પ્રતિપાદિત વિષય :
૧.મહારાજે કહેલી વિશિષ્ટ પરિસ્થિતિમાં કોણ શ્રેષ્ઠ ? ત્યાગાશ્રમી કે ગૃહસ્થાશ્રમી ભકત.
ર. અંતે યા મતિઃ સા ગતિઃ શ્રુતિનો આપણે ગ્રહણ કરવા યોગ્ય અર્થ શું છે ?
મુખ્ય મુદ્દા :
૧. ગૃહસ્થની પ્રતિકૂળતાઓ તેને ભગવાનને માર્ગે જવામાં મદદરૂપ થઈ શકે છે.
ર. ત્યાગાશ્રમીને વિશેષ અનુકૂળતાઓ ભગવાનને માર્ગે જવામાં ગતિ મંદ કરનારા બની શકે છે.
૩. અત્યારે મતિમાં સુધારો કરવા પ્રયત્ન કરવો. અંતકાળની રાહ જોઈને બેસી ન રહેવું.
વિવેચન :–
આ વચનામૃતના પ્રથમ ભાગમાં મહારાજે જ મુનિઓ પ્રત્યે પ્રશ્ન પૂછયો છે કે બે ભકત છે. એક ગૃહસ્થ છે, બીજો ત્યાગી ભકત છે. બન્નેનો નિશ્ચય સરખો છે. વાસના પણ સરખી છે ને વૈરાગ્યની ન્યૂનતા પણ સરખી છે. હવે ભિન્નતા આશ્રમની છે. એક ગ્રહસ્થાશ્રમમાં છે, બીજો ત્યાગાશ્રમમાં છે. એકને આજ્ઞા છે (મહારાજની? / શાસ્ત્રની ?) બીજાને સ્વકૃત નિર્ણય છે (ત્યાગાશ્રમનો). એ બેમાં કોણ શ્રેષ્ઠ છે ? ત્યારે મુકતાનંદ સ્વામીએ ઉત્તર કર્યેા કે ત્યાગી શ્રેષ્ઠ છે. ત્યારે મહારાજે સ્વામીના તે નિર્ણયને પડકાર્યેા કે ત્યાગી કેવી રીતે શ્રેષ્ઠ ? અને ગૃહસ્થ શા માટે ન્યૂન ?
વસ્તુતઃ મુકતાનંદ સ્વામીએ જે ઉત્તર આપ્યો તે આશ્રમની દૃષ્ટિએ આપ્યો છે. તે તો સાચો જ છે. કારણ કે શાસ્ત્રમાં ત્યાગાશ્રમને અંતિમ આશ્રમ ગણવામાં આવ્યો છે. મહારાજે પણ વચ.ગ.અં. ર૯ માં તે જ ક્રમ બતાવ્યો કે મંદ વૈરાગ્યવાળાને પ્રથમ ગૃહસ્થ થવું પછી વાનપ્રસ્થ અને પછી સંન્યાસી થવું. માટે અંતિમ પગથિયું તો છે જ. વળી સમાજમાં પણ તે આશ્રમ પૂજનીય છે. તે તેની પવિત્રતા, દુર્લભતા, ઉચ્ચ ભૂમિકાને માટે જ છે. માટે મુકતાનંદ સ્વામીએ ત્યાગી શ્રેષ્ઠ છે એમ કહ્યું, પણ મહારાજનો દૃષ્ટિકોણ જુદો છે.
અહીં ત્યાગાશ્રમને મૂલવવાનો નથી, પણ મહારાજે કહ્યું તેવી વિશિષ્ટ સ્થિતિવાળા ત્યાગી ભકતની સરખામણી કરવાની છે. કહેલી એ વિશિષ્ટ પરિસ્થિતિને અનુસંધાને અને બન્ને આશ્રમની જે સાનુકૂળતા–પ્રતિકૂળતા છે તેને અનુસંધાને ગૃહસ્થાશ્રમી શ્રેષ્ઠ છે. ઓછો વૈરાગ્ય હોય તો પણ વાસનાનો જલ્દી નાશ કરી નાખે એવી પરિસ્થિતિ કયા આશ્રમમાં છે ? તો મહારાજનું કહેવું એમ થાય છે કે એ ગૃહસ્થાશ્રમમાં થાય છે.
