ગપ્ર–૦૪ : નારદજીના જેવી ઈર્ષ્યા કરવાનું

પ્રતિપાદિત વિષય :

માનવમાં સ્વાભાવિકપણે રહેલા અંતઃશત્રુરૂપ ઈર્ષ્યાનું સુમાર્ગીકરણ.

મુખ્ય મુદ્દો :

ઈર્ષ્યા ન કરવી એ ઉત્તમ છે. કરવી તો કોના જેવી કરવી ?

વિવેચન :–

શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાનના ભકતે પરસ્પર ઈર્ષ્યા ન કરવી. ઈર્ષ્યા એ જીવનો મોટામાં મોટો અને ઝીણામાં ઝીણો અંતઃશત્રુ છે. બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, ગરીબ હોય કે અમીર,પશુ હોય કે પક્ષી, કે પછી જીવજંતુ હોય; તમામની અંદર ઈર્ષ્યાની વૃત્તિ પડી છે. વચ.સા.૮માં ઈર્ષ્યા એટલે બીજાનું સારું ન જોઈ શકવુ. તેને શ્રીજી મહારાજે ઈર્ષ્યા કહી છે. મત્સર, અસૂયા, ઈર્ષ્યા, દ્રોહ, ક્રોધ અને વેર આ બધા સમાન કોટીના શત્રુઓ છે. માયાના ત્રણ ગુણોમાં જ આ વસ્તુ પડી છે. સાંખ્યકારિકામાં કહ્યુ છે કે ત્રણ ગુણો ‘અન્યોન્યાભિભવવૃત્તય’ પરસ્પર પરાભવ કરવાના સ્વભાવવાળા છે. એટલે કે ત્રણ ગુણોમાં જ આવી સહજ વૃત્તિ પડેલી છે કે એકબીજાની મોટાઈ એકબીજા જોઈ શકતા નથી. એે જ વસ્તુ પરંપરાગત માયાના સર્જનમાં ઉતરી આવે છે.

બીજાનું સારું જોઈને પોતાના હૃદયમાં બળતરા થવી એ મત્સર કહેવાય અને તે દોષ થોડો વિકાસ પામે તો તે અસૂયાનું રૂપ ધારણ કરે છે. કેવળ હૃદયમાં સંતાપ ઊભો થાય ત્યાં સુધી મત્સર કહેવાય. જયારે બીજાના સાચા ગુણોમાં દોષારોપણ કરવાની વૃત્તિને અસૂયા કહેવાય છે. ત્યાર પછી સામાની વિરુદ્ધ થોડી થોડી પ્રવૃત્તિ શરૂ થાય ત્યારે તેને ઈર્ષ્યા કહેવાય છે. તેથી પણ આગળ જાહેર–છડેચોક વિરોધ પ્રગટ થાય ત્યારે તેને દ્રોહ કહેવાય છે. દ્રોહ ક્રિયાનું સ્વરૂપ ધારણ કરે છે. વળી તેથી વધારે પરિપાક થાય ત્યારે તેને ક્રોધ કહેવામાં આવે છે અને પછી એ વેરનું સ્વરૂપ પકડી લે છે. આમ એક બીજ હોય તેમાંથી અંકુર ફૂટે તેનો થડ, શાખા, પ્રશાખાઓ, પર્ણો, ફૂલોમાં વિસ્તાર થાય છે તેમ ઈર્ષ્યામાં અંતે ફળસ્વરૂપે સર્વનાશ પ્રગટ થાય છે. આવો ઈર્ષ્યાનો અંજામ આવે છે.

અંતઃશત્રુમાં જો વિભાગ કરીએ તો ત્રણ વિભાગ થઈ શકે છે.

