પ્રતિપાદિત વિષય :
ભક્તના અને અભક્તના પંચવિષય અને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ.
મુખ્ય
૧. પંચવિષય વિના ભક્ત, અભક્ત કે મુક્ત કોઈ રહી શકતા નથી.
ર. વિશ્રાંતિ લેવા માટે નિર્ભય આશ્રય સ્થાન
૩. અખંડ અને સહેલાઈથી ભજન કરવા આવશ્યક યુક્તિ શીખવી.
વિવેચન :–
પ્રત્યેક દેહધારી માત્ર પંચવિષય વિના રહી શકતા નથીં. ભકત, અભકત કે મુકત હોય તો પણ પંચવિષય ભોગવ્યા વિના રહી શકતા નથી; પરંતુ તે પંચવિષયમાં ભિન્નતા હોય છે. અહી વચનામૃતમાં ભકતના ભગવાન સંબંધી પંચવિષય અને અભકતના ગ્રામ્ય પંચવિષય એમ બે વિભાગ થયા.
તેમાં પણ ભકત થકી પંચવિષયની ઓળખાણ કે પંચવિષયથી ભકતની ઓળખાણ ? તો સહેજે જ તેનો ઉત્તર આવશે કે ભકત જે ભોગવે તેનાથી પંચવિષયની ઓળખાણ ન કરાવી શકાય કે આ અભકત કરતા બીજા છે, પણ પંચવિષયથી ભકતની ઓળખાણ કરાવી શકાય. જો ભગવાન સંબંધી હોય તો જ તેને ભકત કહી શકાય. પણ ઘણી વખત ભકત કે સંત પ્રથમ ભકત કે સંત તરીકે પ્રસિદ્વિ પામી ગયા હોય પછી તે જે કરે તે ભકતના જ પંચવિષય–એટલે કે ભકતે ભોગવવા યોગ્ય ગણાતા હોય છે. આવી સમાજમાં માન્યતા પ્રવર્તતી હોય છે પણ તે રીત સાચી નથી. પંચવિષય તપાસીને ભકતનો નિર્ણય કરવાનો હોય છે. ભકતપણામાં નિર્ણાયક તેના પંચવિષય છે અને કયા ભોગવવા તેની પસંદગીમાં નિર્ણાર્યક ભકત વ્યકિત હોય છે.
જૂના સમયમાં બળદથી પાણીના કોસ ચાલતા. કોસ ઉપર જોડેલ બળદને કોસિયા કહેવાય અને કોસ હાંકનાર વ્યકિતને પણ કોસિયો કહેવાય. જયારે બપોરે જમવાનો સમય થાય ત્યારે બળદને છોડી–સ્થાને બાંધી તેને ચાર્ય નાખે. વ્યકિત ભોજનની રાહ જુએ, પણ કોસિયાને નામે ચાર્ય ખાવા લાગી ન જાય. કારણ કે તેને દૃઢ માન્યતા છે કે કોસિયા તો બધા, પણ હું માણસ અને આ બળદ છે. તે ખાય તે મારો ખોરાક નથી. તેમ ભગવાનના ભકતે પંચવિષયમાં અલગ પડવું જોઈએ. ભગવાનના સંબંધથી રહિત હોય તેનો ત્યાગ કરતા શીખવું જોઈએે.
ભકતના પંચવિષય ભગવાન સંબંધી હોય છે. એ તો સાચુ પણ ભગવાન સંબંધી એટલે શું ? કેવળ ભગવાનની પ્રતિમા આગળ નિવેદન કરવાથી સંબંધી થઈ જાય છે કે બીજી કોઈ વિશેષતાની જરૂર છે ?
દા.ત. કોઈ કેફી પદાર્થ કે ચા કોઈ ભકત પૂજામાં ધરાવીને ગ્રહણ કરતા હોય તો તે ચાને ભગવાન સંબંધી પંચવિષયની અંતર્ગત સ્થાન મળશે કે નહીં ?
કોઈ વ્યકિત આધુનિક અભિનેતા નટ–નટીથી નિર્મિત રામાયણ કે મહાભારત સીરીયલ કે તેવી જ ધાર્મિક સીરીયલો ટી.વી.ના કાર્યક્રમો જુએ તો તે ભગવાન સંબંધી કહેવાય કે કેમ ?
કોઈ સ્ત્રીઓ સારા કથાકાર હોય તો પુરુષોને માટે તે કથા ભગવાન સંબંધી ગણાય કે કેમ ?