અહીં ગૃહસ્થ અને ત્યાગી બન્ને સાધકો છે, મુમુક્ષુ છે. એમ તેનો વિચાર કરતા જણાય છે. કારણ કે એક તો ગૃહસ્થને જે વાસનાઓની પૂર્તિ થાય છે તેમા કઠોર પુરુષાર્થ કરવો પડે છે. ત્યારે જ જગત સંબંધી ઈચ્છાઓની પૂર્તિથાય છે. જયારે સામે પક્ષે ત્યાગીઓને આ લોકના ભાવ પણ પૂરા કરવા પુરુષાર્થની જરૂર પડતી નથી. ઈચ્છા કરવા માત્રથી મફતમાં પૂરા થાય છે. હરિભક્તો તો હોંશે હોંશે ગુરુઓના મનોરથ પોતે કષ્ટ વેઠીને પૂરા કરે છે. એટલે વાસના વધવા ઘટવામાં તેની સીધી અસર થાય છે.
બીજું પ્રમાદની શકયતા ત્યાગાશ્રમમાં જેટલી વધારે રહે છે, એટલી ગૃહસ્થાશ્રમમાં રહેતી નથી. જવાબદારીઓ તેનો પ્રમાદ ખંખેરીને બુદ્ધિને જલ્દી ઠેેકાણે લાવી દે છે. ગૃહસ્થાશ્રમમાં ઈચ્છાઓ યોગ્ય અયોગ્ય છે કે કેમ ? અને યોગ્ય છે તો પણ બધી જ પૂરી થાય એવું નથી. કારણ કે નજીકનો સમાજ એટલે કે પરિવાર જ તેના પર અંકુશ લાવી દે છે. જયારે ત્યાગાશ્રમમાં તે ઓછું છે. ગૃહસ્થાશ્રમ ઉપદેશનો ગ્રાહક છે. જયારે ત્યાગાશ્રમ ઉપદેશ દેવા જ ટેવાયેલો છે, લેવાનું કાંધ જ પાડયું નથી. આવાં અનેક પરિબળોને ધ્યાનમાં રાખીને મહારાજે ગૃહસ્થાશ્રમી શ્રેષ્ઠ છે તેમ કહ્યું છે. તેમા પણ મહારાજ કહે કે ગૃહસ્થને ભારે દુઃખ આવી પડે અથવા વધુ સુખ આવી પડે તો પણ મનમાં એમ વિચાર રહે છે કે રખે મારે એમાંથી બંધન થાય અને સંસાર પ્રત્યેની ઉદાસીનતાને ઉશ્કેરે. જયારે તેની તે જ વસ્તુ ત્યાગીમા જગત ઉત્કંઠાને ઉશ્કેરે છે. તેનું કારણ ઉપરનાં કારણો જોયાં તે જ છે.
ત્યાગાશ્રમમાં અનુકૂળતાની ધારણાઓ વિશેષ થાય છે કારણ કે તે વગર મહેનતે પૂર્ણ થાય છે. જયારે ગૃહસ્થાશ્રમમાં પણ ધારણાઓ તો રહે છે, પણ તે મૂલ્ય ચૂકવીને જ મળે છે. તેથી જો ત્યાગીમાં પણ દૈહિક અને સંસારની અનુકૂળતા મળે એવી ધારણાઓ ઓછી કરે ને પ્રતિકૂળતાને ઝીલવાની તૈયારી રાખે તો ત્યાગાશ્રમમાં પણ વિધ્ન ન આવે તેવું મહારાજની વાત ઉપરથી તારવી શકાય.
