ગપ્ર–ર૭ : ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું

પ્રતિપાદિત વિષય :

ભગવાન ભજવા માટેની સમજણ (નિર્ણય,નિશ્ચય)નું વચનામૃત.

મુખ્ય મુદ્દા:

૧. ભગવાન ભજવા માટે અંતરમાં આ નિર્ણયો કરે તો સારી રીતે ભગવાન ભજાય.

ર. જગતના કર્તાહર્તા મહારાજ છે.

૩. મહારાજને ભજવા અથવા રાખવા માટે ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો હસતે મુખે સહન કરવાનો નિર્ણય અને તૈયારી હોવી જોઈએ.

૪. હૃદયમાં જગત (ભોગ–સમૃદ્ધિ)ની મહત્તા થોડી ઓછી થવી જોઈએ.

વિવેચન :–

આ વચનામૃતમાં મહારાજે ભગવાનના ભકતને ભગવાનને ભજવા માટેની કેવી સમજણ હોવી જોઈએ તેની વાત કરી છે. મહારાજ કહે છે કે પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણ (નિર્ણય, નિશ્ચય)માં ફેર છે. ભગવાનના ભકત હોય તેને ભગવાન ભજવાની તો ઈચ્છા હોય જ, તો પણ ભજી શકાતું ન હોય. પોતાને ભજવાની ઈચ્છા હોય એટલું જ નહીં, પણ બીજાને ભજાવવાની પણ ઈચ્છા હોય જ. પોતાના ઈષ્ટદેવનું ભજન બીજા કરે તો કયા ભકતને ન ગમે ? આવી ઈચ્છા થવી જ જોઈએ. પણ બધા ભજન કરી કરાવી શકતા નથી. કોણ કરી શકે ? ને કોણ કરાવી શકે ? તેની વાત મહારાજે આ વચનામૃતમાં કહી છે.

મહારાજ કહે છે કે જેની એવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે, જે એમ સમજતો હોય જે ‘આ પૃથ્વી જેની રાખી સ્થિર રહે છે ને ડોલાવી ડોલે છે, તારામંડળ જેનું અધર રાખ્યું રહ્યું છે… ઈત્યાદિ અનંત એવા આશ્ચર્ય છે તે, મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે.’ જગત કર્તૃત્વ–જગતના કર્તા હર્તા મારા ઈષ્ટદેવ છે. એવી જો જીવમાં દૃઢ ગાંઠ ન પડી હોય ત્યાં સુધી જોઈએ તેવું ભજન–સમર્પણ થતું નથી. ભકતના જીવમાં એક તો દૃઢ ગાંઠ એ વળવી જોઈએ કે જગતની, બ્રહ્માંડોની સર્વ સત્તાનું કેન્દ્ર મારા ઈષ્ટદેવ છે. એવી ગાંઠ અંતરમાં માની ન શકાતી હોય ત્યાં સુધી જોઈએ તેવા ભજી શકાતા નથી અને સર્મપણ થઈ શકતુ નથી. જીવ એક વાર જેની સત્તાનો હૃદયમાં સ્વીકાર કરે તો તેનો દાસ આપોઆપ મન, કર્મ, વચને બની જ જાય છે, સમજાવવો પડતો નથી. પણ જોઈએ તેવું સત્તાનું કેન્દ્ર મહારાજ છે કે કેમ ? તેમાં શંકા છે અથવા તો કમસે કમ દૃઢતાની ખામી તો છે જ.

ભૂત, ભવિષ્ય ને વર્તમાન બ્રહ્માંડની કર્તુમ્‌અકર્તુમ્‌અન્યથા કર્તુમ્‌સત્તા મારા મહારાજની છે એવું ઊંડુ જીવમાં જડાય જાય તો ભજન કરવા, કરાવવામાં કાંઈ બાકી ન રહે. ઉપનિષદોના સારભૂત બ્રહ્મસૂત્રમાં ભગવાનનો મહિમા બતાવતા પ્રથમ જ ભગવત્‌સ્વરૂપ કે મહિમાનું લક્ષણ એ જ કહ્યું છે કે ‘જન્માદ્યસ્ય યતઃ'(૧:૧:૨) જગતનું સર્જન, પાલન અને સંહાર કરનારા. ભાગવતમાં પણ વ્યાસજી મંગલાચરણમાં એ જ કહે છે અને ભગવાનની ભગવત્તા પણ એમાં જ છે. બીજા ગુણ, શકિત તો ભગવત્તાના શણગાર છે. મુખ્ય મુદ્દો આ છે.

