પ્રતિપાદિત વિષય :
જીવ અને ઈશ્વરનું અન્વય વ્યતિરેકપણું.
મુખ્ય મુદ્દા :
૧. અનાદિ ભેદ પાંચ છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ.
ર. તત્ત્વ ત્રણ છે. જીવ, ઈશ્વર અને માયા.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ કૃપા કરી બતાવે છે કે શાસ્ત્રમાં જયાં જયાં અધ્યાત્મ વાર્તા આવે છે તે સમજાતી નથી અને ભ્રમી જવાય છે. માટે અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થ પણે કહીએ છીએ તે સર્વે સાંભળો. જે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહને વિષે જે એકાત્મપણે વર્તવું તે જીવનું અન્વયપણું છે અને એ ત્રણ દેહથી પૃથક્સત્તામાત્ર જે જીવને કહેવો તે વ્યતિરેકપણું છે. વિરાટાદિ ત્રણ શરીર સહિત ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે ને તેનાથી પૃથક્સત્તામાત્ર કહેવા તે વ્યતિરેકપણું છે.
અહીં જીવને ત્રણ દેહની સાથે એકાત્મપણું વધારે છે તેથી ત્યાં એકાત્મપણે વર્તવું એમ લખ્યું છે અને ત્રણ દેહથી વ્યતિરેક ત્યાં વર્તવું શબ્દ નથી લખ્યો. ત્યાં તો ભાવનાત્મક ધારણા જ છે. વાસ્તવમાં જીવ દેહથી પૃથક્સ્થિતિ કરી શકતો નથી. ભાવાત્મક રૂપે જ અલગ થઈ શકે છે. તેથી જ તો શિક્ષાપત્રી શ્લોક–૧૧૬મા મહારાજે કહ્યું કે ત્રણ દેહથી પૃથક્પોતાને વિષે બ્રહ્મરૂપની ભાવના કરીને ભકિત કરવી. બ્રહ્મરૂપ થઈને ભકિત કરવી એમ કહેવું જોઈતું હતું પણ તેમ ન કહેતા બ્રહ્મરૂપની ભાવના કરીને; પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભકિત કરવી એમ કહ્યું. જીવની એટલી બઘી અલ્પતા છે કે તે માયામાં લટ્ટુ ને તદ્દન આધીન વર્તે છે. જયારે બ્રહ્માદિ ઈશ્વરો ત્રણ દેહવાળા છે પણ જીવના જેટલી પરાધીનતા નથી. માટે ત્યાં ત્રણ દેહ રૂપે વર્તે છે તેમ ન લખતાં ‘કહેવા’ એટલું જ કહ્યું છે.
તેમજ બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપો બતાવતાં કહ્યું કે માયા ને માયાના કાર્ય રૂપ જે અનેક કોટી બ્રહ્માંડ તેના વ્યાપકપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે તેનું અન્વયપણું છે. અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે અને મહારાજના સેવક રૂપે કહેવા તે બ્રહ્મનું વ્યતિરેક સ્વરૂપ છે. અને અક્ષરબ્રહ્મ, ઈશ્વર, જીવ અને માયા તેના કાર્ય તેમાં અંતર્યામી, કર્મફળપ્રદાતા, નિયંતાપણે જે મહારાજને કહ્યા છે તે મહારાજનું અન્વયપણું કહેવાય અને એ સર્વથી પૃથક્પોતાના અક્ષરધામમાં તેજના સમૂહમાં વિરાજમાન, મુકતોને સુખ આપવા જે સ્વરૂપ છે તે વ્યતિરેક સ્વરૂપ કહેવાય.
આ પ્રમાણે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચ અનાદિ તત્ત્વો છે. જીવ જ્ઞાનાત્મક સ્વરૂપ છે. જીવમાં જ્ઞાન, વિવેક વિશેષ રહેલો છે જયારે ઈશ્વરમાં ઐશ્વર્ય તત્ત્વ વિશેષ રહ્યું છે. માયામાં જડતા મુખ્ય ભાવ છે. બ્રહ્મમાં પ્રકાશ કરવાપણુ મુખ્ય છે. જયારે પરમાત્મામાં નિયંતા ધર્મ મુખ્યપણે રહ્યો છે. જે ધર્મો એક બીજાથી એકબીજાને અલગ રાખે છે.
વસ્તુતાએ તત્ત્વ ત્રણ છે. જીવ, પરમાત્મા ને માયા; પરંતુ જીવ, ઇશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચ અનાદિ ભેદ છે. એટલે કે પાંચ અનાદિ પ્રવાહો છે. ખરેખર જીવ, ઈશ્વર અને બ્રહ્મ એ ત્રણે એક (ચૈતન્ય) તત્ત્વ જ છે પણ પ્રવાહ રૂપે અલગ અલગ છે. ઈશ્વરનો અલગ પ્રવાહ અનાદિ ભેદ છે. માયા અને પરમાત્મા એ બે તત્ત્વો અલગ છે. જીવાત્માની બદ્ધ દશા ઓછી થઈ ઐશ્વર્ય પ્રધાનતા થાય તો તે જીવ પ્રવાહમાંથી ઈશ્વર કોટીમાં જાય છે અને જો માયાના ભાવથી સંપૂર્ણ મુકત થઈ જાય તો બ્રહ્મ કોટી એટલે કે મુકત કોટીમાં જાય છે. તત્ત્વ એક છે, કોટીઓ ત્રણ છે. તેથી પાંચ અનાદિ ભેદ અને ત્રણ અનાદિ તત્ત્વો ગણવામાં આવે છે. શિક્ષાપત્રીમાં ત્રણ તત્ત્વો ગણાવ્યા છે. જયારે અહીં પાંચ અનાદિ ભેદ ગણાવ્યા છે તત્ત્વો નહિ. તત્ત્વો તો ત્રણ જ છે.