આ વચનામૃતમાં મહારાજે કહ્યા મુજબ ગૃહસ્થ જે પ્રમાણે વિચાર રાખે છે તેટલો જ વિચાર ત્યાગી પણ પોતાના આશ્રમ પ્રમાણે રાખે તો આ આશ્રમ પણ અતિ ઉત્તમ છે. મહારાજ કહે, ગૃહસ્થ એમ વિચારે છે કે અનુકૂળતા–પ્રતિકૂળતામાં રખે મને એમાંથી બંધન થાય ! એમ ઉદાસીનતા કેળવે છે અને વળી એમ માને છે કે સંતનો સમાગમ મને મળ્યો છે તે પરમ ચિંતામણિ તુલ્ય છે અને આ જગત તો સ્વપ્ન તુલ્ય છે. જો એવું વિચારે તો ત્યાગાશ્રમમાં પણ કોઈ ખામી ન રહે એવું શાસ્ત્રોને આધારે માની શકાય છે. વળી મહારાજે ગૃહસ્થને માટે પણ કહ્યું કે આવો વિચાર રાખે તે ગૃહસ્થ શ્રેષ્ઠ છે અને રાખવો જોઈએ. માત્ર ગૃહસ્થ થવા માત્રથી શ્રેષ્ઠતા નથી. એવું થવું તે ઘણું કઠણ છે એમ પણ મહારાજે કહ્યું છે.
વળી મુકતાનંદ સ્વામીએ પૂછયું કે શ્રુતિમાં એમ કહ્યું છે જે ‘અંતે યા મતિઃ’ સા ગતિ જો અંતકાળે ભગવાનમાં મતિ રહે તો ગતિ થાય, કલ્યાણ થાય અને ન રહે તો ન થાય એવો અર્થ ભાસે છે. ત્યારે જે ભક્તિ કરી હોય તેનું વિશેષ ફળ શું ? કારણ કે કલ્યાણ તો અંતકાળે મતિ રહે તો જ થાય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એ શ્રુતિનો અર્થ એમ નથી. એનો અર્થ તો એમ કરવો જે ‘યા મતિઃ સા અન્તે ગતિઃ।’ અત્યારે એને જેવી મતિ છે તેવું અંતકાળે તેનું કલ્યાણ થાય છે. જો એમ ન હોય તો મનુષ્ય જીવનમાં કરેલી ભક્તિનું કાંઈ મહત્ત્વ રહેતું નથી. માટે મહારાજ કહે છે કે જેને સાક્ષાત્ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં. તેની તો ભગવાન રક્ષા કરે છે અને જે વિમુખ જીવ છે તે તો બોલતાં ચાલતાં દેહ મૂકે તો પણ તેનું કલ્યાણ થતું નથી ને મરીને યમપુરીમાં જાય છે.
આમ જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે ને સંતોનો સત્સંગ પ્રાપ્ત થયો છે તેને પ્રતાપે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે. તો તેનું કલ્યાણ અતકાળે થઈ જ રહ્યું છે. જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરૂપની પણ ઓળખાણ નથી થઈ તેને મતિમાં એમ વર્તે છે જે હું તો અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય. તો જેવી એની હમણાં મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે અને તેનું કલ્યાણ થતું નથી.
આ મુદ્દાને ચાર વિકલ્પોમાં વહેંચીને સમજીશું તો વધુ સ્પષ્ટીતા થશે.
અહીં એક વ્યક્તિ તો એવી છે કે તે અંતકાળે ભગવાનની સ્મૃતિ સહિત દેહ છોડે છે. બીજી વ્યક્તિ છે તેને અંતકાળે સ્મૃતિ તો નથી પણ સમગ્ર જીવન દરમ્યાન વર્તમાન ધર્મ સહિત ભગવાનની ભકિત કરી છે. તો તેની પ્રાપ્તિમાં અને પ્રથમ કહ્યો તેની પ્રાપ્તિમાં કાંઈ ફેર છે કે બન્ને ને સરખી પ્રાપ્તિ થાય છે ? એવા હાર્દનો મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. તેનો જવાબ એવો હોય કે બેયને મૃત્યુ પછી સરખી પ્રાપ્તિ છે. તો પણ જીવન દરમ્યાન કોઈ સાધકોને વર્તમાન કે ભક્નિો ઉત્સાહ કે પ્રેરણા રહેશે નહીં અને ભકિતમય જીવનનો ઝાઝો અર્થ રહેશે નહિ. જેને માટે ભગવાનને ખાસ આવવાનું થાય છે. માટે મહારાજ એ કહેવા માગે છે કે ભક્મિય મૃત્યુ કરતાં પણ ભક્મિય જીવનથી મોટી અને પૂર્ણ પ્રાપ્તિ થાય છે. બન્નેની સરખામણીમાં જીવનની કિંમત વધારે છે ને પ્રાપ્તિ પણ વધારે થાય છે.
