પ્રતિપાદિત વિષય :
મુમુક્ષુઓને હિત અહિતનો વિવેક.
મુખ્ય મુદ્દો :
સત્સંગમાં જે વિવેકી છે તે પોતાને વિષે અવગુણને દેખે છે અને ભગવાનના ભકતને વિષે ગુણને દેખે છે.
વિવેચન :–
વિવેક શબ્દ ‘વિચિર્પૃથક્ભાવે’ એ અર્થમા વિચ્ ધાતુ ઉપરથી બનેલો છે અને તેનો અર્થ થાય છે વિભાગીકરણ. જે વિભાગીકરણ કરી આપે તેને વિવેક કહેવાય અને જેનામાં વિભાગીકરણની શકિત હોય તેને વિવેકી કહેવાય. વિવેક શબ્દ ઘણા વિષય પરત્વેનો હોય છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં આ શબ્દ જુદા જુદા અનુસંધાને વાપર્યો છે. દેહ અને આત્માનો વિવેક. એટલે કે દેહ અને આત્માનું વિભાગીકરણ. સત્ અને અસ્તનો વિવેક જેને બીજી ભાષામાં નાશવંત અને અવિનાશી પદાર્થનું વિભાગીકરણ કહેવામાં આવે છે. તેમજ હિત અને અહિતનો વિવેક. પોતાના મોક્ષમાં કઈ ક્રિયા હિતકારી છે અને કઈ ક્રિયા અહિતકારી છે તેનું વિભાગીકરણ. તેને હિતાહિત વિવેક કહેવામાં આવે છે. આવી જ રીતે દેશ, કાળ, સંગ વગેરે વિષયોમાં પણ વિવેક શબ્દનો પ્રયોગ થાય છે.
અહીં શ્રીજી મહારાજે ખાસ કરીને હિતાહિતના વિવેકને અનુસંધાને વિવેક બતાવ્યો છે. મુમુક્ષુઓની પ્રારંભ દશાના મોક્ષમાર્ગ પરત્વે આતુરતા અને ઉત્સાહ ઘણો હોય છે પણ હિત અને અહિતનો વિવેક હોતો નથી. એથી તેને મહેનત કરવા છતાં યથાર્થ ફળ મળતું નથી અને કયારેક તો ઉલ્ટી ખોટ જાય છે. અહીં મહારાજે તે વિવેકની ચર્ચા કરી છે.
મહારાજે કહ્યું છે કે સત્સંગમાં જે વિવેકી છે તે પોતાને વિષે અવગુણને અને બીજા સત્સંગીને વિષે ગુણને દેખે છે. આ વસ્તુમાં પોતાનું હિત સમાયેલું છે. પોતાનો અવગુણ લેવો અને બીજાનો ગુણ લેવો એનો અર્થ એવો નથી કે પોતામાં ગુણોનું અસ્તિત્વ જ નથી અને બીજામાં અવગુણ નથી. વાસ્તવિકતામાં આપણામાં સદ્ગુણો હોય, પણ તેનું મનન કરવામાં આપણું હિત નથી. તે તો નિશ્ચિત છે. કારણ કે પોતાના ગુણોનું ચિંતવન કરવાથી પોતાને વિષે અભિમાન, ગર્વ અને બીજાને વિષે તિરસ્કાર અને તુચ્છબુદ્ધિ ઊભી થાય છે. તેથી વાસ્તવિકતા છે; પણ તેમાં હિત નથી. અધ્યાત્મમાર્ગમાં વસ્તુ જુદી જ છે. બધી વાસ્તવિકતા હિત કરનારી હોય એવું જ નથી. તેવી જ રીતે બીજાનો ગુણ લેવો એટલે સત્સંગીમાં અવગુણ નથી એવું નથી પણ તેના અવગુણનું ચિંતવન કરવું તેમા આપણું અહિત છે. તેથી પોતાને હિતકારી વસ્તુને ગ્રહણ કરવી અને અહિતકારી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ એ વિવેક છે.
પોતાનો અવગુણ લેવો કે સાંભળવો એ ઘણું કડવું લાગે છે અને બીજાનો ગુણ લેવો કે સાંભળવો એ બહુ તુરુ લાગે છે. તેથી એ માર્ગે ચાલી શકાતું નથી. તેમ એ પોતાનો ગુણ લેવો એ બહુ જ મીઠો અને સ્વાદિષ્ટ લાગે છે અને બીજાનો અવગુણ લેવો એ બહુ જ ફરસો લાગે છે. એવી સર્વ મનુષ્યમાં સહજતા રહેલી હોય છે. પછી તે ભકત હોય કે અભકત હોય પણ સાહજિકતા તો આવી જ હોય છે. તેને પ્રયત્નથી દૂર કરે તો જ મોક્ષને રસ્તે આગળ વધી શકે છે. માટે આ વચનામૃતમાં જે જે બાબતો કહી છે તે અધ્યાત્મ હિત માટે છે. જેનો નિષેધ કર્યો છે તે નિષેધ અધ્યાત્મમાર્ગમાં અહિત કરનારી છે માટે નિષેધ કર્યો છે.
એવું કહેવાય છે કે હંસ પક્ષીમાં એવો સહજ ગુણ હોય છે કે તે દૂધમાંથી પાણી અલગ કરીને ફકત દૂધનું જ પાન કરી શકવાનું સામર્થ્ય ધરાવે છે. આ તેની અલૌકિક શકિત છે. કોઈક માણસે હંસને કહ્યું કે ખરેખર આપનામાં તો અજબ સદ્ગુણ રહેલો છે ! તમે દૂધ અને પાણીનો વિભાગ કરી દૂધનું ગ્રહણ કરો છો એ માટે ધન્યવાદ છે. ત્યારે હંસોએ તેમને ખૂબ જ સુંદર ઉત્તર આપ્યો છે કે તમે કહો છો તે વાત સાચી છે પરંતુ તેમા મને ધન્યવાદ દેવાની કે બિરદાવવાની જરૂર નથી. હું જે વિભાગીકરણ કરું છું તે મારી આજીવિકા–દેહગુજરાન માટે કરું છું. એ ગુણ એ મારા જીવનનો આધાર છે અને દેહ ગુજરાનનું અવલંબન છે માટે કરું છું.
હંસે ખૂબ જ સરસ જવાબ આપ્યો છે કે ભગવાનના ભકતે આ વસ્તુનો વિચાર કરવાની જરૂર છે. બીજામાંથી સદ્ગુણ લેવો એ પોતાની ઉન્નતિ માટે જરૂરી છે, બીજાની ઉન્નતિ માટે નથી. માટે કોઈ ગર્વ લીધાની વાત નથી. તેથી પોતાનો અવગુણ અને બીજાનો ગુણ લેવો તેમજ સંત જે શિક્ષા કે બોધ–હિતનાં વચન કહે તેનો આદર કરવો. તો સત્સંગમાં અવશ્ય પ્રગતિ થાય છે.