ગપ્ર–૦ર : ત્રણ પ્રકારના વૈરાગ્યનું

પ્રતિપાદિત વિષય :

ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્પષ્ટીકરણ.

મુખ્ય મુદ્દો :

વિષયમાં લોપાવું નહીં અને વિષય તેને લોપી શકે નહીં.

વિવેચન :–

વિગતઃ રાગ – આસક્તિઃ ઈતિ વૈરાગ્યઃ । રંજયતિ ઈતિ રાગઃ।
જેનાથી આપણે રાજી થઈએ છીએ એને રાગ કહેવાય છે. માણસ રાગથી રાજી થાય છે, પદાર્થથી નહીં. જેમા અનુકૂળતાની કલ્પના કરી રાખી હોય અને તેની પ્રાપ્તિ થાય તેને જોઈને રાજી થવાય છે, એનું નામ રાગ છે. સારો બંગલો જોઈને તેનો માલિક જ રાજી થાય છે, બીજા નહીં. દીકરાને જોઈને તેનો બાપ જ રાજી થાય છે, નહીં કે બીજા પણ. મન ગમતું ભોજન જોઈને કોઈ એક વ્યકિત રાજી થાય તો તેને જોઈને બીજી વ્યક્તિ કદાચ નારાજ પણ થાય. માટે માણસ રાજી પોતાના રાગથી થાય છે. જયારે વૈરાગ્ય એટલે, ભગવાનમાં રાગ અને જગતમાં રાગ નહીં. સંપૂર્ણ રાગનો અભાવ એ વૈરાગ્યનું સાચું સ્વરૂપ નથી, પણ ભગવાન સિવાય અન્યત્ર રાગના અભાવને વૈરાગ્ય કહેવામાં આવે છે. તેથી શિક્ષાપત્રીમા ‘વૈરાગ્યં જ્ઞેયમપ્રીતિઃ શ્રીકૃષ્ણેતર વસ્તુષુ ।’ ભગવાન વિના અન્ય જગ્યાએ પ્રીતિ નહિ તેને જ વૈરાગ્ય કહ્યો છે.

અહીં વૈરાગ્યના ત્રણ પ્રકારો બતાવ્યા છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ.

નિષ્કુળાનંદ સ્વામીએ વૈરાગ્યના બે પ્રકારો બતાવ્યા છે. બૃહદ્‌ વૈરાગ્ય અને સામાન્ય વૈરાગ્ય.

યોગસૂત્રમાં વૈરાગ્યના ચાર પ્રકારો બતાવ્યા છે : યતમાન, વ્યતિરેક, એકેન્દ્રિય અને વશીકાર.

તો વળી ઘણા મહાત્માઓ વૈરાગ્યના બે પ્રકારો જુદી રીતે બતાવે છે : ઉલટીનો અને ઘચરકાનો વૈરાગ્ય.

વસ્તુતઃ વૈરાગ્યનું સ્વરૂપ એક જ છે. જગતથી છૂટીને ભગવાનમાં જોડાવુ. પરંતુ તેના પ્રકારો એ તેના ક્રમિક વિકાસની અવસ્થાઓ છે. ખરેખર તો જેને ઉત્તમ, વશીકાર અથવા તો બૃહદ્‌વૈરાગ્ય કહેવામાં આવ્યો છે તે જ સાચો વૈરાગ્ય છે. બીજા અવાંતર(અન્ય) ભેદો તો મુસાફરીમાં આવતા માઈલ સ્ટોન જેવા છે. એ વૈરાગ્યના સાચા રસ્તાની નિશાનીઓ કે દિશાસૂચકો છે. જેમ ખેડૂત ખેતરમાં ઘઉં વાવે. તે જયારે વાવે ત્યારે તેને ઘઉં કહેવાય. ઊગે ત્યારે પણ ઘઉં કહેવાય. મોટા થાય ત્યારે પણ ઘઉં કહેવાય. પોંક તૈયાર થાય ત્યારે પણ ઘઉં કહેવાય; પણ તેમાંથી રોટલી બનાવવી શકય છે ?

