પ્રતિપાદિત વિષય :
ધર્મે સહિત ભક્તિનું બળ વૃદ્ધિ કેમ પામે ?
મુખ્ય મુદ્દા:
૧. સારા દેશકાળનું સેવન કરવું.
ર. સત્પુરુષનો સંગ કરવો.
વિવેચન :–
આ વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો છે કે હે મહારાજ ! ધર્માદિ અંગે સહિત જે ભકિત, તેનું બળ વૃદ્ધિ કેમ પામે ? ત્યારે તેનો ઉત્તર મહારાજે કર્યો કે તેના ઉપાય તો ચાર છે. પવિત્ર દેશ, રૂડો કાળ, શુભ ક્રિયા અને સત્પુરુષનું સેવન. તેમાં મહારાજ કહે છે કે ક્રિયાનું સમર્થપણું તો થોડું છે ને દેશકાળ ને સંગનું કારણ વિશેષ છે. તેમાં પણ દેશ અને કાળનું પણ પુરુષાધીન છે. માટે ભકિતનું બળ વૃદ્ધિ પામવામાં વિશેષ કારણરૂપ તો ભકિતવાળા પુરુષોનો સંગ જ છે.
સંસ્કૃત સાહિત્યમાં ઉકિત છે કે ‘રાજા કાલસ્ય કારણમ્’ આગેવાન પુરુષ એ તેના પ્રદેશમાં કાળનું કારણ બને છે. એટલે કે સત્યુગ, ત્રેતા, દ્વાપર અને કલિ આ જે ચાર યુગ–એટલે કાળનું કારણ બને છે. યુગની ઓળખાણ ત્યારની પ્રજાઓમાં–વ્યકિતઓમાં ગુણો અને વિશેષ કરીને તેને અનુરૂપ ક્રિયાને આધારે છે. કારણ કે દેશ તો દરેક યુગમાં તે જ હોય છે. કાળ પણ દિવસ, માસ, વર્ષ, વગેરે જે તે રીધમથી જ ચાલતા હોય છે પણ યુગની ઓળખાણ તે સમયની પ્રજામાં વર્તતા સદ્ગુણો–સત્ય, દયા, બ્રહ્મચર્ય, તપ, દાનાદિક ને આધારે અને વિશેષ કરીને તેને અનુરૂપ ક્રિયાને આધારે ગણાય છે. સત્યુગમાં આ બધા જ ગુણો–અને તેની ક્રિયાઓ ખૂબ જ વધારે હોય છે. સો ટકા તેનું પ્રમાણ હોય છે. પછી ક્રમશઃ ઘટતું જાય છે. માટે ક્રિયા એ યુગોનો ચહેરો છે. તો પણ યુગ પ્રવર્તનનું કારણ નથી. કારણ તો સમર્થ એટલે કે આગેવાન વ્યકિત છે.
અહી પણ મહારાજ કહે છે તમ જેવા સત (સદ્. ગોપાળાનંદસ્વામી) નો સંગ હોય તો ક્રિયા સારી જ થાય ને ભૂંડો સંગ હોય તો ક્રિયા ભૂંડી જ થાય. એ જ વસ્તુ ભકિતમાં લાગુ પડે છે. ભકિતની ઓળખાણ પણ ભાવના અને અનુરૂપ ક્રિયાથી થાય છે. ભગવદ્સંબંધી ક્રિયાઓ એ ભકિતને ઓળખવાનો ચહેરો છે, પણ ભકિતને પુષ્ટ થવાનું કારણ તે નથી. કારણ તો પરમાત્માને વિષે પૂર્ણ ભકિતવાન પુરુષોનું સેવન છે. પછી મહારાજ કહે કે તે જેવા બળવાન પુરુષ હોય તેટલા પ્રદેશમાં પોતાને અનુરૂપ ભકિતનો ફેલાવો કરે છે. ફળિયામાં, શેરીમાં, ગામમાં, પરગણામાં, દેશમાં, સમગ્ર પૃથ્વી ઉપર ભકિતની ક્રિયાઓનો ફેલાવો કરે છે.
ઝાઝી વ્યકિતઓની સારી ક્રિયા જે સ્થાનમાં થતી હોય ત્યા ભકિતનું વાતાવરણ સર્જાય છે તેને જ અહી પવિત્ર દેશ કહ્યો છે. માત્ર ધરતી એટલે દેશ એવું નથી. ધરતી તો દરેક જગ્યાએ છે જ. તો પછી સારો દેશ અને નબળો દેશ એવો વિભાગ શા માટે ? તો એમ નથી. ભકિતપ્રધાન કે નાસ્તિકતાપ્રધાન વાતાવરણનું સેવન એ જ સત્અસત્દેશનું સેવન ગણાય. બાકી ધરતી ને મકાનનું સેવન તો બધા જ કરીએ છીએ. તીર્થને પવિત્ર દેશ એટલા માટે કહ્યા છે કે ત્યાં ભગવાન કે મહાપુરુષોના ભકિતપ્રેરક મહા કર્મોના સંસ્કાર પડયા હોય છે. જે વ્યકિતમાં પ્રેરણા જગાડતા હોય છે. તે ધરતીને તે ગાથાઓ સાથે સીધો સંબંધ હોય છે. માટે તે ગાથાઓની તે ધરતી સ્મારક એટલે કે યાદ કરાવનારી બને છે. માટે ભકિતપ્રેરક બને છે તેથી પવિત્ર દેશ છે. માટે વાતાવરણ ભકિતપ્રેરક છે કે ભકિતઘાતક છે તે જ દેશની સાચી ને અંતિમ ઓળખાણ છે. તે વાતાવરણના સર્જક ભકિતમાન આગેવાન પુરુષ જ હોય છે.