૧. ઈશ્વરસર્જિત : કામાદિક અંતઃશત્રુઓ ઈશ્વરસર્જિત છે. ભગવાને તેને સૃષ્ટિના હેતુ માટે સર્જ્યા છે. માટે તેનો નાશ કોઈ કરી શકે નહીં. છતાં ભગવાનના ભકત સાધકે અંતઃશત્રુઓની હડફેટમાં ન આવવું એ તેની ફરજ છે. ભગવાનના પ્રતાપથી તે શકય પણ બને છે. વળી આ અંતઃશત્રુઓ કંઈક અંશે સફળ પણ છે.

ર. માનવસર્જિત : મત્સર, ઈર્ષ્યા વગેરે અંતઃશત્રુઓ માનવસર્જિત છે. તેનું સર્જન સૃષ્ટિ ચલાવવા માટે થયું નથી. એ મનુષ્યોએ પોતાના સ્વભાવથી અહંનું પોષણ કરવા માટે ઊભા કર્યા છે. માટે તેનો નાશ તો પોતે જ કરવાનો રહે છે.

૩. નિત્યશત્રુઓ : ભૂખ, તરસ, નિદ્રા વગેરે. જેને મૃત્યુ સુધી માણસ ખાળી શકતો નથી તો નાશ તો કરી જ કેમ શકે ? પરંતુ તેનું સામાન્ય નિયંત્રણ કરવું ભગવાનના ભકત માટે જરૂરી છે.

અહીં વચનામૃતમાં શ્રીજી મહારાજે ઈર્ષ્યા ન કરવી એમ કહ્યુ ત્યારે આનંદાનદ સ્વામીએ કહ્યુ કે હે મહારાજ ઈર્ષ્યા તો રહે છે. ખરેખર એ સંતોમાં આવા દોષો ન હતા પણ મુમુક્ષુઓના ઉપદેશ માટે આ પ્રશ્ન જરૂરી છે. છતાં માની લો કે એ હોય તો પણ તેમને ધન્યવાદ ધટે એમ છે. પોતાના અંતરથી જાહેરમાં અંતઃશત્રુની કબૂલાત કરવી એ સાધનાની નિશાની છે. તેથી સ્વામી કહે છે કે ‘ઈર્ષ્યા તો થાય છે ત્યારે’ શ્રીજી મહારાજે એનો નાશ કરવાનો સુંદર ઉપાય બતાવ્યો છે કે ઈર્ષ્યા જો બંધ કરવી શકય ન હોય તો નારદજીના જેવી કરવી.

ઉપનિષદોમાં તથા યોગસૂત્રમાં અંતઃકરણ શુદ્ધિના આ ચાર સુંદર ઉપાયો બતાવ્યા છે. ‘મૈત્રી, મુદિતા, કરુણા અને ઉપેક્ષા’ આ ચાર વૃત્તિનો પ્રયોગ કરવાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. તેમા ‘સમાનેષુ મૈત્રી ન તુ ઈર્ષ્યા’ પોતાને કોઈ પણ બાબતમાં સમકક્ષ હોય તેની સાથે મૈત્રી કરવી. સામાન્ય રીતે માણસોનો એવો સ્વભાવ હોય છે કે પોતાના બરોબરિયામાં તેને ભારોભાર ઈર્ષ્યા થતી હોય છે. ઈર્ષ્યાની શરૂઆત પણ પોતાને સમકક્ષમાંથી જ થાય છે. પછી જયારે તેનો પરિપાક થાય છે ત્યારે શ્રીજી મહારાજે કહ્યુ છે તેમ ‘યથાર્થ ઈર્ષ્યાવાળો કોઈની મોટાઈ દેખી શકે નહી’ તો પણ તેની શરૂઆત તો વડોવડિયામાંથી થાય છે અને તેને દૂર કરવી એ પણ કઠણ છે.

