ગપ્ર–૧૮ : વિષય ખંડનનું–હવેલીનું

પ્રતિપાદિત વિષય :

૧. પંચવિષયનો વિવેક.

ર. સંગતિનો વિવેક.

૩. કોઈનો વાદ ન લેવો. ખાસ કરીને મહારાજની ક્રિયાનો વાદ ન લેવો.

મુખ્ય મુદ્દા :

૧. મુક્તિમાં મુખ્ય કારણ શાસ્ત્રોક્ત આચરણ છે.

ર. જે પંચવિષય બંધન કરે છે તેના તે જ જો વિવેકપૂર્વકને ભગવાનના સંબંધયુક્ત થાય તો મુક્ત કરનારા બને છે.

૩. સારી અથવા ખરાબ સોબત પણ બંધન મુકિતમાં કારણ બને છે.

૪. મહારાજનો વાદ ન લેવો. ખરેખર તો કોઈનો વાદ ન લેવો.

વિવેચન :-

આ વચનામૃત મહારાજના કરુણામૃતનું છે. વચનામૃત તો દરેક તેવા જ છે પણ અહીં થોડી વિશેષતા છે. એક તો વહેલી સવારે હજુ ત્રણ ઘડી રાત્રી બાકી હતી ત્યારે ઊઠીને મહારાજને આતુરતા ઊભી થઈ કે આ વાત હમણાં જ કરવી છે. બધાને બોલાવ્યા પછી ઘણીવાર સુધી તો વિચારી રહ્યા. વળી કહે છે કે મનમાં તો થાય છે કે વાત ન કહું પણ તમે અમારા છો માટે વાત કહું છુ. શ્રીજી મહારાજ પોતાને મુખે આપણને બધાને પોતાના તરીકે સ્વીકારે તે તેમની કરુણા જ છે. મહારાજ કહે છે કે હું આ જે વાત કરું છુ. (૧) પંચવિષયનો વિવેક (ર) સંગનો વિવેક (૩) વાદ ન લેવો. આ વાત પ્રમાણે જે વર્તશે તે જ મુક્ત થશે. તે વિના તો ચાર વેદ, ષટ્શાસ્ત્ર, અઢાર પુરાણ અને ભારતાદિક ઈતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને તથા એને શ્રવણે કરીને પણ મુક્ત નહીં થાય. મુક્તિનું મુખ્ય કારણ આચરણ છે. એ જ્ઞાનનો આચરણમાં ઉપયોગ થવો જોઈએ.

મહારાજ અહીં મુક્તભાવની વાત કરે છે ત્યારે તેને આનુસંગિક બંધનનો પણ વિચાર કરી લઈશું તો મહારાજની વાત સમજવામાં સુગમતા રહેશે. બંધનનું કારણ શું છે ? એ વાત વચ.ગ.અં.૩મા મહારાજ કહે છે કે એ જીવને અંતરમાં વિષયનું ચિંતવન થાય છે એ જ એને જન્મ મરણનો હેતુ છે. કાં તો આ જીવ પંચવિષય સ્થૂળપણે ભોગવતો હોય અને જો પંચવિષયનો યોગ ન હોય તો અંતઃકરણમાં તેનું ચિંતવન કર્યા કરે છે, પણ વિષયને ભોગવ્યા વિના ક્ષણમાત્ર રહી શકતો નથી. એ જ એને બંધનનું કારણ બને છે. એવા પંચવિષય ભગવાનના ભકતને બંધન રૂપ કેમ ન બને અને મુક્તિ પામવામાં મદદરૂપ કેમ થાય, તેની રીત મહારાજે આ વચનામૃતમાં કહી છે.

મહારાજ કહે અમે આ વાર્તા કરી તે પ્રમાણે સાર અસારનો વિવેક કરીને પંચવિષયને ભોગવશે તે જ મુક્ત થાય છે, પણ તેમ વર્ત્યા વિના કેવળ શાસ્ત્રજ્ઞાનથી મુક્ત નહીં થવાય. એક વાત એ પણ જાણવી જોઈએ જે પંચવિષયથી બંધન થાય છે એ જ પંચવિષયથી મુક્તિ પણ થઈ શકે છે. પંચવિષયના અવિવેકથી આ જીવને બંધન ઊભું થાય છે. જયારે વિવેકપૂર્વક પંચવિષય ભોગવવામાં આવે તો મુક્ત પણ થવાય છે.

મહારાજ કહે છે કે અમે હૃદયમાં વિચાર કર્યેા જે, ભગવાનના ભકતને હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ શું છે ? જયારે અંતઃકરણ સામું જોયું તો અંતઃકરણનો ઝાઝો વાંક નથી. ઝાઝો વાંક તો પાંચ જ્ઞાનેન્દ્રિયોનો છે. એ જ અંતઃકરણને દૂષિત કરે છે. અંતઃકરણ વિક્ષેપ ઊભો થવાનું ઠેકાણું જરૂર છે, પણ વિક્ષેપનું કારણ ત્યાં નથી કારણ કે વિક્ષેપ અંતઃકરણમાં ઊભો થાય છે. તેનું કારણ બહાર છે અને તે પાંચ જ્ઞાન ઈન્દ્રિયો છે. જેમ રોગ થવાનું સ્થાન શરીર જરૂર છે પણ રોગનું કારણ તો મોટે ભાગે બહાર જ હોય છે. તેમ જે જે વિક્ષેપો અંતઃકરણમાં આવ્યા છે તે પણ પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આવ્યા છે. વચ.મ.પ્ર.રમાં મહારાજ કહે છે કે વિષયની જે ઉત્પત્તિ તે તો ઈન્દ્રિયો થકી થાય છે પણ અંતકરણમાંથી નથી થતી. વિષયો પ્રથમ ઈન્દ્રિયોમાંથી ઉત્પન્ન થાય છે. પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે અને પછી અંતઃકરણ દ્વારા જીવમાં પ્રવેશ કરે છે. માટે વિષયની ઉત્પત્તિ અંતઃકરણમાંથી પણ નથી અને જીવમાંથી પણ નથી. અંદરથી જે વિષયની સ્ફુરણાઓ થાય છે તે ગમે ત્યારે ઈન્દ્રિયો દ્વારા પ્રવેશ કરાવેલા વિષયોની સ્ફુરણા થાય છે. માટે દૂષિત પંચવિષયો અંદર નાખવા સહેલા છે. માત્ર પાંચ મિનિટમા તે અંદર પ્રવેશ કરી જાય છે, પણ પછી તેને કાઢવા ઘણા મુશ્કેલ છે. પાંચ મિનિટમાં પ્રવેશ કરેલા વિષય પાંચ વર્ષે પણ દૂર થવા ઘણા કઠણ છે. ઘણી વખત તો જિંદગીઓ સુધી તે વિષયો દુઃખનું કારણ બની જતા હોય છે. તે વિષયોએ પણ પ્રવેશ તો અલ્પ સમયમાં જ કર્યેા હોય છે. માટે અહીં મહારાજે ખૂબ સાવધાન કરતાં કહ્યું છે કે ‘…ભલા થઈને આ પ્રમાણે કરજો’

મહારાજ કહે છે કે પંચવિષય બે પ્રકારના છે (૧) શુભ પંચવિષય (ર) અશુભ પંચવિષય. એક તો આપણા પોતાના જીવાત્માને બંધન રૂપ થાય એવા પંચવિષયો હોય છે અને બીજા આપણી મુક્તિના સાધન બને એવા પંચવિષયો હોય છે. આપણું અંતઃકરણ પવિત્ર કરે એવા પંચવિષય હોય છે. ગીતાના અધ્યાય ૧૭માં ગુણ વિભાગમાં ત્રણ પ્રકારના આહારનું સુંદર વર્ણન કર્યુ છે. જે ધ્યાનમાં લેવા જેવું છે. સાત્ત્વિક મનુષ્યને કેવો આહાર પ્રિય હોય છે. કહે છે કે…

આયુઃસત્ત્વબલારોગ્યસુખપ્રીતિવિવર્ધનાઃ।
રસ્યાઃ સ્નિગ્ધાઃ સ્થિરા હૃદ્યા આહારાઃ સાત્ત્વિકપ્રિયાઃ ।। (૧૭૮)

જયારે રાજસ વ્યક્નિે…

કટ્વમ્લલવણાત્યુષ્ણતીક્ષ્ણરૂક્ષવિદાહિનઃ।
આહારા રાજસસ્યેષ્ટા દુઃખશોકામયપ્રદાઃ ।। (૧૭૯)

આહાર પ્રિય હોય છે.

બન્નેમાં વિશેષતા એ છે કે સત્ત્વગુણી વ્યક્તિ આહારની પસંદગી ભવિષ્યમાં થતી તેની અસરોને ધ્યાનમાં રાખીને કરે છે. રજોગુણી વ્યક્તિ ઈન્દ્રિયોના વર્તમાન સ્વાદ વગરે સામી દૃષ્ટિ રાખીને આહારની પસંદગી કરે છે; પરંતુ આહાર લીધા પછી સુખ થાશે કે દુઃખ તેની સામે ધ્યાન દેવાતું નથી. જો અસરને દૃષ્ટિમાં રાખે તો કદાચને તે તેવો આહાર લે પણ નહીં. ગીતામાં જિહ્વા સંબંધી આહારનું નિરૂપણ કર્યું છે. મહારાજે અહીં પાંચેય જ્ઞાનેન્દ્રિયોની એ દૃષ્ટિથી વાત કરી છે. તે તે ઈન્દ્રિઓ દ્વારા અંતઃકરણમાં નાખેલા વિષયોને ભોગવ્યા પછી ભવિષ્યમાં તુરંત અને લાંબે સમયે અસર થવાની છે. સારી અસર થશે કે નબળી અસર થશે તેની ભેદરેખા જો ભોગવનારાના મનમાં આવે તો એને વિવેક છે એમ કહેવાય; પરંતુ આપણે ભક્ત થયા પછી પણ આ ભેદરેખા સ્વયં આપણા મગજમાં આવતી નથી અને મહારાજ આપણું ધ્યાન દોરવા માગે છે. તો પણ આ વાતનુ ઝાઝું ધ્યાન દેવાતું નહીં હોય ત્યારે તો મહારાજને આ વાતનો આપણા ઉપર ભાર દેવો પડયો છે. મહારાજ કહે છે ‘જો તમે આ પ્રમાણે વર્તશો તો જાણીએ અમારો દાખડો સુફળ કર્યો એમ અમે માનશું અને તમને રૂડા આશીર્વાદ દઈશું.’

આવા મહારાજના શબ્દો બતાવે છે કે મહારાજને જે બતાવવું છે તે આપણા મગજમાં આવતું નથી. તો શું આપણે સારા નરસા પંચવિષયને ઓળખતા નથી ? ઓળખીએ છીએ પણ આપણો દૃષ્ટિકોણ અને ભેદરેખા જુદી છે. ઈન્દ્રિયોને સારા લાગે, આકર્ષક હોય, કિંમતી હોય એને આપણે સારા પંચવિષય જાણીએ છીએ. પછી તે બંધન રૂપ થશે કે નહીં, જગતની વાસનાનો વધારો કરે છે કે ભગવાનની વાસના વધારે છે, એવો વિભાગ આપણા અંતરમાં નથી. માટે મહારાજે ભાર દઈને આ વિભાગનો આગ્રહ રાખ્યો છે.

મહારાજે આ વચનામૃતમાં જે ભાર દીધો છે તેના ઉપરથી એમ જણાય છે કે મોક્ષમૂલક પંચવિષય અને બંધનકારક પંચવિષયનું વિભાગીકરણ મુમુક્ષુના હૃદયમાં આવવું ઘણું કઠણ છે. તેથી તો મહારાજ કહે છે કે પશુને પાડે વર્તતો હશે એને આ વાત નહીં સમજાય પણ કાંઈક વિવેકી હશે તો તેને સમજાઈ જાશે. એ સભામાં આવું કહેવાની મહારાજને કયારે જરૂર પડી હશે ? તેથી જરૂર અનુમાન કરી શકાય છે કે મહારાજે બતાવેલી ભેદરેખા મગજમાં આવવી ઘણી દુર્લભ છે. પંચવિષય ભોગવીએ છીએ આપણે બધાય, પણ મોહની પટ્ટીમાં ભેદરેખા કયારે ઓળંગી જવાય છે તેની જ્ઞાનીઓને કે ભકતોને પણ ખબર રહેતી નથી. તેથી મહારાજે બધાનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને આ વાતને ખૂબ વજન આપ્યું છે અને તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે.

તેમા શુભ વિષયો છે તે ભગવાનના સંબંધે યુકત છે. તે અંતકરણને શુદ્ધ અને પવિત્ર કરનારા થાય છે. જયારે અશુભ વિષયો છે તે અંતઃકરણને દૂષિત અને મલિન કરનારા થાય છે. ભગવાનના સંબંધ રહિત વિષયો જયારે ઈન્દ્રિયો દ્વારે અંતઃકરણમાં પ્રવેશ કરે છે ત્યારે અંતઃકરણની સમતુલા ડોલાવી નાખે છે. તુરત પોતાનો પ્રભાવ જણાવે છે. જેમ ભાંગ, દારૂ શરીરની અંદર પ્રવેશતાંની સાથે જ અંતઃકરણ અને સ્થૂળ શરીર ઉપર તેનો પ્રભાવ જણાવે છે. તેમ શુભ અને અશુભ વિષયો પણ પોતાની અસર જણાવે છે. તેની અસર ફકત અંતઃકરણ ઉપર થાય છે. સ્થૂળ શરીર ઉપર એટલી બધી નથી થતી. જેથી સામાન્ય માણસને તે બન્ને વચ્ચેની ભેદરેખા હાથમાં આવતી નથી; પરંતુ જે વિવેકી હોય અને પોતાના અંતઃકરણને જોતો હોય તો તુરત જ તેની અસર તેને દેખાય છે અને વિષયોની ભેદરેખા પણ અનુભવાય છે.

શાસ્ત્રના ઈતિહાસમાં સૌભરી, નારદ, એકલશ્રૃંગી વગેરેના વૃતાંતો લખાયાં છે. જેમાં એક જ વખતના અશુભ વિષયના જોગે તેઓના અંતઃકરણમાં ખળભળાટ મચાવી દીધો છે. હજારો વર્ષની સાધનાના પાયા હચમચાવી નાખ્યા છે. એક વખતનું દર્શન, એક વખતનો સ્વાદ, એક વખતના સ્પર્શે તેઓની હજારો વર્ષની સાધનાઓ ઉપર પાણી ફેરવ્યું છે. માટે મહારાજ કહે છે કે જેમ ભાંગ દારૂની અસર થાય છે તેવી જ આ વિષયોની અસર થાય છે અને અંતઃકરણને એટલું નિમ્ન સ્તર પર લઈ જાય છે તેનું ઠેકાણું રહેતું નથી. માટે મહારાજ કહે છે કે આ બધા વિક્ષેપોનું કારણ ઈન્દ્રિયો છે.

વળી મહારાજ કહે છે કે ભૂંડાને યોગે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમ સારાને યોગે બુદ્ધિ પવિત્ર પણ થાય છે. પરમેશ્વર અને પરમેશ્વરના સંતના સંબંધવાળા જે પંચવિષયો છે તે અંતઃકરણ શુદ્ધ કરનારા થાય છે અને મોક્ષ માર્ગે દોરી જનારા થાય છે. તેમા વર્ણાશ્રમની મર્યાદા રાખીને પંચવિષયને ગ્રહણ કરવા.

જેવી રીતે શુભ અને અશુભ વિષયો છે તેમ શુભ અને અશુભ સંગત પણ સાધકની બુદ્ધિ પર અસર કરે છે. સારી સોબત અંતઃકરણને પવિત્ર કરે છે ને ભગવાનના માર્ગે દોરી જાય છે. જયારે નબળી સોબત અંતઃકરણને મલિન બનાવીને ભગવાનના માર્ગ થકી ભ્રષ્ટ કરે છે. તેનો તપાસ ભગવાનના ભકતે પોતાના અંતઃકરણમાં કરવો જોઈએ. મહારાજ કહે છે કે ગબરગંડને તો આ વાતની કાંઈ ખબર પડતી નથી, પણ વિવેકી હોય તો તેને આ અસરની ભેદરેખા જરૂર દેખાશે.

ત્રીજી વાત એ કહી કે ભલા થઈને અમારો કોઈ વાદ લેશો નહીં; પરંતુ અમારી બાંધેલી મર્યાદા પ્રમાણે રહેજ્યો. ખરેખર તો જેને ભગવાનને માર્ગે આગળ જવું હોય તેને વિષયભોગમાં કોઈનો વાદ લેવો ન જોઈએ. વાદ લેવો હોય તો સદ્ગુણી અથવા સાધકનો વાદ લેવો જોઈએ. તે પણ ઉપદેશના રૂપમાં, પણ પ્રતિસ્પર્ધીના રૂપમાં નહીં. તો પછી મહારાજનો વાદ તો ન જ લેવાનો હોય એમાં શું કહેવું ? કોઈનો વાદ લઈને વિષયમાં સાહસ કરવાથી તો અધોગતિ સિવાય કશું જ પ્રાપ્ત થતું નથી. માટે મહારાજે વાદ ન લેવાની સલાહ આપી છે.

મહારાજ કહે આ ત્રણ વાત ખાસ રાખજો. જેને મુકત થવું છે તેને તો આમ રહ્યા વિના છૂટકો નથી. આ વાતમાં અમારો ખૂબ રાજીપો છે. આ પ્રમાણે રહેશો તો અમે તમોને આશીર્વાદ દઈશું અને અંતે ભગવાનના ધામમાં ભેળા રહીશું અને એમ નહિ રહો તો તમારે ને અમારે છેટું પડી જાશે ને પંચવિષયની વાસનાથી ભૂત કે બ્રહ્મરાક્ષસનો દેહ આવશે ને હેરાન થાશો ને પાર નહીં આવે. માટે ભલા થઈને આ પ્રમાણે રહેજ્યો.