પ્રતિપાદિત વિષય :
સત્સંગમાંથી પાછા પડવાનું અને વૃદ્ધિ પામવાનુ લક્ષણ.
મુખ્ય મુદ્દા:
૧. પોતાની સરસાઈ મનાવી તે સત્સંગમાંથી પાછો પડવાનો ઉપાય છે. તે જયાં સુધી સત્સંગમાં રહે ત્યાં સુધી દુઃખી રહે છે.
ર. પોતાના કરતાં ભક્તોની સરસાઈ મનાય તો સત્સંગમાં વૃદ્ધિ અને સત્સંગનું સુખ હૃદયમાં આવે છે.
વિવેચન :–
આ વચનામૃત અર્ધ બળેલા કાષ્ઠના ધૂંધવાટનું છે. જેને ભગવાન કે ભગવાનના ભકતનું ચડિયાતાપણું મનમાં બંધબેસતું નથી, તેનો ગુણ ગ્રહણ કરવો પણ ગળે ઉતરતો નથી; તેના અંતઃકરણની દશા, મહારાજ કહે છે અર્ધ બળેલા કાષ્ઠ જેવી હોય છે. તે સળગી પણ શકતુ નથી ને ઠરી પણ શકતું નથી કેવળ ધૂંધવાટ ફેલાવે રાખે છે. ગોટે ગોટા ધુમાડા તેમાંથી નીકળે રાખે છે. આજુ બાજુના માણસોની આંખો ખુલવા દેતા નથી. આંખોમાં પાણી લાવી દે છે. એ તો જે ધૂંધવાતા લાકડાની નજીક હોય તેને જ અનુભવ થાય છે. જે ભગવાનના સાચા ભકતનો ગુણ નથી લઈ શકતો તેના અંતઃકરણમાં પોતાના કલ્યાણના માર્ગનો કોઈ પણ જાતનો પ્રકાશ થતો નથી. ધૂંધવાતા લાકડામાં જેમ પ્રકાશ નથી થતો તેમ. વળી આજુબાજુના સમાજને પણ સારી રીતે ધૂંધવે છે.
મહારાજ કહે છે કે જે સત્સંગમાંથી પાછો પડવાનો હોય તે રાત્રી–દિવસ મુંઝાયા કરે. કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં. રાત્રે સૂવે તો નિદ્રા પણ આવે નહીં. અતિ ઉદ્વેગ ને ક્રોધ મનમાં સતત ચડેલા હાજર જ રહે છે. દિવસે દિવસે અસદ્વાસના વધતી જાય. સત્સંગમાં કોઈનો ગુણભાવ ન રહે. તેના મનમાં સતત અનુભવાયા કરે કે આ કોઈ મારા જેવું કેમ સમજતા નથી ! આ બધા અણસમજુ છે. સાચુ રહસ્ય તો હું એક જ સમજું છું, પણ મને આ કોઈ સમજી શકતા નથી. એમ પોતાને સર્વથી અધિક માને. એવું વલણ જયાં દેખાય ત્યાં મહારાજ કહે એમ માનવું કે તેની સત્સંગમાંથી અધોગતિ શરૂ થઈ છે ને સત્સંગમાંથી પડવાનો છે. જેટલો સમય સત્સંગમાં રહે, પણ તેને સત્સંગનું સુખ ન આવે ને અંતે પાછો પડી જાય છે. માટે મુમુક્ષુએ પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તો આ બાબતથી ચેતવું.
વળી મહારાજ કહે, જેની સત્સંગમાં વૃદ્ધિ થવાની હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે. તેને પેલાથી ઉલ્ટું તેની તે જ જગ્યામાં, વ્યકિતમાં બધું ઉલ્ટું દેખાય છે. સ્થાન, વ્યકિત તો તેના તે જ છે. વાસ્તવિકતા કરતા પોતાની ઉર્ધ્વગતિલક્ષી અને અધોગતિલક્ષી દૃષ્ટિ કેળવવાની વાત છે. મહારાજ કહે છે કે પેલાને ફકત ભકતોમાં અવગુણ અને ન્યૂનતા જ દેખાય છે. જયારે જેની વૃદ્ધિ થવાની છે તેને પેલી જ વ્યકિતમાં ગુણ અને શ્રેષ્ઠતા જ દેખાય છે. તો વાસ્તવિકતા કઈ છે ? તો વાસ્તવિકતા જે હોય તે. એટલું ખરું કે તે પરમાત્માના સંબંધી છે, દોષ છોડે છે ને જરૂર એક દિવસ શુદ્ધ થઈ ભગવાન પાસે જવાના છે એટલું તો નક્કી છે.
અત્યારે કદાચ તેમાં કિંચિત્ખામી પણ હોઈ શકે, પણ તેમ સામે તેમાં ગુણ પણ ઘણા છે. તો પેલાને તે ગુણ કેમ દેખાતા નથી ? ખાલી ખામીઓ જ કેમ દેખાય છે ? તો મહારાજ કહે છે કે તે પોતાની પ્રગતિલક્ષી ને તે પોતાની અધોગતિલક્ષી દૃષ્ટિ છે. તે મહાપુરુષોના કે ભગવાનના મોટા ભકતના રાજીપાથી અને કોપથી પ્રાપ્ત થાય છે–તેનું ફળ છે, વાસ્તવિકતાનું ફળ નથી. રાજીપા કુરાજીપાનું ફળ છે. તેથી પેલાને ગુણ જ આવે છે. તેથી મહારાજ કહે છે કે જેને સત્સંગમાં વધારો થવાનો હોય તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે છે. સર્વ હરિભકતને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે અને આઠે પહોર તેને સત્સંગનો આનંદ વર્ત્યા કરે. જયારે પેલાને દ્વેષ, ક્રોધ વર્ત્યા કરે.
માટે આવા લક્ષણ હોય ત્યારે જાણવું જે સત્સંગમાં વૃદ્ધિ થવાની છે. આવું જેનું મનોવલણ છે ને તે જેટલા દિવસ સત્સંગમાં રહે તેમ તેમ વધુ સમાસ થતો જાય છે ને સત્સંગમાં અતિ મોટયપને પામી જાય છે. માટે મુમુક્ષુએ પોતાની વૃદ્ધિ માટે આવા લક્ષણો ઓળખી સત્સંગમાં વિવેક રાખવો. સત્સંગમાં જયાં જેટલો ધૂંધવાટ છે તે અહંકારનો જ છે ને જયાં જેટલી શાંતિ, આનંદ, મોક્ષના માર્ગનો પ્રકાશ છે તે ભકત પાસે નિર્માની થયાનો છે.