આપણે આગળ જોયું તેમ માયાના ત્રણ ગુણોમાંથી શરૂઆત થઈને અંતઃકરણ, ઈન્દ્રિયો બધામાં આ ભાવ સોંસરો વણાયેલો છે. તેને થોડા સમયમાં માણસ દૂર પણ કેમ કરી શકે ? તેથી જ તો સ્વામીએ કબૂલાત કરી છે કે ‘મહારાજ ઈર્ષ્યા તો રહે છે’! ત્યારે મહારાજ પણ સીધું જતું કરે એવા ભગવાન નથી. યોગસૂત્ર અને ઉપનિષદની વાતથી પણ આગળ જઈને મહારાજે સુંદર ઉપાય શોધ્યો છે. જયાં ઈર્ષ્યા થતી હોય ત્યાં મૈત્રી જલ્દી શકય બનતી નથી. તેથી મહારાજે મૈત્રીરૂપ ઉપાય કહ્યો નથી; પણ નારદજીના જેવી ઈર્ષ્યા કહી છે.

ખરેખર નારદજીની જે પ્રક્રિયા વચનામૃતમાં વર્ણવી છે તેને આપણે બીજા શબ્દોમાં કહીએ તો સ્પર્ધા કહેવાય. ઈર્ષ્યા કરનાર વ્યકિતને સ્પર્ધા કરવાનું જેટલું સહેલું પડે છે તેટલું મૈત્રી કરવાનું સહેલું પડતું નથી. સ્પર્ધા ઈર્ષ્યાને ધણી રીતે મળતી આવે છે તો પણ ફળમાં તેનાથી તદ્દન જુદી છે અને તેથી ઈર્ષ્યાનો પ્રવાહ સ્પર્ધામાં વાળવાથી અધ્યાત્મમાં ફાયદો કરનારી બને છે. એટલું જ નહિ પણ કાંઈ ન કરતા હોય કે ઓછું કરતા હોય તેને કરવા જેવી પણ છે. સ્પર્ધા અને ઈર્ષ્યાનો તફાવત અને સમાનતા જોઈશું તો આપણને વસ્તુસ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

૧. સ્પર્ધા અને ૨. ઈર્ષ્યાનો

૧. ઈર્ષ્યા એ અવગુણ છે. ૨. સ્પર્ધા એ ગુણ છે.

૧. સામાના દોષ તરફ જ દૃષ્ટિ હોય છે. ૨. સામાના ગુણ તરફ જ દૃષ્ટિ હોય છે.

૧. પોતાને આગળ જવું નથી; પણ ફક્ત સામાને નીચો દેખાડવો છે. ૨. સામાથી પોતે ચડિયાતો બનીને એને નીચો દેખાડવો છે.

૧. ઈર્ષ્યાળુની દૃષ્ટિ હમેશાં સામાના ગુણોનો નાશ કરવામાં હોય છે. ૨. સ્પર્ધકની દૃષ્ટિ હમેશાં પોતાના ગુણની વૃદ્ધિ કરવામાં હોય છે.

૧. ઈર્ષ્યાળુનું વલણ નકારાત્મક– નેગેટીવ – વિદ્રોહાત્મક હોય છે. ૨. સ્પર્ધકનું વલણ હકારાત્મક–પોઝીટીવ હોય છે.

૧. ઈર્ષ્યા વિનાશક છે. ૨. સ્પર્ધા સર્જનાત્મક અને ઉત્પાદક છે.

૧. ઈર્ષ્યામાં શક્નિો હ્રાસ–નાશ થાય છે. ૨. સ્પર્ધામાં શક્તિપર્ણ કક્ષાએ પ્રગટે છે.

૧. ઈર્ષ્યા સ્વરૂપથી વિફળ હોય છે. તેનું કોઈ રચનાત્મક ફળ મળતું નથી. ૨. સ્પર્ધા સફળ હોય છે. સદ્‌ગુણોની પ્રાપ્તિ થાય છે અથવા વધે છે. તે તેનું ફળ છે.

૧. ઈર્ષ્યા ભગવાનના માર્ગમાં પ્રગતિ કરાવતી નથી, ઉલ્ટું અધોગતિ કરાવે છે. તેથી અનાદરણીય અને અનિચ્છનીય છે. ૨. સ્પર્ધા ભલે અતિ ઉત્તમ નથી તો પણ ભગવાનના માર્ગમાં પ્રગતિ કરાવનારી તો જરૂર છે.

