પ્રતિપાદિત વિષય :
વાસના તથા એકાંતિકના સ્વરૂપનું નિરૂપણ.
મુખ્ય મુદ્દો :
વિષય સંબંધી પ્રબળ ઈચ્છા થાય છે તેને વાસના કહેવાય ને ભગવાન મેળવવાની પ્રબળ ઈચ્છા જેને હોય તેને એકાંતિક ભક્ત કહેવાય.
વિવેચન :–
આ વચનામૃતમાં બ્રહ્માનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો કે હે મહારાજ, વાસનાનું શું રૂપ છે ? ત્યારે મહારાજ કહે કે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય, સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિષે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય ને તેની અંતઃકરણ ને વિષે જે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ.
આ જીવને વિષયનો સંબંધ દૈહિક, માનસિક અને ભાવનાત્મક ત્રણ રીતે થાય છે. વળી તેમાં પણ ત્રણ કાળના વિભાગથી થાય છે. વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળમાં વિષયનો સંબંધ થાય છે. તેમા પણ વાસનાના સ્વરૂપમાં અને દેહની આજીવિકાના સ્વરૂપમાં ભોગવાય છે. તેમા જે આજીવિકાના સ્વરૂપમાં ભોગવાય છે તેમા પણ ઈષ્ટદેવના શેષ રૂપે કે પ્રસાદ રૂપે ભોગવાય છે અને પ્રસાદભાવથી રહિત કેવળ આજીવિકા રૂપે ભોગવાય છે. આપણા અંતઃકરણની વાસનાને સ્પષ્ટ કરવા આ બધા ભાવોને ઓળખવા જરૂરી છે.
તેમા પ્રથમ ત્રણ પ્રકારના વિષયો દૈહિક, માનસિક અને ભાવનાત્મક છે. તેમા આ દૈહિક વિષયોમાં દેહનું ગુજરાન એટલે કે દેહની આજીવિકા પણ ભળેલી છે અને વાસના પણ ભળેલી છે. જયારે માનસિક વિષયો છે એટલે કે મનમાં યાદ આવતા વિષયોમાં તો કેવળ વાસના જ કારણભૂત બને છે. કારણ કે સારાં–નરસાં વિષયોને ચિંતવે નહીં તો દેહ પડી જતું નથી. સ્થૂળ ન ભોગવે તો કદાચ દેહ હાનિ થાય, પણ માનસિક વિષયો સંભારવા ન સંભારવાથી દેહ પુષ્ટ કે દુર્બળ થઈ જતુ નથી અથવા કાર્યક્ષમ કે કાર્યક્ષમતા રહિત થઈ જતું નથી. તો પછી યાદ કરવાનું કારણ શું ? તો ચોખ્ખી–સ્પષ્ટ વાસના ગણાય. તેવું જ ભાવનાત્મક વિષયોનું છે. વિષયનું ચિંતવન કરતા કરતા ઘાટું ચિંતવન થવાથી ભાવકક્ષામાં ચાલ્યું જવાય છે. એક કામી, સ્વાદી કે લોભી હવામા માનસિક કિલ્લાઓ બાંધે છે તે ભાવાત્મક વિષયો કહેવાય. તે મોટે ભાગે ભાવિ વિષયના જ હોય છે. જયારે ચિંતનાત્મક મોટે ભાગે ભૂતકાલિક હોય છે. તે બન્ને વાસના રૂપ છે. તેથી માનસિક, ભાવનાત્મક ભૂતકાળ અને ભવિષ્યકાળ સંબંધી વિષયો કેવળ વાસનાને બતાવનારા હોય છે.
હવે બાકી રહ્યા દૈહિક અને વર્તમાનકાળના વિષયો. તેનું વિભાગીકરણ કરવાનું કઠિન બને છે. તેમા બે ભાગ છે. એક આજીવિકારૂપ અને બીજા વાસનારૂપ. તેની ભેદરેખા પકડવી ઘણી મુશ્કેલ છે. તેમા મહારાજે કરેલ મર્યાદા તથા શાસ્ત્રોની મર્યાદા તે વિભાગ રેખા રૂપે છે. જેટલું મર્યાદાની અંદર રહીને થાય તેટલું આજીવિકા રૂપ છે અને જેટલું મર્યાદાને ઉલ્લંઘીને થાય તેટલું વાસના રૂપ છે એમ કહી શકાય. માટે કેવળ વિષયરૂપ માનીને ઈચ્છા થાય છે તે વાસનાનું રૂપ છે. વિષય સંબંધી પ્રબળ ઈચ્છા તે વાસનાનું રૂપ છે ને પરમાત્માને મેળવવાની પ્રબળ ઈચ્છા તે એકાંતિકનું રૂપ છે.
મહારાજ કહે જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય ને પોતાને બ્રહ્મરૂપ માનીને ભકિત કરે તેને એકાંતિક કહેવાય. આપણને બ્રહ્મરૂપ માનવામાં પણ વાસના જ અંતરાયરૂપ છે. તે જબરદસ્તીથી દેહરૂપ બનાવે છે. તે ન હોય તો બ્રહ્મરૂપ માનવું અઘરૂં નથી.