પ્રતિપાદિત વિષય :
ભગવાનની લીલા સંભારી રાખવી તથા સાધુ બ્રહ્મચારી અને સત્સંગી સાથે હેત રાખવું.
મુખ્ય મુદ્દો :
દેહ મૂકયા સમયે કદાચ ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય અથવા સાધુ, બ્રહ્મચારી,સત્સંગી સાંભરી આવે તો ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે.
વિવેચન :–
પ્રસ્તુત વચનામૃતમાં શ્રીજી મહારાજે બતાવ્યું કે જેને મૂર્તિ અખંડ દેખાતી હોય તો પણ તેણે ચરિત્રો સંભારી રાખવાં અને સાધુ, બ્રહ્મચારી અને સત્સંગી સાથે હેત રાખવું. કારણ કે અંતસમો ઘણો કઠણ છે. અંત સમયે બુદ્ધિની સાવધાની કે વિવેક રહેતો નથી. ત્યારે નબળા કર્મનો થર પ્રગટ થાય તો ભગવાનની સ્મૃતિ રહે નહીં. માટે એવી રીતે કરવાનુ કહ્યું છે.
અહીં એક બીજી વાતની સ્પષ્ટતા જરૂરી છે અને તે છે કર્મની વ્યવસ્થા અથવા કર્મવિપાક. માણસનું મૃત્યુ થાય છે ત્યારે જો મુક્તદશા પ્રાપ્ત થઈ ન હોય તો તેને બીજો જન્મ લેવો પડે છે અને તે કર્માનુસાર લેવો પડે છે. બીજા જન્મનો જે નિર્ણય કરવો તેને કર્મવિપાક પ્રક્રિયા કહેવાય છે. મૃત્યુ સમય આવે ત્યારે તેને છેલ્લી ઘડીએ નક્કી થતું હોય છે કે બીજો જન્મ કયાં લેવો. તે નક્કી કેવી રીતે થાય છે ? તો કર્મને અનુસારે તે નક્કી થાય છે.
અહીં વિચારણીય એ છે કે અનંત જન્મના સંચિત કર્મના કોઠારો ભરેલા છે. તેમા કયા કર્મને પ્રથમ સ્થાન આપવુ ? તો નીચેના વિકલ્પો ઉદ્ભાવીને જોઈશું તો વધારે સ્પષ્ટ થશે.
(૧) સર્વ પ્રથમ થયેલા કર્મનો ઉપયોગ પ્રથમ કરવો એ યોગ્ય ગણાય; પરંતુ તે શકય નથી. કારણ કે આવી રીતે અનંત જન્મના સંચિત કર્મના કોઠારો હોવાથી જીવની મુક્તિ થવી શકય જ નહિ બને.
(ર) તો પછી પ્રશ્ન થાય કે બધા જ કર્મમાંથી થોડો થોડો ભાગ લઈને નવા પ્રારબ્ધનું નિર્માણ થતું હશે ? તે પણ શકય નથી. જો એમ થતું હોય તો મનુષ્યના જીવનમાં સુખ–દુઃખના ઊંચા–નીચા ભાવો જે આવે છે તે ન આવત અને એક સરખું સુખ અથવા દુઃખ રહેત; પણ તેવું થતું નથી. માટે તે પણ યોગ્ય નથી.
તો પછી પ્રારબ્ધનું નિર્માણ કેવી રીતે થાય છે ? તો તેના ઉત્તરમાં કહેવામાં આવે છે કે મૃત્યુ સમયે આ જીવના સંચિત અને આ જન્મના બધાં જ કર્મો ઉદિત થાય છે, ફળ દેવા માટે તૈયાર થાય છે. એટલે જયારે મૃત્યુ સમય આવે ત્યારે આ બધાં કર્મો બુદ્ધિ ઉપર આક્રમણ કરીને બુદ્ધિને મૂર્છિત કરી નાખે છે. તેથી જ વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે આ જીવને અંત સમો આવે છે ત્યારે તેને મૂર્છા અવસ્થા આવે છે. પછી જો ભક્ત હોય તો તેને ભગવાનના દર્શન થાય છે અને અભક્ત હોય તો તેને યમ દેખાય છે. આમ જીવની બુદ્ધિને તે મૂર્છિત કરે છે અને જીવની ગતિનો દોર ભગવાનની ઈચ્છાથી કર્મ પોતાના હાથમાં લઈ લે છે. તેમા પણ પ્રબળ કર્મો આગળ આવે છે અને ઓછા બળવાળા તેને અનુરૂપ થઈને રહે છે. તેથી કોઈ માણસ એમ ધારતો હોય કે આપણે મૃત્યુ સમયે ભગવાનને યાદ કરી લઈશું અત્યારે યાદ કરવાની શી જરૂર છે ? તો એ બહુ શકય નથી. કારણ કે ત્યારે બુદ્ધિનો વિવેક મૂર્છિત થઈ ગયો હોય છે.
તો બીજો પ્રશ્ન એ થશે કે કર્મની પ્રબળતા અને અપ્રબળતા કેવી રીતે માપી શકાય ? તો તેના માપના બે પરિબળો છે.
(૧) કર્મ કેટલા વેગપૂર્વક અને આસક્તિપૂર્વક કરાયું છે.
(ર) કર્મને પરમાત્માનો કેટલો સંબંધ છે.
તે બન્નેમાં પણ પરમાત્માનો સંબંધ કર્મને અતિશય બળવાન બનાવે છે. પરમાત્માનો અલ્પ સંબંધ થયો હોય તેવા કર્મની સામે જગત સંબંધી તીવ્ર વેગવાળા કર્મો પણ ટક્કર ઝીલી શકતા નથી. તેથી ગીતામાં કહ્યું છે કે ‘સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્।’ (૨૪૦) ભગવાનના સંબંધવાળું અલ્પ કર્મ પણ મોટા ભયથી રક્ષા કરે છે. તેથી અંત સમે કર્મના પાશથી ઉગરવું હોય તો વર્તમાન જીવનમાં ભગવાનના સંબંધવાળા કર્મો કરવા અને ભગવાનની લીલા સંભારવી. ભગવાન સાથે જેને હેત છે એવા ભક્તો સાથે હેત રાખવું. તો એ કર્મો અંત સમયે આપણી મૂર્છિત દશામાં પણ પ્રબળ થઈને બીજા તમામ કર્મોને પરાસ્ત કરીને આપણને ભગવાનમાં જોડે છે. તેને જગત સંબંધી કર્મો પરાસ્ત કરી શકતા નથી. આવો કર્મવિપાકનો નિર્ણય છે. માટે લીલાઓ સંભારી રાખવી અને ભક્તોમાં પ્રીતિ રાખવી. તો અંત સમયે ખૂબ જ સહાયરૂપ બને છે.
‘ગહના કર્મણો ગતિ’ કર્મની ગતિ ગહન છે. આ વચનામૃત દ્વારા મહારાજે પોતાના ભક્તોને અંતસમયે અતિપ્રબળ કર્મને પણ ભગવાન સંબંધી કર્મ દ્વારા તરવાનો ઉપાય બતાવીને ભગવાન સંબંધી કર્મના સિદ્ધાંતની ચમત્કૃતિ બતાવી છે.