ગપ્ર–૩પ : કલ્યાણના જતનનું

પ્રતિપાદિત વિષય :

કલ્યાણને અર્થે જતન કર્યાનો માર્ગ કે ઉપાય

મુખ્ય મુદ્દા        

૧. ભગવાનના શ્રેષ્ઠ ભકતોના આશીર્વાદથી કલ્યાણના માર્ગે ચાલવાનું બળ મળે છે જતન કરવાની બુદ્ધિ સુઝે છે

૨. ભગવાનના ભકતોનો કુરાજીપો અથવા હદયનો કકળાટ મોક્ષની બુદ્ધિનો સમૂળો નાશ કરે છે ને આસુરી બુદ્ધિ ઉદય કરે છે

વિવેચન :-

અહી મહારાજ સંતોને કહે છે કે તમે પ્રશ્ન પૂછો કે અમે પૂછીએ ? ત્યારે મુનિએ કહ્યું જે, હે મહારાજ તમે પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી. અને કોઈ બીજો પુરુષ છે તેમા બુદ્ધિ તો ઘણી છે. અને મોટા મોટામાં ખોટય કાઢે એવો છે. તો પણ તે કલ્યાણના માર્ગે ચાલતો નથી તેનું કારણ શું છે ? મુનિઓ ઉત્તર ન કરી શકયા ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે, એમાં બુદ્ધિ તો ઝાઝી છે; પણ એની બુદ્ધિ દૂષિત છે. માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી.

કલ્યાણના માર્ગનું જતન અને કલ્યાણના માર્ગનું પતન; તેનું પોષણ અલગ અલગ છે. મહારાજે કહ્યું કે, જેમ ભેંસનું સુંદર દૂધ હોય અને તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે તે સાકર ને દૂધ હતું તે ઝેર થયું. તેમજ કોઈ સારી શકિતપ્રદ દવા લેવી હોય તો પણ તેની સાથે દૂધ લેવાનું ડોકટર સલાહ આપે છે. દૂધનું પ્રમાણ તો ઝાઝું હોય, ઝેર અથવા ટોનીક એકદમ અલ્પ માત્રામાં હોય તોય શરીરમાં પ્રવેશીને પહેલું કાર્ય ઝેર કરે; પણ દૂધ પોતાનું કાર્ય ન કરે. તેમજ ટોનીક સાથે હોય તો દૂધ પણ ટોનીક સાથે ટોનીક બનીને કામ કરે છે. દૂધ તો પેલા બંનેનું પાત્ર બની જાય છે. તેના મારફત પેલા બન્ને કામ કરે છે. તેમ આપણી બુદ્ધિ દૂધને ઠેકાણે છે. રાજીપાનું અથવા કુરાજીપાનું પાત્ર છે અથવા તેના રહેવાનું ઠેકાણું છે.

કલ્યાણનું જતન અને કલ્યાણના માર્ગમાંથી પતન એ બુદ્ધિ નથી કરતી, પણ મોટા સંતનો અથવા પરમેશ્વરનો ગુણ લીધો કે અવગુણ લીધો, તેમને રાજી કરીને આશીર્વાદ લીધા કે તેની આંતરડી કકળાવીને કુરાજીપો લીધો તે બાબત કરે છે. તે સંસ્કારો આપણી બુદ્ધિમાં આવીને રહે છે. જેમ દૂધની અસર થાય તેની પહેલાં ઝેર પોતાનું કામ કરી દે છે. તેમ બુદ્ધિમાં રહેલા સાચા ભકતોના આશીર્વાદ અથવા રાજીપો એને કલ્યાણના માર્ગનું જતન કરવાનું ટોનીક છે. તેથી જતન કરવાનું બળ વધે છે અને તેના નવીન નવીન માર્ગો સૂઝે છે. તે તેની બુદ્ધિમાં રાજીપા સહિત આશીર્વાદના સંસ્કારો પડયા છે તે પ્રેરણા કરીને કરાવે છે.

જો પોતાની બુદ્ધિમાં કુરાજી કર્યાના સંસ્કારો ભેળા થઈને પડયા હોય અને સારા અનુકૂળ સંજોગો હોય તો પણ એને પોતાના કલ્યાણથી પ્રતિકૂળ રસ્તા સૂઝે, પણ મળેલ તકનો તે લાભ ન લઈ શકે. ઉલ્ટી મળેલી તક તેને નરકમા નાખનારી થાય. દૂધ અને ઝેરના દૃષ્ટાંત મુજબ જેમ દૂધ ઝેર બની જાય છે તેમ. માટે મહારાજ કહે જો બુદ્ધિ દૂષિત ન હોય ને થોડી જ હોય તો પણ તે કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. માટે કલ્યાણના માર્ગમાં ઝાઝી બુદ્ધિ કરતા પવિત્ર અને શુદ્ધ બુદ્ધિની વધારે જરૂર છે. ઝાઝી નહીં હોય તો પણ ચાલશે. ઝાઝી બુદ્ધિ હશે પણ ભગવાનના સાચા ભકતોના આશીર્વાદથી પવિત્ર અને સંસ્કારિત નહિ હોય તો ફાયદો નહીં થાય, ઉલ્ટું ઝાઝું નુકસાન થશે.

