પ્રતિપાદિત વિષય :
જ્ઞાને કરીને સ્થિતિનું પ્રતિપાદન.
મુખ્ય મુદ્દા :
૧. ભગવાનનો મહિમા સમજવાથી અંતરના દોષોની નિવૃત્તિ થાય છે.
ર. ભગવાનને નિર્દોષ સમજવાથી પણ અંતરના દોષોની નિવૃત્તિ થાય છે.
વિવેચન :–
મહારાજ કહે છે કે જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે ? તો પ્રકૃતિપુરુષથી પર છે અને જ્ઞાનને વિષે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ ને તેનુ કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય છે. જયારે એવી સ્થિતિ થાય છે તેને એકરસ ચૈતન્ય ભાસે છે ને તેને વિષે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. વળી જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિષે અખંડવૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે.
અહીં મહારાજે જ્ઞાને કરીને સ્થિતિ થવાની વાત કરી છે. તે જ્ઞાન ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન છે. મહિમા વિના આવી સ્થિતિ થતી નથી. ભગવાનના વિષયમાં શાસ્ત્રમાં કહેવાયું છે કે ‘સ્વે મહિમ્નિ પ્રતિષ્ઠિત’ પોતાના મહિમાને વિષે પ્રતિષ્ઠિત થયા છે, સ્થિતિ કરી રહ્યા છે. માટે જે અહીં જ્ઞાને કરીને સ્થિતિ કહી છે તે પરમાત્માના મહિમા સંબંધી જ્ઞાન છે. જયારે તે આવે છે ત્યારે ભકતની ભગવાનમાં અચળ સ્થિતિ બંધાય છે. ઉપનિષદોમા ‘એકેન વિજ્ઞાતેન સર્વં વિજ્ઞાતમ્ભવતિ’ એકને જાણવાથી બધું જણાય જાય છે. એ જે કહ્યું છે તે પણ પરમાત્માના મહિમાનું જ્ઞાન જ કહ્યું છે. જો એક પરમાત્માનો મહિમા સારી પેઠે જાણવામાં આવે તો બીજું કાંઈ જાણવાનું અવશેષ રહેતું નથી.વળી અહીં મહારાજ કહે છે કે જેને પરમાત્માના મહિમાનું જ્ઞાન થાય તેને પરમાત્મામાં એક પ્રકારની સ્થિતિ બંધાય જાય છે. જે સ્થિતિ કોઈ પ્રકારના પ્રલયમાં નાશ પામતી નથી ને સર્વે પ્રલયથી પર છે. તેથી છેલ્લો પ્રલય જે આત્યંતિક પ્રલય તે જ્ઞાન પ્રલય કહેવાય છે.
પ્રલય એટલે ન્યૂનતા અને ખામીવાળા ભાગનો નાશ કરી નાખવો અને શુદ્ધ શાશ્વત્તત્ત્વને તે તત્ત્વ રૂપે જ બચવા દેવું. તે જ્ઞાન પ્રલય, એ છેલ્લો પ્રલય છે. તેથી વધારે તત્ત્વોની શુદ્ધિ શકય નથી અને એ શાશ્વત્સ્થિતિ છે તે પરમાત્માના અસાધારણ માહાત્મ્યજ્ઞાનથી જ શકય બને છે. બીજા કોઈ સાધનથી શકય બનતી નથી. માટે મહારાજ કહે છે કે એ પ્રલય થાય ત્યારે પ્રકૃતિપુરુષ અને પ્રકૃતિનું કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય. મૃત્યુ થવા માત્રથી દુઃખનો અંત આવતો નથી પણ જીવતાં છતાં દેહનો ઉચ્છેદ કરીને દેહનો ભાવાત્મક ત્યાગ થવાથી જ દુઃખનો અંત આવે છે. તેમ પૃથ્વી આદિક તત્ત્વોનો પ્રલય થવાથી સ્થિતિ થતી નથી, પણ ચોવીસ તત્ત્વોને તેના કાર્યમાં રસ શૂન્ય થઈને તેથી પર પરમાત્મ તત્ત્વમાં ચિત્ત સ્થિર કરવાથી આ તત્ત્વનું કાર્ય નાબૂદ થાય છે. મહારાજ કહે છે કે આવું કયારે થાય ? તો જેને ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાની રઢ લાગે ત્યારે આ બધી શરૂઆત થાય છે, નહીં તો તેટલા ઊંડાણમાં રસ આવતો નથી. માટે મૂર્તિ સંભારવાની રઢ લાગવી જોઈએ.
