પ્રતિપાદિત વિષય :
ધ્યાન કરવાનો આગ્રહ રાખવો.
મુખ્ય મુદ્દો :
ધ્યાનમાં મૂર્તિ ન દેખાય તો પણ કાયર ન થવું અને ધ્યાનને મૂકી દેવું નહિ.
વિવેચન :–
અહીં શ્રીજી મહારાજ કહે છે કે રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું. આ વસ્તુ ઘણી વખત વિવાદનો વિષય બની જતી હોય છે. સત્સંગીએ શ્રીજી મહારાજનું ધ્યાન કરવું કે રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેમનું ધ્યાન કરવું ? અને તેમાંથી અવાંતર બીજા વિવાદો પણ ઊભા થતા હોય છે.
વસ્તુતાએ તો વચનામૃતનું હાર્દ ધ્યાનના આગ્રહ ઉપર છે. તેથી તો જૂના સંતોએ આ વચનામૃતને ધ્યાનના આગ્રહનું વચનામૃત કહીને ઓળખાવ્યું છે. મહારાજે વધુ ભાર ધ્યાનના આગ્રહ ઉપર મૂકયો છે. ‘રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાનનું’ એ શબ્દો ઉપર ભાર મૂકેલો નથી. અને વચનામૃતની ફલશ્રુતિનો વિચાર કરીએ તો પણ એમ કહ્યુ છે કે ‘તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને તેની ભકિતએ કરીને ભગવાન તેને વશ થઈ જાય છે.’ આ ફળશ્રુતિ આગ્રહનું ફળ હોય એવું વચનામૃતમાંથી જણાય છે. પણ ‘રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન’ એ વાકયનું ફળ હોય એવું વચનામૃત ઉપરથી જણાતું નથી. તેથી એટલું તો જરૂર સ્પષ્ટ થાય છે કે આ વચનામૃતનું તાત્પર્ય ધ્યાનના આગ્રહમાં છે.
ધ્યાનમાં મૂર્તિ ન દેખાય તો પણ કયારેય કંટાળીને અથવા હારી જઈને ધ્યાન છોડી ન દેવું. ‘કરત કરત અભ્યાસ તે જડમતિ હોત સુજાન’ ધીરજ પૂર્વક ભગવાનની મૂર્તિના ધ્યાનનો અભ્યાસ કરવો. યોગસૂત્રમાં કહ્યુ છે કે ‘સ તુ દીર્ઘકાલનૈરન્તર્યાસત્કારાસેવિતો દૃઢભૂમિઃ।'(સમાધિપાદઃ૧૪) ધ્યાન અતિ કઠિન વિષય હોવાથી લાંબા સમય સુધી તેનું સેવન કરવું પડે છે. જો આદરપૂર્વક એટલે કે રસપૂર્વક તેનું સેવન કરવામાં આવે અને લાંબો સમય એટલે કે જયારે કરવું ત્યારે બે મિનિટ કે એક મિનિટ કરીને પૂર્ણ કરી દેવાથી ધ્યાન સિદ્ધ ન થાય. માટે ધ્યાનનો સમય પણ યોગ્યતા પ્રમાણે થોડોક વધુ રાખવો તો ધ્યાન સિદ્ધ થાય છે. આવી રીતે ધ્યાન કરે તો તેમના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે, અને ભગવાન તેને વશ થાય છે. એ ધ્યાનનું ફળ છે.
અહી ‘રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન’ તેમનું ધ્યાન કરવાનું વચનામૃતમાં કહ્યુ છે. તેની ચર્ચા આપણે ઉપર કરી છતાં પણ શિક્ષાપત્રી, સત્સંગિજીવન અને કોઈ કોઈ સ્થળે વચનામૃતમાં તથા સંપ્રદાયના અન્ય ગ્રંથોમાં આ વાતનું પ્રતિપાદન આવતું હોય છે. તેથી અહી તેમની થોડી વધારે ચર્ચા કરવી એ અસ્થાને નહિ ગણાય.
સમગ્ર વચનામૃતમાં પૂર્વાપર અનુસંધાનથી જોતા શ્રીજી મહારાજને એક નારાયણ તત્ત્વની જ ઉપાસના ઈષ્ટ છે અને તેમા પણ લોયાના વચ.૧૧માં કહ્યુ છે કે ‘જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું અને પૂર્વે જે ભગવાનના અવતાર થઈ ગયા તેની મૂર્તિનું ધ્યાન ન કરવું અને પોતાને મળી જે ભગવાનની મૂર્તિ તેને વિષે જ પતિવ્રતાની ટેક રાખવી’ તો આ બંને વચનામૃતનો પરસ્પર વિરોધ આવ્યો. તો સત્સંગીએ શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું કે રાધિકાએ સહિત એવા શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું ?
