ગપ્ર–૧૬ : સત્યાસત્યના વિવેકનું

પ્રતિપાદિત વિષય :

ભગવાનના ભક્તને સત્‌–અસત્‌નો વિવેક.

મુખ્ય મુદ્દા :

૧. પોતાના અવગુણનો ઓળખીને ત્યાગ કરી દેવો.

ર. સંતના પોતાના સાચા આત્મસ્વરૂપનું ભાન કરવું.

વિવેચન :–

આ વચનામૃતમાં સત્‌–અસત્‌ના વિવેકની ચર્ચા કરી છે. વચ.ગ.પ્ર. ૬મા હિતાહિતના વિવેકની વાત કરી છે. હિતાહિતનો વિવેક તો જ જાળવી શકાય જો વસ્તુની સાચી ઓળખાણ હોય. એટલું જ નહીં પણ પોતાના માર્ગમા જે અસત્‌વસ્તુ પડી છે તેનો પણ પૂરો પરિચય મેળવવો જરૂરી છે. આ વચનામૃતમાં ગુણ–અવગુણ લેવા કરતા તેને ઓળખવા પર વધારે ભાર દીધો છે. શ્રીજી મહારાજે કહયું કે પોતાનો અવગુણ લેવો અને સત્સંગી કે ભકતોનો ગુણ લેવો. એનો અર્થ એવો ન કરી શકાય કે સામેની વ્યકિતમાં બિલકુલ જોવું જ નહીં. સદ્‌. નિષ્કુળાનંદ સ્વામીએ તો એવું લખ્યું છે કે…

વદને ન વદવું વિમુખ શું, તેમ સ્પર્શવું નહીં પંડયે કરી;

સર્વ પ્રકારે સમજી પાપીને મૂકવા પરહરી,

કોઈ રીતે કુપાત્રનો ગુણ ગમી જાય જો ઘટમાં,

તો પાર પોત પામતા, તરી ભાંગ્યુ જાણો જઈ તટમાં. વચનવિધિ કડવું ૧૭ : ૧/ર

વચ.ગ.મ.પ૦મા પણ શ્રીજી મહારાજે લખ્યું છે કે, ‘આપણે તો બધાય સાધુ સરખા છે તે કેને સારો નરસો કહીએ’ એમ જે માનતો હોય ને સત્‌–અસત્‌નો વિવેક ન હોય તો તેને વિમુખ જાણવો ને તેની ભકિત પણ વેશ્યાના જેવી કહી છે. માટે સર્વ જગ્યાએથી ગુણ ગ્રહણ કરવો એ એક કલ્યાણકારી સિદ્ધાત છે. તેમજ સત્‌–અસત્‌ને ઓળખવુ એ પણ એટલો જ મહત્ત્વનો કલ્યાણકારી સિદ્ધાંત છે. એટલું જ નહીં પણ ઓળખ્યા વિના ગુણ લેવાથી કયારેક નુકસાનમાં પણ લઈ જાય છે. માટે આ વચનામૃતમાં સત્‌–અસત્‌નો વિવેક બતાવ્યો છે.

શ્રીજી મહારાજે કહયું છે કે પોતામાં જે અવગુણ હોય તેને ઓળખે. પોતાના અવગુણને ઓળખવો અને પોતાનો અવગુણ લેવો તેમાં થોડું અંતર રહે છે. આપણાથી ઊંચી કક્ષાએ પહોંચેલા હોય તેની સરખામણીમાં આપણે પોતાને જોઈએ એટલે આપણામાં સહજ ખામી સ્પષ્ટ થાય છે; પણ તે ભાન માત્ર જ છે. તેથી દુર્ગુણનો પરિચય છે તેવું નથી. એવા ભાન માત્રથી દુર્ગુણ આપણામાંથી દૂર થઈ જતો નથી. દૂર કરવા માટે તો તેને મૂળથી માંડીને ફળ સુધી ઓળખવો પડે છે. તેના પરિણામને તપાસવું પડે છે. દુર્ગુણના દોષોનું ભાન થવું જરૂરી છે ને તે એટલું બધું સહેલું નથી, તે સાધના માગે છે. સાચાં–ખોટાં અંગની વેધક દૃષ્ટિ પણ માગે છે. જયારે અવગુણનો ત્યાગ કરવો. હું બ્રહ્મ છું, એવી માન્યતા ધરાવવી કે એવી ભાવના કરવી જુદી વસ્તુ છે અને બહ્મરૂપ થવું એ જુદી વસ્તુ છે. બન્ને એક જ માર્ગની વસ્તુઓ, પણ તે બન્ને એક નથી. તેમ પોતાનો અવગુણ લેવો અર્થાત્‌સ્વદોષ ચિંતન એ બાબત જુદી પડે છે.

બીજામાંથી ગુણ લીધા કરવો એટલા માત્રથી પોતાના અવગુણ જતા રહેતા નથી. એ તો જયારે પોતામાં રહેલા અવગુણને ઓળખે અને તેને દૂર કરવા પ્રયત્ન કરે છતાં ન થાય તો સંતમાં કે ભગવાનમાં આવેલ ગુણબુદ્ધિ એને અતિ સહાય કરે છે. જેની ઓળખાણ જરૂરી છે. વળી એવું લખ્યું કે સંતમાં કે સત્સંગીમાં પોતાને અવગુણ ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે, ને ગુણ જ ગ્રહણ કરે. કારણ કે તેમા આપણી સાધના કામયાબ થતી નથી. માટે તેને ધ્યાનમાં ન લઈને આપણા માર્ગમાં ફાયદારૂપ તેમાંથી ગુણ લેવો અને સંત વચન કહે, ‘તું આત્મા છો…’ તેમ માનીને આત્માની સાચી ઓળખાણ મેળવવી. બીજું અસત્‌પદાર્થો એવા દેહાદિકને પોતાનું સ્વરૂપ માની લીધું છે તેનો મોહ છોડી દેવો. વળી અવિનાશી એવા આત્મસ્વરૂપ અને ભગવાન તથા તેમના ભકતમાં અહં અને મમત્વ કરવું તે સાચો સત્‌–અસત્‌નો વિવેક છે. તેવી જ રીતે બંધનકારી પદાર્થો અને વિચારને ઓળખીને ત્યાગ કરવો અને બંધન છોડાવે તેવો સવળો વિચાર તેને ગ્રહણ કરવો એ પણ સત્‌–અસત્‌નું વિભાગીકરણ છે. આમ આ વચનામૃતમાં શ્રીજી મહારાજે સત્‌–અસત્‌નો વિવેક રાખવા કહ્યું છે.