મહારાજ કહે છે કે જેને જેટલો ભગવાનનો મહિમા સમજાયો હોય તેને તેટલો હૃદયમાં પ્રકાશ થાય છે. તેમાં બિલકુલ સંદિગ્ધતા રહેતી નથી. ભગવાનના રસ્તે ચાલવાની અંતરમાં અતિ સ્પષ્ટતા થવી એ જ આપણે માટે સાચો પ્રકાશ છે. પેલા પ્રકાશની હમણાં એટલી બધી જરૂર નથી, જેટલી આની જરૂર છે. બીજું મહારાજ કહે તેના હૃદયમા ભૂંડા ઘાટ માત્ર બંધ થઈ જાય છે. મહારાજે દૃષ્ટાંત આપ્યું કે જેમ લીંબુની એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય પણ હળવા હળવા ચણા ચવાય ખરા; ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહિ ને મગનો દાણો પરાણે પરાણે ચવાય; ને ઘણાં લીંબુ ચૂસ્યાં હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહિ. તેમ જેને ભગવાનનો નિશ્ચય અને માહાત્મ્ય રૂપી ખટાઈ ચડી ગઈ હોય તેની ચાર અંતઃકરણ ને દસ ઇન્દ્રિયરૂપ દાઢયો તે સર્વે અંબાઈ જાય ત્યારે તેનાથી પોત પોતાના વિષયરૂપ ચણા ચાવી શકાય નહિ.
જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા ન જણાયો હોય તેના ઈન્દ્રિયો તથા અંતઃકરણ પોત પોતાના વિષયથી યથાર્થ પણે નિવૃત્તિ પામતા નથી.
બીજી વાત એ છે કે ભગવાનનું જે સ્વરૂપ છે તે અતિ અલૌકિક અને અતકર્ય છે. તે માયા ને માયાના ગુણોથી પર છે ને સર્વે વિકારે રહિત છે. ત્રિકાળમાં તેમા કોઈ વિકૃતિનો સંભવ જ નથી. તો પણ જીવના કલ્યાણને અર્થે ભગવાન મનુષ્ય જેવા થઈને આવે છે ત્યારે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાનને વિષે જે અલ્પમતિવાળા છે તે જેવા જેવા દોષને કલ્પે છે તે દોષ ભગવાનને વિષે તો એકેય નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નથી.
તાત્પર્ય એ છે કે જો ભગવાનનો યથાર્થ મહિમા સમજાઈ જાય તો પણ જીવ નિર્દેાષ થઈ જાય છે. કદાચ યથાર્થ મહિમા ન સમજાય પણ ઓછામાં ઓછું ભગવાનના સ્વરૂપને માયાના દોષે રહિત અતિ નિર્દોષ સમજાઈ જાય તો ભગવાનમાં એવી નિર્દોષપણાની ભાવના થાય તો પણ જીવનું કામ થઈ જાય અને પ્રકૃતિના જે દોષો પોતાનામા હોય તેનો નાશ થઈ જાય. ભગવાનને અતિ નિર્દોષ સમજે એટલે કે ભગવાનમાં અતિ નિર્દેાષપણાની ભાવના દૃઢ થાય તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે. એમ ન સમજે ને ભગવાનમાં જે જાતનો દોષ કલ્પે છે તે ભગવાનમાં તો કોઈ કાળે નથી, પણ કલ્પનારાને તે દોષ દુઃખ દે છે. જે તેમાંથી કયારેય દૂર થવાનો નથી ને અખંડ નિવાસ કરીને રહે છે.
પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે ‘કોઈ વિષયમાં પોતાના ઈન્દ્રિય તણાતા ન હોય અને અતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહે છે ને અંતરમાં સૂનું રહે છે તેનું કારણ શુ છે ?
ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે એ પણ હરિભકતને મોટી ખોટય છે જે પૂર્ણપણું મનાતું નથી. ખરેખર તો મહિમા જણાયાની ખોટયનું જ તે પરિણામ છે. નહીં તો ધન્યતા અનુભવાવી જોઈએ ને અતિશય આનંદ થવો જોઈએ. મહારાજ કહે છે કે જેમ બાળકના હાથમાં ચિંતામણિ હોય તો બાળક તેનો મહિમા જાણી શકતું નથી. તેમ આપણને પણ થાય છે. મહારાજના વિલક્ષણ પ્રભાવનો મહિમા આપણને જણાયો નથી તેથી અહોભાવ થતો નથી. અહોભાવ થવો જોઈએ. આ સત્સંગનો યોગ થયો છે એ પણ મોટા પુણ્યનું જ પરિણામ છે. એમ સમજીને આનંદમાં રહેવું.