પ્રતિપાદિત વિષય :
ઈન્દ્રિય અંતઃકરણને ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં રાખવા.
મુખ્ય મુદ્દો :
ભગવાન અને ભગવાનના ભકતોની સેવામાં રાખે તો ઈન્દ્રિય અંતઃકરણની શુદ્ધિ થાય છે અને વિષયમાં રાખે તો અશુદ્ધિ થાય છે.
વિવેચન :–
શ્રીજી મહારાજે કહ્યું કે ઈન્દ્રિયોની ક્રિયાને ભગવાન કે ભગવાનના ભક્તની સેવામાં રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને આ જીવને પાપ વળગ્યા છે તે દૂર થાય છે અને જો સ્ત્રિયાદિક વિષયમાં પ્રવર્તાવે તો અંતઃકરણ ભ્રષ્ટ થાય છે. એમ શા માટે ? ક્રિયા તો બધી સરખી જ છે. પરિવાર માટે નોકરી કરે, કે ભગવાન માટે નોકરી કરે તો બધામાં મહેનત તો સરખી જ છે અને ચેષ્ટા પણ સરખી જ છે. ઘર કુટુંબનું પોષણ કરવા ઉદ્યમ કરે કે ભગવાનની ભક્તિ કરવા માટે ઉદ્યમ કરે તો પરિશ્રમની દૃષ્ટિએ તો બધો સરખો જ છે. તો પછી એક પરિશ્રમથી અંતઃકરણ શુદ્ધ થાય અને બીજા પરિશ્રમથી અંતઃકરણ ભ્રષ્ટ થાય છે તેનું કારણ શું ?
તેનું સમાધાન એ છે કે બન્નેના પરિશ્રમનું આલંબન જુદુ જુદુ છે. બન્નેના પરિશ્રમમાં પ્રેરકબળ ભિન્ન છે અથવા તો કહો કે બન્નેનું પ્રયોજન જુદું છે. પ્રયોજન જ અંતઃકરણને ભ્રષ્ટ કરે છે અથવા શુદ્ધ કરે છે. પરિશ્રમ નથી શુદ્ધ કરતો કે નથી ભ્રષ્ટ કરતો. પરિશ્રમ પ્રયોજન જેટલું મહત્ત્વ ધરાવતો નથી. માટે શ્રીજી મહારાજે એવું કહ્યું કે ઈન્દ્રિયોને ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં રાખવી. ઈન્દ્રિયોનું આલંબન ભગવાન હોવા જોઈએ. ઈન્દ્રિયો અંતઃકરણને શાસ્ત્રમા ‘પ્રાયિંપ્રકાશકારી’ કહ્યા છે. એટલે કે પ્રથમ જે પ્રકારનું તેમને આપો તેવું તે પાછું બહાર આપે છે. ઈન્દ્રિયો દ્વારા જગતના વિષયોને અંદર નાખવામાં આવશે તો મનમાં જગતના વિષયોની વાસના એકઠી થશે ને પછી વાસનાઓનો ફુવારો છૂટશે અને જો ભગવાન સંબંધી વિષયો ભોગવવામાં આવશે તો અંદરથી ભગવાનની સ્ફુરણાઓ ઉઠવા લાગશે. કોઈકના હૃદયમાંથી ભક્તિની ઉત્તમ ભાવનાઓ પ્રગટ થતી હોય છે તો કોઈકના હૃદયમાં કામ ક્રોધાદિકના બદતર વિચારો ઘૂઘવાતા હોય છે. તે કાંઈ જીવના હૃદયમાં અનાદિના પડેલા નથી. અંતઃકરણ તો કોરી પાટી જેવું છે.
શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે ‘ચિત્ત તો અતિશય નિર્મળ છે’ કોરી પાટીમાં અપશબ્દ પણ લખી શકાય છે અને ભગવાનનું મંગલકારી નામ પણ લખી શકાય છે. માટે જે જે વિચારો અંતરમાંથી સ્ફુરે છે તે ઈન્દ્રિયો દ્વારા સેવેલા છે. ઈન્દ્રિયોનું આલંબન ભગવાન કે ભગવાનના ભક્ત હશે તો અંતઃકરણ ભક્તિભાવનાથી સુગંધિત થશે અને ઈન્દ્રિયોનો આધાર સ્ત્રીયાદિક જગતના પંચવિષય હશે તો કામ ક્રોધાદિક હૃદયમાં આવીને નિવાસ કરશે. માટે શ્રીજી મહારાજ આ વચનામૃતમાં કહે છે કે શરીરને નિભાવવા માટે પંચવિષય ભોગવવા તે પણ શાસ્ત્રની મર્યાદામાં રહીને જ ભોગવવા. કુસંગનો ત્યાગ કરીને સત્સંગ કરવો. તો દેહમાં અહંબુદ્ધિ ને દેહ સંબધી પદાર્થોમાં મમત્વબુદ્ધિનો નાશ થાય છે અને ભગવાનમાં અસાધારણ પ્રીતિ થાય છે.