પ્રતિપાદિત વિષયઃ
કયું અજ્ઞાન અતિશય મોટું છે ? અને મોટામા મોટો અજ્ઞાની કોણ ?
મુખ્ય મુદ્દોઃ
જે પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી તે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે.
વિવેચન :-
અહી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો છે કે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે ? પ્રશ્ન થોડો વિચક્ષણ છે. અજ્ઞાની કોણ છે તેવો પ્રશ્ન નથી. પણ અજ્ઞાનીમાં મોટો અજ્ઞાની – અજ્ઞાન શિરોમણિ કોણ છે ? તેવો પ્રશ્ન કર્યો છે. અજ્ઞાન જેને હોય તે અજ્ઞાની કહેવાય. પછી તે કોઈપણ વાતનું અજ્ઞાન હોય. તો પણ તે અજ્ઞાની કહેવાય.
જેમ ગુણ જેમાં હોય તે ગુણિયલ કહેવાય. પછી તે ગુણ કોઈ કલા વિષયક હોય, અધ્યાત્મમાર્ગનો હોય, વ્યવહાર માર્ગનો હોય, કોઈ પણ રીતે ગુણ જેનામાં હોય; તેને ગુણવાન કહેવાય. તેમ જેનામાં અજ્ઞાન હોય તેને અજ્ઞાની કહેવાય. એવી રીતે જો પ્રશ્ન પૂછે તો જગતમાં કોણ અજ્ઞાની નથી ? બધા જ અજ્ઞાની સાબિત થાય. કારણ કે કોઈ માણસને સંસારમાં સર્વ વસ્તુનું જ્ઞાન હોય તેવું શકય નથી. કોઈ મોટા બેરીસ્ટર કે સોલીસીટર–વકીલ હોય તે કાયદાના જ્ઞાનમાં નિષ્ણાત હોય, પણ કદાચ શાકભાજી ખરીદતા તેને ન આવડે તેવું બની શકે ખરું. મોટો વૈજ્ઞાનિક હોય તો પણ પોતાના કપડાંનું મેચીંગ તેના શ્રીમતીજી કરતા હોય છે. પોતાને તેનું જ્ઞાન હોતું નથી. એટલું જ નહીં, પણ મોટા જ્ઞાની સંત હોય અને અતિશય ઊંચી સ્થિતિએ વર્તતા હોય તો પણ તેને કયારેક વ્યવહારનું બિલકુલ જ્ઞાન હોતું નથી, તેવું પણ બને છે. તેથી સંસારના સમગ્ર પદાર્થનું જ્ઞાન બધાને હોતું નથી.
તેનો અર્થ એ થયો કે પોત પોતાના વિષયમાં નિષ્ણાત–જ્ઞાની હોય તો પણ તેને કોઈને કોઈ વિષયનુ અજ્ઞાન તો હોવાનું જ. આમ કોઈ પણ જાતનું અજ્ઞાન હોય તો તેને અજ્ઞાની કહી શકાશે. ખરેખર વસ્તુ પરિસ્થિતિ તો એવી છે તે તે વિષયના નિષ્ણાત જ્ઞાનીઓ પણ એક જ વિષયનું જ્ઞાન ધરાવતા હોય છે અને બીજા ૯૯ વિષયોનું અજ્ઞાન ધરાવતા હોય છે. તેથી સર્વ મનુષ્ય અજ્ઞાની તો છે જ. એવો સ્વીકાર કરીને શ્રીજી મહારાજે પ્રશ્નની શરૂઆત કરી છે. એટલા માટે જ પ્રશ્ન એવો પૂછયો કે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ છે ?
જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન આ ત્રણેય સાપેક્ષ શબ્દો છે. ત્રણેયને પોત પોતાના વિષયની અપેક્ષા રહે છે. પોત પોતાના વિષય સહિત નિર્દેશ કરવામાં આવે તો જ તેની યથાર્થ સ્પષ્ટતા થાય છે. જેમ કે મને જ્ઞાન છે. તો તુરંત પ્રશ્ન થાય કે શેનું જ્ઞાન છે ? એટલે કે કયા વિષયનું જ્ઞાન છે ? અથવા એમ કહે કે મારા મનમાં ઈચ્છા છે તો પણ તેવી જિજ્ઞાસા ઊભી થાય કે શેની ઈચ્છા છે ? તો મોક્ષ વિષયની ઈચ્છા છે. ત્યારે મોક્ષ એ ઈચ્છાનો વિષય કહેવાય. તેમ જ્ઞાન પણ કોઈપણ વિષયનું હોવાનું. જેમકે ભગવાનનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, વ્યવહારનું જ્ઞાન, સંગીતનું જ્ઞાન વગેરે. જેમ જ્ઞાનમાં આવી અપેક્ષા રહે છે. તેમજ અજ્ઞાન પણ સાપેક્ષ શબ્દ છે. કયા વિષયનું અજ્ઞાન ? ભગવદ્સંબંધી, આત્મા વિશેનું, મોક્ષમાર્ગ વિશેનું અજ્ઞાન કે જગતના તમામ પદાર્થ વિશેનું અજ્ઞાન હોઈ શકે.