તેમ બીજા વૈરાગ્યો, વૈરાગ્ય કહેવાય; પણ યથાર્થ ફળ તો ઉપર કહ્યા તે વૈરાગ્યથી જ મળે છે. બીજા બધા વાવેલા ઘઉં જેવા છે, છતાં ખોટા અને નકામા નથી. પણ તેને પાણી પાઈને, ઉછેરીને, તૈયાર કરવાની જરૂર છે. તૈયાર થયા પછી તેમાંથી જ ઘઉંનીં પ્રાપ્તિ થાય છે. જો તેને નકામા જાણીને ઉખેડી નાખે તો ફળની પ્રાપ્તિ થાય નહીં. તેવું જ વૈરાગ્યની સ્થિતિમાં છે.

યોગસૂત્રમાં વૈરાગ્યના વિકાસના ચાર વિભાગો કર્યા છે.

(૧) યતમાન : જયારથી સત્સંગ કે સદ્‌વાંચનથી કે કોઈ પણ પ્રકારે વિષય અને જગતને તથા તેના રાગને છોડવાનો સંકલ્પ થાય આ અવસ્થાને યતમાન વૈરાગ્ય કહેવાય છે.

(ર) વ્યતિરેક : જગતના પદાર્થો અથવા રાગ છોડવાનો સંકલ્પ કરવા માત્રથી કાંઈ તે છૂટી જતા નથી ! ‘આ જગત કથો છોડે એવું નથી.’ તેથી ઘણા વિષયો સહેલાઈથી છૂટી જાય એવા હોય છે અને ઘણામાં ખૂબ પ્રયત્ન કરવો પડે એવા હોય છે. જયારે ભગવાનના માર્ગે ચાલે ત્યારે અલ્પ પ્રયાસથી જે વિષયો છોડી શકાય તેવા હોય તેનો ત્યાગ કરે ત્યારે તેને વ્યતિરેક કહેવાય. વ્યતિરેક એટલે જુદું. અંતરમાંથી થોડોક રાગ જુદો પડી જાય એટલે તેને વ્યતિરેક નામ આપવામાં આવ્યું છે.

(૩) એકેન્દ્રિય : જેમાં રાગ છે એવા વિષયોને પણ સાધક જયારે સ્થૂળ રીતે પ્રયત્નપૂર્વક છોડી દે છે ત્યારે વિષયો દૂર થઈ જાય છે; પણ મનની અંદર રહેલા રાગ અથવા વાસના જેમની તેમ રહેલી હોય છે. ગીતામાં કહ્યા મુજબ ‘વિષયા વિનિવતન્તે નિરાહારસ્ય દેહિનઃ રસ વર્જમ્‌’એવી અવસ્થા પ્રાપ્ત થાય છે. વાસનાને રહેવાનું સ્થાન મન હોવાથી તેને એકેન્દ્રિય વૈરાગ્ય કહે છે.

(૪) વશીકાર : જયારે મનમાંથી વાસના દૂર થઈ જાય ત્યારે તેના ઈન્દ્રિયો તથા વિષયો પણ વશ થઈ જાય છે તેને વશીકાર વૈરાગ્ય કહેવાય છે.

આ વસ્તુને શ્રીજી મહારાજે ત્રણ વિભાગમાં વહેંચીને ત્રણ પ્રકારના વૈરાગ્ય દર્શાવ્યા છે. સંતોએ સાચા વૈરાગ્ય માટે માખણનું સુંદર દૃષ્ટાંત આપ્યું છે. દૂધને મેળવીને તેમાંથી દહીં બનાવવામાં આવે છે. તેનું વલોણું કરતા તેમાંથી માખણ તૈયાર થાય છે. માખણ દૂધ અને દહીંનો સાર છે, અર્ક છે. સાર ભાગ હંમેશાં વજનવાળો હોય છે. છતાં અહી તેમ નથી. માખણ છાશમાં તરતું રહે છે. છાશ એને ડૂબાડી શકતી નથી. વળી માખણ એમાં મિશ્રિત પણ થઈ જતું નથી. સદાને માટે તેનાથી અલગ રહે છે. તો પણ એટલું જાણવું જરૂરી છે કે માખણને છાશમાંથી દૂર કરીએ તો તે વાસી થતું જાય છે અને બગડવાની શરૂઆત થાય છે. તેમ વૈરાગ્યવાન મનુષ્ય સંસારમાં રહે છે તો પણ સંસાર તેને ડૂબાડી શકતો નથી. સંસાર છાશને સ્થાને છે. તેની યોગ્ય પ્રક્રિયા કરીને તેમાંથી વૈરાગ્યરૂપી માખણ મેળવવાની જરૂર છે. દૂધને જો મેળવે નહીં અને જેમનું તેમ પડયું રહેવા દે તો દૂધ બગડી જાય છે. ‘રહીમન બિગડે દૂધ કો મથે ન માખન હોય’ તેમાંથી કાંઈ જ પ્રાપ્ત થતું નથી. તેમ માણસનું જીવન વૈરાગ્ય વિના બગડી જાય છે.