તો પ્રશ્ન એ થાય કે અંતકાળની સ્મૃતિનો મહિમા કહ્યો છે તેનું શું ? તો તે પણ ખોટું નથી. એનું પણ અતિ રૂડું થાય છે, પણ પૂર્ણ પ્રાપ્તિને માટે તેટલું જ પૂરતું નથી. તેને માટે જીવન જરૂરી છે. એમ સ્મૃતિનો પણ અતિ મહિમા છે; પરંતુ બીજા સત્કર્મેાની તુલનામાં. જયારે આ બન્નેની તુલનામાં તો સમગ્ર જીવનની ભક્તિ અને વર્તમાન જ વધારે છે. તેને ભગવાનની સ્મૃતિ ન રહે તો પણ ભગવાન તેને જાળવે છે અને તેના કલ્યાણમાં ખામી આવવા દેતા નથી.
હવે તેની સાથે સાથે થોડાં વિરોધી પાસાંને પણ તપાસી લઈએ તો તે બન્ને મુદ્દા વધુ સ્પષ્ટ બની જશે. આપણે હકારાત્મક–પોઝીટીવ પાસાંનો વિચાર તો કર્યો પણ નકારાત્મક–નેગેટીવનો પણ વિચાર કરી લઈએ. જીવન દરમ્યાન થયેલી ગરબડ અને અંતકાળે છેલ્લા શ્વાસે થયેલી ગરબડ તે બેમાં વધારે નુકસાનકારક કોણ છે ? તેનો વિચાર કરતા જણાશે કે જીવન દરમ્યાન ગરબડ થયેલ હોય પછી છેલ્લા ભાગમાં મહારાજના રાજીપામાં આવી જાય તો જીવનની ગરબડ તો ભગવાન માફ કરવા જ બેઠા છે, પણ આખું જીવન સારું ચાલ્યું ને અંતિમ શ્વાસ સમયે ગરબડ ઊભી થાય તો ભક્તને તકલીફ ઊભી થાય છે. કાંઈ નહીં તો એક બે જન્મનો મહારાજને મળવાનો વિલંબ તો કમ સે કમ કરી જ દે છે. માટે એ બન્નેની સરખામણીમાં અંતકાળની ગરબડ વધારે નુકસાનકારક છે. તેથી એટલું તો નક્કી થાય કે અંતકાળ પણ જાળવવો જરૂરી છે. આ ચારેય પાસાંનો સારી રીતે વિચાર કરીએ તો અંતકાળની સ્મૃતિ અને જીવન દરમ્યાનની ભક્તિનું પોતપોતાનું કેટલું મહત્ત્વ છે તેને સારી રીતે સમજી શકાશે. બન્ને અગત્યના અને કલ્યાણના અતિ ઉપયોગી મુદ્દાઓ છે છતાં કયા ભાગમા કયો મહત્ત્વનો છે તે જણાઈ આવશે.
છેલ્લે મહારાજ કહે છે કે જે ભગવાનના દાસ થાય છે તેને તો કાંઈ કરવું બાકી રહેતું નથી. તેના દર્શને કરીને તો બીજા જીવનું પણ કલ્યાણ થાય છે પણ તે ઘણું દુર્લભ છે. માટે ભગવાનના સાચા દાસ થવા પ્રયત્ન કરવો.