તો સત્સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જશે.