ખરેખર પ્રશ્ન આપણે આવો કરવો જોઈએ કે શ્રીજી મહારાજ તેને ભગવાન સંબંધિત ગણતા હશે કે કેમ ? કારણ કે આધુનિક રસિક ભકતો તો હા જ કહેવાના. ભગવાન સંબંધી પંચવિષયનો સરળ અર્થ એવો કરી શકાય કે જે ભોગવ્યા પછી જેના પરિણામરૂપે પરમાત્માની સ્મૃતિ થાય, ભગવત સ્મૃતિમાં વધારો થાય કે તેમાં સહાયરૂપ થાય. એટલે તે પંચવિષયની સાથે વિશ્રાંતિ માટે આશ્રય સ્થાનનો વિચાર સાથે લેવાયો છે. તેનો અર્થ એ છે કે જેવા પંચવિષય ભોગવશે તેવા આશ્રય સ્થાનમાં વિશ્રાંતિ લેશે, પણ મનમાની રીતે મૂર્તિનો સંબધ કરાવી દેવાથી તે ભગવાન સંબંધી થઈ જતું નથી.
એક વ્યકિત ભગવાનને ધરાવીને જ સર્વ કાંઈ વાપરે છે એટલે કે આત્મનિવેદી છે પણ જે પદાર્થ ધરાવે છે તે અનીતિથી કોઈના ગળા કરીને લાવ્યો છે. તો પછી તેને ભગવાન સંબંધી કહેવું કે કેમ ? અથવા કેટલું કહેવું ? કોઈ નીતિથી લાવેલું જ ધરાવે છે. પણ ત્યાગી થઈને બ્રાહ્મણ ઈતર ગૃહસ્થના ઘરનું અથવા ગાળવું, ચાળવું વગેરે આચારહીનનું રાંધેલ છે. તો ત્યાગી માટે શું માનવું ? એટલું જ નહીં નીતિનું છે, શાસ્ત્રીય મર્યાદા જાળવી છે, ચોખ્ખાઈ પણ છે તો પણ ભોગમાં અતિરેક છે. તો ભગવાન સંબંધી કહેવું કે કેમ ? શુ એ ભોગના પરિણામરૂપ એને ભગવાનની સ્મૃતિ થવાની છે ? માટે ભકતએ પોતાને ભોગવવાના વિષયને ભગવાન સંબંધી કરવામાં ઘણું વિચારવાનું છે. સાથે સાથે એ પણ વિચારવાનું છે કે ઘણા ઓછી આસ્થાવાળા એમ કહે છે કે નીતિ, શાસ્ત્ર અને અનતિરેક હોય એટલે ભગવાનને નિવેદિત થઈ ગયું. તો તેને ભગવાન સંબંધી કહેવાય ખરું ? માટે એવા નાસ્તિકભાવમાં જવાની જરૂર નથી, પણ ભકતએ આ બધા પાસાંઓનો વિચાર કરવાની પણ જરૂર છે. જો ખરેખર પોતાને ભકત કહેવરાવવું હોય કે સાચે જ ભકત થવું હોય તો.
વચનામૃતમાં બીજો વિષય છે કે ભગવાનના ભજન સ્મરણ કે મૂર્તિ ધારવાની યુકિત શીખવાનો. તે યુકિત એટલે કે પોતાના અંતરમાં પ્રવર્તતા ગુણોની ઓળખાણ.
ગુણોની ઓળખાણ થયા પછી ગુણોને અનુરૂપ ભકિતનું આયોજન કરવું. તમોગુણ વેળાએ દંડવત, પ્રદક્ષિણા, મંદિર વાળવું, છાણા થાપવા, રોટલી વણવી, તગારાં ઉપાડવાં વગેરે ક્રિયાના માધ્યમથી મૂર્તિ સંભારી શકાય છે. આવી રીતે તમોગુણને મહાત–કંટ્રોલ કરી શકાય છે. રજોગુણ વખતે કીર્તન બોલવા, કથા વાંચવી વગેરે વૈચારિક ભકિત પસંદ કરવાથી, સુંદર સુંદર ભાવના માનસ પૂજન, સંગીત વગેરે માધ્યમથી ભજન કરવું. સત્ત્વગુણ વખતે ધ્યાન કરી લેવું, અંતરમાં મૂર્તિ ધારીને સામે જોઈ રહેવું.
(૧) સંદર્ભ વચનામૃતો : પ્ર. ૩૦,૩ર,પ૮ સા.૯.
(ર) ભાગવત : સ્કંધ–ર. વિરાટ ધારણા વગેરે.
(૩) ગોપાળાનંદ સ્વામીની વાતો : પ્ર.૧–ર૬.પૃ.૧૬૮.
(૪) યથાભિમતધ્યાનાત્વા । (યો.સૂ.સમાધિપાદ : ૩૯) પ્રાણાયામથી.