શ્રીજી મહારાજને આ વચનામૃતમાં એ બતાવવું છે કે બધા જ અજ્ઞાનોમાં મોટું અજ્ઞાન કયું ? જેમ બધા વિષયના જ્ઞાનનું મહત્ત્વ એક સરખું નથી, ઓછું વધારે મહત્ત્વ છે. ભગવાન વિષેના જ્ઞાનનું જેટલું મહત્ત્વ છે અથવા આત્મા વિષેના જ્ઞાનનું જેટલું મહત્ત્વ છે તેટલું જગતના વિષયોના જ્ઞાનનું મહત્ત્વ નથી. કારણ કે તે નહીં હોય તો આજીવિકા અથવા વ્યવહારમાં કદાચ મુશ્કેલી ઊભી થાય પણ જન્મ–મરણનું કારણ તે નહીં બને. જયારે પોતાના આત્મા વિષેનું જ્ઞાન નહીં હોય તો તે જન્મ મરણ ઊભા કરવામાં કારણ બનશે. માટે બધા જ જ્ઞાનનું મહત્ત્વ અને ફળ સરખાં નથી. તેમજ બધા પ્રકારના અજ્ઞાનનું મહત્ત્વ અને વિપરીત ફળ પણ સરખાં નથી. એમ આ વચનામૃત ઉપરથી તારવી શકાય છે. માટે સર્વ કરતા વધારે ભયંકર અને વિપરીત ફળ આત્મા વિષેના અજ્ઞાનનું છે. તે સર્વ કરતા વધારે અનિષ્ટ કરનારું છે. માટે તે વિષયનું અજ્ઞાન ધરાવનારો સર્વ કરતા વધુ અજ્ઞાની છે. તે વસ્તુને યથાર્થ બતાવવા માટે મહારાજે ઘેલો, મૂર્ખ, નીચ વગેરે શબ્દોના પ્રયોગો કર્યા છે.
ખરેખર આપણે ઉપર ચર્ચા કરી તે મુજબ બધા જ્ઞાનોમાં વધારે મહત્ત્વનું અને વધારે ફળ આપવાવાળું કયું જ્ઞાન છે ? અને તેનો વિપરીત ભાવ એટલે કે વધારે નુકસાનકારક અજ્ઞાન પણ તેવું હોઈ શકે. તે દૃષ્ટિએ વિચાર કરીએ તો સૌ કરતા ઉત્કૃષ્ટ જ્ઞાન પરમાત્મા વિષેનું છે. જીવાત્મા વિષેનું જ્ઞાન ઉત્કૃષ્ટ જરૂર છે, પણ પરમાત્માના જ્ઞાનની તુલનામાં તો તેનો બીજો નંબર આવશે. તો પછી તેથી વિપરીત સૌથી વધારે નુકસાન કરનારું અજ્ઞાન તો પરમાત્મા વિષેનું અજ્ઞાન હોવું જોઈએ. પોતાના આત્મા વિષેનું અજ્ઞાન સૌ કરતા વધારે નુકસાનકર્તા ન હોઈ શકે. જયારે વચનામૃતમાં મોટામાં મોટું અજ્ઞાન આત્મા વિષેનું કહ્યું છે. પરમાત્મા વિષેનું અજ્ઞાન કેમ ન કહ્યું ?