શિક્ષાપત્રીમા પણ શ્લોક નંબર ૧૦૯ થી ૧૧ર સુધીમાં ઉપાસ્ય તત્ત્વની જ વાત કરી છે. એમાં પણ તે શ્રીકૃષ્ણ ભગવાનની સાથે અર્જુન હોય તો ‘નરનારાયણ’ અને રૂકમિણીજી હોય તો ‘લક્ષ્મીનારાયણ’ અને બલભદ્ર સાથે હોય તો ‘રામકૃષ્ણ’ રાધાજી હોય તો ‘રાધાકૃષ્ણ’ એવા નામથી ઓળખવા. અને તે ભકતો કયારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગયા હોય છે ને કયારેક પોતાની ઈચ્છાથી સેવામાં પ્રગટપણે રહ્યા હોય છે. તો પણ ભગવાનના સ્વરૂપમાં કોઈ વિશેષ ન જાણવું. કારણ કે તે બધા સ્વરૂપોમાં ઉપાસ્ય તત્ત્વ તો એક નારાયણ જ છે; પણ અર્જુન આદિક કોઈ નથી. વળી તેમા એવું પણ લખ્યુ છે કે તે ભગવાન દ્વિભુજ છે. વળી ૧૧૩માં શ્લોકમાં કહ્યુ છે કે ‘તસ્યૈવ સર્વથા ભક્તિઃ કર્તવ્યા મનુજૈર્ભુવિ ।’ ત્યાં ‘તસ્ય’ શબ્દનો પ્રયોગ કર્યેા છે. જો ઉપાસ્ય કક્ષામાં સાથેના ભક્તે પણ હોત તો શ્રીજી મહારાજે ‘તસ્ય’ શબ્દ ન પ્રયોજયો હોત. ‘તયોઃ–તે બન્ને’ અથવા ‘તેષાં–તે બધા’ એવો શબ્દ પ્રયોગ કર્યો હોત. પરંતુ શ્રીજી મહારાજે એવો શબ્દ પ્રયોગ તો કર્યો નથી. તેથી શ્રીજી મહારાજને ઉપાસ્ય તરીકે એક નારાયણ જ અભીષ્ટ છે એવું આપોઆપ ફલિત થાય છે.
વળી ઉપાસના માટેના ગ્રંથો બ્રહ્મસૂત્રો, ભગવદ્ગીતા અને ઉપનિષદો તેમા કોઈ સ્થળે રાધા, લક્ષ્મીજી કે નર ભગવાનની વાત થયેલી નથી. ગીતામાં પણ એક નારાયણ તત્ત્વની જ ચર્ચા છે. માટે ઉપાસ્ય કક્ષામાં તો એક નારાયણ જ છે. વચ. લોયા ૧૪મા પણ મહારાજે કહ્યુ છે કે ”…આવી રીતે તો અમારે ઉપાસના છે જે સર્વથી પર એક મોટો તેજનો સમૂહ છે તે તેજનો સમૂહ અધોઊર્ધ્વ તથા ચારેકોરે પ્રમાણે રહિત છે ને અનંત છે અને તે તેજના સમૂહના મધ્યભાગને વિષે મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્યમૂર્તિ એવા શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન વિરાજમાન છે ને સિંહાસનને ચારેકોરે અનત કોટી મુક્ત બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્તે સહિત નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ… એવી રીતે અમારે ઉપાસના છે.” અહીં શ્રીજી મહારાજે એમ નથી કહ્યુ કે તે સિંહાસન ઉપર લક્ષ્મીનારાયણ વિરાજમાન છે કે નરનારાયણ વિરાજમાન છે વગેરે. આમ ગીતા આદિક શાસ્ત્રો અને વચનામૃતની પદ્વતિ એક સરખી જણાય છે અને તેમા ઉપાસ્યકક્ષામાં તો એક નારાયણ જ છે.
તો પછી એક પ્રશ્ન એવો થાય કે રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણ વગેરે યુગલ ઉપાસનાનું પ્રર્વતન મોટા આચાર્યોએ શા માટે કર્યું હશે ? આવી રીત પ્રવર્તાવવા પાછળ શો આશય હશે ?
