પ્રતિપાદિત વિષય :
ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત એ ચારેય ગુણને એકબીજાની અપેક્ષા છે.
મુખ્ય મુદ્દો
એ ચારેય ગુણ સિદ્ધ કરવા.
વિવેચન :-
આ વચનામૃતમાં મહારાજ કહે છે કે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો હોય તેણે એકલી આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય તથા સ્વધર્મ એમ એક એક ગુણથી કાર્ય સરતું નથી. ચારે ગુણ સાથે હોય તેણે કરીને આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થાય છે. દરેક ગુણમાં આગવી વિશિષ્ટતા છે અને મર્યાદા પણ છે. તેથી એકની અવેજી બીજો ગુણ દૂર કરી શકતો નથી. માટે ચારમાંથી કોઈ પણ ગુણમાં જેટલી ખામી હોય તેટલી આત્યંતિક કલ્યાણમાં ખામી આવે છે. માટે ચારે ગુણની જરૂર રહે છે. હવે તે ચારે ગુણોને એક બીજાને અન્યોન્ય જે અપેક્ષા રહે છે અથવા એક બીજા કરતા એક બીજામાં જે વિશિષ્ટતા રહેલી છે તથા એક એકમાં રહેલી શકિત અથવા મર્યાદા રહી છે તેની વાત મહારાજ કરે છે.
મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રીહરિને વિષે પ્રીતિ ન હોય તો પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય, તેને એ ભક્ત પામતો નથી. દા.ત. શાસ્ત્રમાં કર્ણ અને પ્રહ્લાદજી બે પાત્રો છે. કર્ણ પણ ખૂબ સહનશીલ હતો. પરશુરામ પાસે વિદ્યા અધ્યયનના પ્રસંગમાં ભમરો પોતાના સાથળમાં વીંધ પાડતો હતો છતાં ડગ્યો ન હતો. એવા બીજા પણ પ્રસંગો છે. છતાં શ્રીકૃષ્ણમાં પ્રીતિ રહિત હતો તેથી પામવા યોગ્ય કશું પામી ન શકયો. એ જ સહનશીલતા પ્રહ્લાદજીમાં હતી પણ તે ભક્તિ સહિત હતી. તો તેને જે પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત થઈ તે કર્ણ કે એવા ભગવાનમાં પ્રીતિ રહિત ઈતિહાસના સહનશીલ પાત્રોને થઈ નથી. તપસ્વીની તપશ્ચર્યાનું દૃષ્ટાંત પણ વિચારવા જેવું છે.
ભગવાનને વિષે પ્રીતિ હોય પણ આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગે કરીને પ્રીતિની સિદ્ધિ થતી નથી. મહારાજના સમયમાં એવા ઘણા દાખલાઓ બનેલા કે મહારાજમાં પ્રીતિ તો હતી, પણ મહારાજે આકરા પ્રકરણો ચલાવ્યા તેથી સહન ન થઈ શકયા. તેથી એકડમલ થઈને ફરવા લાગ્યા પણ મહારાજ પાસે રહી ન શકયા.
શ્રીહરિને વિષે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બેય હોય, પણ જો દૃઢ વૈરાગ્ય ન હોય તો માયિક પંચવિષયને વિષે આસક્તિએ કરીને પ્રીતિ અને આત્મનિષ્ઠાની સિદ્ધિ થાતી નથી. વૈરાગ્યને ઘરેણાંની ઉપમા અપાઈ છે. ભક્તના રૂપમાં વધારો કરીને ભક્તને શોભાવે છે. જો તે ન હોય તો મુખ કુરૂપ થઈ જાય છે. તેથી જ નારદજી ભગવાનના પરમ ભક્ત હતા પણ થોડી વૈરાગ્યની ખામીને લઈને ઈચ્છાઓ જાગી તો ભગવાને વાંદરાનું મુખ બનાવી દીધું. વૈરાગ્ય વિના ભક્તના જીવન–ચહેરા ઉપર કુરૂપતા આવી જાય છે. વૈરાગ્ય મુખ છે. શોભાની નિશાની છે. તેથી તો તેની ખામી બતાવવા કૌતુકી એવા ભગવાને નારદજીને વાંદરાનું મુખ બનાવી આપ્યું હશે ! ત્યારે જ બન્યું એવું નથી અત્યારે પણ ભક્તોમાં વૈરાગ્યની ખામીથી આંશિક રીતે તે ચેષ્ટાઓ અવશ્ય આવી જતી હોય છે. માત્ર ફોટો એવો નથી થઈ આવતો એટલું જ; પણ એકશનમાં તો વાંદરાપણું આવી જતું હોય છે. તેથી શાસ્ત્રમાં ભગવાને એવું કૌતુક બતાવ્યું છે.