સારો કાળ સેવવો એટલે હમેશાં અથવા કોઈ સમયે ભકિત કરવાની વિશેષ તક ઊભી થતી હોય છે. તે તકને ઝડપી લઈને ભકિત કરી લેવી તે સારો કાળ કહેવાય છે. શાસ્ત્રોમાં પુણ્ય પર્વણીના દિવસો, પ્રાતઃકાળ, એકાદશી, વ્રતના દિવસો અથવા પોતાના જન્મદિન વગેરે સારો કાળ છે. ભકિત માટેની સારી તક હોય છે. ત્યારે વિશેષ તક ઝડપી લે તો તેના હૃદયનું બળ વૃદ્ધિ પામે છે. તેમાં પણ સત્પુરુષ વિશેષ કારણભૂત થાય છે. કારણ કે કયા સમયને ભકિત માટે કેમ ઝડપી લેવો અથવા સદ્ઉપયોગ કરવો તે બતાવે છે. માટે સત્પુરુષનો સંગ વિશેષ કારણભૂત બને છે. તેથી જ સત્સંગને શાસ્ત્રમાં ભકિતનો જન્મદાતા ગણ્યો છે ને પુષ્ટ અને બળ વધારે આપનારો પણ ગણ્યો છે. તેથી ઉલ્ટું અસત્પુરુષનો સંગ ભક્તિનો ઘાતક છે માટે તેનું સેવન ન કરે તો જ ભક્તિનું બળ વૃદ્ધિ પામે છે.
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછયું જે, હે મહારાજ ! કોઈક હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે. તે એને પૂર્વ સંસ્કારે કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે એ હરિભક્તને પુરુષ પ્રયત્ને કરીને એમ થયું ? તેનો ઉત્તર કરતા મહારાજ કહે છે કે ત્રણેય ઉપાયોથી અશુદ્ધ થયેલું અંતઃકરણ શુદ્ધ થાય છે. જે ઉપાયના પરિણામ રૂપે શુદ્ધ થાય તે તેમાં કારણરૂપ ગણાય. તેમજ અશુદ્ધ થવામાં પણ નબળું પ્રારબ્ધ, ભગવાન કે ભગવાનના સાચા ભક્તના દ્રોહથી થયેલ કુરાજીપો અથવા પોતાની ગાફલાઈ કે બેદરકારી કારણભૂત બને છે.
તેમાં મહારાજ કહે પૂર્વના સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય તે તો સમગ્ર જગતના જાણ્યામાં આવે. જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય. જયારે પ્રયત્ન કરવા છતાં તેથી વિપરીત પરિણામ આવે ત્યારે પ્રારબ્ધનું પ્રાધાન્ય ગણવામાં આવે છે. ભરતજીનો કોઈ નબળો પ્રયત્ન તો ન હતો. દયા તો સદ્ગુણ છે, છતા કયારે નબળાઈએ પ્રવેશ કર્યો તે ખબર ન પડી. માટે તે પ્રારબ્ધ ગણવું. અથવા મહારાજ કહે રંકને અચાનક રાજય પ્રાપ્તિ થઈ જાય. તે જગતના જાણ્યમાં આવે ત્યારે પ્રારબ્ધ જાણવું. પછી મહારાજે પોતાનું દૃષ્ટાંત દીધું. અમારો દેહ કોઈ રીતે રહે એવા સંજોગો ન હતા તોય રહ્યો તે પ્રારબ્ધ. મહારાજ માટે તો પ્રારબ્ધ ગણાય નહિ. કર્માધીન જીવોને માટે જ ગણાય છે. છતા મહારાજ પોતાને એક સાધક તરીકે રજૂ કરે છે. તેનાથી તેવું બીજા કોઈને થાય તો ત્યાં પ્રારબ્ધ લેવું. છતા ભક્તોની કસોટી પણ ખરી. કારણ કે યથાર્થ મહિમા ને ઓળખાણ ન હોય તો માની પણ લે કે મહારાજનું પ્રારબ્ધ. એટલે તો વચનામૃતની સભાના અંતે મહારાજ હસતાં હસતાં આસને પધાર્યા. કદાચ મહારાજને થોડા ભકતોને છેતર્યાનો આનંદ થયો હશે. વચનામૃતમાં મહારાજને હસવાનું બીજું કોઈ કારણ દેખાતું નથી.
બીજું ભગવાન કે સત્પુરુષની કૃપાની વાત કરતા કહે છે કે જેમ ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી સાંદિપની ગુરુનો પુત્ર તે નરકથી મૂકાયો ને પાંચ વર્ષના ધ્રુવજીએ સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થની સહેજે સ્ફૂર્તિ થઈ એવે ઠેકાણે તો કૃપા જાણવી. જયારે સાધુની અનુવૃત્તિ રાખે, પોતે સાવધાન થઈ પ્રયત્ન કરે ત્યારે પુરુષ પ્રયત્ને કરીને શુદ્ધ થયો એમ કહેવાય. આમ પ્રથમ અશુદ્ધ અંતઃકરણ હોય તો આ ત્રણે પ્રકારે શુદ્ધ થાય છે.