૧. ઈર્ષ્યાળુનું હૃદય ભડકે બળતું હોય છે. ૨. સ્પર્ધકનું હૃદય ઉત્સાહ હરખ અને આનંદથી છલકાતું હોય છે.

૧. જેના જીવનમાં કોઈ નિશ્ચિત પ્રગતિનું ધ્યેય જ ન હોય એવા કુંઠિત ચેતનાવાળી વ્યક્તિના હૃદયમાં બરોબરિયાને જોઈને ઈર્ષ્યા પેદા થાય છે. ૨. જેના જીવનમાં કાંઈક પ્રગતિનું ધ્યેય હોય, તેવી વ્યક્તિના હૃદયમાં સ્પર્ધાની શકયતા છે.

૧. ઈર્ષ્યા સામાના અભ્યુદયથી કે પોતાના પરાભવથી ખૂબ વૃદ્ધિ પામે છે. ૨. સ્પર્ધા પોતાના અભ્યુદય અને સામાના પરાભવથી બળવાન બને છે.

૧. હૃદયની વિશાળતા અને ઉદારતાથી ઈર્ષ્યા ઘટાડી શકાય છે. ૨. ગુણોની પૂર્ણતાથી સ્પર્ધા અટકે છે.

૧. ઈર્ષ્યાનો વિરામ અધોગતિ અને વિનાશમાં હોય છે. ૨. સ્પર્ધાનો વિરામ ઉર્ધ્વગતિ અને ગુણોની સિદ્ધિમાં છે.

૧. ઈર્ષ્યાનું ફળ સંતાપ, ખિન્નતા અને કલેશની પ્રાપ્તિ છે. ૨. સ્પર્ધાનું ફળ આંશિક તૃપ્તિ, ઉત્સાહ વગેરેની પ્રાપ્તિનું છે.

૧. ઈર્ષ્યાનું ઉદાહરણ ઈન્દ્ર અને દિલીપ રાજા વચ્ચેની ઘટના છે. ૨. સ્પર્ધાનું ઉદાહરણ નારદજી અને તુંબરુ વચ્ચેની ઘટના છે.

સમાનતા

સમાનતાની વિશેષતાઓ નીચે મુજબ ગણાવી શકાય

– બે વ્યકિત વચ્ચે ઉદ્‌ભવે છે.

– બન્નેમાં ગુણોની અસમાનતા હોય ત્યારે ઉદ્‌ભવે છે.

– બન્ને હરીફને નીચો જોવા માગે છે.

બન્ને વ્યકિત સામાના ગુણોને સહન કરી શકતા નથી. માટે જ પ્રવૃત્તિ કરે છે.

ઉપરના તફાવતથી ઇર્ષ્યા અને સ્પર્ધા વચ્ચેની ભેદરેખા આપણને સ્પષ્ટ થશે. શ્રીજી મહારાજે ભગવાનના માર્ગે જે ચાલે તેને ઈર્ષ્યા કરવાની ના કહી છે. જો કે સર્વ કોઈને ઈર્ષ્યા નુકસાનરૂપ છે. તેમા પણ ભગવાનના ભક્તની સાથે તો ન જ કરવી. ખરેખર તો ભગવાનના ભકત સાથે સ્પર્ધા પણ ન કરવી. પ્રગતિ મેળવવાની ઈચ્છા હોય તો પૂજયબુદ્ધિથી અનુવૃત્તિ જરૂર રાખવી. છતાં માણસ સ્વભાવને વશ થઈને આ કર્યા વિના રહી શકતો નથી. તેથી નિભાવ માટે હજુ સ્પર્ધા કરે તો અતિશય દોષરૂપ નથી એમ આ વચનામૃતમાં કહયું છે. છતાં સ્પર્ધામાંથી કયારે ઈર્ષ્યામાં સરી પડાય છે તેની ખબર રહેતી નથી.માટે ભક્તએ સદાય સાવધાની રાખવી જ રહી.