એ મુખ્ય મુદ્દો આપણા ઈષ્ટદેવમાં છે તેની જીવમાં હા પડવાની વાત છે. તો જ બીજા જીવના હૃદયમાં ઉતારી શકાય છે. મહારાજ વખતે આ મુદ્દાને ખૂબ જ ભાર દેવામાં આવ્યો હતો. મહારાજ પુરુષોત્તમપ્રકાશમા સંતોને કહે છે કે ‘નિર્ભય નિશંક થઈ સહુ રહેજો રે, વાતો પ્રગટ મળ્યાની કહેજો રે’ સંતો કહે અમે જીવોને વાતો શું કરીએ ? મહારાજ કહે તમે એમ કહેજો ‘અમને સાક્ષાત્‌પરમાત્મા પ્રગટ મળ્યા છે’ બસ આટલી જ વાત કહેજો. એ માનતો થશે એટલે એ જીવને અમે સંભાળી લેશું અને નિશ્ચય પણ એને જ કહેવાય છે કે આપણા ઈષ્ટદેવમાં એ મુદ્દો સંપૂર્ણ છે એવું જીવમાં ઠસાવું.

બીજી વાત મહારાજ એ કહે છે કે જેને ભગવાન ભજવા હોય અથવા બીજાને ભજાવવા હોય તેને આવો પણ નિર્ણય કરી રાખવો પડે છે. એટલે કે આવી સમજણ નક્કી કરી રાખવી પડે છે. તે એ કે ‘ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે નાક કાન કાપીને ગધેડે બેસાડો તેમાં મારે સમભાવ છે.’ એનો અર્થ એ છે કે જેને સાચે જ હૃદયથી ભગવાન ભજવા હોય તેણે ભગવાનને ભજવા ખાતર ગમે તેવું માન થાય અને ગમે તેટલું અપમાન થાય તો પણ હસતે મોઢે સહન કરવાની કે પી જવાની પૂરી તૈયારી જોઈએ અથવા ગમે તેવું માન સન્માન થાય તેમાં સંપૂર્ણ નિર્લિપ્ત રહેવાની તૈયારી કરી રાખવી જોઈએ. તો જ તે સાચે ભગવાન ભજી શકે અથવા ભજાવી શકે. નહિ તો ઈચ્છા હોય તો પણ ભજી કે ભજાવી ન શકે એમ મહારાજનું કહેવું થાય છે.

ત્રીજી વાત મહારાજ એ કહે છે કે જેના હૃદયમાં જગતભોગ અને જગત સમૃદ્ધિની મહત્તા કંઈક અંશે ઓછી થાય તો જ મહારાજ હૃદયમાં નિવાસ કરવા આવે. જગતના થોડા શ્રેષ્ઠ વિષય અથવા સમૃદ્ધિ જોઈને કે સાંભળીને જેનું મન અંદરખાને પાણી પાણી થઈ જતું હોય તો એ વ્યકિત ભગવાન નહીં જ ભજી શકે. ભગવાન ભજવાની ઈચ્છા હશે તો પણ જગત ભજનમાં જ લાગી પડશે. કારણ કે મહત્તા પેલા બે પદાર્થોની ભરાયેલી છે. ભગવાનની મહત્તા અંદર પ્રવેશવા તેના મનમાં હવે જગ્યા નથી. મહારાજ કહે છે કે જેને ‘રૂપવાન’ એવી જે યૌવન સ્ત્રી તથા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિષે તુલ્ય ભાવ રહે અર્થાત્‌અંતરમાં અનાદર રહે–અભાવ રહે. બીજું સુવર્ણનો ઢગલો હોય કે પથ્થરનો ઢગલો હોય તે બેયને તુલ્ય જાણે તે ભગવાન ભજી શકે અથવા તેના અંતરમાં મહારાજ સર્વ પ્રકારે નિવાસ કરીને રહી શકે. જેનું અંતર ભોગમાં તણાતું હોય, જેનું અંતર જગત સમૃદ્ધિને જ મહત્ત્વ આપતું હોય, તેનું મન મહારાજમાં કેમ તણાઈ શકે ? અને તેનાથી અંતરમાં મહારાજને મહત્ત્વ કયાંથી આપી શકાય. જે જીવનું સત્ત્વ છે તે તો પેલા બેય ખેંચી લે છે. પછી સત્ત્વહીન થઈ જાય છે. ભોગ અને સમૃદ્ધિ એ બે વાનાં હોવા ગુહ્નો નથી, પણ જીવ તણાવો એ ગુહ્નો છે. તો તેણે ભગવાન ભજવાની કે બીજાને ભજાવવાની ઈચ્છા ન રાખવી.

સામાન્ય રીતે મહારાજે કહ્યા એવા ગુણવાળા અર્થાત્‌ભોગ સમૃદ્ધિમાં તણાવવાવાળાને તો પોતાને ભગવાન ભજાવવાની ઈચ્છા ઘણી રહે છે. કારણ કે પોતા દ્વારા બીજા ભજે તો પોતાનો આ લોકનો અર્થ પણ થોડો સિદ્ધ થાય. તે હેતુથી પણ આ ઈચ્છા રહે છે. જે સાચાને નિર્દોષપણે રહે છે. તેથી જ મહારાજે વચ.વર.૧૬ મા પોતાને ભગવાન ભજવા ને પોતે સત્સંગ કરવો તેને બીજાને કરાવવા કરતા વધારે મહત્ત્વ આપ્યું છે ને એમ કહ્યું છે કે આ અમારો અભિપ્રાય છે.

