ગપ્ર-૧૦ : કૃતઘ્ની સેવકરામનું

પ્રતિપાદિત વિષય :

કર્યા કૃત્યને ન જાણનાર કૃતઘ્ની તેનો સંગ ન કરવો

મુખ્ય મુદ્દો :

સેવકરામને કૃતઘ્ની જાણીને અમે તેના સંગનો ત્યાગ કર્યો.

વિવેચન :-

અહીં શ્રીજી મહારાજે પોતાની તીર્થયાત્રાનો એક પ્રસંગ વર્ણવ્યો છે. અયોધ્યા પ્રાંત તરફનો સેવકરામ નામે કોઈ સાધુ છે. તે મહારાજને તીર્થયાત્રામાં ભેળો થયેલો છે. તે સાધુ રસ્તામાં માંદો પડેલો છે. તેમની પાસે હજાર સોનામહોર હતી. ભાગવતનો ભણેલો હતો; પરંતુ સેવા કરનાર કોઈ ન હોવાથી નિરાધાર થયેલો રડવા લાગ્યો. ત્યારે મહારાજને તેના પર દયા આવી અને તેને કહ્યું કે તમે ચિંતા ન કરો. અમે તમારી ચાકરી કરીશું.

મહારાજે તેની ખૂબ સેવા કરી. તેને લોહીખંડ પેટબેસણું હતું. એટલે લોહીના ઝાડા થયેલા હતા. તેથી દરદીને અનુકૂળ પથારી બનાવી આપી. મહારાજ તેના ઝાડા સાફ કરતા. સેવકરામ પોતાની પાસે ધન હતું તેમાંથી પોતાના જ માટે ઘી, સાકર, અન્ન વગેરે મહારાજ પાસે મંગાવતો. મહારાજ લાવી અને રાંધી ખવડાવતા. તે વડમાં હજારેક ભૂતોનો નિવાસ હતો. પણ મહારાજના પ્રભાવથી તે ભૂતો તેને કોઈ જાતની ઈજા કરી શકતા નહિ. મહારાજ તેને રાંધી પણ ખવરાવતા. પોતે વસ્તીમાંથી ભિક્ષા માગી જમી લેતા. ભિક્ષા ન મળે તો ઉપવાસ કરીને રહેતા, પણ નિષ્ઠુર સેવકરામે મહારાજને એમ ન કહ્યું કે અમારી પાસે ધન છે તો તમો પણ વધારે સીધું લાવીને અમારી ભેળા જમો. આવી રીતે મહારાજે સાધુ જાણીને તેની સેવા કરી, પણ તેણે કોઈ દિવસ એક પૈસાભાર અન્ન મહારાજને આપ્યુ નહિ. આ પ્રમાણે બે માસ સેવા કરી. તે સાધુ સાજો થયો. એક શેર ઘી પચાવે તેવો સશક્ત થયો તો પણ પોતાનો ભાર મહારાજ પાસે ઉપડાવતો. પોતે અમથો માળા લઈને ચાલતો. પછી મહારાજે તેને કૃતધ્ની જાણીને તેનો ત્યાગ કર્યો.

મહારાજના આ ચરિત્રથી આપણને ઘણો ઉપદેશ મળે છે. એક તો મહારાજે કહ્યું કે કૃતધ્ની માણસનો સંગ ન કરવો. તદ્‌ઉપરાંત પણ અનેક ભાવો આ વચનામૃતમાંથી આપણને ઉપદેશ આપી જાય છે. મહારાજ પોતે ભગવાન હતા તો પણ નિરાધાર અને દુઃખી જોઈને સેવકરામની સેવા કરી. એમ ભગવાનના ભક્તને પણ દીન, દુઃખી અને નિરાધાર પ્રત્યે સેવા સહાનુભૂતિ દર્શાવવાં જોઈએ.

મહારાજે લખ્યું કે અમે તેને સાધુ જાણીને તેની સેવા કરી. એમ મહારાજ અતિ આસ્તિક સ્વભાવના હતા. વસ્તુતઃ પ્રસંગ ઉપરથી સેવકરામમાં સાધુતાના કોઈ દર્શન થતાં ન હતાં. તો પણ મહારાજે પરમ શ્રદ્ધાળુ અને આસ્તિક બનીને તેની સેવા કરી હતી. નહિ તો પોતે અંતર્યામી હતા. તેથી એ પણ બતાવે છે કે વર્તમાન પરિસ્થિતિમાં જે કાઈ ચાલતું હોય તેનાથી ધર્મ, સાધુ કે મંદિર અનાસ્થાના સ્થાન બની જતાં નથી. તે વ્યક્તિ ભલે અનાદરણીય હોય, પણ તે પદવીઓ અનાદરણીય નથી.

વળી આ પ્રસંગ પરથી મહારાજ એ પણ કહેવા માગે છે કે સદ્‌ગુણ, પરોપકાર, દયા, વગેરે પોતાના અધ્યાત્મમાર્ગમાં સહાય કરનારા ન હોય, ફાયદો કરનારા ન હોય અથવા તો કોઈ રીતે નુકસાનરૂપ હોય તો એ સદ્‌ગુણ હોય તો પણ તે રાખવા યોગ્ય નથી. દીન દુઃખિયા ઉપર દયા લાવવી અને સહાનુભૂતિ દર્શાવવી એ સદ્‌ગુણ છે તો પણ સેવકરામ જેવા વ્યક્તિને સહાયભૂત થવું એ પોતાના કલ્યાણમાં કોઈ ઉપયોગી નથી. માટે તેવા સદ્‌ગુણનો પણ ઉપયોગ ન કરવો. સફળ વિનિયોગ કરવો.

સદ્‌ગુણો અનેક છે. બધા સદ્‌ગુણોનું ટૂંકી જિંદગીમાં આચરણ કદાચ ન પણ થઈ શકે. માટે પોતાના કલ્યાણના માર્ગમાં જે સહાયરૂપ થતા હોય તેવા સદ્‌ગુણોને આચરણમાં પ્રથમ પસંદગી આપવી જોઈએ. એ મુમુક્ષુની ફરજ છે. તેથી મહારાજે એ હેતુથી સેવકરામનો ત્યાગ કર્યો છે. ઉપરાંત મહારાજે તે પણ કહ્યું છે કે કોઈએ યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું હોય અને પછી તેને કોઈ તે પાપથી યુક્ત કહે તો તેને પણ કૃતધ્ની જેવો પાપી જાણવો.