કોઈ એક ભકતે વૈરાગ્યના આવી રીતે ત્રણ પ્રકાર પણ પાડયા છે. ૧. અપવિત્ર કે પ્રતિષિદ્ધ–નિષિદ્ધ વસ્તુઓનો ત્યાગ કરવો એ સાધારણ વૈરાગ્ય છે. ર. જરૂરિયાત કરતા વધારે મળેલી પવિત્ર અને અપ્રતિષિદ્ધ વસ્તુઓનો ત્યાગ કરવો એ મધ્યમ વૈરાગ્ય છે. ૩. પરમાત્મામાં અંતરાય કરે એવી સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો એને ઉત્તમ વૈરાગ્ય કહેવામાં આવે છે. આ પ્રમાણે વિભાગ પણ આવકાર્ય છે.

અહીં એક વસ્તુ ભ્રમિત ન થઈ જવાય માટે સૂક્ષ્મ ભેદના સ્વરૂપે જાણવી જરૂરી છે કે ત્યાગ અને વૈરાગ્ય એક માર્ગની વસ્તુ હોવા છતાં સ્વરૂપે કરીને જુદી જુદી છે. તેની સ્પષ્ટતા માટે ત્યાગ અને વૈરાગ્યના ભેદને અહીં નીચે દર્શાવ્યા છે

૧. ત્યાગ અને ૨. વૈરાગ્ય

૧. ત્યાગ એ પ્રથમ પગથિયું છે. ૨. વૈરાગ્ય એ ત્યાગ પછીની સ્થિતિ છે.

૧. વૈરાગ્ય કેળવવા માટે અનુકૂળ પરિસ્થિતિ કરી આપે છે. ૨. ત્યાગ કરવાની શકિત પૂરી પાડે છે.

૧. ત્યાગ કરવાથી આસક્તિ દૂર થઈ જાય છે એવું નથી. ૨. આસક્તિને મૂળમાંથી ઉખેડી નાખે છે.

૧. વિધ્નોની વધુ સંભાવના છે. ૨. વિધ્નોની નહિવત્‌સંભાવના છે.

૧. વિશેષે કરીને ત્યાગીઓના જીવનમાં સંભવે છે. ૨. ત્યાગી અને ગૃહસ્થ બન્નેના જીવનમાં સંભવી શકે છે.

૧. જો વૈરાગ્યની સાથે હોય તો જ પૂજનીય છે. ૨. વૈરાગ્ય સ્વયં પૂજનીય છે.

૧. વૈરાગ્યમાર્ગના કાંટા સાફ કરવાનું મહત્ત્વનું કાર્ય કરે છે. ૨. વૈરાગ્ય ભગવાન સુધીની યાત્રા કરાવે છે.

૧. વૈરાગ્યની સાથે હોય તો અનતને તારી શકે છે. ૨. ત્યાગ વિનાનો વૈરાગ્ય પોતાનું જ હિત કરી શકે છે.

૧. અહંકારથી પણ પોષાય છે. ૨. ભગવાનની ભકિતથી જ પોષાય છે.

