પ્રતિપાદિત વિષય :
ભગવાનને અતિ પ્રસન્ન કરવાનો ઉપાય.
મુખ્ય મુદ્દા :
૧. અક્ષર મુક્તની પંકિતમાં ભળવું છે તેવો નિર્ણય.
ર. અખંડ ચિંતવન.
૩. જગત સંબંધ વિચ્છેદ.
૪. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તેને ભગવાનને પ્રસન્ન કરવાનો તો એક ઉપાય છે. તેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારે વાનાં અતિ દૃઢ જોઈએ. એને જ એકાંતિકપણું કહેવાય છે. સર્વ ક્રિયામાં ભગવાનની મૂર્તિનું ચિંતવન તથા દેહના સંબંધીથી સંબંધ વિચ્છેદ તથા અક્ષરભાવની દૃઢતા અને અક્ષરધામમાં જવા માટેનો દૃઢ નિર્ણય, આનાથી ભગવાનની અતિ પ્રસન્નતા થાય છે.
આ વચનામૃતની શરૂઆત કરતા મહારાજ કહે છે કે, જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો એ ઉપાય છે જે એમ કહીને ધર્માદિક ચાર સાધનોની દૃઢતા કહી. મહારાજે વચનામૃતમાં અનેક જગ્યાએ એકાંતિકપણા માટે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે આ ચારે સાધનોનો ઉલ્લેખ કર્યો છે. જે વચનામૃતના અને મહારાજના સિદ્ધાંતરૂપ છે.
બીજી બાજુ વચનામૃતમાં ઝીણવટથી વિચારતાં એક પ્રશ્ન થાય છે કે મહારાજે અતિ પ્રસન્નતાનો પ્રસ્તાવ મૂકીને આ ચાર સાધનોની વાત કરી; પરંતુ તેની વાત કરીને વચનામૃત પૂર્ણ કેમ કરી ન દીધું. ખરેખર તો પ્રથમ ભાગમાં ચાર સાધનોની વાત જયાં પૂરી થાય ત્યાં આ વચનામૃત પૂર્ણ થઈ જવું જોઈએ. પણ ત્યાર પછી મહારાજે ઘણા વિસ્તારથી આ ચાર સાધનો ઉપરાંતની વાતો કરી છે. ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. એટલે કે તીવ્ર અને અખંડ સ્મરણ કરવું તથા દેહ અને દેહના સંબંધીની સાથેનો સંબંધ વિચ્છેદ કરવો. અક્ષરનું સ્વરૂપ, અક્ષરરૂપ મુકતોની પંકિતમાં ભળવા માટે દૃઢ નિર્ણય કરવો. આ બધા મુદ્દાઓની વાર્તા કરી છે.
ત્યારે બીજો સવાલ એ ઊઠે છે કે ભગવાનને અતિ પ્રસન્ન કરવાના સાધન પ્રથમ કહ્યા તે ચાર સાધનો કે પછી કહ્યા તે ? અથવા બંને સાથે ? અને સાથે હોય તો મુખ્ય ગૌણ કે પરસ્પર સંબંધ શો ? તેનો વિચાર કરવો જોઈએ.
આ સર્વ પાસાંઓનો સમાધાનાત્મક વિચાર કરીશું તો વચનામૃત ઉપરથી એમ જણાય છે કે મહારાજને અતિ પસન્ન કરવા માટે પ્રથમ જરૂરિયાત તો મહારાજ એ કહે છે કે અક્ષરધામમાં અક્ષરમુકતોની પંકિતમાં મારે ભળવું છે એવો દૃઢ નિર્ણય કરવો જોઈએ. મહારાજ કહે અક્ષરના બે સ્વરૂપ છે. એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ, ભગવાનનું ધામ કહીએ, ભગવાનને રહેવાનું સ્થાન કહીએ. અને એ અક્ષર બીજા રૂપે કરીને મહારાજની સેવામાં રહે છે. જયારે એ જીવ અક્ષરધામને પામે છે ત્યારે એ પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે. એ અક્ષરમુકતોની પંકિતમાં મારે ભળવું છે એવો અત્યારે દૃઢ નિર્ણય જોઈએ. અને તેમા ભળવા માટે શેની જરૂર છે ? તો એક તો મહારાજની મૂર્તિનું તીવ્ર અખંડ ચિંતવન.
મહારાજ કહે ભગવાનના ભકતે સર્વે ક્રિયામાં મૂર્તિનું ચિંતવન કરવું અને અંતરમાં વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું. અને જો વિક્ષેપ થાય તો તે વિક્ષેપને તોડનારો સાંખ્ય વિચાર કરવો. તે વિક્ષેપ કરનારું જગત છે. તે જગતમાં પણ મુખ્ય દેહ તથા દેહના સંબંધીનો સંબંધ છે. તેનો સારી રીતે ઉચ્છેદ થાય તેવો વિચાર કરવો. તે કેમ કરવો ? તો મહારાજે આપણી આગળ વાસ્તવિકતા બતાવી છે કે કોણ સંબંધી નથી ? એ બધો વિચાર કરી તેનો સંબંધ અંતરમાંથી સારી રીતે ઉખડી જાય તો વિક્ષેપ દૂર થાય છે; પરંતુ તે વિક્ષેપ જલ્દી દૂર થાય તેવો નથી. માટે તેને દૂર કરવા માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનના મહિમા સહિતની ભકિતની સહાય લેવી તેનો આશ્રય લેવો. તો તે વિક્ષેપો જલ્દી ને મૂળમાંથી દૂર થાય છે.વળી તે ભકત ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. મહારાજ રાજી તો થોડુ કરે તો પણ થાય જ છે, પણ જેને મહારાજને અતિ પ્રસન્ન કરવા હોય તેમણે આમ કરવું જોઈએ.