બીજું એક વૈરાગ્યના અભાવનું સુંદર કૌતુક છે. તે પણ જાણવા જેવું છે. દા.ત. શુક્રાચાર્ય. તે વામનજીને ઓળખી ગયા કે તે વિષ્ણુ છે. તેથી જ્ઞાન હતું પણ પોતાનો શિષ્ય ભોળવાઈ જશે તો પછી પોતાનું શું ? વૈરાગ્યની ખામી હતી તેથી તે ઝંઝટમાં પોતાની એક આંખ ગુમાવી બેઠા. શાસ્ત્રોમાં જ્ઞાન અને વૈરાગ્યને ભક્તની બે આંખો ગણાવી છે અને તેમા પણ એક આંખ ન હોવી એ મુખની કુરૂપતા જ છે. તેથી વૈરાગ્યની ખામી પ્રદર્શિત કરવા ભગવાને તેમ કહ્યું કે વૈરાગ્ય ભક્તના મુખનું પાણી છે, શોભા છે. તે વિના ભક્ત વિરૂપ દેખાય છે. ભક્તની સર્વાંગ સુંદરતા સિદ્ધ થાતી નથી. મહારાજ કહે છે કે વૈરાગ્ય વિના પ્રીતિ ને આત્મનિષ્ઠાની સિદ્ધિ થતી નથી.
વળી મહારાજ કહે છે કે વૈરાગ્ય તો હોય પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થતી નથી. જગતમાં ઘણી પરંપરાઓ એવી છે કે વૈરાગ્યની ખામી નથી હોતી પણ ભક્તિ રહિત હોય છે. તેમને પરમાત્માનો જે પરમાનંદ તેની પ્રાપ્તિ થતી નથી.
શાસ્ત્રમાં અનેક ઉદાહરણો અપાયાં છે. જેમાં કોઈ એક યા એકથી વધારે ગુણોની ખામીથી આત્યંતિક કલ્યાણમાં ખામી કે વિધ્નો આવ્યા છે.
શબરી ભીલડી પૂર્વ જન્મમાં ખૂબ ભક્ત હતી. ભક્તિના અતિરેકમાં ધર્મ લોપીને ભકિત કરવાથી શૂદ્ર યોનિને પામી. વિદુરજી ધર્મરાજાનો અવતાર હતા. તેમનામાં પણ ભકિત ભરપૂર હતી, તો પણ દાસીપુત્ર થવું પડયું.
સીતાજી અને દ્રૌપદી–અતિ શ્રેષ્ઠ પાત્રો છે તો પણ સીતાજીએ રેખા ઉલ્લંઘી અને દ્રૌપદીજી પણ અયોગ્ય શબ્દો બોલ્યા. જેથી બન્ને અતિ કષ્ટ પામ્યા. જે ધર્મની ખામીનું જ અથવા જ્ઞાનની ખામીનું જ પરિણામ ગણાય.
યુધિષ્ઠિર મહારાજ ધર્મિષ્ઠમાં શિરમોર ગણાય પણ શ્રીકૃષ્ણની ઓળખાણના અભાવે એટલે કે જ્ઞાનના અભાવે અતિ મનમાં સંતાપને પામ્યા. શોક દૂર ન થયો.
વ્યાસજી તો ભગવાનના અવતાર ગણાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યની ખામી તેમાં ગણાય નહીં, તો પણ ભક્તિની કિંચિત્ઊણપથી એટલું કરવા છતાં આત્મસંતોષ ન થયો. મછિયાવના ફઈબા મહારાજના ભક્ત તો હતા પણ જ્ઞાનના અભાવે તેમને પસ્તાવું પડયું. આત્મજ્ઞાન હતું, પોતે બ્રહ્મરૂપ થયો હતો તો પણ બીજા ત્રણના અભાવે અશ્વત્થામાને કોઈ પ્રાપ્તિ થઈ નહીં.
આમ ચારેય ગુણને એક બીજાની અપેક્ષા રહે છે. એક એક ગુણ બીજા ગુણની ખામીનો પૂરક બને છે.
ધર્મમાં જે દેશ કાળનો પરાભવ કરવાની તાકાત છે તે બીજામાં નથી. જયારે બ્રહ્માંડ બહાર ગતિ કરવાની તેનામાં તાકાત નથી.
આત્મનિષ્ઠામાં દેહભાવનો પરાભવ કરવાની તાકાત છે તે બીજામાં નથી. જયારે ભક્તિ વિનાની કેવળ આત્મનિષ્ઠા અકલ્યાણકારી બની રહે છે.
વૈરાગ્યમાં વિષયોને પરાભવ કરવાની તાકાત છે તે બીજામાં નથી.
ભક્તિમાં માયાને પરાભવ કરવાની તથા ભગવાનને વશ કરવાની તાકાત છે તે બીજા સાધનોમાં નથી.
માટે ચારેય સાધનોથી ભક્તનું આત્યંતિક કલ્યાણ થાય છે. તેથી તેને સાધન ચતુષ્ટય કે મંગલચતુષ્ટય પણ કહી શકાય. માટે ભગવાનના ભક્તેત પોતાના અંગ પ્રમાણે એક સિદ્ધ કરીને પુરું ન માનવું, પણ ચારે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો.