ગપ્ર–૧૭ : સત્સંગમાં કુસંગનું – મોળી વાત ન કર્યાનું

પ્રતિપાદિત વિષય :

સત્સંગમાં રહેલ કુસંગને દૂર કરવો.

મુખ્ય મુદ્દો :

ભગવાનના મહિમાને ઓથે ભગવાનની પ્રસન્નતાના સાધનોનો મહિમા ઘટવો ન જોઈએ. તેનો ઘાત થવો ન જોઈએ.

વિવેચન :–

આ વચનામૃતમાં મહારાજ કહે છે કે સત્સંગમાં કુસંગ નભ્યો જાય છે તેને આજે કાઢવો છે. તે સત્સંગમાં કુસંગ તે શું ? તો વાતના કરનારા હિંમત્ય વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. તે વાત કેવી રીતે કરે છે ? તો ભગવાનનું વચન તથા વર્તમાન ધર્મ યથાર્થ કોણ પાળી શકે છે ? એ તો પળે તેટલું પાળીએ ને ભગવાન તો અધમ ઉદ્ધારણ છે તે આપણુ કલ્યાણ કરશે. વળી એમ વાત કહે છે કે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યુ ધરાતું નથી. (યમેવૈષ વૃણુતે તેન લભ્યસ્તસ્યૈષ આત્મા વિવૃણુતે તનૂં સ્વાં । મુંડક ઉપ. ૩૨૩) એ તો જેને ભગવાન દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતની વાત કરીને ભગવાનની પ્રસન્નતાનાં સાધન જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરેમાંથી મોળા પાડે છે, એ કુસંગ છે.

ભગવાન અધમ ઉદ્ધારણ છે એ વાત ખોટી નથી. પરમાત્માનો આવો મહિમા છે એ જીવને પુરુષાર્થહીન કરવા માટે છે કે પુરુષાર્થની હિંમત મળે એટલા માટે છે ? ભગવાનની કૃપા વિના ભગવાનનું સ્વરૂપ હૃદયમાં ધરાતું નથી એ વાત પણ ખોટી નથી. પરમાત્મા પુરુષાર્થને આધીન નથી એ તો પોતાની કરુણાને વશ છે. પોતાના બિરુદને આધીન છે. છતાં પણ કોઈ જાતના પુરુષાર્થશૂન્ય નાદાર જીવ ઉપર ભગવાન રાજી થતા નથી. પુરુષાર્થ કરે ને પુરુષાર્થનો અહંકાર ન હોય તેના ઉપર રાજી થાય છે. ભગવાનને ઓપરેશન કરીને મોતિયો કાઢવાનો છે, પણ ઓપરેશન કરીને આંખ કાઢી નાખવાની નથી. ભગવાનનો મહિમા વિચારીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ધ્યાન વગેરે સાધનોના આવતા અહંકારનું ઓપરેશન થવું જરૂરી છે. મૂળભૂત સાધનોને ઉખાડવાના નથી.

શાસ્ત્રોમાં તથા ભગવાને તેને કોઈ સ્થાને ગૌણ કહ્યા છે તે અહંકાર ન આવી જાય એવા હેતુથી કહ્યા છે અથવા પરમાત્માની તુલનામાં તે ઓછા છે એ માટે કહ્યા છે. પણ તે બિલકુલ નિરર્થક છે એમ નથી. તે ભગવાનની પ્રસન્નતાનાં સાધનો છે. તેમા પુરુષ પ્રયત્ન કરવાનો છે.

સાધકને હિંમત રહિત બનાવવામાં બે મુખ્ય કારણ હોય છે. એક તો પોતે હીન–ગ્રંથિથી એટલે કે લધુતાગ્રંથિથી પીડાતો હોય. પોતાને ભગવાનને રાજી કરવાના સાધનોની યોગ્યતાથી રહિત સમજે અથવા સાધકના હૃદયમાં પડેલી નબળાઈ કે નાદાર ભાવના તેને પુરુષાર્થહીનતાને માર્ગે ઢસડી જાય છે. વસ્તુતાએ પુરુષાર્થને ગરદન મારીને ભગવાનનો અતિ મહિમા ગાનારા ભક્તોના હૃદયમાં પોતે જે ગાય છે તે મહિમા હોતો નથી. ઉલ્ટું તે ભક્તના હૃદયમાં તો પોતાની બેડોળ અને કદરૂપી નાદારી અને નબળાઈઓ મહિમાનો આકર્ષક પછેડો ઓઢીને નૃત્ય કરતી હોય છે.

પરમાત્માનો મહિમા ગાવા પાછળ પણ વિવિધ હેતુ કામ કરી રહ્યા હોય છે. પોતામાં રહેલી હીનતાગ્રંથિ કે લધુતાગ્રંથિને ઢાંકવા મહિમા ગાવાની જરૂર પડે છે. બીજું પોતામાં પડેલ નાદારવૃત્તિ અથવા નબળાઈને પોષણ આપીને વકરાવવા માટે પણ મહિમા ગાવો અતિ આવશ્યક થઈ પડે છે. ખરેખર જેના હૃદયમાં ભગવાનનું સ્વરૂપ સમજાઈ ગયું હોય તેઓ પણ તેનું ગાન કર્યા વિના રહી શકતા નથી. એટલે મહિમાગાન માત્રથી અંજાઈ જવાની જરૂર નથી. મુમુક્ષુ સાધકને ઊંડું ઓળખવાની પણ જરૂર પડતી હોય છે. મહિમા હંમેશાં સાધનાનો પ્રેરક હોવો જોઈએ. અંદરખાને ઘાતક ન બની જવો જોઈએ. નહીં તો મહિમા ગાય કે ભગવાન અધમઉદ્ધારણ છે એને કુસંગ કહેવાય ખરો ? તો પણ મહારાજે તેને કુસંગ તરીકે ઓળખાવ્યો. તે પણ સત્સંગના માધ્યમથી ટકી શકે ને ફૂલી ફાલી શકે છે. પ્રથમ યાવદ્‌બુદ્ધિ બલોદય – પોતાના કલ્યાણને અર્થે પ્રયત્ન કરી છૂટવું ને પછી પરમાત્માના બિરુદનો અને દયાનો આધાર લેવો તો ભગવાન રાજી થાય ને કુસંગ પ્રવર્તી ન શકે. માટે હિંમત રાખીને મહારાજને રાજી કરવામાં નાદાર ન બનવું.