ત્યારે મુકતાનંદ સ્વામીએ પૂછયું, જે હે મહારાજ ! એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય ? મહારાજ કહે, એક વાર દ્રોહને રસ્તે ચડયો ને આસુરભાવે પ્રવેશ કર્યા પછી તે ભગવાન સન્મુખ થતો નથી.

ત્યારે મુકતાનંદ સ્વામીએ ફરી મહારાજને પૂછયું, જે હે મહારાજ ! કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે પાય હોય તે કહો ? સદ્‌. મુકનંદ સ્વામી સત્સંગની મા છે. જુઓ તો ખરા, સ્વામીને કેટલી કરુણા અને દયા છે. આપણા જેવા પામર જીવો ઉપર ! કે આપણા હિત માટે વારંવાર મહારાજને પ્રશ્ન પૂછે છે.

ત્યારે મહારાજ બોલ્યા કે એક તો ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષ્યા અને ચોથું કપટ એ ચાર વાનાં પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો એની બુદ્ધિ આસુરી થાય નહીં. એ ચારમાંથી એક પણ જો રાખે તો આસુરી બુદ્ધિ થાય. અહી મહારાજ કહે આ ચાર વાનાં પરમેશ્વર અથવા મોટા સંત સાથે ન રાખવાં. પણ વાસ્તવમાં ત્યાં જ રાખવાની એને ખાસ જરૂર પડતી હોય છે.

ક્રોધ કયારે થાય ? તો પોતાનું ધાર્યું ન થાય ત્યારે. તો વધારે આપણું ધાર્યું આપણાથી મોટા હોય તે જ રોકતા હોય છે. બીજા નાના હોય એ તો સહેજે ધાર્યું કરતા જ હોય. આ મોટા જ એક જરા ધાર્યામાં ન હોય. ઉલ્ટા આપણું ધાર્યુ રોકતા હોય. એટલે ક્રોધનું મુખ્ય નિમિત્ત જ તે થાય છે. ત્યાં મહારાજ કહે ક્રોધ ન કરવો. ઘણી વખત સામાજિક સંબંધોની મર્યાદાને લઈને માણસ ખુલ્લો ક્રોધ તેના પર કરી શકતો નથી, પણ તેના તરફ મનમાં રોષ ભરાયેલો રહેતો હોય છે. તેની આગળ સરળતાથી ન વર્તે, આડોડાઈ કરે, અવળાઈ કરે, રિસાઈ જાય, પોતાની ફરજ બરાબર ન બજાવે, જાણી જાણીને ખોટો બગાડ કરે વગેરે. આ બધાં ક્રોધનાં જ વિકૃત સ્વરૂપો છે. આ હોય તો પણ આસુરી બુદ્ધિ થાય.

બીજું માનનું પણ એમ જ છે. નાના તો માન આપતા જ હોય. એ જુએ કે મારું માન કયાં મરડાય છે ? અથવા કયાં મને મળતું નથી અથવા પૂરું મળતું નથી. તો તેનું ઠેકાણું પોતાથી મોટા સંત હોય તે જ મોટે ભાગે નિશાન બને. તેની પાસેથી ઈચ્છા પણ પૂરી ન થાય. તેથી આસુરભાવ આવવાની સંભાવના રહે છે.

ઈર્ષ્યા પણ આજુબાજુનો સમાજ આપણા કરતા જેને શ્રેષ્ઠ માને તો તુરત તેના પર થાય. કપટની જરૂર પણ નાના આગળ ન પડે. મોટા પાસે જરૂર પડે. નાના પાસે તો ખુલ્લેઆમ આપણે જેવા છીએ તેવા બતાવીએ તો કોઈ નુકસાન ન થાય. તેથી મોટા પાસે ઉપરથી ઢાંકી અંદરથી ઊંધું ચાલવાનું રહે.

માટે મહારાજે આ બધું જયાં નિષેધ કર્યું છે ત્યાં જ આચરવાના સંજોગો વધારે ઊભા થતા હોય છે. જો કલ્યાણની ગરજ હોય તો જ તેની આગળ આ દોષો છોડી શકાય. નહીં તો બુદ્ધિના ડહાપણને જોવા જાય તો ન છોડી શકે. મહારાજ કહે, જય વિજય ઘણા ડાહ્યા હતા, પણ સનકાદિક સંગાથે માને કરીને વૈકુંઠ લોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ. આમ આસુરી બુદ્ધિ થયા પછી તો ભકતના ગુણ હોય તે પણ દોષ સરખા ભાસે અને ભક્ના વિરોધી હોય તેમાં ગુણ ન હોય તોય ત્યા ગુણ દેખાય. પછી તે જયાં જયાં જન્મ ધરે ત્યાં કાં તો શિવનો ગણ થાય અથવા દૈત્યનો રાજા થાય અને ભગવાન અને સંતની સાથે વેર જ કર્યે રાખે.