તેનું સમાધાન એ છે કે સનાતન ભકિતમાર્ગ પાચ મુખ્ય ધારાઓમાં વહેંચાયેલો છે. ૧. શાંત ર. દાસ્ય ૩. સખ્ય ૪. વાત્સલ્ય પ. માધુર્ય. આ પાંચેય ધારાઓ એક જ ભકિતધારાનું વિકસિત સ્વરૂપ છે. તેમા ૠષિમુનિઓ શાંત ધારાનો આશ્રય કરી પરમાત્મામાં નિષ્ઠા રાખીને પરમાત્માની ભકિત કરતા. ત્યારપછી દાસ્ય ધારામાં નિષ્ઠા ઉપરાંત સેવાનો પણ ઉત્કર્ષ દેખાય છે. શ્રી હનુમાનજી તથા ગરુડજી તથા નંદસંતો દાસ્યભાવે ભક્તિ કરતા. ત્યાર પછી સખ્યધારામાં નિષ્ઠા તથા સેવા ઉપરાંત સંકોચનો અભાવ જેને વિશ્રંભ કહેવામાં આવે છે. તેનો પણ સમાવેશ કરવામાં આવે છે. તેથી આગળ વાત્સલ્યધારામાં નિષ્ઠા, સેવા વિશ્રંભ ઉપરાંત મમત્વનો પણ ઉત્કર્ષ જોવામાં આવે છે. ધર્મ–ભકિત, નંદ–યશોદા, વસુદેવ–દેવકી વગેરે પરમાત્માના માતા–પિતાઓ વાત્સલ્યભાવથી ભગવાનની ભક્તિ કરતા હતા. ત્યાર પછી માધુર્યભાવમાં નિષ્ઠા, સેવા, વિશ્રંભ, મમતા ઉપરાંત આત્મસમર્પણનો પણ ઉઠાવ થયેલો હોય છે.દા.ત.રાધિકાજી.
તેથી પાંચેય ધારાઓમાં ભગવાનમાં જોડાવા માટે માધુર્યભાવના બધાથી વધારે દૈવતવાળી છે. બીજી વાત એ છે કે જીવના હૃદયમાં શૃંગાર આદિક નવ રસ સ્થાયીભાવે રહેલા જ છે. તે બધા રસોમાં પ્રબળ રસ શૃંગાર છે. જે સમય આવ્યે આલંબન વિના આપોઆપ પ્રગટ થાય છે. તેનું બીજ દરેક યોનિમાં રહેલા જીવોમાં પડયું જ છે. તેના માધ્યમથી ભગવાનમાં જેવું તન્મય થવાય છે એવું બીજા કોઈ માધ્યમથી તન્મય થવાતું નથી.
સાહિત્યમાં પણ કહ્યુ છે કે ‘કામિની જિજ્ઞાસા સર્વ જિજ્ઞાસા પ્રતિબંધિની’ સ્ત્રીની કામના જયારે જીવના હૃદયમાં ઊઠે છે ત્યારે તેના હૃદયમાં સર્વ આકાંક્ષાઓ–ઉત્કંઠાઓ કે શુભ ધ્યેયો બંધ થઈ જાય છે. એવું ભગવાને દરેકના હૃદયમાં મૂકયુ છે. તેથી માધુર્ય ભાવનાથી ભગવાનમાં જેટલું તન્મય થવાય છે એટલું બીજી કોઈ ભાવનાથી તન્મય થવાતું નથી. રાધિકાજી માધુર્યભાવનાના આચાર્ય છે. પરમાત્મામાં માધુર્યભાવના એ દિવ્ય છે. જગતના શૃંગારની એમાં ગંધ પણ નથી. તેથી રાધિકાજી આ ભાવનાના શ્રેષ્ઠ આદર્શ છે. અને રાધિકાજી, લક્ષ્મીજી, નર ભગવાન વગેરે ભગવાનને કેવી રીતે સેવવા તે પદ્ધતિના આદર્શેા છે. તેથી વ્યકિત રૂપે તે ઉપાસ્ય નથી; પરંતુ તેનો આદર્શ ઉપાસના કક્ષામાં આવે છે. તેથી મહારાજે અને મોટા આચાર્યેાએ આ વાતનું પ્રતિપાદન કર્યું હોય તેમ બંને બાજુઓના પાસાંઓનું આલોચન કરતા જણાય છે. તેથી ઉપાસ્ય તો એક નારાયણ જ છે અને રાધિકાજી વગેરે ભક્તો તો પ્રેમપૂર્વક કેવી રીતે ઉપાસના કરવી તેના પ્રતીક તરીકે રહેલા છે. મંદિરોમાં પણ આ બધા ભક્તો સેવક મુદ્રામાં રહેલા હોય છે. આ ભાવે તેમનું સર્વત્ર પ્રવર્તન થયું હોય તેમ લાગે છે.