અહી મહારાજ કહે છે કે એવા જ્ઞાન, ભકિત, વૈરાગ્યાદિક ગુણ યુકત જે ભકત તેના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે એટલે તે ભકત અખંડ ભગવાન ભજી શકે છે. પછી તે ભકત જો ઈચ્છે તો (ખરેખરા ભકતને ઈચ્છા હોય જ) અનંત જીવોને ભગવાન ભજાવી શકે છે ને અનંત જીવોનો ઉદ્ધાર કરે છે. તેના વર્તન–વાણીમાં એક પ્રકારની મહારાજની સામર્થી આવે છે. મહારાજ કહે તેવો સમર્થ હોય તો પણ બીજા જીવોના શ્રેય માટે અને અન્ય જીવોને ભગવાન ભજાવવા માટે માન અપમાન સહન કરે છે એ પણ તેમની મોટી સામર્થી છે. એવી શકિત, સામર્થી પામ્યા પછી પણ જો તુચ્છ જીવના માન અપમાન સહન કરે છે તો સાચે તેને મહારાજનું કામ કરવાની ઈચ્છા જ અંતરમા છે એમ સાબિત થાય છે.

મહારાજ કહે છે કે સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહીં. એ તો જેના અંતરમાં ભગવાન રહ્યા હોય અને ભગવાનને રાજી કરવા નિર્ણય બાંધ્યો હોય તે જ કરી શકે, બીજાથી શકય નથી. માટે સમર્થ થકા જરણા કરે તેને અતિ મોટા જાણવા. તે કેવા છે તો જગતના સર્વે જીવોને ભગવાનમાં જોડવા અને સર્વે ઈન્દ્રિયોની ચેતનાનો સંચાર કરવા સમર્થ છે. એવા મોટા થઈને ભગવાનને ખાતર તુચ્છ જીવનું અપમાન સહન કરે છે તે જ તેની અતિ મોટાઈ છે. મહારાજ કહે જે, આંખ્યો કાઢીને સત્તા કે સમૃદ્ધિના જોરે કે બીજી સિદ્ધાઇ દેખાડીને બીજાને ડરાવે છે એવા છે. તે બાહ્ય ચિહ્નો ભગવાનના હોવા છતા ભગવાનના જીવ નથી. તે તો માયાના જીવ છે. એટલું જ નહિ, મહારાજ કહે છે કે યમપુરીના અધિકારી છે અને બીજાને પણ યમપુરીમાં લઈ જવાની સામર્થી તેઓ ધરાવે છે. તેવાની મોટાઈ સંસારના માર્ગમાં ચાલે છે. જગત મહત્તાની વાત કરતા કહે છે કે સંસારમા જેને થોડી સમૃદ્ધિ હોય તેના કરતા ઝાઝી સમૃદ્ધિવાળો મોટો. પણ ભગવાન ભજવામાં તે મોટા નથી. તેની મોટાઈનું માપદંડ બીજું છે. તે ભગવાનને ભજવા ખાતર કેટલું સહન કરી શકે છે તે તેનું માપદંડ છે.

મહારાજ કહે છે કે જેના અંતરમાં જગતની મહત્તા જ પડી છે, તે તુચ્છ બુદ્ધિવાળા છે. તેનાથી બીજાના મોક્ષનું કામ નહી થાય. બીજા જીવને મોક્ષ માર્ગે વાળી નહી શકે. કારણ કે પોતાના અંતરમાં પણ પોતાના મોક્ષનો રસ્તો તેને દેખાતો નથી, તો બીજાને કેમ બતાવશે ? મહારાજ કહે જેની મતિ એવી હોય જે ‘આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે, આ વસ્ત્ર તો અતિશય સારું છે, આ મેડી ઘણી સારી છે અને આ તૂંબડી તો અતિ સારી છે.’ એવી રીતના જે ગૃહસ્થ ને ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. કારણ કે જગતના તુચ્છ પદાર્થોની તેના મનમાં કિંમત અંકાયેલી છે. ત્યારે કોઈ શંકા કરે કે તેનું કલ્યાણ થશે કે નહીં ? તો મહારાજ કહે છે કે કલ્યાણ તો મહારાજને સંબંધે કરીને પશુનું પણ થાય છે, પણ આગળ કહી તેવી સંતતા અને બીજા જીવોને ભગવાનને રસ્તે દોરવાની સામર્થી તેનામાં આવતી નથી. તે વિષય અને સમૃદ્ધિ–પદાર્થ પાનાને આધારે પામરવત્‌જીવન પૂરું કરી દે છે.