તેનું સમાધાન એ છે કે અધ્યાત્મમાર્ગનું બીજ પોતાના આત્માની નિત્યતા, આત્મા વિષેનું જ્ઞાન છે. પરમાત્મા વિષેનું જ્ઞાન સર્વથી ઉત્કૃષ્ટ ભલે હોય, પણ મોક્ષ માર્ગમાં સાક્ષાત્બીજ સર્વરૂપે પોતાના આત્મા વિષેનું જ્ઞાન છે. જે આત્માને સૌથી વધારે અનુકૂળ અને ઉપકારક પરમાત્મા છે, પણ તેનું કેન્દ્ર આત્મા પોતે છે. તેથી મોક્ષમાર્ગની પ્રવૃત્તિનું બીજ જેટલું પરમાત્માના જ્ઞાનમાં રહેલું છે. તેના કરતા પણ વધુ આત્મા વિષેના જ્ઞાનમાં રહેલું છે. તેથી શ્રુતિમાં કહ્યું છે કે…
ન વા અરે પત્યુઃ કામાય પતિઃ પ્રિયો ભવતિ ।
આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતિ ।।
ન વા અરે જાયાયૈ કામાય જાયા પ્રિયા ભવતિ ।
આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતિ ।।
ન વા અરે પુત્રાણાં કામાય પુત્રાઃ પ્રિયા ભવન્તિ ।
આત્મનસ્તુ કામાય પુત્રાઃ પ્રિયાઃ ભવન્તિ ।।
ન વા અરે મિત્રસ્ય કામાય મિત્રં પ્રિયં ભવતિ ।
આત્મનસ્તુ કામાય મિત્રં પ્રિયં ભવતિ ।।
ન વા અરે બ્રહ્મણઃ કામાય બ્રહ્મ પ્રિયં ભવતિ ।
આત્મનસ્તુ કામાય બ્રહ્મ પ્રિયં ભવતિ ।।
તેથી શ્રુતિમાં બ્રહ્મનું જ્ઞાન એટલે કે પરમાત્માનું જ્ઞાન પણ આત્માની ઉન્નતિને અનુસંધાને જ ઉત્કૃષ્ટ છે. જો આત્મતત્ત્વ લુપ્ત થઈ જતું હોય પછી બ્રહ્મનું જ્ઞાન ગમે તેટલું સર્વોત્કૃષ્ટ હોય તો પણ એનો કોઈ અર્થ રહેતો નથી. વળી પરમાત્માના જ્ઞાનને જે ઉત્કૃષ્ટ કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે પરમાત્માનું જ્ઞાન આત્મજ્ઞાનનું પોષક બની શકે. પરમાત્માનું જ્ઞાન થાય તેા ગર્ભિત રીતે આત્મજ્ઞાન આપોઆપ સિદ્ધ થઈ જાય છે. તેથી પણ પરમાત્માના જ્ઞાનને શ્રેષ્ઠ કહયું છે. તેવું આત્મા વિષેના જ્ઞાનમાં બનતું નથી. છતાં આત્મા વિષેનું જ્ઞાન જો શુદ્ધ સંપ્રદાયે કરીને થયું હોય તો પરમાત્માના જ્ઞાનની ભૂખ વધારે છે, ગ્રાહકતા વધારે છે. જે પાત્રતા કેળવી આપે છે. આમ જ્ઞાનની બાબતમાં જે ગણીએ તે; પણ અજ્ઞાનની બાબતમાં વધારે અનર્થકારી આત્મા વિષેનુ અજ્ઞાન મહારાજે ગણાવ્યું છે એ નિશ્ચિત વાત છે. તેથી કહ્યું છે કે તે તે ઈન્દ્રિયોથી જગતના પદાર્થોને આ જીવ જાણે છે પણ પોતાના આત્માને વિષય કરીને કયારેય જ્ઞાન મેળવતો નથી. તેને અતિશય નકારો કહયો છે.
શુકમુનિએ આશંકા કરી કે પોતાના આત્માનું સ્વરૂપ જોવું તે જો પોતાના હાથમાં હોય તો જીવ અજ્ઞાની શા માટે રહે ? ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો કે જેને સત્સંગની પ્રાપ્તિ થઈ છે અને મહારાજ જેવા ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને આત્મદર્શી સંતોની પ્રાપ્તિ થઈ છે તેને પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. રૂપગ્રાહક ઈન્દ્રિય આંખ છે, રસંગરાહક જીભ, ગંધગ્રાહક નાસિકા, સ્પર્શગ્રાહક ત્વચા અને શબ્દગ્રાહક કર્ણેન્દ્રિય છે. તેમ આત્મા અને પરમાત્મા વિશેનો વિષય નક્કી કરનારી મન ઈન્દ્રિય છે. એટલે કે અંતઃકરણ છે. અંતઃકરણથી આત્મા અને પરમાત્માનું આલોચન કરવા લાગી જાય તો તેનું પણ સાક્ષાત્જ્ઞાન થાય છે. તેવું મહારાજે વચ.ગ.મ. ૩૧મા કહ્યું છે. આત્મા પરમાત્માનું જ્ઞાન, મનન કરવાથી અથવા મૃત્યુ પછી જેમ છે તેમ જણાઈ આવે છે. માટે તેમને સાક્ષાત્કાર કરવાની ઈન્દ્રિય, મન અથવા અંતઃકરણ છે. જેટલી કસર રહે છે તે પોતાની આળસથી રહે છે અથવા યોગ્ય માર્ગદર્શનની ખામીથી રહે છે.