૧. કોઈ પદાર્થેા કે કોઈ બીજી લાલસામાંથી પણ જન્મે છે. ૨. વૈરાગ્ય લાલસાઓ અને આકાંક્ષાઓનો નાશ કરે છે.

૧. સ્થૂળ ક્રિયા સ્વરૂપ છે. અભાવ સ્વરૂપ નથી. ૨. વૈરાગ્ય વિચાર વિવેક સ્વરૂપ છે પણ રાગના અભાવરૂપ પરિસ્થિતિ સર્જે છે.

૧. ત્યાગ વિષયોની વચ્ચે જીવી શકતો નથી. ૨. વિષયો વચ્ચે પણ સ્વસ્થતાથી જીવે છે. ઉલટું તેનું સ્વરૂપ નિખરી ઊઠે છે.

૧. છોડી દેવું તે જ ત્યાગ છે. ૨. છૂટી જાય એ વૈરાગ્ય છે.

૧. છોડેલું કયારે બીજું સ્વરૂપ ધારણ કરી વળગી પડે એનું કાંઈ નક્કી નહિ. ૨. છૂટેલું ફરી કયારેય વળગતું નથી.

૧. શરીરથી છોડવું એ ત્યાગ છે. ૨. મનમાંથી છોડી દેવું એ વૈરાગ્ય છે.

૧. ત્યાગનું જતન ખૂબ કરવું પડે છે. ૨. વૈરાગ્ય આપણને જાળવે છે.

૧. ત્યાગ નિયમોથી પોષાય છે. ૨. વૈરાગ્ય વિવેકથી પોષાય છે.

૧. સમજયા વિનાના ત્યાગમાં જડતાની પૂરી સંભાવના છે. ૨. વૈરાગ્યમાં વિવેકની સહજતા છે.

૧. ત્યાગમાં અહંકાર જલ્દી આવે છે. ૨. વૈરાગ્યમાં નમ્રતા આવે છે.

૧. ત્યાગને વૈરાગ્યનો સહારો અચૂક લેવો પડે છે. ૨. વૈરાગ્યને ત્યાગનો સહારો લેવો પડે એવું બંધન નથી.

૧. ત્યાગમાં કૃત્રિમતા કે દંભની ઘણી શકયતાઓ છે. ૨. વૈરાગ્યમાં સ્વભાવિકતા હોવાથી કૃત્રિમતા કે દંભને સ્થાન નથી.

૧. ત્યાગમાં દેહાભિમાનની સંભાવના છે. ૨. વૈરાગ્યમાં દેહબુદ્ધિને ઘસારો આવે છે.

૧. બહુધા ત્યાગી વ્યકિત બીજાને હલકટ ગણતી હોય છે. છતાં તે સમાજથી દૂર રહી શકતી નથી. ૨. વૈરાગી બીજાથી દૂર રહેવા જરૂર ઈચ્છે છે.હલકા ગણીને નહીં, પોતાના માર્ગમાં વિધ્નરૂપ ગણીને દૂરરહે છે.

૧. ત્યાગ એક ક્રિયા (એકશન) છે તેમાં પ્રતિક્રિયા (રીએકશન) શકય છે. ૨. વૈરાગ્ય એક અવસ્થા છે તેમાં પ્રતિ ક્રિયા (રીએકશન)ને સ્થાન ઓછું છે.

૧. અભકતમા પણ હોઈ શકે. ૨. સાચા ભકતમાં તેની વધુ સંભાવના છે.­­­­

૧. વૈરાગ્યનો અભાવ એ તેનું વિધ્ન છે. ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના…’ ૨. ભગવાનમાં પ્રીતિનો અભાવ એ તેનું વિધ્ન છે.

૧. કેવળ ત્યાગ કીર્તિની આકાંક્ષા કે બીજી કોઈ આશાથી પણ પોષાય છે. ૨. વિષયના સહવાસનો ત્યાગ, ઈન્દ્રિય નિગ્રહ, ભગવત્‌સ્મરણ, સત્સંગ આ સાધનોથી વૈરાગ્યનું પોષણ થાય છે.

૧. ત્યાગ બહિરંગ સાધન છે. ૨. વૈરાગ્ય અંતરંગ સાધન છે.